પાંડવોના પૂર્વજો ભાગ 11 : વાંચો રાજા પાંડુ અને વિદુરના જન્મની સ્ટોરી.

0
1312

આના ભાગ 1 થી 10 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો

ભાગ 10 માં આપણે જાણ્યું કે, કઈ રીતે વેદ વ્યાસ થકી ધૃતરાષ્ટ્રનો જન્મ થયો અને તેમના અંધ હોવાનું કારણ શું હતું. આવો હવે આગળ શું થયું તે જાણીએ.

રાજમાતા સત્યવતી નિયતિ સા મે લ ડીલેવા માટે કઠણ મનોબળ ધરાવનાર નારી હતી. પોતાના બબ્બે પુત્રોના જતા રહેવાનો આંચકો ઝીરવીને ય એ મક્કમ રહી. બેઉ પુત્રો અકાળે નિઃસંતાન દુનિયામાંથી વિદાય લઈને ગયા; વંશવેલો વધવો અટકી ગયો; રાજગાદી રાજાવિહોણી રાખવામાં શત્રુઓની દાનત બગડવાના એંધાણ હતા; બે વિધવા પુત્રવધુઓને સાસરે ટકી રહેવા કોઈ કારણ નહોતું દેખાતું, ત્યારે નિયોગ પ્રક્રિયા વડે તેમનો ખોળો ભરી આપવાનું હિંમતભર્યું પગલું સત્યવતીએ લીધું. પણ પ્રારબ્ધ રુ ઠયું તે રુ ઠયું. પૌત્ર જન્મ્યો એય જન્માંધ..!

સત્યવતીના પુત્ર અને વિદ્વાન-પુરુષ એવા વેદ-વ્યાસે આવું ભવિષ્ય આંકેલું ત્યારે, જો આવું થાય તો હજુ એક પૌત્ર માટેની નિયોગ-પ્રક્રિયા બાબતે તેણે પોતાના પુત્ર વ્યાસજી સાથે વાત કરી જ રાખી હતી.

નિયોગ વેળાએ મોટી પુત્રવધૂ અંબિકાએ નેત્રો બીડી દેવાની જે ભૂલ કરી હતી એ આ વેળાએ ન થાય એ માટે તેણે નાની પુત્રવધુ અંબાલિકા સાથે વિસ્તારપૂર્વક વિચાર-વિમર્શ કર્યો-

“પુત્રી, લડી લેવું એ તો ક્ષત્રિયનો જન્મજાત સ્વભાવ હોય છે. અત્યારે આપણે પ્રારબ્ધ સા મેલડવાનું છે. તે કૃપાળુ છે, કે તક આપે છે. અને ક્રૂર છે, કે સિદ્ધિ નથી આપતું. તો અહીં જ આપણે તેની સા મે લ ડીને લેવા માટે મહત્તમ હિંમતની જરૂર છે. અંબિકા જેમાં ઉણી ઉતરી ત્યાં જ તારે હવે કુશ ળતા દાખવવાની છે.”

પરંતુ અંબાલિકાને તો જેટલી હિંમત આપી, એટલી જ એ વધુ નબળી પુરવાર થઈ. વ્યાસજીના શરીરમાંની વિચિત્ર ગંધ, દાઢી-જટાધારી અપ્રિય રૂપ, વેશ અને દેહની કુરુપતાને જોતાવેંત જ અંબાલિકા ધ્રુજી ઉઠી.

અંબિકાએ તો તેજથી અંજાઈને નેત્ર બીડીને એ બધાંનો સામનો કરવો ટાળ્યો હતો. જ્યારે અંબાલિકાએ હિંમત કરી નેત્રો ખુલ્લા રાખ્યા તો સામનો થયો અણગમતી, ભય ઉપજાવનારી કુરુપતાનો. એટલે પરિણામ એ આવ્યું કે ભયથી એ પીળી પડી ગઈ.

તો નિયોગ પ્રક્રિયા પૂર્ણ થયે વ્યાસજીએ ભવિષ્ય ભાખ્યું કે પુત્ર જન્મશે એ લો હીમાં ખામી સાથે અને વર્ણે પીળો હશે જે કદાચ ટૂંકા આયુષ્યનું કારણ બને.

સત્યવતી માટે આ ફરી એકવાર નિરાશ થવાની વેળા હતી. ઉચ્ચ કુળની સૌન્દર્યવતી ગુણવંતી પુત્રવધુઓ અંબિકા અને અંબાલિકા, તેમ જ વિદ્વાન, પ્રતાપી, પ્રભાવશાળી વેદવ્યાસ; આ સર્વે પાસેથી એક સોહામણો સર્વગુણ સંપન્ન પુત્રની અપેક્ષા રાખવી કઈં વધુ પડતું તો નહોતું જ, પણ નિયતિ પાસે તેને દેવા માટે હંમેશ અધૂરપ જ હતી.

“પુત્ર, હસ્તિનાપુરનું રાજ્ય-સિંહાસન તો બત્રીસલક્ષણા, બહાદુર, અને રૂપવાન રાજાથી જ શોભે. શું એકવાર વધુ આ નિયોગ પ્રક્રિયા ન ઇચ્છી શકાય?”

“માતા, હવે જન્મનાર પુત્ર તમે ઇચ્છો છો એવો બહાદુર અને પરાક્રમી જ હશે.”

“પરંતુ ફિક્કી, તેજહીન કાયા તેમ જ પીળો વર્ણ અહીંની પ્રજાને કેમ સ્વીકાર્ય હોઈ શકશે. વળી, આસપાસના રાજ્યો પર એ પોતાના વ્યક્તિત્વનો પ્રભાવ પાડી શકશે કે નહીં એ શંકા મને કા યમ ચિંતાગ્રસ્ત રાખશે.”

“લાલસાઓનો તો અંત નથી માતા. એકના બદલે બે પૌત્રો નિયતિ સામે લડીને આપે મેળવ્યા, તે છતાંય..”

“વિધાતા સાથેનું મારુ યુ ધતો જન્મજાત છે પુત્ર; મારા તો લલાટે જ એ લખાયું છે. એક જ સમયે અને સ્થળે, એક સરખી ગ્રહદશામાં હું અને મારો જોડીયો ભાઈ મત્સ્યરાજ જન્મ્યા. પણ જન્મતાવેંત જ, એ પ્રદેશના રાજાએ દત્તક લેવાને કારણે તેને રાજસુખ મળ્યું. જ્યારે મારુ બાળપણ નાવિકોની ઝૂંપડીમાં માછીમારોની સંગે વિત્યું. મહાન સિધ્ધિવાન પરાશર ઋષિ સાથે નિયતિએ સંયોગ કરાવ્યો પણ એય અલ્પજીવી જ..! તમારા જેવો પુણ્ય-પ્રતાપી પુત્ર કુખે જન્મ્યો પણ તોય હું તો પુત્રવિયોગ જ પામી.

શાંતનુ રાજા સાથે વિવાહ સમયે તેમનાં જ્યેષ્ઠ પુત્રનો રાજગાદી-હક્ક પગ તળે કચડીને અહીં આવી એક જ મહેચ્છાએ, કે મારો પુત્ર એ રાજગાદી પામશે. પણ વિધાત્રીએ એ પણ ઈચ્છા અધૂરી રાખી. બબ્બે પુત્ર આપીને એણે પાછા છીનવી લીધા. અને હવે પૌત્રો માટેના પ્રયત્નો પણ નબળા પાડી રહી છે, આ ક્રૂર નિયતિ..!”

“આપની પીડા સમજી શકાય છે માતા. તો જીવનભરનો તમારો આ સંઘર્ષ, એક વધુ, પણ અંતિમ પ્રયાસ માટે તમને હક્કદાર બનાવે છે. આ બીજા પૌત્રના જન્મ બાદ, એ માટે મને સ્મરણમાં લાવજો એટલે હું ઉપસ્થિત થઈ જઈશ.”

આટલું કહી વેદવ્યાસ પ્રસ્થાન કરી ગયા.

સમય જતાં અંબાલિકાને પ્રસવ થયો અને પુત્ર જન્મ્યો. વેદવ્યાસની ધારણા મુજબ જ ફિક્કી પીળી ત્વચાવાળો, નબળો પુત્ર જન્મ્યો. નામ પાડ્યું પાંડુ. જોતાવેંત જ આંખો ઠરે ને હૈયે ટાઢક થાય એવા પૌત્રની ઈચ્છા રાજમાતાને ફરી તેની પુત્રવધુના કક્ષમાં ખેંચી ગઈ.

નાની પુત્રવધૂને હિંમત જાળવવાની આટલી શિખામણ આપી છતાંય તે સામાન્યપણે તો ન જ વરતી શકી, એટલે રાજમાતાની પસંદગી પુનઃ મોટી અંબિકા પર પડી. કારણ તેણે તો ફક્ત અંજાઈ જઈને નેત્રો જ બીડી દીધા હતા, નાની અંબાલિકાની જેમ સંપૂર્ણપણે ભયગ્રસ્ત તો નહોતી જ થઈ ગઈ.

“પુત્રી, આપણે વધુ એક પ્રયાસ કરવો જ રહ્યો. તારા જેવી રૂપવાન અને ગુણવંતી યુવતીના ખોળામાં એક સર્વાંગ સુંદર પુત્ર હોવો એ એક સર્વમાન્ય વાત ગણાય. આપણા મહાન પરાક્રમી પૂર્વજો ઇચ્છતા જ હશે કે એમનું કુલ એમના જેવા જ વીર પુરુષો થકી આગળ વધે. તો એ પુણ્યપ્રતાપી પૂર્વજો પ્રત્યેનું આપણું કર્તવ્ય, આ એક વધુ પ્રયાસ તરફ જ આંગળી ચીંધે છે.”

અંબિકા સત્યવતીની વાતો સાંભળી રહી. પરંતુ એ વાતોના તે પ્રભાવમાં ન આવી. તે એક માતા હતી; મમતાભરી માતા. પુત્ર ગમે એવો પંગુ કે ક્ષતિગ્રસ્ત હોય છતાંય માતાની મમતા તો એની પર અખૂટ વરસે જ. એનો પુત્ર ધૃતરાષ્ટ્ર અંધ હતો છતાંય એને તો પ્રાણપ્રિય હતો. તો રાજમાતાએ એનાં અંધપણા તરફ ઈશારો કર્યો, એ કદાચ તેને ન રુચ્યું હોઈ શકે. આ એક પુત્ર-જન્મથી એનું તો વાંઝિયાપણું મટી જ ગયું હતું.

ઉપરાંત પુત્રરૂપે એને જીવવાનું એક ધ્યેય જ્યારે હાંસલ થઈ ગયું હતું, તો હવે તેને લગ્નબહારના અકુદરતી વ્યવહારથી બીજો પુત્ર મેળવવાની બિલકુલ ઈચ્છા નહોતી. પરંતુ રાજમાતા સત્યવતીના પ્રભાવ હેઠળ આ વાત તેમને ન જણાવતા એ મૌન જ રહી.

જોકે જ્યારે નિયોગવેળા આવી, એ પહેલાં જ આ બાબતે પૂર્ણપણે વિચારીને એણે એક ગુપ્ત નિર્ણય લઈ લીધો હતો. તેણે પોતાની એક ખૂબ જ વિશ્વાસુ દાસીને નિયોગ પ્રક્રિયા માટે તૈયાર કરી.

એ દાસી કર્તવ્યનિષ્ઠ હતી; વળી એ ધાર્મિક વૃત્તિવાળી, સેવાપારાયણ સ્ત્રી હતી. પોતાની સ્વામીની અંબિકા પર આવી પડેલ ધર્મસંકટમાંથી તેને છુટકારો આપવામાં માનવતા જોઈને, તેમ જ સ્વામીસેવાને પોતાનું અહોભાગ્ય સમજીને, તે નિયોગ-પ્રક્રિયા થકી એક વધુ પુત્ર જન્માવી આપવા એ તૈયાર થઈ ગઈ.

વ્યાસજી આવ્યા અને નિયોગ-પ્રક્રિયા સુંદર રીતે સંપન્ન થઈ. એ સંપૂર્ણ સમય પેલી દાસી નિશ્ચલ રહી. પાછલા બે પરિણામો તેની નજર સમક્ષ જ હતા અને તેની તરફથી કેવી કાર્યક્ષમતાની અપેક્ષા રાખવામાં આવી છે, એ વાત પ્રત્યેય એ સભાન હતી. માટે સંપૂર્ણ શ્રદ્ધા અને કર્તવ્ય ભાવ સાથે, એનાં મનને ધાર્મિક વિચારોમાં પ્રવૃત રાખી એ સ્ત્રીએ નિસ્વાર્થ સહયોગ-ભાવ બતાવ્યો, કે જેને કારણે પછી વ્યાસજી પ્રસન્ન ચિત્તે માતા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા-

“હવે જન્મનાર આ પુત્ર પ્રામાણિક, મહાજ્ઞાની, વિદ્વાન પુરુષ બનશે. વળી ધાર્મિકવૃત્તિવાળો પણ હશે. જોકે એનો સેવાભાવી સ્વભાવ હશે જે કારણે રાજ્ય-સત્તા પર નહીં બિરાજીને એ જવનભર રાજ્યની સેવા જ કરશે.”

“પણ આવા સંતગુણો સાથે અવતરવાનું કારણ?” -રાજમાતાએ મૂંઝાઈને પૂછ્યું.

“કારણ એની માતા સ્વયં એક સેવાભાવી, કર્તવ્યનિષ્ઠ સેવિકા છે. એ તમારી પુત્રવધુ નહીં પણ તેની કોઈ દાસી હતી, જે આ નિયોગસંધિમાં પ્રવૃત થઈ હતી.”

રાજમાતા સત્યવતી માટે આ સાવ જ અણધાર્યું અને અનિચ્છનીય હતું. પરંતુ હવે કઈં થઈ શકે એમ નહોતું. તેની પુત્રવધુએ પ્રત્યક્ષ નહીં તો આડકતરી રીતે જણાવી જ દીધું કે હવે તેને કોઈ જ વધુ પુત્રની ઈચ્છા નથી.

અને તે સાચું હતું. જેટલી સત્યવતીની રાજકીય મહત્વાકાંક્ષા હતી, એટલી જ તેની બે પુત્રવધૂ પણ હતી. તે બંને સામાન્ય યુવતીઓ હતી. તેમ છતાં તેઓ હરણ દ્વારા લાવવામાં આવ્યા હતા, જેમની સાથે તેઓ પરણ્યા હતા, કોઈ બદલો લીધા વિના, તે બંને છોકરીઓ હતી જેમણે શાંતિથી લગ્ન કર્યા અને જન્મ આપ્યો.

આમ રાજમાતા સત્યવતીના તમામ પ્રયત્નો આંશિક જ સફળ રહ્યા. ત્રીજો પુત્ર પેલી દાસીની કુખે જન્મ્યો, જેનું નામ રાખ્યું વિદુર. અને વિદુર શબ્દનો અર્થ થાય જ્ઞાની, પંડિત, જાણકાર..!!

અર્થાત, સત્યવતીએ આ વખતે વ્યાસજીની આગાહી પર પૂર્ણ શ્રદ્ધા રાખીને આ નામ રાખ્યું.

(ક્રમશ:)

આના ભાગ 1 થી 10 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)