આનો પહેલો અને બીજો ભાગ તમે પેજ પર જઈને વાંચી શકો છો.
અત્યાર સુધી આપણે જોયું કે કઈ રીતે કચ શુક્રાચાર્ય પાસેથી સંજીવની મંત્ર શીખવામાં સફળ રહે છે. આવો હવે આગળ શું થાય છે તે જાણીએ.
કચ ચાલ્યો ગયો. આમ, અસુરોના ગુરુ શુક્રચાર્યની દીકરી દેવયાનીના પ્રથમ પ્રેમ-પ્રકરણનો કરુણ અંત આવ્યો, અને એટલે જ તેનાં યયાતિ સાથેના લગ્નનું કારણ પણ બન્યો. અજગર સ્વરૂપે સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર પટકાયેલ રાજા નહુષનો પુત્ર એટલે આ યયાતિ, જે પછી દેવયાની સાથે લગ્નગ્રંથિથી જોડાયો.
તે વિસ્તારના અસુરોના રાજા વૃષપર્વની દીકરી શર્મિષ્ઠા, એ આ દેવયાની ની પ્રિય સખી હતી. પણ આ બન્ને સખીઓ વચ્ચે એક પ્રસંગ એવો બન્યો જેનાથી એક રીતે તે કુરુવંશનું મૂળ બની ગયો.
આ બે યુવતીઓ નદીમાં ન્હાવા ગઈ. શર્મિષ્ઠા એક અસુર રાજકુમારી હતી, જ્યારે દેવયાની શુક્રાચાર્યની પુત્રી હતી, જેઓ એક પૂજારી હતાં તે રીતે, દેવયાની બ્રાહ્મણકુળની હતી. બ્રાહ્મણકુળને તે વખતે સામાજિક રીતે સર્વોચ્ચ ગણવામાં આવતું હતું. તેથી જ તે બંને યુવતી જ્યારે ન્હાવા ગઈ ત્યારે તેમણે પોતાના કપડાં અને ઘરેણાં અલગ અલગ મૂક્યાં.
જ્યારે તેઓ નદીમાં રમી રહી હતી ત્યારે જોરમાં પવન ફૂંકાવાને કારણે તેમના કપડાં ભેગાં થઈ ગયાં. જ્યારે તે બંને બહાર આવી ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ કપડાં પહેરવાની ઉતાવળમાં હતી. શર્મિષ્ઠાએ ભૂલમાં અમુક કપડાં દેવયાનીનાં પહેરી લીધાં. તેથી થોડું મજાકમાં અને થોડું પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે દેવયાનીએ કહ્યું કે, “તારા પિતાનાં ગુરુની દીકરીનાં કપડાં તું કઈ રીતે પહેરી શકે છે? એ કેવું લાગે? અને શું એ યોગ્ય છે?”
શર્મિષ્ઠાને પોતાની ભૂલ સમજાઈ. પણ એક રાજકુમારીનો ગર્વ હોવાને કારણે આવેશમાં આવીને તે બોલી, “તારા પિતા એક ભિક્ષુક છે. તું, મારા પિતા જે કંઈ ભિક્ષા આપે છે તેમાંથી જીવે છે. તનેય તારું સ્થાન ખબર હોવી જોઇએ.” અને તેણે દેવયાનીને ધક્કો મારીને ખાડામાં પાડી દીધી, અને પછી તેને ત્યાં છોડીને શર્મિષ્ઠા ક્રોધાવેશમાં ત્યાંથી જતી રહી.
જ્યારે દેવયાની ઘરે પાછી આવી ત્યારે તેના પિતાના ખોળામાં માથું મૂકી બદલો લેવા માટે રડવા લાગી અને કહ્યું, “તમારે આ રાજકુમારીને પાઠ ભણાવવો જ પડશે.”
પોતાની દીકરીનું અપમાન કરવાના બદલામાં શુક્રાચાર્યે તે રાજકુમારી પોતાની દીકરીની દાસી બની જાય તેવી અસુરોના રાજા સમક્ષ માંગણી કરી.
રાજા માટે ધર્મસંકટ હતું. તેની પાસે શુક્રાચાર્ય સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો કારણ કે, શુક્રાચર્ય મ રેલાંઓને પુનર્જીવિત કરતાં હતાં અને તેમના વગર તેઓ લડાઈ હારી જાય.
તો, શર્મિષ્ઠાને દેવયાનીની દાસી બનવાનો શ્રાપ આપવામાં આવ્યો. પછી દેવયાનીના લગ્ન યયાતિ સાથે થયાં, ત્યારે પણ તેણે, શર્મિષ્ઠા પોતાની અંગત દાસી તરીકે તેના નવા ઘરમાં આવે તેવો આગ્રહ રાખ્યો.
દેવયાનીએ શર્મિષ્ઠા સાથે આમ તો પોતાનો બદલો પૂર્ણ કરી નાખ્યો હતો અને તેણે શર્મિષ્ઠાને ત્યાં જ છોડી જવી જોઈતી હતી પણ, તેને હજી થોડો બદલો લેવો હતો. તેથી શર્મિષ્ઠા તેના લગ્ન પછી તેની દાસી તરીકે તેની સાથે ગઈ. યયાતિ અને દેવયાની પતિપત્ની તરીકે સાથે રહ્યાં અને તેમને યદુ નામનો એક પુત્ર થયો. યાદવો આ યદુકુળમાંથી આવે છે.
શર્મિષ્ઠા દેવયાનીની દાસી હોવાં છતાં એક રાજકુમારી હોવાને કારણે તેણે પોતાની જાતને એક પ્રભાવશાળી રીતે રાખી હતી. તેણે પોતાની જાતને દેવયાની કરતાં પણ વધારે આકર્ષક બનાવી. દેખીતી રીતે જ, યયાતિ તેનાં પ્રેમમાં પડ્યો. તેમની વચ્ચે એક ખાનગી પ્રેમપ્રકરણ પણ ચાલ્યું અને તેમને એક બાળક થયું.
તે બાળક પુરુ હતો, કે જે કુરુવંશનો એક જનક બન્યો.
યદુ, યયાતિનો પ્રથમ પુત્ર હતો તો સ્વાભાવિક જ તેણે રાજા બનવું જોઈએ પણ અમુક ઘટનાઓને કારણે તે ન બની શક્યો.
શું હતું એ કારણ? તો…
જ્યારે શુક્રાચાર્યને જાણ થઈ કે યયાતિએ તેમની દીકરી સાથે વિશ્વાસઘાત કરીને એક દાસી વડે પુત્ર મેળવ્યો છે ત્યારે તેમણે યયાતિને શ્રાપ આપ્યો કે, “તારી વાસનાને કાબુમાં ના રાખનાર, તું હંમેશ માટે તારું યૌવન ખોઈ બેસે.” અને આ શ્રાપને પ્રતાપે યયાતિ એક વ્રુદ્ધ વ્યક્તિ બની ગયો. પણ તે આ વસ્તુ પચાવી શક્યો નહીં.
તેથી જ્યારે યદુ મોટો થયો અને સંપૂર્ણ યુવાન થયો ત્યારે યયાતિએ તેને કહ્યું, “મને તારી યુવાની થોડો સમય માટે આપ અને મને થોડાં વર્ષ આનંદપ્રમોદ કરવા દે. પછી હું તને તારી યુવાની પાછી આપી દઈશ.”
યદુએ કહ્યું, “ના, પહેલાં તમે મારી માતા સાથે દગો કર્યો અને હવે મારા યૌવન માટે મને છેતરવા માંગો છો.”
તેથી, યયાતિએ યદુને હુકમ સંભળાવી દીધો- “તું કદી રાજા નહીં બને.”
યયાતિનો બીજો પુત્ર પુરુ, જે શર્મિષ્ઠા વડે થયો હતો, તેણે સામે ચાલીને પોતાનું યૌવન પોતાના પિતાને આપી દીધું અને કહ્યું- “પિતાશ્રી, આપ યુવાનીનો આનંદ લો. મારા માટે આપની ખુશી જ સર્વશ્રેષ્ઠ છે.”
યયાતિ ફરીથી યુવાન બન્યો અને થોડા સમયકાળ માટે એક યુવાન તરીકે જીવ્યો. જ્યારે તેને થયું કે હવે તે આનાથી સંતુષ્ટ છે, ત્યારે તેણે એ યૌવન ફરીથી તેના પુત્ર પુરુને સોંપી દીધું, અને તેને રાજા પણ બનાવ્યો.
આમ યદુથી યાદવકુળ અને પૂરુથી કૌરવકુળનો પ્રારંભ થયો, જેની વાત હવે પછી…
(ક્રમશ:)
આનો પહેલો અને બીજો ભાગ તમે પેજ પર જઈને વાંચી શકો છો.
(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)