આના ભાગ 1 થી 11 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો
ભાગ 11 માં આપણે જાણ્યું કે, કઈ રીતે વેદ વ્યાસ થકી રાજા પાંડુ અને વિદુરનો જન્મ થયો. આવો હવે આગળ શું થયું તે જાણીએ.
હસ્તિનાપુરને એક પ્રભાવશાળી, સક્ષમ અને સર્વગુણ સંપન્ન ગાદીવરસ આપવા માટેના રાજમાતા સત્યવતીના પ્રયાસો ભલે પૂર્ણપણે સફળ ન થયા, પરંતુ કોઈ એક શ્રાપની ફળશ્રુતિ માટે નિમિત્ત તો એ જરૂર બની જ. આ શ્રાપ હતો ઋષિ માંડવ્યનો.
ઋષિ માંડવ્ય એક મહાન સિધ્ધિવાન તપસ્વી હતા અને તેમણે પોતાની તપસ્યા દ્વારા ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
પણ ગમે એવા સિદ્ધ માનવીના જીવનકાળમાં ક્યારેક તો કઠણાઈભર્યો તબક્કો આવતો જ હોય છે, જે તેનાં પૂર્વ-કર્મના ફળ રૂપે જ આવ્યો હોય છે.
જે રાજ્યની બહાર તેઓ રહેતા હતા ત્યાં એક વખત કોઈ ચોરે રાજકોષમાંથી મૂલ્યવાન દ્રવ્યની ચોરી કરી.
પરંતુ તેનાં દુર્ભાગ્યે રાજ્યના સિપાહીઓ નજરે એ સમયસર જ ચડી ગયો. એટલે ગભરાઈને એ બધું દ્રવ્ય લઈને ભાગ્યો અને સિપાહીઓએ તેનો પીછો કર્યો.
ભાગતો ભાગતો ચોર નગરમાંથી વનમાં આવ્યો કે જ્યાં ઋષિ માંડવ્યનો આશ્રમ હતો.
સિપાહીઓને અહીં ખૂબ નજીક ભાળતા તે દ્રવ્યના પોટલાંથી છુટકારો મેળવવું તેને વધુ સલામતીભર્યું લાગ્યું, એટલે એ પોટલું તેણે એ આશ્રમમાં મૂકી, ને આસપાસ જ ક્યાંક સંતાઈ ગયો ત્યારે ઋષિ ત્યારે ધ્યાનમાં બેઠા હતા.
સિપાહી આવ્યા; પોટલું જોયું; બાજુમાં ઋષિને ધ્યાનસ્થ અવસ્થામાં જોયા. તેઓએ ધારી લીધું કે ચોર હવે સાધુ જેવો ઢોંગ કરી રહ્યો છે, એટલે માલમત્તા સાથે ચોર પકડાઈ ગયો એમ માની લઈને ઋષિને જ બંદી બનાવીને લઈ ગયા.
રાજા પણ એ સિદ્ધ પુરુષને ઓળખી ન શક્યો.
ભગવા વસ્ત્રો અને સન્યાસી અવસ્થાને બદનામ કરનાર આ ઢોંગીને સામાન્ય નાગરિક કરતાંય કડક દંડ મળવો જોઈએ એવું માની રાજાએ ઋષિને શૂળીએ ચડાવી દેવાનો નિર્ણય કર્યો અને ઋષિની એકપણ દલીલને એણે ધ્યાન પર ન લીધી.
સજાનો અમલ થવો શરૂ થયો.
ઋષિ માંડવ્ય તો ગાયત્રી જાપ શરૂ કરીને ફરી ધ્યાનસ્થ થઈ ગયા, જેનું પરિણામ એ આવ્યું કે મળમાર્ગે એ શૂળ-પ્રવેશથી તેમને પીડા તો પારાવાર થઈ પરંતુ તેમનો જીવ ન ગયો. બલ્કે એ શૂળને આધારે તેઓ હવામાં જ અધ્ધર લટકી રહ્યા. સાધુની આવી ચમત્કારી અવસ્થા જોઈને સહુ સિપાહી અચંબિત થઈ ગયા.
આવું કેમ બની શકે? તો શું આ ઢોંગી બાવાની બદલે સાચે જ કોઈ ઈચ્છામૃત્યુનું વરદાન મેળવેલ કોઈ મહાન તપસ્વી હશે?
રાજાને બ્રહ્મજ્ઞાન લાધ્યું. પારાવાર પસ્તાવો થયો એટલે પછી રાજાએ પોતાની આ અવિચારી કરણીની ઋષિ પાસે ક્ષમા માંગી.
ત્યારે ઋષિએ જવાબ આપ્યો કે- “રાજન, હું તને તો ક્ષમા આપીશ, કારણ તું અજ્ઞાની હતો. પણ હું યમરાજને કદાપિ ક્ષમા નહીં કરું. મને મારા પૂર્વજન્મો યાદ છે, અને કોઈ પણ જન્મમાં મેં એટલું ભયંકર પાપ નથી કર્યું. છતાં મને આટલી બધી શારીરિક પીડા સહિતનો દંડ એમણે મને શા કારણે આપવા ઇચ્છયો, એનો હું તેમની પાસે અવશ્ય જ ઉત્તર માંગીશ.”
ઋષિની સિદ્ધિઓ એટલી બળવાન હતી કે એ સિદ્ધિબળે તેઓ સદેહે જ યમલોક પહોંચી શક્યા. ત્યાં જઈને તેમણે યમરાજ પાસે આ અન્યાયનો પૂર્ણ દૃઢતાપૂર્વક ઉત્તર ઇચ્છયો.
માંડવ્ય ઋષિની તપોબળના તાપથી યમરાજ પણ ભયભીત થયા જ હતા, કારણ તેઓ જાણતા હતા કે કઠિન તપસ્યા પછી તપસ્વીના વચન શુદ્ધ બની જતા હોય છે અને તેમની વાણી હમેશ સચોટ પરિણામ લાવતી હોય છે.
“મને આટલી યાતનાભર્યો દંડ મળવા પાછળ મારુ કયું પાપ કારણભૂત છે એ મને જણાવવાનું કષ્ટ કરો યમરાજ, હું આતુર છું એ જાણવા.” -ઋષિએ પૂછ્યું એટલે યમરાજે તેમના પૂર્વકર્મનો ચિતાર આપતા જણાવ્યું- “ઋષિવર, તમે જ્યારે સાત વર્ષના હતા ત્યારે એક નિર્દોષ પતંગિયાની પૂંઠમાં કાંટો ભોંકીને યાતનાભરી રીતે એને તમે અંત પમાડ્યું હતું, એની સજારૂપે આ દંડ હતો જે તમે તમારી સિદ્ધિબળે ટાળી દીધો. દરેક પ્રાણીએ પોતાના નાના એવા અપરાધની પણ સજા તો મળે જ છે.”
“સાત વર્ષની અવસ્થામાં માનવી અબોધ અવસ્થામાં હોય છે યમરાજ..! પાપપુણ્યનું એને જ્ઞાન નથી હોતું. તો આવી અજ્ઞાનતામાં કરેલ અપરાધની સજા તેને વાસ્તવિક નહીં પણ સ્વપ્નમાં કરવામાં આવે, એવું શાસ્ત્રો કહે છે. તો તમે શાસ્ત્રોની વિરુદ્ધ જઈને મને આ દંડ આપ્યો છે જે મને બીલકુલ સ્વીકાર્ય નથી. મને થયેલ અકારણ માનસિક શારીરિક સં તાપથી વ્યથિત થઈને હું તમને શ્રાપ આપું છું યમરાજ, કે આ બેજવાબદાર ન્યાયનું પ્રાયશ્ચિત કરવા તમારે પૃથ્વીલોકમાં જન્મીને એક સામાન્ય માનવીની જેમ એક જન્મ વિતાવવો. તમારે એક શૂદ્રના પેટે જન્મીને મારા આ શ્રપનું ફળ ભોગવવું પડશે.
યમરાજને પોતાની ભૂલની પ્રતીતિ થઈ. તેમણે પુનઃ એકવાર ઋષિ માંડવ્યની ક્ષમા યાચી અને નતમસ્તક થઈને એમનો શ્રાપ સ્વીકારી લીધો, અને પછી હસ્તિનાપુરમાં અંબિકાની શૂદ્ર દાસીની કુખે વ્યાસજીના પુત્ર વિદુર સ્વરૂપે તેઓએ જન્મ લીધો.
યમરાજ સદાય ન્યાયપ્રિય અને નીતિવાન હોવાને કારણે, માનવસ્વરૂપે વિદુર તરીકે પણ તેઓ અંત સુધી એવા જ નીતિવાન અને પ્રભુભક્ત બની રહ્યા. તેઓએ હંમેશા ધર્મવાન પાંડવોની હિત ઇચ્છયું હતું.
દુર્યોધન પાંડવોને લાક્ષાગૃહમાં ઉતારો આપી રાત્રે તેમાં આ ગ લગાવીને પાંડવોનો અંત કરવાનો છે એવો અણસાર આવતા જ, તેઓ તરત સક્રિય બન્યા. પોતાનો એક સહાયક તુરંત ત્યાં રવાના કરીને પાંડવોને આ ષડયંત્ર બાબત માહિતગાર કર્યા, ઉપરાંત તે લાખના ઘરમાં એક સુરંગ બનાવી આપી.
દુર્યોધને ઘરને આ ગચાંપી ત્યારે એ સુરંગ વાટે પાંડવો અને કુંતી માતા ત્યાંથી સહીસલામત બહાર નીકળી શક્યા હતા.
દ્રૌપદીને વસ્ત્ર હરણ માટે રાજ્ય સભામાં ખેં ચી લાવવામાં આવી ત્યારે ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા અનેક વડીલજનો, પોતે દુર્યોધનનું લૂણ ખાધું છે એવું મન મનાવીને આ નિર્લજ્જ કૃત્યને નીચી મૂંડી કરી સાક્ષીભાવે બસ જોતા રહ્યા.
પણ આ એક વિદુર જ હતા, કે જેણે દુર્યોધનના કૃત્યને ભરી સભામાં વખોડવાની હિંમત દાખવી, અને જ્યારે દુર્યોધને તેમને અપમાનિત કર્યા, ત્યારે સભા છોડીને બહાર નીકળી ગયા, પણ એ ઘૃણિત ઘટનાને અન્ય કહેવાતા મહાજનોની જેમ બેશરમ બનીને જોતાં નહોતા રહ્યા.
જ્યાં અધર્મ અચરાતો હોય ત્યાં વિરોધ કરવો અને છતાંય જો ન અટકાવી શકાય તો ત્યાં એક ક્ષણ પર હાજર ન રહેવું એ તેમની નીતિ હતી.
સર્વસ્વ હાર્યા બાદ પાંડવોને બાર વર્ષ વનવાસ થયો, ત્યારે પણ વિદુર એ સમયગાળામાં હસ્તિનાપુરમાં ન રહી, પોતે પણ બાર વર્ષ વનમાં જ રહ્યા, અને વનવાસીની જેમ કંદમૂળ ખાઈને એ સમય વ્યતીત કર્યો.
વિદુરજી શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત હતા. તો એમની પત્ની પણ તેમની જેમ જ કૃષ્ણ-ભક્ત હતી. તેને પણ શ્રીકૃષ્ણ પ્રત્યે અજોડ પ્રેમ હતો. વિદુરની પત્નીનું નામ પારસંવી હતું, જે પછીથી સુલભા તરીકે પણ ઓળખાઈ.
વનવાસ બાદ પણ પાંડવોને તેમનું રાજ્ય પાછું ન સોંપવાની જીદ પર દુર્યોધન ચોંટી રહ્યો ત્યારે કૃષ્ણ મધ્યસ્થી બનીને સંધિ કરાવવા પાંડવોના દૂત બનીને હસ્તિનાપુર દુર્યોધનને મળવા આવ્યા, ત્યારે બન્ને પતિપત્ની શ્રીકૃષ્ણના દર્શન માટે આતુર થઈ ગયા હતા.
એ સમયે તેઓ નગર બહાર એક નાનકડી કુટીર બનાવીને સંત સરીખું જીવન જ વિતાવતા હતા.
સંધિ માટે આવેલ શ્રીકૃષ્ણના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યા બાદ દુર્યોધને કૃષ્ણની પ્રેમભાવ વગરની, દેખાવ પૂરતી ખૂબ આગતાસ્વાગતા કરી, ને ભોજન તથા રાત્રી વિશ્રામ પોતાને મહેલ કરવા માટે કહ્યું.
પણ શ્રીકૃષ્ણએ દુર્યોધનના ભાવરહિત આતિથ્યનો અસ્વીકાર કર્યો. કારણ પૂછતાં શ્રીકૃષ્ણે કહ્યું- “હે દુર્યોધન..! કોઈના આતિથ્યને સ્વીકારવા માટેના ત્રણ કારણો છે. ‘ભાવ, પ્રભાવ અને અભાવ’ હવે તારો તો એવો ભાવ છે જ નહીં કે જેનાથી અભિભૂત થઈને તારા આતિથ્યને સ્વીકારવું જોઈએ. વળી, તારો મારી પર એવો પ્રભાવ પણ નથી કે જેનાથી ભયભીત થઈને તારા આતિથ્યને સ્વીકારી લઉં. ઉપરાંત મને એટલો કોઈ અભાવ પણ નથી કે વિવશ થઈને હું એ સ્વીકારું.”
આ પછી શ્રીકૃષ્ણ ત્યાંથી પ્રસ્થાન કરીને સીધા જ વિદુરજીની આશ્રમ જેવી મઢુલી પર પહોંચ્યા.
વિદુરજી તે સમયે ઘરે ન હતા અને સુલભા સ્નાન કરી રહી હતી.
દરવાજામાંથી જ શ્રીકૃષ્ણે સાદ કર્યો- “દ્વાર ખોલો, હું કૃષ્ણ છું, અને મને પણ ખૂબ ભૂખ લાગી છે.”
સુલભાએ જ્યારે શ્રીકૃષ્ણનો સાદ સાંભળ્યો, તો ભક્તિભાવમાં વ્યાકુળ થઈને દ્વાર ખોલવા માટે તે સ્નાનાવસ્થામાં જ બહાર દોડી આવી.
તેની સ્થિતિ જોઈને કૃષ્ણે પોતાનું પીતાંબર તેની પર ફેંક્યું.
પ્રેમદિવાની સુલભાને તો ક્યાં પોતાના શરીરનું ધ્યાન જ હતું. તેનું ધ્યાન માત્ર એ વાત પર હતું કે શ્રીકૃષ્ણ દરવાજે છે અને તે ભૂખ્યા છે.
સુલભાએ શ્રીકૃષ્ણનો હાથ પકડ્યો અને તેમને અંદર દોરી લાવી. કૃષ્ણની ક્ષુધા શાંત કરવા માટે, તેમને શું ખવડાવવું તેની જ ગડમથલમાં તે હતી. એવી પ્રેમોન્મત્ત સ્થિતિમાં તેણે શ્રીકૃષ્ણને ઊંધા પાટલા પર જ બેસાડી દીધા. શ્રીકૃષ્ણ પણ સુલભાના આ અનોખા પ્રેમથી વશીભૂત થઈને એ ઊંધા પાટલા પર જ બેસી રહ્યા.
દોડીને એ સંતનારી અંદરથી શ્રીકૃષ્ણને ખવડાવવા માટે કેળા લઈ આવી અને કૃષ્ણની ક્ષુધાતૃપ્તિ માટે તેમને કેળા ખવડાવવા બેસી ગઈ.
કૃષ્ણપ્રેમમાં એ એટલી તલ્લીન હતી કે કેળાની છાલ કાઢ્યા બાદ તે ફળની બદલે કૃષ્ણને ખાવા માટે છાલ જ આપી રહી હતી અને ફળના ગરને નીચે ફેંકી રહી હતી. શ્રીકૃષ્ણ પણ એ પ્રેમબાવરી નારીને સ્નેહાળ નયને નિરખતા રહીને કેળાની છાલ ખાવાનો આનંદ માણી રહ્યા હતા.
પણ એટલામાં તો વિદુરજી આવ્યા. થોડો સમય તો સ્તબ્ધ બનીને તેઓ એ બધી વ્યવસ્થા જોઈ જ રહ્યા પણ પછી તેઓએ પત્નીને આવા બેતુકા વર્તન માટે ઠપકો આપ્યો, જેને લીધે પત્નીને અચાનક જ પ્રતીતિ થઈ આવી અને પસ્તાવો પણ થયો.
છતાં સરળ હૃદયની એ નારી શ્રીકૃષ્ણ પર જ નારાજ થઈ તેમનો જ વાંક બતાવવા લાગી.
छिलका दीन्ही स्याम कहँ, भूली तन मन ज्ञान ।
खाए पै क्यों आपने, भूलि गए क्यों भान ।।
(મારા તનમનનું ભાન ભૂલીને મેં ભલે શ્યામ તમને છાલ ધરી ખાવા માટે, પણ તમે એ ખાધી જ શું કામ, શું તમે પણ હોશ ખોઈ બેઠાં હતા?)
ભગવાન આ ભોળપણ પર હસી પડ્યા અને બોલ્યા- “વિદુરજી, તમે ખૂબ જ કસમયે આવ્યા. મને ઘણી ખુશી મળી રહી હતી. હું તો હંમેશા આવા જ ભોજન માટે આતુર રહું છું.”
હવે વિદુરજીએ ભગવાનને કેળાનો ગર ખવડાવવાનું શરૂ કર્યું.
થોડું ખાધા બાદ ભગવાને કહ્યું- “વિદુરજી, તમે મને ખૂબ કાળજીપૂર્વક કેળા ખવડાવો છો, પણ ખબર નહીં કેમ તેમાં છાલ જેવો સ્વાદ નથી આવતો.”
વિદુરપત્નીની આંખોમાંથી પ્રેમના આંસુ વહી રહ્યા હતા.
એવો પ્રેમોન્માદ કે જેનાથી પ્રભુ અભિભૂત થઈ જાય, એ આ ભક્ત-દંપતીએ દાખવ્યો હતો.
પણ જેટલા ભાવનાશીલ અને સંતહૃદયી વિદુર હતા, એટલા જ સ્વાર્થી અને લુચ્ચા તેમના જયેષ્ઠ બંધુ ધૃતરાષ્ટ્ર હતા.
(ક્રમશ:)
આના ભાગ 1 થી 11 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)