પાંડવોના પૂર્વજો ભાગ 13 – જાણો કઈ રીતે ધૃતરાષ્ટ્રના ગાંધારી સાથે લગ્ન થયા અને ગાંધારીએ કઈ ભૂલ કરી.

0
1176

આના ભાગ 1 થી 12 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો

ભાગ 12 માં આપણે જાણ્યું કે, કયા શ્રાપને કારણે યમરાજે વિદુરના રૂપમાં જન્મ લેવો પડ્યો અને શ્રીકૃષ્ણએ ભક્તના પ્રેમને વશ થઈ કેળાની છાલ ખાઘી. આવો હવે આગળ શું થયું તે જાણીએ.

“પુત્રવધુ અંબિકાની કુખે હવે પછી જન્મનાર પુત્ર ગજરાજ સમાન બલિષ્ઠ, પ્રતાપી અને ભાગ્યશાળી હશે. એ સો પુત્રનું પિતૃત્વ પ્રાપ્ત કરશે.”

ધૃતરાષ્ટ્રના જન્મ સમયે તેનાં માટે મુનિ વ્યાસજીએ રાજમાતા સત્યવતી સમક્ષ કરેલ ભવિષ્યવાણીથી ભીષ્મ સુપેરે અવગત હતા.

તેમની જ કાળજી અને તાલીમ હેઠળ શિક્ષા પામી બાળકમાંથી યુવાન બની રહેલ જયેષ્ઠ રાજકુમાર ધૃતરાષ્ટ્ર, તેનાં બે અનુજો પાંડુ અને વિદુરની તુલનામાં વધુ બલિષ્ઠ અને પરાક્રમી દેખાઇ જ રહ્યો હતો, એટલે ભીષ્મને વ્યાસજીની ‘ધૃતરાષ્ટ્ર શત પુત્રવાન બનવા’ ની આગાહી પર પણ શ્રદ્ધા દ્રઢ બનતી ગઈ.

પરંતુ કોઈપણ એક સામાન્ય નારી એકસામટા સો ગર્ભ કઈ રીતે ધારણ કરી શકશે એ બાબતે જે કુતૂહલ મનમાં હતું તેને સંતોષે એવો કોઈ જ જવાબ કે રસ્તો તેમને સૂઝતો નહોતો.

એવામાં તેમને સમાચાર મળ્યા કે- “દૂર દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ એક નાનકડા રાજ્ય ગાંધારના રાજા સુબલની પુત્રી શિવજીની કઠોર તપસ્યા કરીને તેમની પાસેથી શત પુત્રવતી બનવાનું વરદાન પ્રાપ્ત કર્યું છે. આ રાજકુમારી ગાંધારી તરીકે ઓળખાય છે અને તે અત્યંત સુંદર અને સદગુણી યુવતી છે.”

આ માહિતી મળતા જ ભીષ્મને લાગ્યું કે શિવજીના એ જ પ્રકારના વરદાનનું બળ મળે તો, વ્યાસજીની, ધૃતરાષ્ટ્ર શત પુત્રવાન થવાની, આગાહી સચોટ સાબિત થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય.

એટલે દાદા ભીષ્મ રાજકુમારી ગાંધારી સાથે ધૃતરાષ્ટ્રના લગ્નનો પ્રસ્તાવ લઈ પોતાના લ શ્કરી દળ સાથે ગાંધારના મહારાજા સુબલના રાજ્યમાં ગયા.

પોતાનું રાજ્ય ગાંધાર, હસ્તિનાપુરની સરખામણીએ, વિસ્તારમાં ઘણું નાનું તેમજ સૈ ન્યશક્તિની દ્રષ્ટિએ પણ નબળું રાજ્ય છે એ વાતની પ્રતીતિ મહારાજ સુબલને હતી જ. તો આ રાજ્યનું સગપણ હસ્તિનાપુર જેવા બળવાન અને સમૃદ્ધ રાજ્ય સાથે થાય એ સર્વદા ઇચ્છનીય ગણાય. પરંતુ, જે રાજકુમારનો પ્રસ્તાવ સામે હતો એ તો જન્માંધ હતો, જ્યારે ગાંધારકુંવરી તો સર્વગુણ સંપન્ન એવી રૂપવતી, અને ગુણવંતી હતી..!

‘મહારાજ, વરકન્યાની આ યુગલજોડીમાં શારીરિક સુમેળ ન ગણાય માટે આપનો પ્રસ્તાવ સ્વીકારી નથી શકતો એનો મને પારાવાર અફસોસ છે.’ -રાજા સુબલે અત્યંત નમ્રતા સાથે ભીષ્મની ક્ષમા માંગી તેમના પ્રસ્તાવનો અસ્વીકાર કરવા ઇચ્છયું.

‘અફસોસ કરવાને બદલે વિધાત્રીએ આપેલ તકને ઝડપી લો ગાંધારરાજ..! નિયતીએ ઉભા કરેલ સંજોગોનો સંકેત ઓળખી લો.” -ભીષ્મે રાજકીય દક્ષતા સાથે વાત માંડી.

“કેવો સંકેત, મહારાજ?”

“આપની પુત્રીને શત પુત્રવતીનું વરદાન પ્રાપ્ત છે, તો સામે પક્ષે રાજકુમાર ધૃતરાષ્ટ્ર પણ મહાવિદ્વાન મહર્ષિ વેદવ્યાસની આ પ્રકારની જ, શત પુત્રવાન થવાની ભવિષ્યવાણી સાથે જ જન્મ્યો છે. ત્યારે આ બન્ને એકમેક માટે જ કોઈ એક સમાન મહાન હેતુ સિદ્ધ કરવા માટે સર્જાયા છે એની સત્યતા માટે કોઈ બે મત ન હોઈ શકે.

વળી, રાજકુમાર માટે એવી જ કોઈ કન્યા શોધીને એનાં વિવાહ કરાવી આપવા હું દ્રઢપણે મક્કમ છું. એટલે એ માર્ગમાં આવનાર કોઈપણ વિઘ્નને હણવા માટે હસ્તિનાપુરની સમગ્ર શક્તિ દાવ પર લગાવી દેવા હું કૃતનિશ્ચયી છું. પણ આ ગાંધારકુંવરી, વિના કોઈર ક્તપાતે, હસ્તિનાપુરની પુત્રવધુ બને એવી મારી અને રાજમાતા સત્યવતીની નમ્ર મરજી છે, તો એનું આપ સન્માન કરો એવી અમારી ઈચ્છા છે.”

ભીષ્મની વાણીમાં રહેલ ગર્ભિત ધ મકીને પારખી ન શકે એટલા અલ્પબુદ્ધિવાન તો ગાંધારનરેશ નહોતા જ, એટલે કુળ અને રાજ્યની ઇષ્ટતા માટે નમી જવું જ તેમને શ્રેયસ્કર લાગ્યું; અને આમ રાજકુમાર ધૃતરાષ્ટ્રના લગ્ન ગાંધારના મહારાજ સુબલની પુત્રી ‘ગાંધારી’ સાથે થયા.

પરંતુ મહારાજ સુબલનો પુત્ર અર્થાત રાજકુમારી ગાંધારીનો ભાઈ શકુની હજુ પણ આ લગ્નની વિરુદ્ધ હતો, કારણ કે તે કદાપિ નહોતો ઈચ્છતો કે તેની બહેનના લગ્ન કોઈ અંધ વ્યક્તિ સાથે થાય.

તો લગ્ન સમયે, જ્યારે રાજકુમારી ગાંધારીને ખબર પડી કે તે જેની સાથે લગ્ન કરી રહી છે તે તેનો ભાવિ પતિ તો જન્મથી જ અંધ છે, એટલે તેણીએ પણ પોતાની આંખો પર સદાય માટે પટ્ટી બાંધીને નયનસુખથી વંચિત રહેવાનું નક્કી કર્યું કે જેથી તે પોતાના પતિના દુ:ખને સ્વયં અનુભવી શકે.

ગાંધારીના આ નિર્ણયથી શકુનીને હજુ ય અધિક સંતાપ થયો. અને ધૃતરાષ્ટ્ર તેમજ હસ્તિનાપુર માટે તેનાં મનમાં ક્રોધની સાથેસાથે તિરસ્કાર અને ઘૃણા પણ ઉત્પન્ન થઈ આવી, જે તેનાં અંત સુધી જીવિત રહી અને કુરુકુળના નાશનું કારણ બની.

સામે પક્ષે રાજકુમાર ધૃતરાષ્ટ્ર પણ ગાંધારીના આવા અવિચારી નિર્ણય બાબતે દુઃખી થયો, કારણ પત્નીને પોતાની શક્તિમાં રૂપાંતરિત કરવાની તેની નેમ, તેને હવે નબળી પડેલી જણાઈ.

તો, પતિ જેવી જ શારીરિક અધૂરપ પોતાનામાં પણ ઉત્પન્ન કરીને ગાંધારીએ એક રાજકીય ભૂલ કરી નાખી.

તેણે જ હવે પોતાના દિયર પાંડુના, રાજા બનવાના સંજોગો વધુ ઉજળા બનાવી નાખ્યા.

“પુત્ર ભીષ્મ,” -રાજમાતા સત્યવતીએ પ્રતિભાવ આપતા કહ્યું- “બન્ને રાજકુંવરોમાંથી યુવરાજ કોને ઘોષિત કરવો એ બાબતની તમારી વિમાસણનો હવે અંત આવી ચુક્યો હશે, એમ હું માનું છું.”

“હા રાજમાતા, હવે તમારા અભિપ્રાય સાથે હું સહમતી લગભગ સાધી જ શકું છું.”

“આપણી લાગણીઓના ભાર તળે પ્રજાની અપેક્ષાઓને આપણે અવગણી ના શકીએ પુત્ર..! રાજા અંધ હોય એ ઉણપની સાથે રાણીના વહોરી લીધેલા અંધાપાને પ્રજા કેવી રીતે જીરવી શકે? સત્તાના સર્વોચ્ચ પદે બિરાજનાર વ્યક્તિઓમાં જ જ્યારે એ પોતાનો ઉત્કર્ષ અને સુરક્ષા શોધતી હોય, ત્યારે તેને તો સર્વાંગ ક્ષતિરહિત સત્તાધીશની જ ખેવના હોય.”

“મારી રાજમતિ પણ મને એમ સૂચવે છે રાજમાતા.” -ભીષ્મએ સહમતી દર્શાવતો ઉત્તર આપ્યો.

અને આમ, પછી ધૃતરાષ્ટ્રના અનુજ પાંડુને જ રાજગાદી સોંપવાનું બન્ને પક્ષે નક્કી થયું.

રાજકુમાર ધૃતરાષ્ટ્ર જેટલો બળવાન હતો, એટલો જ નિપૂણ ધનુર્ધારી રાજકુમાર પાંડુ હતો. જ્યારે તે યુવાન લગ્નલાયક વયનો થયો ત્યારે રાજા કુંતીભોજે પોતાની દત્તક પુત્રી કુંતીનો સ્વયંવર યોજ્યો અને હસ્તિનાપુરને પણ એ માટેનું નિમંત્રણ મોકલ્યું, જે રાજમાતા સત્યવતી અને ભીષ્મએ સહર્ષ સ્વીકારી લીધું.

આ રાજકુંવરી કુંતી વાસ્તવમાં યદુકુળ રાજા શૂરસેનની પુત્રી હતી. એ રાજા શૂરસેનનો પુત્ર એટલે વસુદેવ, કે જે શ્રીકૃષ્ણના પિતા હતા.

રાજા કુંતીભોજ સગપણે શૂરસેનના પિતરાઈ ભાઈ હતા. પણ નિઃસંતાન હોવાથી શૂરસેનની પુત્રીને પૃથાને નાનપણમાં જ દત્તક લઇ લીધી હતી. પછી કુંતીભોજની એ પુત્રી, પૃથાની બદલે કુંતી તરીકે જ ઓળખવા લાગી હતી.

રાજકુમારી કુંતી બાલ્યાવસ્થાથી જ ખૂબ સેવાભાવી અને ધાર્મિક વૃત્તિની હતી. તેની કૌમા ર્યાવસ્થામાં એક વખત રાજા કુંતીભોજના ગૃહે દુર્વાસા મુનિ અતિથિ સ્વરૂપે પધાર્યા. ત્યારે તેમની આગતાસ્વાગતા અને દેખભાળની જવાબદારી રાજાએ પોતાની આ રાજકુમારીને સોંપી.

રાજાને ત્યાં પોતાના સમગ્ર વાસ દરમ્યાન દુર્વાસા મુનિ રાજકુમારીની વિનમ્ર સેવાથી અત્યંત પ્રસન્ન રહ્યા. એટલે જતી વેળાએ તેમણે રાજકુમારીને વરદાન દેવા ઇચ્છયું.

કુંતી જ્યારે તેમની સમક્ષ ઉપસ્થિત થઈ ત્યારે મુનિએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણ્યું કે તેનું લગ્નજીવન અલ્પ છે, તેમ જ તેને સંતાનસુખ પ્રાપ્ત જ નથી.
આથી વરદાન માંગવાનું કહેવાને બદલે ઋષિએ સ્વયં જ તેને વરદાન આપ્યું કે કોઈ પણ દેવતાને એક વિશિષ્ટ મંત્ર વડે આવાહન કરીને તે બોલાવી શકશે, કે જે તેને પોતાના જેવા જ પ્રતાપી ને પરાક્રમી એવા એક એક પુત્ર પ્રદાન કરી જશે.

રાજકુમારી કુંતીએ નમ્રપણે વરદાનનો સ્વીકાર કરી લીધો, પરંતુ આ વરદાનનો મર્મ તે સમજી શકી નહીં. તે સમયે તેની સમજ સીમિત હતી, એટલે પતિ સિવાય અન્ય વિકલ્પે સંતાન ઉત્પત્તિના એ વરદાનમાં ભાવિનો શો સંકેત મુનિએ તેને આપ્યો એનો ઈશારો એ મુગ્ધ કન્યા પામી શકી નહીં, અને મૂંઝવણભરી અવસ્થામાં જ ઋષિને પ્રણામ કરી તેમને વિદાય આપી.

(ક્રમશ:)

આના ભાગ 1 થી 12 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)