આના ભાગ 1 થી 13 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો
ભાગ 13 માં આપણે જાણ્યું કે, કઈ રીતે ધૃતરાષ્ટ્રના ગાંધારી સાથે લગ્ન થયા અને કુંતીને મળેલા વરદાન વિષે પણ જાણ્યું. આવો હવે આગળ શું થયું તે જાણીએ.
મહર્ષિ દુર્વાસાને વિદાય આપી કિશોર વયની કન્યા કુંતી પોતાના કક્ષમાં પછી ફરી ત્યારે તેનું મુગ્ધ મન મૂંઝાયેલ સ્થિતિમાં હતું. તેને વિશ્વાસ હતો કે તેનાં પિતા તેનાં લગ્ન કોઈ એક પ્રભાવશાળી શક્તિવાન પૌરુષ-સભર યુવાન રાજા કે રાજકુમાર સાથે કરશે.
તો એવી પરિસ્થિતિમાં મુનિએ આપેલ વિશિષ્ઠ મંત્રની ઉપયોગીતા શી રહેશે?
તો શું તેઓએ તેનો ઉપહાસ જ કર્યો હશે?
એક નાદાન નાની કન્યા સમજીને કોઈક થોડા શબ્દોને આમતેમ ગોઠવીને મંત્ર બનાવી તેનું મન બહેલાવવા તેને આપી દીધો હશે?
કિશોરાવસ્થાની એક ખાસિયત એ હોય છે કે ત્યારનું એ નિર્દોષ મન જેટલી સહેલાઈથી ભોળવાઈ જતું હોય છે, એટલી જ તીવ્રતાથી ક્યારેક એ વણજોઈતા સવાલો પણ પૂછતું હોય છે.
દિવસો વીતતા ચાલ્યા પણ મનના સવાલો ઓછા ન થયા.
એ ઉંમરમાં સમજ ઓછી અને જિજ્ઞાસા વધુ હોવાને કારણે કુંતીએ દુર્વાસા મુનિના મંત્રને અવિશ્વાસથી પ્રેરાઈને ચકાસી જોવાનું નક્કી કર્યું.
કોઈપણ એક દેવતાનું આવાહન કરવાની જરૂર પડી, એટલે સૌ પ્રથમ તેનાં સ્મરણમાં આવ્યા સૂર્યદેવ. કારણ તેઓ ત્યારે નજર સમક્ષ જ પ્રકાશમાન હતા.
સંપૂર્ણ એકાંતની ખાતરી કરીને જ કુંતીએ દુર્વાસાએ આપેલ મંત્રનું મનોમન પઠન કર્યું, અને એનાં અચરજ વચ્ચે સૂર્યનારાયણ બીજી જ પળે ત્યાં ઉપસ્થિત થયા.
“પ્રણામ દેવતા..!” – મૂંઝવણ અને ડરથી હેબતાયેલી અવસ્થામાં કુંતીએ સૂર્યદેવનું અભિવાદન કર્યું.
“પુત્રવાન ભવ:” – ઉત્તરમાં સૂર્યદેવે આશીર્વચન ઉચાર્યા.
“પરંતુ દેવ, આપને આવાહન કરવાનો તો મારો મૂળે જ હેતુ નહોતો. તો આપને નાહકનો શ્રમ આપવા બદલ હું ક્ષમા યાચું છું. ફક્ત મારી કુતુહલવૃત્તિથી પ્રેરાઈને જ..”
“કિન્તુ કન્યા, મને સ્મરણમાં રાખીને તે જે મંત્રનું પઠન કર્યું છે, તે અત્યંત શક્તિશાળી છે એટલે તેની આમન્યા રાખી આદર કરવો મારુ પરમ કર્તવ્ય છે. અને જો એમાં ચૂક થાય તો હું મુનિના શ્રાપનો હક્કદાર બનું, માટે પુત્ર પ્રદાન કર્યા સિવાય મારી પાસે અન્ય કોઈ વિકલ્પ જ નથી.”
“પરંતુ હે દેવ, આપનો શ્રાપ નિવારતા, શાપિત તો આમ મારું જ જીવન બની જશે. હું કું વારી કન્યા છું, અને અક્ષત કૌ માર્યસાથે જ પતિગૃહે જવું એવું મારી સમજ અને મારા સંસ્કાર મને કહે છે.”
“એ બાબતે એક પર્યાય છે જ. તારી નાભિ વાટે મારો અંશ તારા શરીરમાં પ્રવેશ પામી, ત્યાં પુત્ર સ્વરૂપે ઉછરશે.” આમ બોલી સૂર્યનારાયણે પોતાના અંશનું કુંતીમાં સ્થાપન કર્યું.
“હે દેવ, મારી આ અવિવાહિત અવસ્થામાં હવે એ પુત્ર નહીં પણ એક કલંક જ હશે મારા માટે.” – હતાશ બનીને કુંતીએ નિશ્વાસ નાખ્યો.
“એને કલંક ના સમજીશ કન્યા. મારા કવચ અને કુંડળ ધારણ કરીને જન્મનાર એ બાળક એક મહાબળવાન પરાક્રમી અને પ્રભાવશાળી પુરુષ બનશે, જેની માતા તરીકે તારું મસ્તક સદા ઉન્નત રહેશે.”
“એક કું વારી કન્યાનો ખચકાટ આપ સમજો એમ હું ઈચ્છું છું દેવ. એક પુત્રને જન્મ આપ્યા પશ્ચાત વિવાહ કરી, મારા પતિને છેહ આપવા કરતાં તો હું મારુ જીવન ટૂંકાવી દેવાનું..”
“અશુભ ચિંતાઓ ના કરીશ કુંવરી..! લે, મારુ તને વરદાન છે કે પુત્ર-જન્મ બાદ પણ તારુંકૌ માર્ય પુનઃ કોઈ કુ મારિકા સમ પૂર્વવત થઈ જશે. પણ મારા પુત્રને જન્મ તો તારે આપવો જ રહ્યો. હવે પછીના દિવસથી પુત્ર-જન્મ સુધી એકાંતવાસ ધારણ કરી લેજે અને એ દરમ્યાન મારી તપસ્યામાં લીન બની રહેજે. સર્વે સુખમય થશે.”
આટલું કહી સૂર્યનારાયણ પ્રસ્થાન કરી ગયા. કુંતી માટે એ પછીનો સમયગાળો ખૂબ કઠિન હતો. પરંતુ એકાંતવાસમાં લાંબી તપશ્ચર્યા કરવાનો નિર્ણય જાહેર કરી તે પોતાની ગર્ભાવસ્થા વિશ્વથી છાની રાખવામાં સફળ રહી.
સફળ રીતે પુત્રજન્મ પણ થયો. અને ત્યારે શિશુએ છાતીએ સુવર્ણ કવચ અને કાને સોનાના કુંડળ ધારણ કરેલ હતા તેમ જ લલાટે તેજ અપરંપાર હતું.
પરંતુ કુંતી પાસે આવા પ્રભાવશાળી શિશુને ય ત્યાગવા સિવાય કોઈ પર્યાય નહોતો. એક હવાદાર પેટીમાં સુરક્ષિત સુવડાવી પુત્રને નદીમાં વહા વી દેતા તેનું હૈયું વિલાપ કરતું હતું. પણ એ જ સમયે સમાજ-પરિવારના ડરથી તેનું કાળજું કંપી રહ્યું હતું. આખરે હૃદયને પાષાણ સમ કઠોર બનાવી તેણે પોતાના પ્રથમ પુત્રનો ત્યાગ કરી દીધો.
આ ઘટનાની કળ વળતા એને ખાસ્સો એવો સમય લાગ્યો. ધીમે ધીમે પુત્ર વિસરાવા લાગ્યો અને જીવન પુનઃ પૂર્વવત્ થવા લાગ્યું. સમય વીતવા લાગ્યો અને યુવાણીને ઉંબરે ઉભેલી પુત્રીનો સ્વયંવર રચી તેને મનવાંછિત પતિ મેળવી આપવા પિતા ઉતાવળા થયા.
સ્વયંવર ગોઠવાયો. અનેક રાજાઓ અને રાજકુંવરોને નિમંત્રણો ગયા. હસ્તીનાપુરમાં ભીષ્મએ આ નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો અને રાજકુમાર પાંડુ માટે ત્યાં ઊપસ્થિત રહ્યા. પછી એક નિપુણ ધનુર્ધારી એવા રાજકુમાર પાંડુ સાથે કુંતીના લગ્ન થયા.
દિવસો રંગેચંગે વીતવા લાગ્યા. હસ્તિનાપુરના મહારાજાનું પદ સંભાળ્યા બાદ પાંડુએ પોતાના રાજ્યના વિસ્તરણ માટે અનેક યુ ધોલડ્યા અને વિજય પણ પ્રાપ્ત કર્યો.
આ દરમિયાન, એક વખત લ ડવા માટે તેઓ મદ્ર સામ્રાજ્યમાં પહોંચ્યા, જ્યાં એક વિશાળ સૈન્ય યુ ધમાટે તેની રાહ જોઈ રહ્યું હતું. પછી મહારાજ પાંડુએ જોયું કે ત્યાંના રાજકુમાર શલ્યનો રથ ખૂબ જ ઝડપે ચાલી રહ્યો છે, ત્યારે તેણે રાજકુમાર શલ્યને આનું કારણ પૂછ્યું. તો તેઓએ કહ્યું કે તેમનો રથ તેમની બહેન માદ્રી ચલાવી રહી છે.
મહારાજ પાંડુ એ સુંદર કન્યા માદ્રીની પ્રતિભાથી અંજાઈ ગયા અને તત્કાળ જ તેની સાથે પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. હસ્તિનાપુર જેવા સમૃદ્ધ રાજ્ય સાથે પારિવારિક સંબંધ બાંધી શત્રુતા સદાય નિવારી દેવા રાજકુમાર શલ્ય ત્વરિત સહમત થઈ ગયા.
અને આમ, મહારાજ પાંડુના બીજા લગ્ન મદ્ર સામ્રાજ્યના મહારાજાની પુત્રી માદ્રી સાથે થયા.
હસ્તિનાપુર પાછા ફર્યા બાદ રાજા પાંડુ એમની બન્ને રાણીઓ કુંતી અને માદ્રી સાથે સુખમય જીવન વિતાવવા લાગ્યા. પરંતુ એ ગાળા દરમ્યાન તેમના અગ્રજ બંધુ ધૃતરાષ્ટ્રનું વિવાહિત જીવન તો સુખી અથવા સરળ રીતે બિલકુલ જ વ્યતીત થતું નહોતું.
તેમની પત્ની ગાંધારીએ લાગણીના આવેશમાં આવીને અંધાપો વહોરી લેવાનો જે અવિચારી નિર્ણય લીધો હતો તેનાથી ધૃતરાષ્ટ્રનું મહત્વાકાંક્ષી મન ખૂબ વ્યથિત હતું, કારણ પત્નીને પોતાની પૂરક શક્તિમાં રૂપાંતરિત કરવાની તેમની ઈચ્છા પર પાણી ફરી વળ્યું હતું.
પોતાના જેવી જ અસહાય, અધૂરી પત્ની તેમને હવે ભાર સમાન લાગવા લાગી હતી. પતિપત્ની બન્ને દ્રષ્ટિહીન હોવાથી હસ્તિનાપુર રાજ્ય તેમનાં અનુજ બંધુ પાંડુને હસ્તક ચાલ્યું ગયું તેનો રોષ ધૃતરાષ્ટ્રને પત્ની ગાંધારીની સમીપ જતાંય રોકતો હતો.
(ક્રમશ:)
આના ભાગ 1 થી 13 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)