પાંડવોના પૂર્વજો ભાગ 9 : પોતાના પુત્રોના ગયા પછી સત્યવતી હસ્તિનાપુરનો વંશ વધારવા માટે શું કરે છે? જાણો.

0
1655

આના ભાગ 1 થી 8 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો

ભાગ 8 માં આપણે જાણ્યું કે, કેવી રીતે અંબાએ ભીષ્મનો અંત કરવા માટે શિવજી પાસેથી વરદાન મેળવ્યું, આવો હવે આગળ શું થયું તે જાણીએ.

હસ્તિનાપુરની રાજમાતા સત્યવતીના નસીબમાં નહોતું, પણ તેનાં પિતાએ એ સુખ પોતાની પુત્રીને આપવા ઇચ્છેલું. એક નાનકડા માછીમાર સમુદાયના નાયક એવા દાસ, તેણે ચાહ્યું કે તેની પુત્રીના પુત્ર હસ્તિનાપુરની રાજગાદીએ બેસીને રાજ કરે. એ માટે હસ્તિનાપુરના રાજા શાંતનુ પાસે હઠ કરીને તેમનાં મોટા દીકરા દેવવ્રતનો રાજગાદી પરનો હક્ક તેણે છીનવી લીધો.

દેવવ્રત આજીવન અપરણિત રહી બ્રહ્મચર્ય પાળવાની પોતાની ભીષ્મ-પ્રતિજ્ઞાને કારણે સ્વયં ભીષ્મ તરીકે જ ઓળખાયો, અને તેણે પોતાનું બાકીનું જીવન કોઈ પણ સત્તાવાહી હોદ્દો સ્વીકાર્યા વિના જ ફક્ત સામ્રાજ્યના હિતેષુ બની તેનું રાખોપુ અને સંભાળ રાખવામાં જ વ્યતીત કરવાનું નક્કી કર્યું. પછી રાજા શાંતનુ થકી આ સત્યવતીને બે પુત્ર થયા ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. ત્યારબાદ રાજા શાંતનુ સ્વર્ગલોક સિધાવ્યા.

પરંતુ સત્યવતિના નસીબમાં પુત્રોને રાજગાદીનું લાબું સુખ હતું જ નહીં. તેનો મોટો પુત્ર ચિત્રાંગદ એક ગાંધર્વ સાથેની લ ડાઈમાં અચાનક જ દુનિયા છોડી જતો રહ્યો. પણ તે સમયે, સત્યવતીના બીજા પુત્ર વિચિત્રવીર્યની વય ઘણી નાની હોવાથી રાજ્યની ધૂરા ભીષ્મના હાથમાં ગઈ જેણે સંપૂર્ણપણે રાજ્ય કારોબાર સાંભળી લીધો, ઉપરાંત પોતાના આ નાના ભાઈ માટે કાશીનરેશની ત્રણ પુત્રીઓનું હરણ કરી લાવ્યો.

એમાંથી એક કન્યા અંબાને તો જોકે ફરી પાછી મોકલી દીધી, અને બાકીની બે કન્યાઓ અંબિકા અને અંબાલિકાના લગ્ન તેણે વિચિત્રવીર્ય સાથે કરાવી આપ્યા. સત્યવતી ખૂબ જ પ્રસન્ન હતી, પણ તેનો આ નાનો પુત્ર પણ રાજગાદીને લાંબો સમય ભોગવી ન શક્યો. લગ્ન બાદ થોડા વર્ષો માંદગીમાં વીત્યા બાદ ક્ષયરોગને કારણે તેણે અકાળે દુનિયા છોડી. બન્ને પુત્રોને ખોયા બાદ, સત્યવતી હવે ખરેખર પોતાના નસીબ પર અફસોસ કરી રહી હતી. તેનાં પિતાએ જે મહત્વાકાંક્ષાથી તેનો ખોળો ભરી આપ્યો હતો, એ તો જાણે કે શાપિત પુરવાર થતો જણાયો.

પોતે એક તો વિધવા, ઉપરાંત તેની બે વિધવા પુત્રવધુઓની સંભાળ રાખવાની ય તેની જ જવાબદારી થઈ ગઈ. રાજ્યનો કારોબાર તેનો ઓરમાન પુત્ર ભીષ્મ સંભાળતો હતો, જે તેનાં પિતા, માછીમાર દાસને એક સમયે બિલકુલ મંજુર નહોતું. સત્યવતી હવે પોતાને ફક્ત કહેવાની જ રાજમાતા સમજતી હતી કે જેનું વર્ચસ્વ રાજ્યમાં નહીંવત જ બચ્યું હતું. તેની બબ્બે વિધવા પુત્રવધુઓ પણ પોતાનાં નસીબને રડી રહી હતી.

કાશીનરેશ, કે જેઓ પોતાની મોટી પુત્રી અંબાના અકાળે દુનિયા માંથી વિદાય લેવા માટે ભીષ્મને દોષી ગણી રહ્યા હતા, તેઓ હવે પોતાની બીજી બે પુત્રીઓના નિઃસંતાન વૈધવ્ય માટે પણ તેને જ કારણભૂત માની રહ્યા હતા. જો આ બન્નેનું હરણ કરીને તેમના લગ્ન ન કરી દીધા હોત, તો એ બન્ને કન્યાઓ અન્ય રાજાઓને પરણી જુદે જુદે રાજ્યે સુખ પામી હોત.

વિધવા નિઃસંતાન પુત્રીઓને સાસરે રાખવાનો કોઈ અર્થ ન જાણી તેઓએ બન્ને પુત્રીઓને પાછી મોકલી આપવા વિનંતી કરતું કહેણ મોકલ્યું. સત્યવતિ માટે આ એક મોટા આંચકા સમાન હતું. તે એક ખૂબ જ વિચક્ષણ મહત્વાકાંક્ષી સ્ત્રી હતી. તે જાણતી હતી કે પુત્રીઓ હસ્તિનાપુરમાં રહેશે ત્યાં સુધી જ કાશીનરેશ પારિવારિક સંબંધો જાળવી રાખશે. પણ પછી, સંબંધો લગભગ પુરા જ થઈ જતાં હસ્તિનાપુરનું એક મિત્ર-રાજ્ય ઓછું થઈ શકે એમ હતું.

ઉપરાંત પુત્રો ગયા અને હવે પુત્રવધુઓ પણ એકવાર ચાલી જાય તો ભીષ્મ ભલે આજીવન રાજ્ય કારોબાર અને સુરક્ષા સાંભળે, પણ તેની પોતાની મહત્તા શું? ઉપરાંત ગાદીવારસ ન હોવાથી હસ્તિનાપુરનું ભવિષ્ય શું? પુત્રવધુઓ હશે તો પૌત્રજન્મની આશા ય રહેશે. પણ પુત્ર વિના વારસ આવશે ક્યાંથી?

સત્યવતી વિચારવા લાગી, રાજકીય મહત્તા નજર સામે રાખીને જ એ વિચાર કરી રહી હતી. એક આર્ય-નારી માટે અશોભનીય ગણાય એવો નિર્ણય લેવામાં એનું સ્ત્રીત્વ આડું તો આવ્યું, પણ આખરે રાજ્યહિત સામે એ સ્ત્રીત્વ નબળું પડ્યું.

તેણે પોતાના ઓરમાન પુત્ર ભીષ્મને બોલાવ્યો અને ગાદી-વરસ તેમ જ રાજ્યના ભવિષ્યને મધ્યમાં રાખીને તેને પોતાનાં મનની વાત કરી, જે સાંભળીને ભીષ્મ ચોંકી ઉઠ્યો.

‘આ શું બોલ્યા માતા, હું એ બન્ને રાણીઓ થકી ગાદીવારસ ઉત્પન્ન કરું એ શક્ય જ નથી.”

“શક્ય તો છે જ. મારે કારણે જ તો પુત્ર, તમે એક પ્રતિજ્ઞા લીધી છે જે તમારે આડે આવી રહી છે, પણ હવે હું જ એ ભંગ કરાવું છું તો એનું પાપ જે પણ લાગશે તે મને જ લાગશે. ઉપરાંત, એનું જે પણ પ્રાયશ્ચિત હશે તે હું કરવા તૈયાર છું.”

“પણ માતા..”

“રહી વાત તમારા પૌરુષહીન હોવાની, તો હું એ ભલીભાંતી જાણું છું કે તે ફક્ત એક અફવા જ હતી અને હજુય એ એક ગેરસમજણ જ છે. જેટલી તમારી પ્રતિજ્ઞા સાચી એટલી જ ખોટી વાત તમારા નપુંસક બનવાની છે. રાજવૈદોની આખી સેનામાંથી કોઈએ એ તમારી એ ક્રિયાની વાતની પુષ્ટિ નથી કરી”

“અસત્યનો સહારો મેં કોઈ દિવસ નથી લીધો માતા. ક્રિયા વિના પણ યૌગિક બળ વડે એ ક્ષમતાને કુંઠિત કરી જ શકાય છે, જેમાં કોઈ વૈદની જરૂર નથી પડતી.”

“યોગવિદ્યા વડે જે કુંઠિત કરી શકાય એ તો યોગબળે જ ખૂબ સરળતાથી પુનઃ યથાવત સ્થિતિમાં ય લાવી શકાય. તમારી પૌરુષીય સક્ષમતા હવે પુનઃ ગ્રહણ કરી લો પુત્ર. હું આવી સંવેદનશીલ બાબતમાં ક્યારેય ચર્ચા ન કરતે, પણ આજની પરિસ્થિતિ એક માતાને તેના પુત્ર સાથે આવો અશોભનીય વાર્તાલાપ કરવા વિવશ કરે છે.”

“ક્ષમા કરજો માતા. પણ હું આપની વાત સાથે સહમતી નથી સાધી શકતો. મેં લીધેલ પ્રતિજ્ઞા, એ કોઈ સગવડીયો ઉપક્રમ તો નહોતો જ, કે આડે-અગવડે એનો ભંગ કરી નખાય. એને લગતું પાપ આપ શિરે ધરવા તૈયાર છો, પણ એ દ્વારા થનારી પ્રતિષ્ઠા-હાનિ ખૂબ જ ભયંકર હોઈ શકે. જો એવું થાય તો આજ પછી, કોઈ પણ ક્ષત્રિયના વચનની કિંમત કોડીની ય નહીં રહે. તેની વાણી પર કોઈ વિશ્વાસ નહીં કરે. અને તે પછી આપણી પ્રતિષ્ઠાનું જે અવમૂલ્યન થશે એ સઘળા માટે આવનાર પેઢી આપણને કદાપિ ક્ષમા નહીં કરે.”

“હું ઈચ્છું છું પુત્ર, કે તમે આ બાબતે દીર્ઘ વિચાર કરો.”

“આ અત્યંત દીર્ઘ વિચાર જ છે, અને મારો નિર્ણય અફર જ છે. તો હું પ્રાર્થુ છું કે આપ મને ક્ષમા કરો, અને આ વાર્તાલાપનો અહીં જ અંત આણો. હવે હું અહીંથી પ્રસ્થાન કરવાની આજ્ઞા ચાહું છું.”

“જેવી પરમેશ્વરની ઈચ્છા. આ બાબતે મારે હવે અન્ય વિકલ્પે વિચારવું પડશે.”

“પ્રણામ માતા..!’ -કહીને ભીષ્મ કક્ષમાંથી બહાર નીકળી આવ્યા, અને સત્યવતી માટે તો મૂંઝવણ એમની એમ જ રહી, વણઉકેલી..!

(ક્રમશ:)

આના ભાગ 1 થી 8 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)