દીકરાએ આપેલા પૈસાથી માં-બાપ બારધામની યાત્રા કરી આવ્યાં, જાણો એ બારધામ કોને કહ્યા છે.

0
1039

ડેડી, આજે બે લાખ રૂપિયા તમારી બેંકમાં ટ્રાન્સફર કર્યા છે. દસ દિવસ પછી ફાધર્સ ડે આવે છે. આપણા જાણીતા ટુરવાળા મનુભાઈને મળીને ચારધામની યાત્રાએ જઈ આવજો. મમ્મીને આ યાત્રા કરવાની બહુ જ ઈચ્છા છે. એકદમ આરામથી યાત્રાનું આયોજન કરજો. પૈસાની ચિંતા કરતાં નહીં. મમ્મીને બહુ જ ગમશે અને મને પણ આનંદ થશે.’ ફોન પર દીકરા ભરતને જવાબ આપતાં અનંતરાયએ કહ્યું “સારું દીકરા, હું આજે જ જઈ આવીશ અને બધું નક્કી થતાં તને ફોન કરીશ. તબિયત સાચવજે.

ફોન મૂકીને અનંતરાય વિચારે ચઢી ગયાં – આજના જમાનામાં આવા સંસ્કારી દીકરા ક્યાં મળે? સાચે જ અમે બહુ ભાગ્યશાળી છીએ. ભરત અમેરિકા રહીને પણ અમારું કેટલું ધ્યાન રાખે છે. ત્યાં જ એમની નજર દીવાલ પર રહેલી એમનાં પિતાની તસ્વીર પર પડી. બાપુની તસ્વીર જોતાં જોતાં એમની આંખ ભીની થઈ ગઈ. બાપુ એક સામાન્ય ખેડૂત હતાં પણ મારાં ભવિષ્યને ઉજ્જવળ બનાવવા મને શહેરમાં મોકલ્યો.

ખેતરમાં કાળી મજુરી કરીને અને પેટે પાટા બાંધીને મને ભણાવ્યો. પણ હું કેટલો કમનસીબ કે ભણી ગણીને જ્યારે મારાં બાપુનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે જ અચાનક બાપુ સ્વર્ગે સિધાવી ગયાં. હું એમની કોઈ જ સેવા કરી શક્યો નહીં. બાપુને શેષ જીવન એક રાજાની જેમ જીવાડવાની મારી ઈચ્છા અધૂરી જ રહી ગઈ. શું મારાં નસીબમાં પિતૃઋણ અદા કરવાનું નહિ લખાયું હોય?

ત્યાં જ મનમાં એક વિચાર આવ્યો. વૃદ્ધાશ્રમમાં જીવન વ્યતીત કરતાં અનેક વૃદ્ધ પિતાઓ ફાધર્સ ડે નાં દિવસે એમનાં દીકરાની યાદમાં ટળવળતાં હશે. એમનાં દીકરાઓની રાહ જોઈ જોઈને એમની નિસ્તેજ થતી આંખો ભીની થઈ જતી હશે. ચાલ, એ વૃદ્ધો માટે હું પુત્ર બનીને જાઉં. એમનાં જીવનની જે જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે તે પૂરી કરવાની કોશિષ કરું. આ બે લાખ રૂપિયાથી વધુ નહીં તો એક વૃદ્ધાશ્રમના વૃદ્ધોનું જીવન જીવંતતાથી ભરી દઉં. ખેર! ભરતની મમ્મીની મંજૂરી લેવી જરૂરી છે. એને પૂંછી તો જોઉં.

અને એમણે બૂમ પાડી “સાંભળો છો? આ ભરતે બે લાખ રૂપિયા ચાર ધામની યાત્રા માટે મોકલાવ્યા છે. પણ મારી ઈચ્છા છે કે આ રૂપિયા આપણે વૃદ્ધાશ્રમનાં વૃદ્ધોની અધૂરી મનોકામના પૂરી કરવાં માટે વાપરીએ. જો તારી ઈચ્છા ન હોય તો હું મનુભાઈને મળીને ચારધામની યાત્રાનું નક્કી કરી લઉં. ભરતની ઈચ્છા ખાસ તને જાત્રા કરાવવાની છે.”

આ સાંભળતા જ જયાબેન બોલી ઉઠ્યા “તમે ય શું? આવાં નેક કામમાં તે વળી પૂછવાનું હોય? એ વૃદ્ધ પુણ્યશાળી જીવોની જે ઈચ્છાઓ હશે તે તો પૂરી કરશું જ પણ હજુ ત્યાં જવાને થોડાં દિવસ બાકી છે તો હું એ લોકો માટે મીઠાઈ અને નમકીન બનાવી લઉં. ઘરનું ખાવાનું મળતાં એમની આંતરડીને શાતા વળશે.”

‘ફાધર્સ ડે’ વૃદ્ધાશ્રમમાં મનાવી, એ લોકોમાં અસીમ પ્રેમ વહેંચી અને એમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનું આયોજન કરી રાતે ઘરે પાછાં ફરીને એમણે ભરતને બધી વાત જણાવી. મનમાં હતું કે ભરત આ રીતે રૂપિયા વાપરી નાખવાથી નારાજ થશે પણ ભરતે તો રાજી થતાં કહ્યું “ડેડી, તમે અને મમ્મી તો ચારધામ નહીં પણ બારધામની યાત્રા કરી આવ્યાં. મને બહુ જ ગમ્યું. હાં ! આવતાં વર્ષે હું ભારત આવીશ ત્યારે આપણે સાથે ચારધામ અને બારધામની યાત્રા કરીશું.” વાતાવરણ સંસ્કારોની સુવાસથી મહેંકી ઉઠ્યું.

– રોહિત ખીમચંદ કાપડિયા

(સાભાર રેનુ તમાકુવાલા, અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે)