પાંડવોના પૂર્વજો ભાગ 4 : વાંચો રાજા દુષ્યંત, શકુંતલા અને તેમના પુત્ર સર્વદમનની સ્ટોરી.

0
1370

આના ભાગ 1 થી 3 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

અત્યાર સુધી આપણે જોયું કે, રાજા યયાતિએ પોતાની પત્ની દેવયાનીની દાસી શર્મિષ્ઠા (અસુર રાજકુમારી) થકી જન્મેલા પોતાના પુત્ર પુરુને રાજા બનાવ્યો. હવે જોઈએ આગળની સ્ટોરી.

આમ, ચંદ્રવંશમાં રાજા યયાતિને બે સ્ત્રીઓ થકી બે પુત્રો જન્મ્યા. એક હતો યદુ, જેમાંથી પછી યદુવંશ ચાલ્યો અને યાદવો આવ્યાં, અને બીજો હતો પુરુ, કે જેના વંશમાં કેટલીય પેઢીઓ બાદ પછી પાંડવો અને કૌરવો આવ્યાં.

આ રાજા યયાતિ એમનાં સસરા એવા ગુરુ શુક્રાચાર્યના શ્રાપના કારણે અકાળે વૃદ્ધ થઈ ગયેલો. એટલે એણે પુતાના મોટા પુત્ર યદુ પાસે એની યુવાની માંગી પણ યદુએ ના આપી એટલે નાના પુત્ર પુરુ પાસે માંગી. પુરુએ રાજીખુશીથી પોતે વૃદ્ધ બની પિતાને યુવાન બનાવ્યા. આના બદલામાં યયાતિએ મોટા પુત્ર યદુને બદલે નાના પુરુને રાજગાદી આપી.

આ રાજા પુરુ પછી, થોડી પેઢીઓ રહીને તે વંશમાં એક રાજા કૌશિક થઈ ગયાં કે જેઓ પછીથી ઋષિ વિશ્વામિત્ર તરીકે પણ પ્રસિદ્ધ થયા. જ્યારે તેઓ રાજા કૌશિક હતા, ત્યારે ઋષિઓની શક્તિ જોયાં પછી એ બધાની સરખામણીમાં રાજાઓની શક્તિ તેમને ખૂબ ઓછી લાગી. તેથી તેમને ઋષિ બનવાનો નિશ્ચય કર્યો.

બન્યું એવું કે, એક સમયે મહારાજ કૌશીક વન પ્રવાસે નીકળેલા. લાવ-લ શ્કર સાથે હતું, ને ત્યાં તેમની નજરે એક આશ્રમ પર પડી. તે આશ્રમ બ્રહ્મર્ષી વશિષ્ઠનો આશ્રમ હતો. વશિષ્ઠે રાજાનું યથોચિત સ્વાગત કર્યુ. એનાથી પ્રભાવિત થઈને રાજા કૌશિકે સહેજ ઉત્કંઠા દર્શાવી કે- “ઋષીવર, અમારી આટલી મોટી સે નાનું સ્વાગત આપ કેવી રીતે કરી શક્યા?”

ભોળા ભાવે ઋષિ બોલ્યા- “આ તો મારી નંદીનીનો પ્રભાવ છે.”

કૌશીકે વિચાર્યુ કે નંદીની તેમની પુત્રી હશે. પણ જ્યારે તેણે જાણ્યુ કે આ તો નંદીની નામની ગાયનો પ્રતાપ છે, ત્યારે તેમનો લોભ ઉભરાઇ આવ્યો; ક્ષાત્રતેજ ઓસરતુ જણાયું અને એક બેહુદી માગણી કરી બેઠા- “મુનીવર, તે ગાય આપ મને આપો. તે તો રાજાના આંગણે શોભે. તેના બદલામાં હુ આપને હજાર ગાયો આપીશ.”

પણ મુનીવર માન્યા નહીં. ઇંકાર સાંભળવા નહી ટેવાયેલ રાજા બળજ બરી કરી ને લઈ જવા લાગ્યા.

નંદીની અસહાય બનીને મુનીવર સામે જોઇ રહી, જાણે આદેશ માગતી હોય.

અને મુનીવરે આદેશ આપ્યો કે રાજા ભલે બળજ બરીથી તને ઉપાડી જાય છે પણ તું તારું ધાર્યું કરી શકે છે. એટલે નંદીની ફરીથી પોતાની મેળે જ આશ્રમે પછી આવી ગઈ.

રાજા કૌશીકે ઋષિ વસિષ્ઠને પુછ્યુ- “આ ગાય આવું કઈ રીતે કરી શકી? આ શાનો પ્રભાવ છે?”

ત્યારે મુનીવરે જણાવ્યુ કે- “આ તપોબળ છે અને તેનો બધો પ્રભાવ છે.”

રાજા કૌશીક અચંબિત પામ્યા. આવું તપોબળ પ્રાપ્ત કરવા માટે પોતે પણ તપોનિષ્ઠ બનવાનો નિર્ધાર કર્યો. અને આમ એક પ્રખર રાજવી તપ કરવા ગયા. પણ તપ કરવામાં તો અનેક વિઘ્નો આવે છે; પ્રલોભનો પણ આવે છે. મુળ રાજવી, રાજાશાહી લો હી રાજનિતિજ્ઞ કારકીર્દી; પ્રલોભનો અસર કરે પણ ખરા. પણ હિંમત હાર્યા વગર ધ્યેય પ્રત્યે પણ તેઓ વફાદાર રહ્યા અને તપ આગળ ચાલ્યુ. મોડી કે વહેલી, પણ તપ, સિધ્ધી તો આપે જ; અને સિધ્ધી ય મળી.

સિદ્ધિ-પ્રાપ્તિ બાદ, કૌશિક રાજા ફરી એકવાર વશિષ્ઠજી પાસે ગયા. પણ ત્યાં સુધીની સિધ્ધી શ્રેષ્ઠ અને પૂરતી નહોતી. ઋષિ વશિષ્ઠે તેમને આવકાર આપ્યો, પણ ‘રાજર્ષી’ કહીને સંબોધ્યા. જે રાજા કૌશિકને ખટક્યું. સ્વયંને જ સંતોષ ના થયો. એટલે હજુ પ્રખર બીજા તબક્કાનું તપ શરૂ કર્યું.

આખરે ઇચ્છિત સિધ્ધી મળતાં પુનઃ એકવાર ઋષિ વશિષ્ઠજીના આશ્રમે ગયા. આ વખતે વગર કહ્યે જ ઋષિએ કૌશિકજીને “પધારો બ્રહ્મર્ષી” કહીને આવકાર આપ્યો. અને પછી વિશ્વામિત્ર તરીકેનું નામકરણ થયું, જે પછી ખૂબ ખ્યાતિ પામ્યું.

આ એ જ બ્રહ્મર્ષી વશિષ્ઠ હતા કે જેમની કામધેનુ નંદીનીને તેઓ પોતે ઉપાડી ગયા હતા; તેમણે કરેલી બળજ બરીમાં વશિષ્ઠ્જીના પુત્રએ પ્રાણ પણ ગુમાવેલો. આજે એ જ મહામુની તેમને બ્રહ્મર્ષી કહીને આવકાર આપે છે. આમ એક તેજસ્વી રાજવી કૌશીક, એક મહાન ઋષી વિશ્વામિત્રના સ્વરૂપે ખ્યાતિ પામ્યા.

પણ વિશ્વામિત્રમાં એક રાજસ ગુણ તો બચ્યો જ હતો. તેઓ પણ ગુસ્સે તો થઈ જતા હતા. અલબત પહેલાં જેટલી બદલાની ભાવના નહોતી બચી, પણ તેમની શક્તિ અપાર હતી.

તેમણે એકવાર તેમના શિષ્ય ત્રિશંકુને સદેહે સ્વર્ગમાં પણ મોકલેલો. તે પહોચી પણ ગયો. પણ ઇન્દ્રએ તેને પ્રવેશ નહી આપતા તે ઉંધે માથે પાછો પટકાયો.

વિશ્વામિત્રને ખબર પડતાં, તેને અધવચ્ચે જ રોકી લીધો અને ત્યાં વચ્ચે જ આભાસી સ્વર્ગ ઉભું કરી દીધું હતુ.

(આપણી બોલચાલમાં આ ત્રિશંકુ એક કહેવતમાં ય આવી ગયો. જ્યારે કોઈ પરિસ્થિતિમાં માણસ એવો અટવાય જાય કે ન આગળ જઈ શકે ના પાછળ, ત્યારે આપણે કહીએ કે એની હાલત તો ત્રિશંકુ જેવી થઈ ગઈ છે)

તેમનાં રાજર્ષિ થી દેવર્ષિ બનવાની વચ્ચે એક એવો પ્રસંગ બીજો પણ બની ગયો, કે જે ખૂબ પ્રસિદ્ધિ પામ્યો.

ઋષિ વશિષ્ઠે રાજર્ષિ કહી સંબોધ્યા, ત્યારે મનમાં ઓછપાઈને તેઓએ હજુ ય પ્રખર તપ કરવાનો નિશ્ચય કર્યો. અને પછી જે તીવ્રતાથી તેઓ તપ કરી રહ્યાં હતાં તે જોઈને દેવરાજ ઈંદ્રને થયું કે આમ તપ થતું જ રહેશે તો વિશ્વામિત્ર જે ઈચ્છે છે તે મળી જશે, અને આમ તેની પોતાની સર્વોપરિતા પણ જોખમમાં આવી શકે.

તેથી તેણે વિશ્વામિત્રનું ધ્યાન ભંગ કરવા એક રૂપાળી મોહક અને લોભામણી અપ્સરા મેનકાને તેમની પાસે મોકલી. મેનકાનું કામ વિશ્વામિત્રને રીઝવીને એમના કઠોર તપ અને સાધનામાં બાધા નાખવાનું હતું. ખૂબ પ્રયત્નો બાદ તે તેમાં સફળ થઈ અને બેઉનો સંયોગ થયો. પરિણામે તેમની એક પુત્રીનો જન્મ થયો.

થોડાં સમય પછી વિશ્વામિત્રને ભાન થયું કે જે કંઈ તેમણે આટલાં તપ અને સાધના દ્વારા મેળવ્યું હતું તે બધું જ તેઓ આ વિક્ષેપને કારણે ખોઈ બેઠાં હતાં.

તેઓ ક્રોધમાં આવીને માતા અને પુત્રીને ત્યજીને જતાં રહ્યાં. એક અપ્સરા હોવાને કારણે મેનકા આ પૃથ્વી ઉપર માત્ર મર્યાદિત સમય માટેની પ્રવાસી જ હતી! તેને તો પાછાં ફરવું હતું, પણ તે આ બાળકીને તેના પિતા પાસે છોડી શકે તેમ નહોતી કારણ કે, તેના પિતાને તો તે જોઈતી જ ન હતી. તેથી તેણે તે બાળકીને માલિની નદીના કાંઠે છોડી દીધી અને જતી રહી.

કેટલાંક શકુન પક્ષીઓએ તે નાનકડી બાળકીને ત્યાં જોઈ, કોઈક રીતે તેઓ તેને લઈ ગયાં અને તેનું અન્ય જીવોથી રક્ષણ કર્યું. એક દિવસ, કણ્વઋષિ તે તરફ આવ્યાં અને આ વિચિત્ર બનાવ જોયો જેમાં પક્ષીઓ નાનકડી બાળકીનું રક્ષણ કરી રહ્યાં હતાં. તેઓ તે બાળકીને પોતાના આશ્રમમાં લઈ આવ્યાં, અને તેનો ઉછેર કર્યો. તે શકુન પક્ષીઓ દ્વારા રક્ષણ પામી હોવાને કારણે તેમણે તેને શકુંતલા નામ આપ્યું. તે મોટી થઈને એક સુંદર યુવતી બની.

એક દિવસ હસ્તિનાપુરના રાજા દુષ્યંત મૃગયા કરવા નીકળ્યા હતા. જ્યારે તેમણે એક વિશાળ નર હરણ ઉપર તી રછોડ્યું ત્યારે તેમનું તી રતો નિશાના ઉપર લાગ્યું પણ, તે હરણ ત્યાંથી નાસી છૂટ્યું.

દુષ્યંતે તેનો પીછો કર્યો અને પછી તેને શકુંતલાના હાથોમાં જોયું. એ તેનું પાળેલું હરણ હતું અને અત્યંત કરુણાપૂર્વક તે તેની સારવાર કરી રહી હતી. જ્યારે રાજાએ આ જોયું ત્યારે તેમને શકુંતલા પ્રત્યે આકર્ષણ થયું.

પછી તો બંને વચ્ચે પ્રણયના અંકુરો ફૂટયા અને શકુંતલાએ પ્રણયનો એકરાર કર્યો.

એ વખતે મહર્ષિ કણ્વ સોમતીર્થ ગયેલા હતા. તો રાજા દુષ્યંત આશ્રમવાસીઓેની સંમતિથી આશ્રમમાં જ રોકાઈ ગયા. શકુંતલાએ કમળપત્ર પર રાજા દુષ્યંતને પ્રેમપત્ર લખ્યો.

રાજાએ પછી ગાંધર્વ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. સખીઓએ અનુમોદન આપ્યું. અંતઃપુરમાં રાજા દુષ્યંત અને શકુંતલાનું મિલન થયું.

થોડા દિવસ બાદ રાજા દુષ્યંત શકુંતલાને એક વીંટી આપતાં કહ્યું કે, ‘આ વીંટી પહેરીને આવજે એટલે હું તને ઓળખી જઈશ.’ એમ કહી તેઓ જતાં રહ્યા.
એક દિવસ દુર્વાસા ઋષિ, કણ્વ ઋષિના આશ્રમમાં આવી પહોંચ્યા. એ વખતે શકુંતલા ઉપવનમાં પુષ્પો વીણતી હતી. વળી તે રાજા દુષ્યંતની યાદમાં ખોવાયેલી હતી. તે દુર્વાસા ઋષિનો સત્કાર કરવાનું ભૂલી ગઈ.

દુર્વાસા ઋષિએ તેને શાપ આપ્યો : ‘તું જેની યાદમાં મગ્ન છે તે જ તને ભૂલી જશે.’

ક્રોધે ભરાયેલા દુર્વાસા ઋષિ ચાલ્યા ગયા. શકુંતલાની સખીઓએ દુર્વાસા ઋષિને રોકીને વિના વ્યાં. શકુંતલાની વ્યાકુળ માનસિક સ્થિતિનો ચિતાર આપી, શાપ પાછો ખેંચી લેવા વિનવણી કરી.

દુર્વાસા ઋષિએ કહ્યું- ’શાપ સંપૂર્ણ મિથ્યા ન કરી શકાય પરંતુ રાજા દુષ્યંતે આપેલી કોઈ ચીજ કે અલંકાર તે દુષ્યંતને બતાવશે તો રાજા દુષ્યંત તેને ઓળખી જશે.’

શકુંતલા હવે સગર્ભા બની. સોમતીર્થ ગયેલા કણ્વ ઋષિ પાછા આવી ગયા હતા. તેઓ વીતેલી તમામ ઘટના જાણી ચૂક્યા હતા. તેમણે સગર્ભા બનેલી શકુંતલાને પતિગૃહે મોકલવા તૈયારીઓ કરી.

એ શિષ્યો સાથે શકુંતલાને હસ્તિનાપુર મોકલવામાં આવી પરંતુ દુર્વાસા ઋષિના શાપના કારણે રાજા દુષ્યંત શકુંતલાને ઓળખી શક્યા નહીં.
શકુંતલાને રાજા દુષ્યંતે ભેટ આપેલી વીંટી યાદ આવી ગઈ. પણ એણે જોયું તો પોતે પહેરેલી એ વીંટી અત્યારે ગુમ હતી.

થયું’તુ એવુ કે, શક્રઘાટ પર શમતીર્થના જળને વંદન કરતાં રાજા દુષ્યંતે આપેલી વીંટી સરકીને જળમાં પડી ગઈ હતી.

પછી તો રાજા દુષ્યંતે સગર્ભા શકુંતલાને સ્વીકારવાની ના પાડી. શિષ્યો પણ શકુંતલાને રાજાના દરબારમાં જ મૂકીને જતા રહ્યા.

રાજાના પુરોહિતોએ રાજા દુષ્યંતને સલાહ આપી:

“‘વનકન્યા શકુંતલા સગર્ભા છે તેથી તેને સંતાન જન્મે ત્યાં સુધી અન્ય આવાસમાં રાખવી..!”

રાજા દુષ્યંતે રાજપુરોહિતની વાત માન્ય રાખી. સગર્ભા શકુંતલાને એક અન્ય આવાસમાં મોકલી દેવાઈ. પરંતુ રાજપુરોહિત શકુંતલાને એના માટે ફાળવાયેલા અલગ મહેલમાં લઈ જતો હતો ત્યારે જ એક અગ્શ્ય જ્યોતિ શકુંતલાને ઉપાડી લઈ ગઈ.

એ પછી થોડાં સમય બાદ હસ્તિનાપુરમાં એક ચોર પકડાયો. હકીકતમાં તો તે એક માછીમાર હતો.

વાત એમ હતી કે તે માછીમાર રાજધાનીના ઝવેરીબજારમાં રાજાની મુદ્રાવાળી વીંટી વેચવા આવ્યો હતો. પણ રાજાના રક્ષકોએ તે વીંટી પર રાજાની મુદ્રા જોઈ તેને પકડી લીધો.

માછીમારે સ્પષ્ટતા કરી કે, ‘હું ચોર નથી પરંતુ માછીમાર છું. સમતીર્થના જળમાં મેં એક માછલી પકડી હતી. તેના પેટમાંથી આ વીંટી મળી હતી.’

રાજ રક્ષકો માછીમારને રાજ મુદ્રાવાળી વીંટી સાથે રાજા દુષ્યંતના દરબારમાં લઈ આવ્યા.

વીંટી જોતાં જ રાજા દુષ્યંતને યાદ આવી ગયું કે કણ્વ ઋષિના આશ્રમમાં ગાંધર્વ વિવાહ બાદ આ વીંટી એણે જ શકુંતલાને આપી હતી.

શકુંતલા સમતીર્થના જળને વંદન કરતી હતી તે વખતે જ તેની આંગળી પરની વીંટી જળમાં સરકી પડી હતી, જેને એક માછલી ગળી ગઈ હતી. અને એ જ વીંટી આજે રાજા દુષ્યંત સમક્ષ હતી.

રાજા દુષ્યંતની આંખોમાં જળ ઊભરાયું. માછીમારને ઈનામ આપી મુક્ત કરાયો.

પરંતુ શકુંતલાને તો કોઈ અગ્શ્ય જ્યોતિ ઉપાડી ગઈ હતી, તો રાજા દુષ્યંત દુઃખી થઈ ગયા.

કેટલાક સમય બાદ રાજા દુષ્યંતને મારિચ ઋષિના આશ્રમ તરફ જવાનું થયું. રસ્તામાં રાજા દુષ્યંતે એક નાનકડા બાળકને બાળસિંહ સાથે રમતો જોયો.

રાજા વિસ્મય પામ્યા. એમણે જોયું તો નાનકડો બાળક સિંહના બચ્ચાની પીઠ થાબડી કહી રહ્યો હતો- ‘સિંહ, ઉઘાડ તારું મોં, મારે તારા દાંત ગણવા છે.’

બાળકની હિંમત જોઈ રાજા દુષ્યંત સ્તબ્ધ થઈ ગયા. એમણે અન્ય આશ્રમવાસીઓને પૂછયું: ‘આ બાળક કોણ છે?’

આશ્રમવાસીઓએ કહ્યું : ‘તેનું નામ સર્વદમન છે.’

રાજાએ પૂછયું : ‘આ બાળકના પિતા કોણ છે?’

આશ્રમવાસીઓએ કહ્યું : ‘પત્નીનો ત્યાગ કરનારનું નામ કોણ લે?’

રાજા દુષ્યંતને ખ્યાલ આવી ગયો કે આશ્રમવાસીઓ, પત્ની શકુંતલાનો ત્યાગ કરનાર હું, મારી જ વાત કરે છે.

એ પછી રાજાએ અંદરથી આનંદ અનુભવ્યો. આશ્રમવાસીઓ સમક્ષ શકુંતલા તેમની જ પત્ની હોવાનો એકરાર કર્યો.

શકુંતલાને બોલાવામાં આવી. રાજા દુષ્યંત અને શકુંતલાએ એકબીજાને જોયાં.

એ વખતે નાનકડા બાળક સર્વદમને માતા શકુંતલાને પૂછયું : ‘મા, આ કોણ છે?’

ત્યારે, ‘એ તારા પિતા છે’- એવું કહેવાના બદલે શકુંતલાએ એટલું જ કહ્યું- ‘તારા ભાગ્યને પૂછ, બેટા’

એટલું બોલતાં શકુંતલા રડી પડી.

શકુંતલાની આ વેદના રાજા દુષ્યંતના હૃદયને સ્પર્શી ગઈ.

છેવટે રાજા દુષ્યંત શકુંતલા અને પુત્રને લઈ ઋષિ મારિચ પાસે ગયા.

ઋષિએ અદિતીને રાજા દુષ્યંતની ઓળખ કરાવી.

ઋષિ મારિચ અને અદિતિએ રાજાને આશીર્વાદ આપ્યા.

રાજા દુષ્યંતે ઋષિને પૂછયું : ‘હું શકુંતલાને કેમ ભૂલી ગયો?’

ઋષિ મારિચે કહ્યું- ‘એ દુર્વાસા ઋષિનો શાપ હતો. દુર્વાસા કણ્વ ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા ત્યારે શકુંતલા તમારી યાદમાં મગ્ન હતી એ કારણે દુર્વાસા ઋષિએ શાપ આપ્યો હતો.’

શકુન્તલા હજુ દુઃખી હતી. તેનું મન હજુ ઉદ્વિગ્ન હતું.

ઋષિ મારિચે શકુંતલાને રાજા દુષ્યંત પ્રત્યે રોષ ના રાખવા સમજાવી.

શકુન્તલાએ ઋષિ મારિચની વાત અને શાપના સત્યને સ્વીકાર્યું. અને હવે તો બધું વ્યવસ્થિત હતું.

શકુંતલાના પાલક પિતા ઋષિ કણ્વને પણ રાજા દુષ્યંત અને શકુંતલાના પુનઃમિલનના સમાચાર આપવામાં આવ્યા.

પછી તો રથમાં બેસીને રાજા દુષ્યંત, શકુંતલા અને પુત્ર સર્વદમન તેમના રાજ્ય તરફ જવા રવાના થયા.

રાજકુમાર સર્વદમન પછી મોટો થયો. રાજા દુષ્યંતને વરદાન હતું કે તેમનો પ્રથમ પુત્ર ચક્રવર્તી લક્ષણોવાળો હશે.

એ વરદાન પણ સાચું પડયું. રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર સર્વદમન રાજગાદી પર બેઠો, તે પછી ‘રાજા ભરત’ તરીકે ઓળખાયો.

તે ચક્રવર્તી રાજા બન્યો અને એમના નામ પરથી જ આ દેશનું નામ ‘ભારત’ પડયું.

(ક્રમશ:)

આના ભાગ 1 થી 3 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)