પાંડવોના પૂર્વજો ભાગ 1 : જાણો એવી વાતો વિષે જેનાથી આજે પણ ઘણા બધા લોકો અજાણ છે.

0
915

હજારો વર્ષો પૂર્વે દ્વાપર યુગમાં, એક ધાર્મિક વિદ્વાન હતા જેમનું નામ બૃહસ્પતિ હતું. દેવોના રાજા ઇન્દ્રએ તેમને દેવોના ગુરુ તરીકે નિયુક્ત કર્યા હતા.

બૃહસ્પતિને તારા નામે એક પત્ની હતી. બૃહસ્પતિને આપણે ગુરુ ગ્રહ તરીકે પણ ઓળખીએ છીએ.

પ્રાચીન ભારતમાં કર્મકાંડોમાં સ્ત્રીનું સ્થાન પુરુષ જેટલું જ અગત્યનું હતું. આ ગોઠવણ કે જેમાં એક પુરુષ તેની પત્ની વિના કર્મકાંડ ના કરી શકે, તેણે ધ્યાન રાખ્યું કે બાહ્ય પરિસ્થિતિઓ કઠિન હોય તો પણ મહિલાઓને સમાન દરજ્જો મળી રહે. એક પુરુષ તેની પત્ની વિના આશીર્વાદ મેળવી શકતો નહીં. એક પુરુષ તેની પત્ની વિના સ્વર્ગમાં જઈ શકતો નહીં અને એક પુરુષ તેની પત્ની વિના મુક્તિ પામી શકતો નહીં.

આમ બૃહસ્પતિના સમયમાં સામાજીક ધોરણો અથવા તો જેને “ધર્મ” કહેવતો તેને કારણે એક સ્ત્રીનો દુરુપયોગ, શો **ષ ણકે તેની ઉપેક્ષા થઈ શકતી નહીં કારણ કે, એક સ્ત્રી તે પુરુષના જીવનનો એક ખૂબ જ અગત્યનો ભાગ હતી. બધા જ કર્મકાંડો એવી રીતે સ્થાપિત કરવામાં આવ્યા હતા કે કોઈ પણ રીતે સમાજ સ્ત્રીઓની ઉપેક્ષા કરી શકતો નહીં.

બૃહસ્પતિ દેવરાજ ઇન્દ્રના મુખ્ય ધાર્મિક પૂજારી હોવા છતાં, તેઓ જે કઈ કરતાં તેના માટે તેમને તારાની જરૂર રહેતી. તેઓએ તારાને રાખી હતી કારણ કે, એનાં વગર તેઓ તેમનો આજીવિકા ગુમાવી બેસે પણ તેઓ પોતે તો અન્ય સ્ત્રીઓ સાથે પ્રેમચેષ્ટા કર્યા કરતાં. એનું પરિણામ એ આવ્યું કે એક દિવસ તારાએ પૂનમના ચંદ્ર તરફ જોયું અને તે પણ ચંદ્રદેવ સાથે પ્રેમમાં પડી. ચંદ્રદેવ પોતે પૃથ્વી પર આવ્યા. તેઓ એકબીજા સાથે ઊંડા પ્રેમસંબંધમાં પડ્યાં, અને થોડા સમય પછી, તે તેમની સાથે નાસી ગઈ.

બૃહસ્પતિ અત્યંત ક્રોધિત થયાં કારણ કે, તેમણે માત્ર પત્ની જ નહોતી ગુમાવી, તેમણે તેમનો રોજગાર, સમાજમાં પ્રતિષ્ઠા અને સ્થાન પણ ગુમાવ્યાં હતાં. તેમ જ હવે તેઓ દેવલોકમાં પ્રવેશ કરી શકે તેમ નહોતું.

તેઓએ ઇન્દ્રદેવને બોલાવ્યા અને કહ્યું, “મને મારી પત્ની પાછી જોઈએ છે. તમારે તેને મને પાછી અપાવવી જ પડશે. નહિતર, હું તમારી ધાર્મિક વિધિઓ નહીં કરી શકું.”

ઇન્દ્રએ હસ્તક્ષેપ કર્યો અને તારાને પાછી આવવા ફરજ પાડી. આ પહેલીવાર હતું જ્યારે કોઈ વ્યક્તિને ચોક્કસ કૌટુંબિક માળખાને વળગી રહેવા માટે ફરજ પાડવામાં આવી રહી હોય.

જ્યારે ઇન્દ્રએ કહ્યું કે, “તમારે પાછા આવવું જ પડશે,” ત્યારે તારાએ જવાબ આપ્યો, “ના, મારો પ્રેમ ત્યાં ઉપર છે.”

ત્યારે ઇન્દ્રએ કહ્યું, “તમારી ભાવનાઓનું કોઈ મહત્વ નથી. તમારો ધર્મ બૃહસ્પતિ સાથે રહેવાનો છે કારણ કે, જ્યાં સુધી તમે તેમની સાથે નહીં રહો, ત્યાં સુધી મારી ધાર્મિક વિધિઓ નહીં થઈ શકે.” આમ તેમને પતિ પાસે પાછી લાવવામાં આવી.

પણ ત્યારે તારા ગર્ભવતી હતી. બૃહસ્પતિને જાણવું હતું કે તે બાળક કોનું હતું. તારાએ જવાબ આપવાની ના પાડી. લોકો ભેગાં થયા. છતાં પણ તેણે બોલવાની ના પાડી.

પણ પછી, ગર્ભમાંથી અજાત બાળકે પ્રશ્ન પૂછ્યો,

“ખરેખર હું કોનું બાળક છું?”

આ બાળક કે જે હજુ ગર્ભમાં હતું, છતાં પણ તે કોના બીજથી બનેલું છે તે જાણવા માંગતું હતું અને તેની બુદ્ધિને બિરદાવતાં લોકોએ કહ્યું, “તમે તમારા પતિને કહેવાની ના પાડી શકો, તમે દેવોને કહેવાની ના પાડી શકો, પણ તમે તમારા અજાત બાળકને કહેવાની ના ન પાડી શકો.”

તારાએ કહ્યું, “તે ચંદ્રનું બાળક છે.”

પોતાની પત્ની કોઈ બીજા પુરુષના બાળકનું વહન કરી રહી છે તે જાણીને બૃહસ્પતિ અત્યંત ક્રોધિત થયાં. તેમણે બાળકને અભિશાપ આપતા કહ્યું, “તું હવે જીવનભર નપુંસક બનજે. ના પુરુષ, કે ના સ્ત્રી.”

બાળકનો જન્મ થયો. બુધ ગ્રહ પરથી તેનું નામ બુધ પાડવામાં આવ્યું. જેમ તે મોટો થયો તેમ તેણે તેની માતા આગળ વિલાપ કર્યો, “હું શું કરું? શું મારે પુરુષ તરીકે જીવવું જોઈએ? શું મારે સ્ત્રી તરીકે જીવવું જોઈએ? મારો ધર્મ શું છે? શું મારે સન્યાસી બની જવું જોઈએ? શું મારે લગ્ન કરવા જોઈએ? શું મારે પુરુષ સાથે લગ્ન કરવા જોઇએ? અથવા શું મારે સ્ત્રી સાથે લગ્ન કરવા જોઇએ?”

તારાએ કહ્યું, “બ્રહ્માંડ પાસે આ બધા અબજો તારાઓ, બીજી ઘણી બધી વસ્તુઓ અને વિવિધ પ્રાણીઓ કે જેઓ નથી પુરુષ, નથી સ્ત્રી; નથી દેવ, નથી દાનવ તેમના બધા માટે જગ્યા છે. જ્યારે બ્રહ્માંડ પાસે તે બધા માટે જગ્યા છે, તો તારે ચિંતા કરવાની કશી જરૂર નથી. તારા માટે પણ જગ્યા હશે જ. તારા માટે પણ એક જીવન હશે જ. તું ફક્ત તું જ રહે. જીવન તારા રસ્તે આપોઆપ આવશે.”

એક દિવસ સુદ્યુમ્ન નામના એક રાજા શિ કાર કરવા જંગલમાં ગયા, એ જંગલમાં શિવ અને પાર્વતી વિહાર કરી રહ્યા હતાં. પાર્વતીએ જંગલના પ્રાણીઓને જોઇને પ્રેમમય થઈ શિવને કહ્યું, “મારો તમારા પ્રત્યેનો પ્રેમ એવો છે કે મને એમ થાય છે કે, આ નર હાથીઓ, ઘટાદાર કેશવાળા સિંહો, સુંદર કલગીવાળા મોર, એ બધાં તમારા માટે એક અપમાન છે. મારી ઈચ્છા છે કે તમે આ જંગલને એ રીતે બનાવો કે તેમાં તમારા સિવાય અહીં અન્ય કોઈ પુરુષ ન હોય.”

શિવ પણ ત્યારે હળવા મિજાજમાં હતાં. તેમણે કહ્યું, “ઠીક છે. આ જંગલમાં જેટલાં જીવ હોય એ બધાં જ જીવો નારી જાતિમાં ફેરવાઇ જાઓ.” એટલે સિંહો સિંહણ બની ગયા, નર હાથીઓ માદા હાથીઓ બની ગયા, મોર ઢેલ બની ગયા અને રાજા સુદ્યુમ્ન એક સ્ત્રી બની ગયા. તેણે પોતાની જાતને જોઈ. પોતે એક બહાદુર રાજા, જે જંગલમાં શિ કાર કરવા આવ્યો હતો, તે અચાનક એક સ્ત્રી બની ગયો. તેણે રુદન કર્યું, “મારી સાથે આવું કોણે કર્યું? કયા યક્ષે, કયા દાનવે મને આવો અભિશાપ આપ્યો?”

વિષાદમય થઇને તેણે આસપાસ શોધખોળ કરી. પછી તેણે શિવ અને પાર્વતીને ક્રીડામય જોયા. તે શિવના પગે પડ્યો અને કહ્યું, “આ ઉચિત નથી. હું એક રાજા છું. હું એક પુરુષ છું. મારે એક કુટુંબ છે. હું માત્ર શિ કાર કરવા આવ્યો હતો અને તમે મને એક સ્ત્રીમાં ફેરવી નાખ્યો. હું આ રીતે પાછો કેવી રીતે જાઉં?”
શિવે કહ્યું, “મેં જે કર્યું છે તેને હું પાછું તો ન લઈ શકું, પણ હું તેને થોડું સુધારી શકું તેમ છું. આપણે તેને એ રીતે કરીએ કે જ્યારે ચંદ્રની કળા ઘટતી જશે, ત્યારે તમે સ્ત્રી હશો અને ચંદ્રની કળા વધતી જશે, ત્યારે તમે પુરુષ હશો.

પછી રાજા સુદ્યુમ્ને તેના મહેલ પર પાછા ફરવાનું નકાર્યું. તે ત્યાં જંગલમાં જ રહ્યો અને ઈલા નામથી ઓળખાયો, જે અર્ધો મહિનો પુરુષ અને અર્ધો મહિનો સ્ત્રી હતો.

એક દિવસ એવું બન્યું કે બુધ અને ઈલા મળ્યા, તો તે એક ઉત્તમ જોડું બન્યું. બંને સમાન માપથી સ્ત્રી અને પુરુષ હતા. તેઓને ઘણા બાળકો થયા. તે બાળકો પહેલા ચંદ્રવંશી બન્યા.

આ દેશમાં રાજાઓની પરંપરામાં સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓ છે, એટલે કે, સૂર્યનાં વંશજો અને ચંદ્રના વંશજો. તેઓ તદ્દન અલગ અલગ પ્રકારના લોકો છે. સૂર્યવંશીઓ વિજયી થનારા લોકો હોય છે, સ્પષ્ટ અભિપ્રાય રાખવાવાળા અને સ્પષ્ટ ગુણોવાળા લોકો હોય છે. સૌથી મહાન સૂર્યવંશીઓમાં મનુ પોતે હતાં. પછી ઈક્ષ્વાકુ આવ્યા. ત્યાર બાદ ઘણા હતાં; જેમ કે ભાગીરથ, દશરથ, અયોધ્યાનાં રામ અને હરિશ્ચંદ્ર.

જ્યારે ચંદ્રવંશીઓ દરરોજ અલગ હોય છે. તેઓ અત્યંત લાગણીશીલ અને કળાપ્રેમી હોય છે, તેમજ બિલકુલ વિશ્વાસપાત્ર નથી હોતા. કુરુઓ મોટે ભાગે ચંદ્રવંશી હતાં. આ તેમની ભાવનાત્મક ઉત્તેજના, કે જેને વશ થઈ તેઓ કાર્ય કરતાં, દર્શાવે છે.

બુધ અને ઈલાને એક પુત્ર હતો. એનું નામ હતું નહુશ, જે એક મહાન રાજા બન્યો. એકવાર તેને દેવલોકમાં ઈન્દ્રના મહેલમાં આમંત્રિત કરવામાં આવ્યો. તેનાં આવ્યા પછી ઈન્દ્રને અચાનક જ દાનવ સાથે યુ ધકરવા જવાનું થયું.

તેથી તેણે નહુશને કહ્યું, “મારા દેવલોકની થોડો સમય સંભાળ રાખજે. અહીં રહી આનંદપ્રમોદ કરજે અને મારા મહેલનું પ્રશાસન પણ સંભાળજે.”

પોતાને ઈન્દ્રની અવેજીમાં દેવલોકનું ધ્યાન રાખવાની મળેલી જવાબદારીથી નહુશ અહંકારી બન્યો. જે ક્ષણે ઈન્દ્ર ગયા, તે ઈન્દ્રની રાજગાદી પર બેસતો. અને ઈચ્છા હોય તે તમામ અપ્સરાને તે બોલાવી વિલાસમાં રાચતો.

હજુ તે ઓછું પડતું હોય તેમ તેની નજર ઈન્દ્રની પત્ની શચિ ઉપર પડી. તે તેની ઉપર ફરજ પાડવા માંડ્યો, “હવે હું રાજગાદી પર બેઠો છું. હું ઈન્દ્ર છું. તું મારી છે.”

શચિએ તેને ટાળવાનો ઘણો પ્રયાસ કર્યો, છતાં પણ તે તેની ઉપર બ ળ વાપરતો. શચિએ કહ્યું, “હા, હવે તમે ઈન્દ્ર છો. એક માત્ર વસ્તુ એ છે કે સપ્તઋષિઓએ તમને પાલખી પર બેસાડીને મારા સુધી લાવવા પડશે. પછી હું તમારી છું.”

નહુશે સપ્તઋષિઓને હુકમ કર્યો કે તેઓએ તેને પાલખી પર શચિના મહેલ સુધી લઈ જવો, જે તેમણે કર્યું.

તે અહંકારથી ગ્રસિત અને ખૂબ જ ઉતાવળમાં હતો. તેને લાગ્યું કે તેઓ ઝડપથી નથી ચાલી રહ્યા. તેથી તેણે અગસ્ત્ય મુનિ કે જેઓ પાલખીને જમણી બાજુએથી પકડી હતી તેમને માથામાં લા તમારી અને કહ્યું “ઝડપથી ચાલો.”

અગસ્ત્ય મુનિએ તેની તરફ જોયું અને કહ્યું, “સમગ્ર વસ્તુ તારા મગજમાં ભરાઇ ગઈ છે. તું એટલો નીચ થઈ ગયો છે કે તું ફક્ત દેવલોકમાં રહેવા માટે જ નહીં, પણ તું માણસ તો તરીકે રહેવા માટે પણ લાયક નથી. તો તું એક અજગર બનો.”

અને એ સાથે તરત જ, નહુશ એક અજગરના રૂપમાં ફેરવાઈને દેવલોકમાંથી નીચે પડ્યો. (ક્રમશ:)

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)