“પનિહારી” : દેવાયત ભમ્મરની આ સ્ટોરી માં તમને દેશ પ્રેમની અનોખી ઝલક જોવા મળશે.

0
470

હરખો આમતો ગામનો ઉતાર કહીં શકાય એ ટાઈપના બધા જ લખણ ધરાવે,,, આમ તો એનું નામ હરસુખ પણ લગભગ લોકો એ નામ ભુલી ગયાં એવો અળવિતરો,

સુખ નો લેવા દે ગામને એવો..હો..

એક સારું લક્ષણ ક્યોં કે ખરાબ એને ભેરુ જાજા,,

ટણક ટોળી આખો’દી ગામની શેરીયું ઊંચી લીધાં કરે,,

ને પાણીશેરડે પનિહારીયુંનાં ઉજળા બેડાનાં વખાણ કર્યા કરે,

હરખો જાજા હરખ વગર બાપાના બળે કે બીકે બારમૂ પાસ કરી આવ્યો,,,

આમ લોઠકો બવ ગામનાં પાતાળિયા કુવામાં કોઈ ગોરા હાથવાળી પનિહારીનું સિંચણ તૂટે તો ડોલ કાઢવા કુવામાં પેલો પહેરે લૂગડે ઇ જ ખાબકે,
આવો હરખો વળી બોર્ડર ફિલ્મ જોયા પછી લશ્કરમાં સૈનિક થવાનું સપનું સંઘરી બેહી ગયો,,

એનું શેરીયુંમાં ભાટકવાનું ઓછું થઈ ગયું,,પનિહારીયું પણ નવાઈ પામી,, હરખો હવે શરીર કસવાના કામમાં લાગ્યો,,સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી,, એમ હરખો પાંચ ને બદલે સાત ઈંચ છાતી ફુલાવવાં લાગ્યો,,

હાં હરખો સૈનિકની પરીક્ષામાં પાસ થઈ ગયો, તાલીમમાં જતી વખતે એની માંયે હરખનાં આંસુ સાથે એની છાતી પર હાથ ફેરવી પછી મસ્તક ચૂંમી ઓવારણાં લીધાં..

“જુગ જુગ જીવજે મારા પેટ” એમ કહી “ન્યા આંયા જેવી બાંગરાય નો કરતો” એવી મીઠી સલાહ પણ આપી.

હરખો પણ તાલીમ દરમિયાન સરખો થઈ ગયો નવ મહિનાની તાલીમ પૂર્ણ કરી એ આર્મીકટ વાળમાં તોતિંગ તિજોરી જેવાં ટકમાં આર્મીના પોષાક સાથે ઘેર આવ્યો ત્યારે એની મા હરખમાં અડધી થઈ ગઈ રિતચર ગાલ, કપાળ માથે બચીયું ભરી ભરી નવડાવી દીધો હરખાને,,

પંદર વીસ દિવસ ઘેર રોકાયને હરખો હવે સરહદ જવા તૈયાર થયો,,સજ્જળ આંખે પણ ગૌરવ પૂર્વક વિદાય આપતાં એની માએ “ઝટ આવશે પાછો આ વખતે પાછો આવે એટલે તને સરહદમાં બાંધી દેવો છે, ડાળીયે વળગાડી દેવો સે બસ ”

એવા મા ઘેલાં વેણ કહ્યા, હરખાએ પણ શરમાતા શરમાતા માવડીને પગે લાગતાં લાગતાં છાતી પર હાથ રાખી હળવેથી કહી જ દીધું, “એ મા! ઓલી ઉજળા બેડા વાળી મૂળીનો હાથ માંગી જોજો મારા હાટુ એની મા પાંહે”

આટલું બોલી હરખો હાલી નીકળ્યો મા ભોમની સેવા કાજે, મા ના પ્રતિભાવની રાહ જોયા વીનાં.

હરખો મોરચે પહોંચ્યો અને એનો પેલો કાગળ આવ્યો એના બીજા જ દિવસે એની મા, મૂળીનો હાથ માંગવા એને ઘેર પુગી.

મૂળી ઓરડનાં ઉંમરે ઉભી ઉભી, ઓઢણાનો છેડો દાતમાં દબાવી એની મા અને હરખાની માનો સંવાદ સાંભળી રહી, હાં,, હા જ પાડી તી એની માએ, મૂળી સપનું જોતી હોઈ એમ જીભને સહેજ કચરતી રસોડામાં ચા મુકવા જતી રહીં,

હરખાની માએ એના ભાયબંધુ પાંહે હરખાં માટે એક કાગળ લખાવ્યો ને મુળીનો મલકાટ મોકલી દીધો,,

હવે તો મૂળી પણ બેડું ઘસતી જાય ને રસ્તો નિહારતી જાય,,ક્યારેક “હાથેહાથે સિંચણ તોડી નાંખું તો હરખો હમણાં ડોલ કાઢવા આવીને કુવામાં કૂદકો મારે” એવું મનમાં મનમાં વિચારીને મલકાયાં કરે, ને હરખો એકદી આવ્યો પણ ઓછો થઈ ને,, એનો એક પગ એ મા ભોમની રક્ષા કાજે સરહદે ખોડી આવેલ, એની વિરતાને વધાવવા આખું ગામ ઉંમટયું.

એ હવે ગામનો ઉતાર નહીં સૌના હૈયાનો હાર હતો, સૌ હરખાને હાર પહેરાવતા હતાં પણ એ ભીડ વચ્ચે, કાંખમાં ઘોડી લગાવી ખોંડગાતા હરખાને જોઈ મૂળીની આંખ ક્ષણભર હેબતાઈ ગઈ,,હરખાએ એની આંખ ભાળી..જાણે ચળકતા બેડાંના તેજ અકબંધ હતા,, ને વસંત પંસમીના વણ જોયેલા મુહરતમાં મૂળી અને હરખો છેડાછેડીમાં બંધાઈ ગયાં,,

પરણયાની પેલી રાતે મૂળીએ પૂછ્યું

“આ પગ કેમ કરતાં ગુમાવ્યો, એ તો કે?”

હરખાએ સાત ઇંચ છાતી ફુલાવતાં કહ્યું,

“વ્હાલી! એજ.. સૌથી પહેલા ખાબકી જવાની ટેવને લીધે,,

એ દિવસે શાતીર દુશ્મનો, સરહદે તારની વાડમાં છેદ કરી ને અમારી પોસ્ટ સુધી આવી ગયેલા, એનો ઈરાદો અમારી ચોકી ઉડાવી દેવાનો,, પણ રાતના અંધારામાં ક્ષત્રુના પગરવ મારા કાને પડ્યાં,, બીજા સાથીઓ કાંઈ સમજે એ પહેલા મેં પગરવની દિશામાં બન ડુક તાકી ફા યર કરી નાંખ્યું,, ધબાક કરતું કંઈ ઝાડ પડે એમ કોઈક પડ્યું,, ને ગીચ ઝાડીમાં ભૂંડ ભાગે એમ ઘણાં પગરવો દૂર જતા જણાયા,, મેં નાપાક પગરવોનો પીછો કર્યો,,પાછળ બીજા સાથીઓ પણ દોડ્યા.

મેં લગભગ હતી એટલી ગો રી ખાલી થઈ જાય ત્યાં લગ ફ આય રિંગ કર્યું,,, ભૂંડ જેવા દુશ્મનો અંધારાનો લાભ લઇ સરહદ વળોટી ગયા,,અને હવે સરહદ પારથી ઓથ લઈને મારા ઉપર સામેથી અંધાધુંધ ગોરી છોડવા માંડ્યા, મેં એક તોતિંગ ઝાડની આડશ લઈ લીધી,,ત્યાં પાછળ બીજા સાથી મિત્રો પણ ફા યરિંગ કરતાં આવી ગયા,,અંધારામાં સામ સામા ગોરી બારની રમઝટ બોલી.

મૂળી એકચિત્તે સાંભળી રહીં,, મૂળી અઘ્ધર શ્વાસે સાંભળી રહી,,,

હરખાએ આગળ હલાવ્યું,, લગભગ દસ બારની તો દશા બગાડી દીધી,, મને પગમાં એક ગો રી વાગી હોય એવું લાગ્યું,,પણ ઘાયલ સિંહ વધુ જનુનથી ત્રાટકે એમ,,મેં સરહદની પેલે પાર ભૂંડના ટોળા પર ત્રાટકવાનું નક્કી કર્યું,,હવે સૂરજ નારાયણએ આછું અજવાળું મોકલી આપેલ,,

મૂળીનો હાથ છાતી ઉપર ગયો,,એ હાંફતી હતી,,

હરખો આગળ હાલ્યો,,સાથીઓને કવર ફ આયર કરવાનું કહી હું દુશ્મનો જે વાડ તોડીને આવેલાં ત્યાંથી જ કોણી ને બળ સરકતો અંદર ઘૂસ્યો,,જય ભવાની,! હરહર મહાદેવ, કહીને બે ત્રણ બાકી રહી ગયેલા ક્ષત્રુઓને ધૂળ ચટાડવા લંગડાંતા પગે ઉભો થઇ ને એક ડગલું માંડું ત્યાં ભયંકર અવાજે મારા કાન બેરા કરી દીધાં,, હું પછડાયો..કદાચ છેલ્લે “ઓય મા,,એ મૂળી!” એટલું બોલાયું હશે,,પાછળથી સાથીઓએ આવી ને સૈન્ય હોસ્પિટલમાં પહોંચાડ્યો,,મુર્છા ખુલી તય અડધો પગ નહોતો મૂળી!

આટલું બોલી ને હરખાએ મૂળી સામે જોયું,, ગણપતિના બાજોઠ ઉપર ટગમગતાં દિવામાં મૂળીની આંખના પાતાળિયા કુંવામાં અગાધ જળ દેખાયા,, હરખાએ એ જળ હોઠોથી ચુમ્યા,,, ત્યાં દિપકની લો જાણે બે ઈંચ વધુ ઊંચી થઈ ને મામેરામાં આવેલ મામટનું ત્રાબાનું બેડું એ અજવાળામાં ચમકી ઉઠ્યું,,,

સવારે મૂળીના માથા પર હરખાની હેલ બની પાણી ભરવાની વાતે જાણે મલકતું.. ને મૂળી હરખાની પહોળી છાતીમાં જેમ ગાગર પાતાળિયા કુવામાં બુડબુડ અવાજ કરીને સમાય જાય એમ સમાય ગઈ.

– દેવાયત ભમ્મર.

સાભાર હિતેશ ગોજીયા આહીર, અમર કથાઓ ગ્રુપ (તસ્વીરો પ્રતિકાત્મક છે)