ભાગવત રહસ્ય 146: પરીક્ષિત રાજાએ પૂછ્યું એવો ઉપાય બતાવો કે વા સના જ ન રહે, જાણો શુકદેવજીનો જવાબ.

0
883

ભાગવત રહસ્ય – ૧૪૬

સ્કંધ – ૬

નરકોના વર્ણન સાંભળી પરીક્ષિત રાજા પૂછે છે : મહારાજ, આવા નરકોમાં ના જવું પડે તેવો કોઈ ઉપાય બતાવો. આપે પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મની કથા સંભળાવી. પણ આ નરકલોકનાં વર્ણન ભયજનક છે. ત્યાં જવાનો પ્રસંગ જ ન આવે તે માટે શું કરવું જોઈએ?

શુકદેવજી વર્ણન કરે છે : રાજન, પાપ કરવાથી મનુષ્ય નરકમાં પડે છે. પાપ કરવું એ સાધારણ ગુનો છે, પરંતુ કરેલું પાપ કબૂલ ન કરે તે મોટો ગૂનો છે. કદાચ ભૂલથી પણ પાપ થઇ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું.

એક એક પાપનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં બતાવેલ છે. તે પાપનું વિધિથી પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપનો નાશ થાય છે. પણ પ્રાયશ્ચિત કર્યા પછી ફરીથી પાપ થવું ન જોઈએ. નહિતર પ્રાયશ્ચિતનો કોઈ અર્થ નથી.

રાજાએ પૂછ્યું : વિધિપૂર્વક પાપના પ્રાયશ્ચિતથી પાપનો નાશ થાય છે, પણ પાપ કરવાની વા સનાનો નાશ થતો નથી. એવો ઉપાય બતાવો કે પાપ કરવાની વા સના જ ન રહે.

શુકદેવજી કહે છે : વા સના અજ્ઞાનમાંથી જાગે છે. અજ્ઞાનનો નાશ ન થાય ત્યાં સુધી વા સનાનો નાશ થતો નથી. અજ્ઞાનનો નાશ, જ્ઞાનથી થાય છે. માટે વા સનાનો નાશ કરવો હોય તો જ્ઞાનને સતત ટકાવી રાખો.

જ્ઞાનને ટકાવી રાખવા, જ્ઞાનમાં સ્થિર રહેવા પરમાત્માના નામ સાથે પ્રીતિ કરવી પડે છે. અજ્ઞાનનો નાશ કરવા એક સરસ ઉપાય બતાવેલો છે કે, તમારા પ્રાણને પરમાત્માને અર્પણ કરો. પરમાત્માને જે પ્રાણ અર્પણ કરે તેને પાપ કરવાની ઈચ્છા થતી નથી, તેનો અહંકાર નષ્ટ થાય છે, અજ્ઞાનનો નાશ થાય છે.

બીજા ઉપાયોમાં તપ (મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા), બ્રહ્મચર્ય, શમ (મનના નિયમ), દમ (બાહ્ય ઇન્દ્રિયોના નિયમ), મનની સ્થિરતા, દાન, શૌચ, યમ, નિયમ વડે પણ પાપની વા સનાનો નાશ થાય છે. પણ પાપી મનુષ્ય ભક્તિથી જેવો પવિત્ર થાય છે, તેવો શમ, દમ, તપ વગેરેથી થતો નથી. પરમાત્માથી જે વિમુખ છે તે પાપ કરે છે, પરમાત્માનું જે સ્મરણ કરે છે, તેના હાથે પાપ થતું નથી.

રાજા, તારા પ્રાણ ભગવાનને અર્પણ કર એટલે વા સના જશે. અને પાપ થશે નહિ. પ્રાણ અર્પણ કરવા એટલેકે શ્વાસે શ્વાસે (પ્રતિ શ્વાસે) પરમાત્માના નામનો જપ કરવો. ઈશ્વરનું અનુસંધાન દરેક કાર્યમાં રાખવું. લોભી જેમ પ્રતિ શ્વાસે દ્રવ્યનું ચિંતન કરે છે, તેમ પરમાત્માનું ચિંતન કરવાનું છે.

છઠ્ઠા સ્કંધમાં ત્રણ પ્રકરણો છે,

(૧) ધ્યાન પ્રકરણ – ચૌદ અધ્યાયોમાં ધ્યાન પ્રકરણનું વર્ણન છે. ચૌદ અધ્યાયોનો અર્થ છે કે પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચૌદને પરમાત્મામાં પરોવી રાખે તો ધ્યાન સિદ્ધ થાય છે.

(૨) અર્ચન પ્રકરણ – બે અધ્યાયમાં સ્થૂળ અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન કર્યું.

(૩) નામ પ્રકરણ – ત્રણ અધ્યાયોમાં ગુણ સંકીર્તન અને નામ સંકીર્તન.

જ્ઞાનમાર્ગી હોય કે ભક્તિમાર્ગી હોય, ઈશ્વરનું ધ્યાન કર્યા વગર ચાલતું નથી. કોઈ પણ ‘એક’ માં મન સ્થિર થાય તો મનની શક્તિ વધે છે. ત્રણ સાધનો ધ્યાન, અર્ચન અને નામ બતાવ્યા છે.

આ ત્રણ સાધનથી ભક્તિ દૃઢ થાય છે. આ ત્રણ સાધન ન થાય તો કંઈ વાંધો નહિ પણ આમાંના ‘એક’ સાધનને તો પકડી જ રાખો. તેમાં દૃઢ નિષ્ઠા રાખો. કોઈ પણ સાધન વગર સિદ્ધી પ્રાપ્ત થતી નથી. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરીને તે ધ્યેયને સિદ્ધ કરવા ગમતું ‘સાધન’ કરવું જરૂરી છે.

આ કળિકાળમાં કાંઇ થઇ શકતું નથી તેથી નામ સ્મરણનો આશરો લેવો થોડો સહેલો છે. અત્યારે સમય એવો આવ્યો છે-કે-યોગથી, જ્ઞાનથી મુક્તિ મેળવવી કઠણ છે. એટલે કલિકાળમાં નામસેવા પ્રધાન બતાવી છે. સ્વરૂપ સેવા ઉત્તમ છે પણ તેમાં પવિત્રતાની જરૂર છે. કલિયુગનો માણસ એવી પવિત્રતા રાખી શકતો નથી. તેથી કળિયુગમાં નામ સેવા પ્રધાન છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)