પાપમોચિની એકાદશીની આ કથાનું વાંચન – શ્રવણ કરવાથી ૧૦૦૦ ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે.
પાપમોચિની એકાદશી ફાગણ વદ ૧૧
ફાગણ મહિનાના વદ પક્ષની એકાદશીને પાપમોચિની એકાદશી કહે છે. 18 માર્ચ 2023, શનિવારના રોજ આ એકાદશી આવી રહી છે. ચાલો તમને તેની વ્રત કથા કહીએ.
પાપમોચિની એકાદશીનું માહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં શ્રીકૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણ ભગવાન કહે છે, હે ધર્મરાજ! આ પાપમોચિની એકાદશીનું વ્રત માધાંતા રાજાની વિનંતીથી લોમશ ઋષિએ કહ્યું હતું .તે સર્વ સિદ્ધિને આપનાર અને સર્વ સંકટોને દૂર કરી મોક્ષ આપનારું વ્રત છે. તેનું માહાત્મ્ય હું કહું છું તે સાંભળ.
વર્ષો પહેલાં દેવતાઓના ખજાનચી કુબેર પાસે કેઈત્રરથ નામે સુંદર ફૂલોનું વન હતું. જેમાં અલૌકિક વસંતની ખુશ્બુના પરિણામે વાતાવરણ ફોરમમય હતું. ગાંધર્વીઓ અને કિન્નરીઓ, સુંદર સ્વર્ગીય બાળાઓ આનંદથી વિવિધ રમતોનું રસપાન કરતી હતી. દેવાધિદેવ ઈન્દ્ર ત્યાં અવારનવાર આવતાં અને પ્રેમાલાપ કરતાં હતાં.
આ જંગલમાં મેધાવી નામે શિવભક્ત હતા તે તપશ્ચર્યા કરતાં હતાં. અપ્સરાઓ દ્વારા તેમને ખલેલ પહોંચાડવાનું કાર્ય થતું હતું. આ અપ્સરાઓ પૈકી મંજૂધોષાએ મુનિનું ધ્યાન ખેંચવા યુક્તિ કરી. મુનિના ભયથી, મંજૂધોષાએ થોડે દૂર એક કુટિર રચી અને વીણાના સ્વરથી મધુર અવાજે ગીતો ગાવાનું શરૂ કર્યું. શરીરે ચંદનનો લેપ, ફૂલોનો હાર પહેરી આકર્ષિત કરવાનું શરૂ કર્યું.
શંકર ભગવાનના દુશ્મન કામદેવને પણ જીતવાનો પ્રયત્ન કર્યો હતો. એક સમયે શંકર ભગવાને કામદેવને પણ ભસ્મિભૂત કર્યા હતા. તેથી દુશ્મનાવટને કારણે કામદેવે તે મુનિના શરીરમાં પ્રવેશી તેમને મંજૂધોષા તરફ આકર્ષિત કર્યા. મુનિ ભગવાનની ભક્તિ ભૂલી ગયા ને કામાંધ બન્યા. રાત-દિવસનું ભાન ભૂલીને તે સ્ત્રી સાથે રતિક્રીડામાં સુખ માનવા લાગ્યા, ભક્તિ છોડી દીધી.
મંજૂધોષાએ જોયું કે મુનિનું પતન થયું છે ત્યારે તેણે સ્વર્ગમાં પાછાં જવાનો વિચાર કરી, મુનિ પાસે જવાની સંમતિ માંગી. ત્યારે લંપટ મુનિએ કહ્યું, હે સુંદરી, તું રાત્રિ પસાર કરી દે, સવારે જજે. આમ કરતાં મંજૂધોષા મુનિ સાથે સત્તાવન વર્ષ, નવ માસ અને ત્રણ દિવસ રહી હોવા છતાં મુનિને તો અડધી રાત જ પસાર થઈ છે તેવું લાગ્યું.
મંજૂધોષાએ ફરીથી પરત ફરવાની અનુમતિ માંગી તો મુનિએ કહ્યું, હજુ તો સવાર પડી છે. મારી દિનચર્યા-દૈનિકક્રિયા પૂરી કરી લઉં ત્યાં સુધી રોકાઈ જા. તે સમયે મંજૂધોષાએ કહ્યું, હે મુનિ! સવારની દિનચર્યા પૂરી થતાં કેટલો સમય થશે? તમે મારી સાથે સહવાસના અનેક વર્ષો વિતાવ્યા છે. તમે સમયની કિંમત સમજો.
ત્યારે મુનિએ અપ્સરાને કહ્યું, હે સુંદરી! મેં મારાં જીવનના ૫૭ વર્ષ તારી સાથે વેડફી નાંખ્યા છે, તે મારું સર્વસ્વ લઈ લીધું છે અને મારું તપસ્વી જીવન પણ બગાડી નાંખ્યું છે. મુનિની આંખોમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા અને ધ્રૂજારી આવી ગઈ. તેમણે મંજૂધોષાને શાપ આપતા કહ્યું, તું મારી સાથે ડાકણની જેમ વર્તી છે, તેથી તું તત્કાળ ડાકણ થા. હે અધમ સ્ત્રી, તને ધિક્કાર છે.
મંજૂધોષાએ કહ્યું, હે મુનિ, તમે આ શાપ પરત લઈ લો. તમારાં સહવાસમાં ઘણા વર્ષો પસાર થયાં છે. હું માફી માંગુ છું. મારા પર દયા કરો. મુનિએ જવાબ આપ્યો, હે દેવી, હવે હું શું કરી શકું? તેં મારા તપસ્વી જીવનની બધી સંપત્તિનો નાશ કર્યો છે. છતાં શાપમાંથી મુક્ત થવાની વિધિ હું તને કહું છું. ફાગણ વદમાં આવતી પાપમોચિની એકાદશી કરવાથી બધાં પાપો નાશ પામે છે. આ વ્રત તું કર. શ્રદ્ધાપૂર્વક કરીશ તો આ પિશાચી જીવનનો નાશ થશે.
આવા આદેશ આપ્યા પછી મુનિ તેમના પિતા ચ્યવન મુનિના આશ્રમમાં આવ્યા. પિતાએ તેમના પતિત પુત્રને જોયો, ખૂબ જ દુઃખી થયા અને કહ્યું કે, હે દીકરા, તેં આ શું કર્યુ? તારી જાતે તારું પતન કર્યું? અસામાન્ય સ્ત્રી સાથે તારાં તપસ્વી જીવનને તેં બરબાદ કર્યું છે. મુનિએ કહ્યું, હે પિતાશ્રી, અપ્સરાના સહવાસમાં મોટું પાપ થયું છે. પાપમાંથી પ્રાયશ્ચિત્ત કરવાનો રસ્તો બતાવો. ચ્યવન ઋષિએ કહ્યું, ફાગણ વદમાં આવતી પાપમોચિની એકાદશી કરવાથી બધાં પાપોનો ક્ષય થાય છે. પાપો બળીને નાશ પામે છે.
મેધાવી મુનિએ આ એકાદશીનું સફળ વ્રત કર્યું અને પવિત્ર બન્યા. મંજૂધોષા પણ આ એકાદશી કરવાથી પાપમુક્ત બની સ્વર્ગમાં ગઈ. આ એકાદશીનું વ્રત કરવાથી બધા પાપો નિર્મૂળ થાય છે. આ કથાનું વાંચન – શ્રવણ કરવાથી ૧૦૦૦ ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે. આ એકાદશી કરવાથી બ્રાહ્મણની હત્યા, ગર્ભપાત, મદ્યપાન, ગુરુપત્નીના સહગમનથી લાગતા પાપો વગેરેમાંથી પણ મુક્તિ મળે છે તેથી સમાજની દરેક વ્યક્તિએ આ પાપમોચિની એકાદશીનું વ્રત કરવું જ જોઈએ.
પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના :
બ્રહ્મથી જીવ વિખૂટો પડે એટલે જીવમાં સત્ અને ચિત્તના ગુણો રહે છે. દેહાધ્યાસ, ઈન્દ્રિયાધ્યાસ, પ્રાણાઘ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપાધ્યાસ આ પાંચપર્વા અવિદ્યાને લઈને જીવ સંસારની મમતામાં ફસાઈ જાય છે. જીવનું અંતિમ લક્ષ્ય પ્રભુની પ્રાપ્તિ-આનંદની પ્રાપ્તિ છે. શ્રીમહાપ્રભુજીનું ભૂતલ પર પ્રાગટ્ય એ અવિદ્યાને લઈને સંસારની મમતામાં ફસાયેલા જીવોના ઉદ્ધાર માટે થયું હોવાથી બ્રહ્મસંબંધ દ્વારા જીવનો બ્રહ્મ સાથેનો પુનઃસંબંધ સ્થાપિત થયો.
પ્રભુસેવા, પ્રભુનુંનામ, સ્મરણ, સંકીર્તન, કથામૃત, વચનામૃત, સત્સંગ, ધર્મગ્રંથોનું વાંચન, ગુરુનું શરણ વગેરેથી જ્યારે પ્રભુમાં જીવનું ચિત્ત લાગે ત્યારે જ મનની શાંતિનો અનુભવ થાય છે. લૌક્કિ અને પાપકર્મોમાંથી મુક્તિ મળે છે. તેથી જ પુષ્ટિમાર્ગમાં આ એકાદશીને પાપમોચિની એકાદશી કહી છે.
જેવી રીતે ગંગાજીના ત્રણ સ્વરૂપો છે – આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક અને આધ્યાત્મિક ગંગા નદીમાં સ્નાન કરે તો સમગ્ર જન્મોજન્મના પાપો ધોવાઈ જાય છે, નાશ પામે છે, તેવી રીતે પુષ્ટિમાર્ગ રૂપી ગંગામાં સ્નાન કરવાથી, પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરવાથી, જીવની પ્રેમ-આસક્તિ વધે છે અને પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે.
મર્યાદામાર્ગીય ભાવના :
ભવિષ્ય પુરાણમાં લોમેશ ઋષિએ માધાંતા રાજાને પાપમોચિની એકાદશીનો વ્રત મહિમા કહ્યો છે. પૂર્વે ચ્યવન ઋષિના પુત્ર મેઘાવીનું તપોભંગ મંજૂઘોષા નામની અપ્સરા દ્વારા થયું હતું. આથી વિધિપૂર્વક આ એકાદશીના વ્રતથી પોતાના પાપકૃત્યોનું પ્રાયશ્ચિત કરીને મુક્ત થયા હતા. આથી જ આ એકાદશી પાપમોચિની એકાદશી તરીકે પ્રસિદ્ધ થઈ છે.
ઇતિ શ્રી સ્કંદ પુરાણે ફાગણ કૃષ્ણ પક્ષની પાપમોચિની એકાદશીનું વર્ણન અહીં સંપન્ન થાય છે.