આના ભાગ 1 થી 9 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો
ભાગ 9 માં આપણે જાણ્યું કે, પોતાના પુત્રોના ગયા પછી સત્યવતી હસ્તિનાપુરનો વંશ વધારવા માટે ભીષ્મને સમજાવે છે. પણ તે ના પાડીને જતા રહે છે. આવો હવે આગળ શું થયું તે જાણીએ.
ઓરમાન પુત્ર ભીષ્મના વંશવારસ ઉત્પન્ન કરવા બાબતે અસહકાર બાદ રાજમાતા સત્યવતીની સમસ્યા યથાવત્ જ રહી.
આ પહેલાં તેનાં આ પુત્રની વર્તણુક, તેની નીતિ, તેનો કોઈ પણ આશય ક્યારેય શંકાસ્પદ કે ચર્ચાસ્પદ નહોતો. એ સદાય રાજ અને રાજપરિવારનું ઇષ્ટ જ ઇચ્છતો એવું સત્યવતી જાણતી હતી, તે છતાંય તેનાં આ એક ફરમાનનું અવમાન કરીને ભીષ્મે સત્યવતીની દૃષ્ટિમાં સંશય ઉત્પન્ન કરી નાખ્યો.
“શું પુત્ર ભીષ્મ એવું જ ઇચ્છતો હતો કે રાજગાદી વારસવિહોણી જ રહે, કે જેથી તેની સત્તા સદાકાળ અબાધિત અને સલામત રહે?
કદાચિત એમ હોય કે પિતૃ-સ્નેહમાં તણાઈને જ તેણે પેલી પ્રતિજ્ઞા કરી હોય..!
તેમ જ પિતાના ગયા પછી નાના ભાઈઓ પ્રત્યેના કર્તવ્યએ જ કદાચ તેને પરિવાર તરફ વફાદારી કરવા પ્રેર્યો હોઈ શકે..! અને હવે?
હવે એ બન્ને અનુજોના ગયા પછી વિધાતાએ તેનાં ગળામાં ફરી એકવાર જે આજીવન રાજસત્તાની માળા પહેરાવી છે, તે ઉતારી ફેંકવી તેનાં માટે કદાચ સહેલી ન હોય.
એવું ય બની તો શકે જ ને..!”
આટલું વિચારીને રાજમાતા સત્યવતી અટકી ગઈ. હવે વિચારોના ઘોડાઓ બીજી દિશામાં દોડવા લાગ્યા.
જો રાજ્યસત્તા હાથમાંથી સરકી જતી અટકાવવી હોય તો હવે ફક્ત ભીષ્મના ભરોસે ના બેસી શકાય. તેણે વારસ-ઉત્પત્તિ માટે મક્કમ ઇન્કાર કરીને ભલે પ્રકરણ બંધ કરવા ધાર્યું હોય, પણ આ પ્રકરણ બંધ તો ના જ કરાય.
તે વિચારવા લાગી; શક્યતાઓ શોધવા લાગી કે તેનાં આ ઓરમાન પુત્રના સ્થાને હવે કોણ તેની મદદ કરી શકે.
અને તેને યાદ આવ્યો તેનો પોતાનો જ સગો પુત્ર..!
હા, તેનો હજુ એક પુત્ર તો જીવિત જ હતો, કે જેને પોતે લગભગ વિસારી ચુકી હતી. તેના પતિ શાંતનુ સાથેના લગ્ન પૂર્વે જેનો જન્મ થયો હતો એ કૃષ્ણ-દ્વૈપાયન, જે હવે વેદ-વ્યાસ તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતો.
ઋષિ પરાશર થકી જન્મેલ આ અતિ જ્ઞાની અને પ્રતિભાશાળી પુત્ર જો હસ્તિનાપુરનો રાજવારસ આપવા રાજી થઈ જાય, તો તેનાં થકી જન્મનારા તેનાં પુત્રો પણ એવા જ પ્રભાવશાળી અને પરાક્રમી હોઈ શકે, જે હસ્તિનાપુરની રાજ્યસત્તા તો સાંભળી જ લેશે, ઉપરાંત તેને વિસ્તરીત પણ કરી શકવા માટે સક્ષમ હશે.
વળી વેદ-વ્યાસે જતાં વખતે વચન પણ આપ્યું હતું કે સ્મરણ કરતાવેંત જ તેઓ માતા સમક્ષ ઉપસ્થિત થઈ જશે.
સત્યવતીને આ બધી શક્યતાઓ પ્રબળ જણાતાં વિના વિલંબે તેણે વેદ-વ્યસનો સમ્પર્ક કરવાનો નિર્ણય કર્યો. તેણે પ્રથમ તો ભીષ્મને બોલાવી આ વિકલ્પ કહી સંભળાવ્યો. ભીષ્મએ આ બાબતે કોઈ આપત્તિ ન દર્શાવતા, રાજમાતાના આ નિર્ણયને યોગ્ય જ ગણ્યો.
પ્રતિજ્ઞા લેતાની પળે જ પોતાનાં જીવન સાથે એક કરુણા આજીવન સંકળાઈ ચુકી હતી એ વાત ભીષ્મ સારી પેઠે જાણતા હતા. એ પ્રતિજ્ઞાને કારણે રાજ્ય અને રાજપરિવાર તરફ તેમણે તો બસ, ફક્ત હિતકારી કર્તવ્યો જ બજાવવાના હતાં; બાકી સત્તામાં કોઈ જ પ્રકારનો હોદ્દો તેમને માટે આજીવન પ્રાપ્ય નહોતો જ, અને એટલે રાજનિર્ણય સામે પ્રશ્ન ઉઠાવવાનો હક્ક પણ તેમને ક્યારેય પ્રાપ્ત થવાનો જ નહોતો.
હસ્તિનાપુરના રાજા તરફથી જે પણ માન સન્માન અને સ્નેહ ભવિષ્યમાં પણ તેમને જે મળશે, તે ફક્ત તેમની ઉંમરને કારણે, કુરુ-પરિવારના એક વડીલ હોવાને કારણે જ હશે, બાકી કોઈ સત્તાધીશને મળતા આદરનો એક અંશ પણ એમાં મિશ્રિત નહીં હોય. તો હવે ભવિષ્યમાં કુરુ-રાજા જો કોઈ પણ અન્યાય કરે તો એ તરફ પણ પોતે છતી આંખે ફક્ત સાક્ષીભાવે જોયા જ કરવાનું હતું, એવી વરવી વાસ્તવિકતાઓ માટે ભીષ્મ તો લગભગ તૈયાર જ થઈ ચુક્યા હતા એટલે હસ્તિનાપુરનો ગાદીવારસ પ્રાપ્ત કરવા રાજમાતાએ જે રસ્તો સુચવ્યો, એમાં વગર દલીલે જ તેઓએ પોતાની સહમતી દર્શાવી.
“પ્રણામ માતાશ્રી,” – પોતાનું સ્મરણ થતાં જ વેદ-વ્યાસે ઉપસ્થિત થઈને માતાને પ્રણામ કર્યા- “મુજ યોગ્ય કોઈ સેવા હોય તો નિઃસંકોચ જણાવો.”
“યશસ્વી થાઓ પુત્ર..! અહીં રાજકીય અને પારિવારિક ક ટોકટી ઉત્પન્ન થઈ હોવાથી તમારી સહાયની આવશ્યકતા પડી છે.” -આશિર્વચન અને ઔપચારિક વાત બાદ સત્યવતીએ વ્યાસજીને હસ્તિનાપુરની સઘળી પરિસ્થિતિઓથી અવગત કર્યા.
“તો, હું ઈચ્છું છું પુત્ર, કે તમે તમારા અનુજની વિધવા સાથે નિયોગ વાટે એક પુત્ર ઉત્પન્ન કરો કે જે તમારા જેવો જ પ્રભાવશાળી અને ગુણવાન હોઈ શકે અને હસ્તિનાપુરની રાજ્યધૂરા પોતાનાં હાથમાં લઈ લે, ઉપરાંત થંભી ગયેલ કુરુવંશને અહીં જ અટકવા ના દે.”
“એક રાજમાતા હોવાની રુએ રાજ્ય-હિત તમારે હૈયે હોય એ સ્વાભાવિક જ ગણાય, માતા..! અને એક પુત્ર તરીકે એમાં સહકાર આપવો મારો પરમ ધર્મ છે. તો, મારો અં શ જે સ્ત્રીના ગ ર્ભમાં સ્થાપવો હશે, તેની સાથે સંપૂર્ણ એકાંત અને અંધકારભર્યા કક્ષની વ્યવસ્થા કરાવશો. યૌગિક બળ વડે, સ્ત્રીના સ તીત્વનો ભંગ કર્યા વિના આ નિ યોગ પ્રક્રિયા કરવા ધારું છું.
પણ પ્રક્રિયા લાંબી અને જટિલ હોઈ શકે તો સ્ત્રીએ બિલકુલ વિચલિત થયા વિના, સંપૂર્ણ સ્વસ્થ મન સાથે ધાર્મિક વિચારોમાં મગ્ન રહીને સહકાર આપવો અનિવાર્ય છે.”
“હું રોમાંચિત છું પુત્ર, કે તમે કુરુવંશ-વારસને પૃથ્વી પર લાવવા તૈયાર થયા છો. તમે કહી તેવી સઘળી વ્યવસ્થા શીઘ્ર થઈ જશે,” -રાજમાતા સત્યવતીએ ઉત્સાહપૂર્ણ સ્વરમાં કહ્યું.
સત્યવતી પછી મોટી પુત્રવધુ અંબિકા પાસે ગઈ અને વેદ-વ્યાસ દ્વારા પુત્ર-પ્રાપ્તિ કરવા તેને સમજાવી. નષ્ટ થઈ રહેલા કુરુવંશના પુનરોદ્ધારની જવાબદારી સ્વીકારી લેવા તેને વિનંતી પણ કરી. પુત્ર જન્મ બાદ સ્ત્રીને જીવનમાં એક ધ્યેય હાંસલ થાય છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ બને છે એ સઘળું સમજાવવાનો પ્રયાસ કર્યો. પિતૃ-ગૃહે વસીને સાવ ધ્યેયહીન જીવન વિતાવવા કરતાં એક પુત્રની માતા બની શ્વસુર-ગૃહે આદરણીય જીવન વધુ લાભકર્તા છે તેવો ભાવ અંબિકાના મનમાં ઉત્પન્ન કરવામાં અંતે તે સફળ થઈ.
શ્વસુરપક્ષના વડીલોની સલાહને માન આપી, તેમની ઈચ્છાનુસાર જ તેમને વંશવારસ આપી એક કર્તવ્ય પૂરું કરવાની, તેમ જ ભવિષ્યમાં ત્યાંની રાજમાતા બની શકવાની શક્યતાઓથી અંબિકા આખરે પ્રભાવિત થઈ, અને એ બાબતે પોતાની સંમતિ આપી.
અત્યંત સાદગીપૂર્ણ વસ્ત્રોમાં, કેશકલાપ કે શણગાર-અલંકાર ધારણ કર્યા વગર જ અંબિકાએ જ્યારે પ્રવેશ કર્યો, ત્યારે પૂર્ણ અંધકારમય એવા એ કક્ષની મધ્યમાં વ્યાસજી સમાધિમુદ્રામાં બિરાજેલ હતા, તેમનો દેહ કોઈ અલૌકિક તેજથી એટલો ઝળહળી રહ્યો હતો કે અંબિકાની આંખો અંજાઈ ગઈ અને એટલે તુરંત જ તેણે પોતાના નેત્રો વાસી દીધા.
“નેત્રો ખુલ્લા રાખશો દેવી, આપના સર્વે અંગોની તૈયારી હશે તો જ આપ યોગ્ય ગ ર્ભધારણ કરી શકશો.” -વ્યાસજીએ સૂચન કર્યું.
અંબિકાએ પાંપણો ઉંચકવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ વ્યાસજી શરીરની અણગમતી ગંધ, તેમની શ્યામ ત્વચા તથા દેહની કુરુપતાએ તેનું ચિત્ત વિચલિત કરી નાખ્યું એટલે પુનઃ તેનાં નેત્રો આપોઆપ ભીડાઈ ગયા.
નિયોગ બાદ, અંબિકા કક્ષની બહાર આવી પોતાનાં મહેલમાં ગઈ, એટલે અતિ ઉત્સુક એવી સત્યવતીએ વ્યાસજી સાથે તુરંત મુલાકાત યોજી અને પૂછ્યું- “પુત્ર, અંબિકાના ગર્ભથી ગુણવાન પુત્ર જન્મ લેશે ને?”
“જન્મનાર પુત્ર ગજરાજ સમાન બલિષ્ઠ, મહાપ્રતાપી અને ભાગ્યશાળી હશે. સો પુત્રનું પિતૃત્વ પ્રાપ્ત કરશે. પરંતુ તેની માતાના નેત્રો બ્રહ્મતેજ ઝીલવા માટે અસમર્થ હતા તેથી તેનો આ પુત્ર પણ તેજહીન નેત્રો સાથે જન્માંધ જન્મશે.”
આ સાંભળીને સત્યવતી વ્યથિત થઈ ઉઠી.
નેત્ર-પ્રભા વિનાનો રાજા હસ્તિનાપુરની ગાદી શોભાવી ન જ શકે; રાજ-કારોબાર સાંભળી ના જ શકે..!
“હે પુત્ર, તમારા આ તમામ પ્રયાસોની હું પ્રસંશા કરું છું. પરંતુ હસ્તિનાપુરનું ભાગ્ય એટલું નબળું તો ના જ હોઈ શકે કે તેને કોઈ અંધ રાજા મળે. તેનો અધિપતિ તો સર્વ પ્રકારે સંપન્ન પુરુષ જ હોવો અનિવાર્ય છે. શું મારી આ પ્રિય નગરીના હિત ખાતર આપ પુનઃ એક સંધિ ન આપી શકો?”
“અવશ્ય માતા..! આપની આ પુત્રવધૂના પ્રસવ બાદ આપ પુનઃ સ્મરણ કરી મને બોલાવજો એટલે ત્યારે આ બાબતે અંતિમ નિર્ણય લેશું.”
આટલું કહીને વ્યાસજી ત્યાંથી પ્રસ્થાન કરી ગયા.
સત્યવતીનું મન જાણતું હતું કે વ્યસજીની ભવિષ્યવાણી અચલ જ હશે, પરંતુ તે છતાંય મનમાં ઊંડે ઊંડે આશા હતી કે પૂર્વજોના કોઈ પુણ્ય-પ્રતાપે અંબિકા સર્વ પ્રકારે સ્વસ્થ પુત્રને જ જન્મ આપશે.
તેણે પ્રસવ-વેળાની આતુરતાપૂર્વક રાહ જોઈ. પ્રસવ થયો, પણ વ્યાસજીની વાણી સચોટ રહી. પુત્ર અંધ જ હતો, કે જેનું જીવન અને ભાવિ અંધકારમય હતું.
જો કે સત્યવતી સંપૂર્ણપણે આશાવાદી સ્ત્રી હતી. શિશુ અંધ હોવા છતાં તેણે તેનું નામ પડ્યું ધૃતરાષ્ટ્ર..!
એ નામનો અર્થ થાય, એ રાષ્ટ્ર, કે જે યોગ્ય શાસકને આધીન હોય.
અર્થાત, તેનો એ પૌત્ર યોગ્ય શાસક બની રાષ્ટ્રને પોતાને આધીન રાખી શકશે એવી આશા તેણે હજુ પણ મનમાં જીવિત જ રાખી હતી.
ખરેખર સત્યવતી સાચે જ નિયતિ સા મે લ ડીલે વાનું મક્કમ મનોબળ ધરાવનાર એક દીર્ઘદ્રષ્ટા નારી હતી.
(ક્રમશ:)
આના ભાગ 1 થી 9 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)