પાંચાળનું ભક્તમંડળ ભાગ 2, રતા ભગતના ખેતરમાંથી નીકળયા ચરુ, પણ તે લલચાયા નહિ

0
426

રતા ભગત :

એક અદ્ધર સમળી સમસમે

બેની મારો સંદેશો લઈ જા !

મારા દાદાની ડેલીએ જઈ કે’જે

તમારી દીકરીને પડિયાં દુઃખ !

દીકરી ! દુઃખ રે હોય તો વેઠીએ

દીકરી સુખ વેઠે છે સૌ !

દાદા ! ખેતર હોય તો ખેડીએ

ઓલ્યા ડુંગ૨ ખેડ્યા કેમ જાય !

દાદા ! કુવો રે હોય તો ત્રાગીએ

ઓલ્યા, સમદ૨ ત્રાગ્યા કેમ જાય!

દાદા ! ઢાંઢો રે હોય તો વેચીએ

ઓલ્યો પરણ્યો વેચ્યો કેમ જાય !

દાદા ! કાગળ હોય તો વાંચીએ

ઓલ્યા કરમ વાંચ્યાં કેમ જાય !

“એઆપા જાદરા ! અમે તારી ગા’ કહેવાઈએ. ભલો થઈને મારી ઘોડી પાછી દઈ દે. હું તારાં પગું માં પડું છું.”

“ભણેં બાવાજી ! તું ઠાલો મફતનો રગરગ મા, ને ઘોડી તુંહે નૈં મળે. તાળે ભેખધારીને વળી રાંગમાં ઘોડું કેવાનું ?”

“અરે આપા, બીજું કાંઇ નહિ, પણ મેં ને મારા છોકરાંએ પોંચા કરડાવીને ઘોડીને ઉઝેરી છે. એ બાપ, હથેળીમાં પાણી લઈ મોટી કરી છે. અને હવે હું માગણી લેવા શી રીતે જઈશ ? મારાં બચળાં ખાશે શું ? ”

“હવે ડખ ડખ કરતો ભાગ્યને આસેથી, ગોલકીના ! ભાગુ જા, નીકર પરોણો ખાઇશ.”

પાંચાળમાં થાન નામે ગામ છે. એ ગામમાં રતાનો જમાઈ જાદરો કાઠી રહે છે. આખા ગામને થરથરાવનાર એ જાદરો આજે એક ગરીબ બાવાની સુંદર ઘોડી ચોરી લાવ્યો છે અને અત્યારે બાવાજીની તથા જાદરાની વચ્ચે એ વાતની રકઝક ચાલે છે. પહેલેથી જ કમાડની આડશે ઉભી ઉભી આપા જાદરાની ઘરવાળી માંકબાઇ, રોટલા કરતી કરતી, એઠે હાથે આવીને આ વડચડ સાંભળતી હતી. પોતાનો ઘાતકી ધણી એ બાવાને સંતાપી રહ્યો છે એ દેખીને માંકબાઇનું અંતર કોચવાતું હતું. એમાં પણ જ્યારે જાદરાએ પરોણો ઉપાડીને બાવાને ઉલટો માર મારવાની તૈયારી કરી, ત્યારે તો કાઠીઆણી કંકુનાં ​પગલાં દેતી ઓસરીમાં ઉતરી અને અંતર પીગાળી નાખે એવા મીઠા સૂરે બોલી કે,

“એ કાઠી ! ગરીબની આંતરડી કળકળાવ્ય મા; આમાં આપણી સારાવાટ નથી, અને એય ભુંડા ! ડાકણ પણ એક ઘર તજે છે હો !”

“ઇં છે ભણેં ભગતડી ? તું ભણેં નાને મોઢે મોટી મોટી વાતું કરવા આવતી સો ? ઉભી રે’જે સાધુડી ! ” કહીને જાદરો દોડ્યો. ફડાક, ફડાક, ફડાક, એમ ત્રણ ૫રોણાના ઘા પોતાની જુવાન કાઠીઆણીના ફુલ સરીખા સુંવાળા બરડા પર ખેંચી કાઢ્યા.

“બાઇ, બોન, બાપા તું શીદને મારી સિફારસ કરવા આવી ? અરેરે, બાપડી કળોયણને કોચવનાર કયે ભવ છૂટશે ?” એમ કહીને નિઃશ્વાસ નાખતો બાવો ચાલ્યો ગયો.

બીજે જ દિવસે જાદરાના ચાર બળદમાંથી એક બળદને સર્પ ફટકાવ્યો. અને બળદના પ્રાણ નીકળી ગયા. માંકબાઇને હજુ તો આગલી જ સાંજે પરોણાની પ્રાછટો પડી છે, છતાં યે એ સતી નારીએ આવીને મીઠે કંઠે પતિને કહ્યું કે

“ લે કાઠી ! કાઢ્ય કમાણી ! કાલ્ય ઓલ્યો બાવો આપણે આંગણેથી ફળીફળીને ગ્યો’તો, એનાં ફળ આપણને મળ્યાં. આપણો લાખેણો ઢાંઢો ફાટી પડ્યો. ગરીબની ધા લેવી સારી નથી કાઠી ! વિચાર વિચાર.”

જાદરાને તો એક જ વિચાર કરતાં આવડતું હતું. ફરી વાર એણે પરોણા મારીને પોતાની સ્ત્રીનું શરીર સોઝાવી નાખ્યું. માર મારીને પછી કહ્યું કે “જા ભણેં મોટી સતી ! મોલડીએ જઉને તાળા ભગતડા બાપ પાસેથી એક ઢાંઢો લઉ આવ્યા. નીકર ભૂખેં મરૂ જાશ.” એક તો ધણીનો સંતાપ, એને માથે સાસુની કનડગતઃ ઘંટીનાં બે પડ વચ્ચે દાણો પીસાય તેમ માંકબાઇ દળાઈ રહી.છે: સાસુ નિત્ય ઉઠીને મેણાં મારે છે કે તારે બાપે કાંઇ કરીઆવર ન કર્યો !

ભગતડાની દીકરી પહેર્યે લૂગડે હાલી આવી ! ઘરાણું ગાંઠું હોય તો આ સંધીનું કાંધું તો ભરવા થાત ! ​વારે વારે આવા ધમરોળ મચે છે, પોતાના ધણીનું ચોરેલ ધન ઘરમાં આવવાથી વારે વારે ઘરમાં મોટી નુકશાનીઓ લાગે છે, અને હરવખત માંકબાઇ પોતાને પીયર મોલડી જઇને પોતાના પિતા રતા ભગત પાસેથી ખરચીનો જોગ કરી આવે છે. જ્યારે દીકરી રોતી રોતી જાય, ત્યારે ભક્તિના રંગમાં રંગાયેલ વૃદ્ધ બાપ, માળાના પારા પડતા મેલતો મેલતો શીખામણનાં ફક્ત આટલાં જ વેણ કહે છે કે “તું જાણ ને તારું તકદીર જાણે, બાઇ ! મેં તો તને ઠાવકાં વર ઘર જોઇને દીધી, પણ તારા લલાટે લખ્યાં કોણ ટાળી શકે ? ખરચી જોતી હોય તો લઇ જા.”

પણ આજ તો માંકબાઇ ગળોગળ આવી રહી હતી. શું કરવું તે સૂઝતુ નહોતું, મનમાં બહુ બુરા મનસૂબા ઉપડતા હતા. એવે પ્રભાતને ટાણે મોલડી ગામની રબારણો થાનમાં ઘી વેચવા ઘીની તાવણો લઇ લઇને આવેલી, તે બધી જાદરાને ફળીએ બેનના ખબર કાઢવા આવી કે,

“ માંકબાઈ બે…નો ! ભગતને અને આઇને કાંઇ સમાચાર દેવા છે ? ”

પોતાના પીયરની પાંચ રબારણોને આટલા હેતથી સમાચાર લેવા આવેલી દેખીને માંકબાઇને સાક્ષાત માવતર જ મળવા આવ્યાં હોય એવી લાગણી થઇ ગઇ ને એની છાતી ભરાઇ આવી. એણે કહ્યું કે “ઉભાં રો, હું તમારી સાથે જ આવું છું.”

ઓરડામાં જઇ પોતાની સાસુને કહ્યું કે “ફુઇ ! હું મારે માવતરે જાઉ છું.”

“કાં ! એમ જાદરાની રજા વિના જવાય ?

“હવે તો રજા નથી લેવી ફુઈ !”

“અરે નવાબજાદી ! ઓલ્યો જમદૂત જેવો હમણાં આવ્યા ભેળો જ તારી વાંસે પડશે અને તારે માથે કેર વર્તાવશે, માટે તું જાવું રેવા દે.” ​“ના ફુઇ, હવે તો જે કરે તે કરવા દેજો, હું હવે નથી આંહી રે’વાની.”

એટલું કહી પોતાની બચકી માથા પર મૂકી, રબારણ બહેનોની સાથે માંકબાઇ મોલડીને માર્ગે પડી. રસ્તામાં એને ઝંપ નથી. પેટમાં ફડકો બહુ જ છે. ઘડીયે ઘડીયે પાછળ જોતી જાય છે.

આ તરફથી જાદરો સીમમાં આંટો દઇ ભૂખ્યો તરસ્યો ફળીએ આવ્યો, ને આવતાંની વાર જ હાકલ દીધી કે “થાળી લાવ મારે માટે.”

અંદરથી માએ ઉત્તર દીધો કે “માડી, થોડીકવાર થોભ્ય.”

“કાં ?”

“માંકબાઇ મોલડી ગઇ છે, ને હું હમણાં રોટલા ટીપી દઉં છું.”

“મેલડી ગઇ ! કે’ની રજા લઇને ?”

“મારી.”

“મને પૂછ્યા વગર ? આજ કાં તો એના ક ટકા કરૂં, ને કાં ચોટલે ઝાલીને કેડેથી આંહી ફળીઆ સુધી ઢસરડી લાવું છું.”

એટલું બોલીને કોપાયમાન જાદરાએ બગલમાં તર વાર લઇ ઘોડી ઉપર રાંગ વાળી. ભાગે તો આંબવા ન દે, ને ભાગતાને બે ભરવા ન દે, એવી તો એની ઘોડી હતી. સીમાડે પહોંચે છે ત્યાં જ એણે રબારણોના ઘેરામાં ચાલી જતી પોતાની ગભરૂ સ્ત્રીને દેખી. “ ઉભી રેજે રાન ડ !” એવી ચીસ પાડીને જાદરાએ ઘોડી દોટાવી. બીજી બાજુથી હંસલી જેવી કુમળી કાઠીઆણી પોતાનો જીવ લઇને નાઠી.

આખી સીમનાં માણસોમાંથી જુવાનો ચસ્કા કરતા જાદરાને વારવા દોડ્યા, ને ડોસાઓ ફાળભર્યા જોઇ રહ્યા. પરંતુ સીમના લોકોએ એક કૌતૂક જોયું ! જાદરાની ને બાઇની વચ્ચે અંતર ભાંગતું જ નથી. સહુ વાતો કરવા લાગ્યા કે “આ તે શી લીલા ! આ દોડતાં હરણાંને પણ ઝપટમાં ​લઇ લેનાર જાદરાની ઘોડી આજ એક ગભરૂડી અબળાને પણ કેમ આંબતી નથી ?”

બીજાએ કહ્યું કે “ભાઇ, એ દીકરી કોની ! રતીઅલ નાથની ! ગેબી બાવાનો ચેલો આપો રતો !”

ત્રીજો બોલ્યો કે “અરે ભાઇ, વાતું થાય છે કે ગેબી બાવાના માંયરામાં ચાર જણ ભેળા થઇને ચોપાટે રમે છે ? એક સૂરજ, બીજા વાસંગી, ત્રીજા ગેબી બાવો ને ચોથા આપો રતો. ચારે જણાને આંતરે ગાંઠ્યું પડી ગઇ છે. ઇ કાંઇ જેવી તેવી ભાઇબંધાઇ ન કહેવાય.”

“પણ ત્યારે પ્રથમ આપા રતાને ગેબી બાવા સાથે ભેટો ક્યાંથી થયો ?” અજાણ્યા ખેડુતે ભુંગળી પીતાં પીતાં પૂછ્યું.

“એવું બન્યું કે દરરોજ સવારે આપા રતાની વાડીની વાડ્યે એક રામ-ચાળી ચરવા આવતી, ને સાંજે ચરીને પાછી ચાલી જતી. ક્યાં જાતી એ કોઇ ન જાણે. ભગતે એકવાર નિરખીને જોયું કે આ ચાળી ગામ ભણી જવાને બદલે ડુંગરા ઢાળી કાં હાલી ? આપો હાલ્યા વાંસે વાંસે. દિ’ આથમ્યો ત્યારે ડુંગરાની ઉંડી ઉંડી ગાળીમાં એક ભોયરૂં આવ્યું ને ચાળીએ બેં ! બેં ! એવા બેંકારા નાખ્યા. કહે છે કે એ વખતે કોઇ હજારૂં વરસના જૂના વડલા જેવા જટાધારી જોગંદર ગુફામાંથી બહાર નીકળ્યા. નીકળીને ચાળીને માથે હાથ ફેરવી પૂછ્યું “ક્યું ? આઇ, બચ્ચા ?” ત્યાં મહારાજની નજર આપા રતા માથે પડી. આપે પૂછ્યું :

“આ ચાળી તમારી છે મહારાજ ?”

“હાં બચ્યા, રામજીકી હે, ક્યું ? તેરા કુછ બીગાડ કીયા ?”

“ના બાપુ, બગાડ તો કાંઇ કરતી નથી, પણ મેં જાણ્યું કે રેઢી રઝળે છે તે ક્યાંક જાનવર વીંખી નાખશે. એટલે આજ મૂકવા આવ્યો.”

“રામજીકી બકરી કો જાનવર નહિ છુએગા બચ્ચા ! ફિકર મત કરે. આવ ગુફામેં !” ​”જોગી આપાને અંદર તેડી ગયા, ચાળીનો એક આંચળ દોહીને એ દૂધનો દૂધપાક કર્યો, અને પછી આપાને દૂધપાક, ખાખરાના પાનના દડીયામાં દઇને ખવરાવ્યો. ખાતાંની વાર તો આપાને ત્રણે ભવનની સૂઝવા મંડી. આ તે દિ’થી બેયને ભાઈબંધાઈ !”

“ઓહોહો ! એવા પુરૂષની દીકરી માથે આજ દખનાં ઝાડવાં ઉગ્યાં. આપો કેમ કાંઇ ટાળતા નથી ?”

“આપો પોતાની સિદ્ધાઇને સવારથ સારૂ ન વાપરે ભાઇ, ન વાપરે.”

“અને આ માંકબાઇ કોનો અવતાર છે, ખબર છે !”

“ના ભાઇ, કોનો ?”

“એ માયાનો !”

“શી રીતે ?”

“ઇ તો આપો રતો એક દિ’ ખેતરમાં સાંતી હાંકવા ગયા’તા. જરાક સાંતી ચાલે ને કોશ જાણે જમીન હેઠળ કો’ક કડામાં ભરાઇ જાય: ડગલે ને પગલે કોશ ભરાય ! આપાને થયું કોત્યક ! એણે તે ધરતી ખોદીને જોયું તો માયાના ચરૂ ને ચરૂ ! માથે ધૂળ વાળી દૈને આપે હાકલ કરી.

“ભણે માતા લખમી ! તારો લલચાવ્યો હું નહિ લલચાઉં. હું રતો ! હું પરસેવો નીતારીને પેટ ભરનારો ! ભલી થઇને મારગ મેલી દે, ને તેમ છતાં જો તારે ઇરખા થાતી હોય તો પેટ પડીને સંતાપી લે માવડી !”

“એટલે માયા માંકબાઇ થઇને અવતરી છે !”

એવી વાતો કરતા કરતા ખેડુતો ખભે ખંપાળી ઉઠાવીને મોલડી ગામ તરફ ચાલ્યા ગયા.

હમણાં જાણે હૈયું ફાટી પડશે એવી, કોઇ ઘવાયેલી સસલીના જેવા શ્વાસ ભરતી દીકરીએ દોડી આવીને “મા ! મા ! ​શબ્દે ચીસો પાડી પોતાનો દેહ પોતાની માના ખોળામાં પડતો મેલી દીધો છે. માતા એના આખા શરીરે હાથ ફેરવી, હૈયા સરસી દબાવી લઇ, “માડી ! શું થયું ! શું થયું મારાં પેટ !” એવે શબ્દે દીકરીને શાંત પાડે છે. આખા ગામમાં કળેળાટ બોલી રહ્યો છે, માણસોનાં ટોળાં ઉમટ્યાં છે, છતાં પણ ચોપાટમાં બેઠેલા આપા રતા ભગતના હાથમાં જે માળા ફરે છે, તે તો ફરતી જ રહી છે. એનું અંતર આ દુઃખના દેખાવથી જરાયે ચળતું નથી. એના મુખ ઉપરની એક રેખા પણ બદલતી નથી. આવું જડ હૃદય જોઇને કાઠીઆણીએ બૂમ પાડી કે

“અરે ભગત ! હવે તો ભગતીની અવધિ થઇ ગઇ. આમ તો જોવો, આ બાળકીને આખે ડીલે સોટા ઉપડી આવ્યા છે !”

માળાના પારા પડતા મેલતા મેલતા પતિદેવ બોલ્યા કે “ભણે, કાઠીઆણી ! એમ દીકરી આંસુડાં પાડતી પાડતી સાસરીયેથી નત્ય ઉઠુને પીયરમાં ભાગુ આવે, એને મન મ્હોં નો દઇએં, બાકી તો કાણો કરવો ? જેવાં આપણાં ભાગ્ય ! ને જેવા દીકરીનાં લખત !”

ત્યાં તો પિશાચ જાદરો આવી પહોંચ્યો. આખે શરીરે પરસેવો નીતરી રહ્યો છે, ને આંખ માંલો હીટપકે છે. શ્વાસે લેવાઈ ગયો છે. ગામને ઝાંપેથી એને માથે પીટ પડતી આવે છે. ઘોડી દોટાવી દોટાવીને થાકી ગયો છે તો પણ બાયડીને આંબી નથી શક્યો, એ વાતની મર્મ-વેદના પણ એને વીંધી રહી છે. ભગતની ડેલીમાં પગ મૂકતાં જ એ પાપી પણ અદબથી ચુપ થઇ ગયો. અને એનાં પગલાં સાંભળતાં જ દીકરી, કોઇ શિકારીના હાથનું સસલું લપાય તેમ માતાની ગોદમાં લપાઇ ગઇ. જાદરો પોતાનો કાપ મનમાં શમાવીને આપા રતા પાસે જઇ બેઠો.

“આવ્ય. બાપ જાદરા ! આવ્ય. બેસ ભાઇ.” એવા મીઠા શબ્દો કહીને ભગતે ભાણેજને પોતાની બાજુમાં બેસાડ્યો. છાશ પીવા ટાણે બન્ને જણા એક ભાણે જમવા બેઠા, રાતે ​વાળુ પણ બન્નેએ સાથે બેસીને કરી લીધું. પણ પોતાની દીકરી ઉપર જુલમ ગુજારવાની વાત ભગતે જરાયે છેડી જ નહીં. જાદરાને પણ લાગ્યું કે મામો કેટલા બધા સાગરપેટા છે !

વાળુ કરીને આપા રતાએ દીકરીને કહ્યું “ ભણેં ગીગી, બાપ મુંહે બે ગાભા ગોદડાંનાં દઉ દે. એટલે હું તલને ખેતરે વાસુ વયો જાઉં.”

ભાદરવો ઉતરીને આસો બેસતો હતો. આપા રતાના ખેતરમાં ઉંટ ઓરાઈ જાય એવડા તલ ઉભા હતા. અને એ તલનું રખોપું કરવા ભગત પોતે જ રાતવાસો જંગલમાં રહેતા હતા.

“અને ભણેં, કાઠીઆણી, જાદરાને અાસેં જ પથારી કરૂ દેજે હો ! ”

“ના મામા, માળે તો તમાળી હારે આવવો સે.”

“બહુ સારો. લાવ્ય બાપ ! બે બીજા ગોદડાં.”

એમ બબે ગોદડાં ખભે નાખીને અંધારી રાતે મામો, ભાણેજ ખેતરે ચાલ્યા. જઈને ભગતે તો આજુબાજુથી લાકડાં લઈને દેવતા સળગાવ્યો. અને પોતે તાપવા લાગ્યા.

ભણેં જાદરા, તું તારે આડે પડખે થઉ જા. મુંહે તો નીંદર નસે આવતી. મું તો બીઠો બીઠો પરભુની માળા કરીશ.”

“પ્રભુ” એવા શબ્દ સાંભળતાની વાર જ દાંત ભીંસવા લાગનાર જાદરો ગોદડાં પાથરીને માટીમાં લાંબુ ડીલ કરી સૂવા લાગ્યો. થોડી વારમાં તો એને ઘસઘસાટ ઉંઘ જામી ગઈ.

બાવળના વેરામાંથી અગ્નિની ગુલાબી ઝાળો નીકળે છે, અને આજુબાજુના આધેરા ડુંગરા ભગતના અબાલ ભેરૂબંધો જેવા ઝળહળી ઉઠે છે. અલખ ધુણીની આસપાસ વીંટળાઈને જુગજુગના જુના તપેશ્વરીઓનું ટોળું તાપવા બેઠું હોય એમ પાંચાળના ડુંગરા યોગાસન વાળીને ચારે ફરતા બેસી ગયા છે.

આસમાનમાં નવ લાખ ચાંદરડાં પણ આપા રતાની ધુણીની જ્યોતનાં દર્શન કરતાં જાણે ઉભાં છે. આટલા બધા તારલા ​આટલા બધા ડુંગરાઃ આટલાં બધાં નાનાં મોટાં ઝાડવાંઃ આસો મહિનાની અંધારી અધરાતે એક જ માનવીનાં ગણ્યાં ગણાય નહિ તેટલાં બધાં સંગાથી: પણ કોઈ કોઈને કાંઈ કહેતું નથી. સહુ સામસામાં મુંગી વાણીમાં ગેબી વાતચીતો કરી રહ્યાં છે. એમ થોડીક વાર વીતી. અધરાત ભાંગી, અને ભગતે જમણે પડખે ડુંગરા માથે નજર ઠેરવીને ચૌદ ભુવનને જાણે સંભળાવવું હોય એવો સાદ દીધો, અરે ભણેં મોતીરામ એ………..મોતીરામ !”

“ આં…હાં….ઉંહ ! ” એવો ઘોર અવાજ, પહાડોના પત્થરે પત્થરને ધણેણાવી નાખતો ભગતની હાકલના જવાબ તરીકે સંભળાયો. જાણે કે દૂર દૂર બાવળનાં ઝાળાંમાંથી કોઈક આળસ મરડીને ઉઠ્યું હોય એવું લાગ્યું. ભગતે ફરીવાર સાદ દીધો,

“અરે મોતીરામ ! ભણેં તાપવા હાલો તાપવા ! મઉ થાવ મા, નીકર સવારે ઠરૂને ઠીકરૂં થઈ રે’શો. હાલો, હાલો, ધુણીએ બેસુને બેય જણા વાતુંના ચુંગલા કરીએ, હાલો, આમ એકલાં બેઠે કાંઈ રાત નીકળશે ?”

ભગતનાં વચનો જાણે પોતે સમજ્યો હોય તેમ એક સાવઝ સામા ડુંગરની ઝાડીમાંથી નીચે ઉતર્યો. કેવું એનું રૂપ ! ગોળા જેવડું માથુ : પોણા પોણા હાથની ભૂહરી લટોઃ ગેંડાની ઢાલ જેવડી છાતી: કોળીમાં આવે એવી કમ્મર: થાળી થાળી જેવડા પંજા: એવો સાડા અગીઆર હાથ લાંબો કેસરી ઉતર્યો. માર્ગે દોઢેક વાંભના પૂછડાંનો ઝુંડો કરીને ફંગોળતો આવે છે. પોણા પોણા ગાઉ ઉપરથી વીસેક ભેંસોની છાયા ફરતી હોય એવા અવાજે એની છાતી વાગતી આવે છે.

ગળું ઘુમવટા ખાતું આવે છે. બે મશાલો બળતી હોય એવી બેય આંખો અંધારામાં ટમકારા કરતી આવે છે. મોઢા આગળ પોણા પોણા શેરના પત્થરોની ચણેણાટી બોલતી આવે છે: અને આં….હું ! આં….હુ ! એવી લા નાખીને ભગતથી આઘે ઉભાં ઉભાં જે ​ઘડીએ એણે પગની ખડતાલ મારી તે વખતે એક ગાડા જેટલી ધુળ નાડા વા નાડા વામાં ઉડી પડી.

“આવો ! આવો મોતીરામ ! આવો બાપા !” એમ ભગત પંપાળવા મંડ્યા, અને સાવઝ નાના ગલુડીયાની માફક ભગતના પગમાં આળોટતો આળોટતો હાથપગ ચાટવા મંડ્યો. ભગતે એ પશુના પગ ઝાલીને દાબતાં દાબતાં પૂછવા માંડ્યું કે “કાં બાપ ! નરસંગ ! ક્યાંય કાંટો બાટો તો નસેં લાગો ને ?”
ભગતના પગ ચાટીને અને ભગતને ખંભે પોતાનું માથું મેલીને સાવઝ પોતાનો થાપો ઉંચો કરે છે. ભગત નાનો ચીપીયો લઈને એક આંગળી જેવડો લાંબો શુળો સિંહના પંજામાંથી ખેંચી કાઢે છે. સાવઝ એ કાંટો કાઢનારા હાથને અનોધા હેતથી ચાટવા મંડી પડે છે.

“હા, અને ભણેં મોતીરામ ! આજ ગંગારામ કીસે ગો ?” બીજી બાજુની ઝાડી સામે મ્હોં માંડીને સિંહ સમજાવે છે કે પોતાનો સાથી એ તરફની ગુફામાં બેઠો છે.
“ઇસે બેઠો છે ? ઠીક !” એમ કહીને ભગતે સાદ દીધો “ ભણેં ગંગારામ ! એ…ગંગારામ !”

અવાજ આવ્યો: આં…ઉંહ…આં !

“એ હાલો હાલો, મોતીરામ આદા સે. હાલો ધુણી ધખુ ગઈ છે. હાલો માળા જોંગધર, ઝટ હાલો ! નીકર ટાઢ્યના ઠરૂ રે’શો. ”

પૂછડું માથે લઈને બીજો સિંહ ઉતર્યો. ડુંગરાના પાયા જાણે હમણાં હલમલી હાલશે એવી ત્રાડ દેતો આવ્યો. અને બન્ને સિંહો ભગતના પગ પાસે ગલુડીયાં આળોટે તે રીતે આળેાટવા લાગી ગયા. જાણે પશુડાં સમજતાં હોય ને એ રીતે ભગત વાતોએ ચડ્યા. ધુણીની આસપાસ ત્રણે તપસ્વીઓનું જાણે મંડળ બંધાઈ ગયું. ભગત જીભથી બોલે છે, અને ​સાવઝોની તો આંખો જ કોઈ અગમ નિગમનાં વેણ ઉચારી રહી છે. અનહદના દરવાજા ઉધડી ગયા લાગે છે.

વાતોમાં ને વાતોમાં એક પહોર વીતી ગયો. ત્રીજે પહોરે આભના તારલા જેમ તેજસ્વી બન્યા, બબે ગાઉ આઘેનાં નેહડાં પાસે કાઈ પહર ચારવા નીકળેલા રબારીએાની, ચડતા ઉતરતા સુરની મીઠી સરજુઓ સંભળાવા લાગી, વાડીએ વાડીએ અને ખેતરે ખેતરે તાપણાં બળતાં હતાં તે જેમ એાલવાતાં ઓલવાતાં અણસરખી જ્વાળાઓ કાઢવા લાગ્યાં, ત્યારે બન્ને સાવઝોનાં શરીર સંકોડાવા મંડ્યા. અને બન્ને એક બીજા સામે જોવા લાગ્યા. ભગત સમજી ગયા.

“કાં બાપ ! ટાણો થઉ ગો ? ભલે, જાવ. ભૂખ્યા થીયા હશો. એટલે જાવ ચારો કરવા પણ જો જો હો બાપ ! ગવતરીને મારીએ નહિ. ગવતરી તો મા ભણાય. અને તમે તો નરસંગ છો. ખાધાની બીજી જણશું ક્યાં ઓછી છે ? જાવ, પાછા કાલ્ય તાપવા આવજો હોં !”

આળસ મરડીને બેય સિંહ ઉભા થયા. બેય જણાએ ભગતને ખંભે પોતાની ગરદનો ચાંપી. અને ભગતના પગ ચાટીને બન્ને ચાલી નીકળ્યા. અંધારી અટવી આં…ઉંહ ! આં…ઉંહ ! એવા અવાજે કાંપી ઉઠી. ધીરે ધીરે સિંહના શોર શમી ગયા. આખરે ઉગમણી દિશા કંકુવરણી થવા લાગી, પંખીના માળા જાણે ઝાડવે ઝાડવે લટકતાં કોઈ ઈશ્વરી વાજીંત્રો હોય તેમ જૂજવે સૂરે ગુંજી ઉઠ્યા.

જાદરો ઉઠ્યો. પોષ મહિનાની કડકડતી ઠંડીમાં કૂતરાં જેમ પોતાના ચારે પગ, પૂંછડી અને મોઢું પેટાળમાં ગોઠવીને થીજી ગયાં હોય તેમ જાદરો પણ ટુટીઆં વાળીને આખી રાત કૂતરા-કુંડળ થઈ ગયો હતો. એ જમઝાળ લૂ તારાએ અધરાતે બે વિકરાલ સિંહોને પોતાના સસરાના પગમાં લોટતા દીઠા હતા. એના રોમે રોમમાંથી પરસેવાનાં પાણી નીતરી ગયાં. એની કાયા થર! થર ! કાંપતી હતી, નજરોનજર એણે ​આજ પોતાની સતી સ્ત્રીના બાપની ગુપ્ત સિદ્ધિ જોઈ લીધી. ઉઠીને, કાંઈ બોલ્યા ચાલ્યા વગર, જાદરો પ્રભાતે ભગતના પગમાં જેમ લાકડી પડે તેમ આખો ને આખો પડી ગયો. ભગત પણ કાંઈ બોલ્યા નહિ. જાણે કાંઈ જાણતા જ નથી.

ખભે ગોદડાના ગાભા નાખીને મામો ભાણેજ ગામમાં જવા ચાલી નીકળ્યા.

વધુ આવતા અંકે.

– ઝવેરચંદ મેઘાણી, સૌરાષ્ટ્રની રસધાર

સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)