મિત્રો, હાલનો મોર્ડન જમાનો એવો છે કે, શહેરમાં રહેતા આજના 20-25 વર્ષના જુવાનીયાને તો એ પણ ખબર નહિ હોય કે કેટરર્સ વગર પણ લગ્નના જમણવાર હોય શકે છે. આજના જુવાનીયાઓએ તો કેટરર્સવાળા સાથેની મિટિંગમાં કેટરર્સનું 3-4 પાનાનું લાંબુ મેનુ કાર્ડજ જોયું હોય છે. કેટરર્સવાળા હાલમાં કઈ આઈટમ હોટ ફેવરિટ છે એ જણાવતા હોય છે, જેમાં સ્ટાર્ટરથી શરૂ કરીને ડિઝર્ટ તેમજ પાણીના જગ, મુખવાસ અને પીરસવાવાળા પણ સામેલ હોય છે. જુવાનીયાઓને તો વાડીમાં જતા જમણવારની કલ્પનાજ ન આવે છે.
આજે મેં મારા દીકરાને તે વખતની વાત જણાવતા કહ્યું, જ્યારે અમે કોલેજમાં ભણતા હતા ત્યારે ભણવા સિવાયની પણ ઘણી ફરજો અમારે નિભાવવી પડતી હતી. જેમાં ઘરના કામ, સગા સંબંધી ઘરે આવે તો એમના કામ, કોઈ લગ્ન પ્રસંગ કે મરણ પ્રસંગ હોય તો એ બધા કામમાં પણ જવાનું આવતું હતું. હવે આ લગ્ન કે જમણવાર આવે એટલે ખાલી ડી.જે.ના ડાન્સની કે ફક્ત કપડાંની ચિંતા ન રહેતી. પણ કોના ઘરે લગ્નમાં જવાનું છે, કેટલા માણસોનો પ્રસંગ હશે, કેટલા દિવસનો જમણવાર આ બધી ચિંતા કાંઈ ખાલી વરરાજાને જ હોય પણ તેના મિત્રો અને નજીકના સગા કે પડોશીઓને પણ હોય.
આ સાંભળી મને દીકરાએ પૂછ્યું કે, આ બધાને ચિંતા કેમ? પછી મેં કહ્યું કે, જો 1500-2000 માણસોનું રસોડું હોય તો વધારે ચિંતા, કેમકે બધાને જાતે વાંકા વળીને પીરસવાનું. બધા જમીને ઉભા થાય ત્યારે બેસીને જમી ન શકીએ એવી કમર દુ:ખતી હોય. લગ્નના આગળના દીવસે વાડીએ જવાનું. જઈને લાઈટનું મીટર રિડિંગ લેવાનું, પછી થાળી, વાટકા, ચમચી આ બધું ગણી ગણીને વાડી મેનેજર પાસેથી કઢાવવાનું, અને લગ્નમાં 1500 થી 2000 લોકોને વાંકા વળી વળીને પીરસ્યું હોય પછી બધા જમીને જાય એટલે પાછા આ વાટકા, ચમચી બધું ગણીને હિસાબ કરાવી દેવાનો. એમાં ખોવાયેલા ચમચી, વાટકા કે ગ્લાસ મેનેજરને ગણાવી દેનારને આજના સી.એ કરતા માનથી જોતા.
આગળના દિવસે થાળી, વાટકા કઢાવ્યા પછી રસોયાનો સામાન કઢાવવાનો. એમાં જો ઊંધિયું બનાવવાનું હોય તો વધારે ઉપાધિ. બધા મિત્રો ને સગા વ્હાલા શાક સમારવા બેસી જાય. હવે તેમાં પાછું એવું હોય કે, જે સગા હોય એ વ્હાલા ન હોય અને વ્હાલા હોય એ સગા ન હોય. એ બધા સાથે બેસીને મોડી રાત સુધી ઊંધીયાનું શાક સુધારે તો આંગળા દુઃખી જાય પણ શાક ન ખૂટે. અહીં ઇમરાનખાનથી લઈને ઇન્દિરા સુધીની વાતો થતી. રોનાલ્ડ રેગનથી લઈને ઢોલામારુ (ગુજરાતી સિનેમા હતું) સુધીની વાતો થતી. છાપા અમુક લોકો વાંચતા અને અમુક તો મોઢે કરીને આવ્યા હોય એવી ચર્ચા કરે.
આ સમયે બધાજ લોકો સાથે બેસે, પછી શ્રીમંત હોય કે ગરીબ બધા જ કુંડાળું વળીને બેસે. સમાનતાનો સિદ્ધાંત કોઈ સંપ્રદાયે ભણાવ્યા વગર પણ આવડતો. કેમકે બધાને ઘરે પ્રસંગ તો આવવાનો જ હોય એટલે શરમે-ધરમે પણ કરમે જે સગા લખાય હોય ત્યાં જઈને તો ઉભા રહેવું જ પડે. એમાં એકાદો સગો મોઢું ફુલાવીને ત્રણ બાજુથી તરડાયા કરે એટલે બધા સમજી જાય કે આ ફૂંગરાયેલા ફુવા લાગે છે. અને આવો એક બીજો નંગ હોય કે જેને માન મળે એવી કોઈ લાયકાત ન હોય છતાં તેને માન મળતુ હોય તો નક્કી એ જમાઈ હશે એમ સમજી જાય. આમ સગાના તેવર જોઈને તેની પોસ્ટ બધા સમજી જતા.
એટલું જ નહિ એ સમયે મીઠાઈ પણ રસોયાજ બનાવતાં, એટલે મીઠાઈને સાચવવા માટે વાડીમાં જ રાત રોકાવું પડતું, કારણ કે મીઠાઈની આખે આખી ચોકીઓ ચોરાઈ જતી. આ વાત ચાલતી હતી ત્યાં દીકરીને રસ પડ્યો એટલે મને પૂછ્યું કે, મીઠાઈ તે વળી કોઈ ચોરી કરી જાય? મેં કહ્યું હા રાત્રે મીઠાઈના રૂમમાં સૂવું પડતું કે જાગવું પડતું. ફરી વાતો આગળ ચાલી. જો લગ્નમાં મિત્રના લગ્નની સાથે બેનના લગ્ન હોય તો જાન આવે એટલે જાનની આગતા-સ્વાગતા કરવાની એટલે કામમાં વિશેષ વધારો. આ બધાજ કામમાં પાછી ટીખળી ટોળીઓની ટીખળ તો ચાલુ હોય જ. ઘણા જાનમાં વધારે પડતી વાઈડાઈ કરતા હોય તો સરબતના ગ્લાસ સાથે એની નજીક પહોંચે ત્યારે જ ઠેબુ વાગેને સરબત તેના પર ઢોળાઈ જાય. આ અભિનય તો એવો અદ્દભુત કરે કે અમિતાભ જુવે તો એય મોળો પડી જાય.
હવે આવ્યું મુખ્ય કામ એટલે કે પંગત. તેમાં જમવા માટે બધાને લાઈનમાં બેસાડવામાં આવતા. અમુક જગ્યાએ બેસવા પાટલા રાખતા તો અમુક જગ્યાએ પાથરણાના લાલ પટ્ટા. જો 1200-1500 માણસોનું રસોડું હોય, તો એક સાથે લાઈનમાં 50-100 લોકોને બેસાડે એવી ચારથી પાંચ લાઇન થાય. એક સાથે 200-400 લોકો જમે. પીરસવાવાળા જેટલી આઈટમ હોય એટલા અથવા તો તેનાથી ડબલ સંખ્યામાં હોય. આ ટીમનું સંચાલન કરવા એક અનુભવી વ્યક્તિ રસોડે હોય જે આ બધુજ મેનેજમેન્ટ કરે.
પંગતમાં જે વ્યક્તિએ પીરસવા માટે દાળ લીધી હોય તેને સૂચના અપાતી કે તારે છેક સુધી દાળ જ પીરસવાની. અને આવું દરેક આઈટમ વાળાએ ધ્યાન રાખવાનું હોય. જમણવાર શરૂ થાય પછી યજમાન પોતે મીઠાઈની થાળી લઈને તાણ કરવા નીકળે. મારા દીકરાએ પૂછ્યું કે, તાણ કરવા એટલે શું? મેં કહ્યું આગ્રહ કરીને પરાણે તેના મોઢામાં યજમાન પોતે મીઠાઈ મૂકે. હવે તેણે તો અત્યાર સુધી બુફેમાં જ જમણ લીધું હોય એટલે આગ્રહ શું ને તાણ શું તે તેને ખબર જ ન હોય.
હવે અમુક સગા રાહ જોઈને બેઠા હોય કે એકાદ બે આઈટમ ખૂટે કે ખલાસ થાય તો મજા આવી જાય. અમુક તો એવો પ્રયત્ન પણ કરતા કે જરૂર ન હોય તો પણ વધારે પીરસીને આઈટમની તાણ ઉભી થાય. આવા લોકો જેના ઘરે પ્રસંગ હોય તેને માનસિક તણાવ ઉભો થાય એનો વિકૃત આંનદ માણે. અને ભગવાને આવા ઉત્તમ સગા લગભગ દરેક કુટુંબને એકાદ બે તો આપ્યા જ હોય. છતાં રસોડે અનુભવી વ્યક્તિ હોય એ અમુક મીઠાઈને કોઈને ખબર ન પડે એમ એક તરફ મુકાવી દે. જ્યારે ઇમરજન્સી ઉભી થાય ત્યારે એ મીઠાઈ લઈ આવે અને પ્રસંગની ગરીમા સાચવી લે. આવા ઠરેલ વ્યક્તિને લોકો તેમના રસોડાના મેનેજમેન્ટ માટે જ ખાસ આમંત્રણ આપે. કોઈ પણ જમણવાર હેમખેમ પૂરો થાય એટલે યજમાન માનતા પણ રાખતા.
એટલું જ નહિ એક એવી પ્રથા પણ હતી કે, પંગત જમી લેવા આવે ત્યારે એક વ્યક્તિ ખાલી થાળી લઇને નીકળતી અને બોલે સંક્રાંત ..સંક્રાંત… એટલે કે જેમના ભાણામાં કોઈ મીઠાઈ કે ફરસાણ વધ્યું હોય એ તેમાં પાછું મૂકી દેવાનું. તે વસ્તુ જમણવાર પૂરો થઈ જાય પછી ઉકરડામાં ન નાખતા કોઈ ગરીબને આપી દેવામાં આવતું. જમણવાર પૂરો થાય ત્યારે આગળના દિવસની સાંજથી વાસણ કઢાવવાથી જમણવાર પછી ધોયેલા વાસણ ગણીને પાછા મુકવાવાળા આ જુવાનીયા જ સૌથી વધુ થાક્યા હોય. કામમાં પણ તેઓ મોજ ને આંનદ કરતા. એમને આ કામ કે બોજ લાગતો જ નહીં. એમને આ પોતાનો જ પ્રસંગ લાગતો અને એટલે જ એ મોજ ને આંનદ કરી શકતા.
આ રીતે મેં મારા બન્ને બાળકોને આ બુફેના જમણવાર સાથે એ સમયના જમણવારની સફર કરાવી તો એમને પણ મોજ આવી ગઈ. સોશિયલ મીડિયાના સૌજન્યથી.
સોશિયલ મીડિયા પોસ્ટનું સંપાદન.