પરિવારમાં વહુની ભૂમિકા : દરેક માં-બાપ અને દીકરા-દીકરી આ વાત સમજશે તો સાસુ વહુના વિવાદ ઓછા થશે.

0
1931

મેં જોયું છે કે ટીવી સિરિયલોમાં સાસુ-વહુની છબી હંમેશા નેગેટિવ બતાવવામાં આવે છે, અને વહુને બલિદાનની મૂર્તિ તરીકે દર્શાવવામાં આવે છે, જે દરેક જુ-લમ સહન કરે છે. પરંતુ આજે વસ્તુઓ બદલાઈ રહી છે. મેં એવા ઘણા પરિવારો જોયા છે જ્યાં વહુ વિલનની ભૂમિકા ભજવી રહી છે. ઘણી છોકરીઓ એ વિચારીને ઘરમાં પ્રવેશે છે કે, તેમનો સંબંધ ફક્ત તેમના પતિ સાથે જ છે. અને કોઈક રીતે તેઓએ તેમના પરિવાર સાથેના તેમના પતિના જોડાણને ઘટાડવું અથવા દૂર કરવું પડશે, જેથી તેઓ પોતાનું સ્વતંત્ર સંસાર સ્થાપિત કરી શકે જ્યાં કોઈ દખલગીરી ના કરે.

આઝાદીનો આ વિચાર ખૂબ જ આકર્ષક છે, પરંતુ આ આઝાદી તમને એ ખુશી ક્યારેય નહીં આપી શકે જે સમગ્ર પરિવાર સાથે રહેતા હોય ત્યારે મળી શકે છે. તેની સાથે જ પરિવાર જ મુશ્કેલીઓમાંથી પણ બહાર લાવી શકે છે. વર્કિંગ વુમન માટે ફેમિલી સપોર્ટ પણ વધુ જરૂરી છે.

જે છોકરીઓ ઘર તોડવાને બદલે ઘરને જોડવાના વિચાર સાથે ઘરમાં આવે છે, તેઓ પતિની સાથે-સાથે પરિવારના દરેક સભ્ય સાથે જોડાઈ જાય છે અને પોતાની સાથે ઘરના દરેક સભ્યનું જીવન સુખમય બનાવે છે. અને આ માટે તમારે બલિદાનની મૂર્તિ બનવાની, જુ-લમ સહન કરવાની જરૂર નથી. તમારે ફક્ત સંબંધોને સમજવાની અને સ્વ-કેન્દ્રિત થયા વિના સમગ્ર પરિવારને અપનાવવાની જરૂર છે.

આપણી પરંપરાઓ અને સાસુ-વહુના પ્રચલિત કિસ્સાઓ નાનપણથી જ છોકરીના મનમાં સાસુ અને વહુ પ્રત્યે કડવાશ ભરી દે છે, પરંતુ સદીઓથી ચાલતી આવતી આ વિચારસરણીને બદલવી ખૂબ જ જરૂરી છે. જ્યારે છોકરી પહેલેથી જ પોતાના સાસુ-સસરાના સંબંધો પ્રત્યે નકારાત્મક વલણ સાથે ઘરમાં આવે છે, તો સ્વાભાવિક છે કે તેને તેની સાસુ-સસરાના વર્તનની નાની-નાની વાત પણ તેને ખૂંચવા માંડશે. તેણી દરેક વસ્તુનું ખોટું અર્થઘટન કરશે.

પણ અહીં ધ્યાનથી વિચારવું જરૂરી છે કે, જો તમે સાસુ પાસેથી માતા જેવું વર્તન કરવાની અપેક્ષા રાખતા હોવ તો તમારે પણ તેમની દીકરી જ બનવું પડશે અને કોઈ પણ દીકરી પોતાની માતાના નાની-નાની ઠપકાને દિલ પર નથી લેતી.

દરેક નાની-નાની વાતમાં પતિને વચ્ચે લાવવાથી સંબંધોમાં તિરાડ પડે છે અને પરિવારના વિઘટનનું કારણ બને છે. સાસરિયાંમાં કોઈના પણ વર્તન અંગે ફરિયાદ હોય તો તેની સાથે સીધો સંવાદ કરીને તેનું નિરાકરણ લાવવામાં આવે તો સારું.

જો તમારે તમારા સાસરિયાંના ઘરમાં આત્મીયતા (પોતાપણું) મેળવવા ઈચ્છો છો તો તમારે સંબંધમાં ભાવનાત્મક જોડાણ બનાવવું પડશે. આ માટે એ ખૂબ જ જરૂરી છે કે તમે વડીલોનું સન્માન કરો અને નાના સભ્યોને પ્રેમ આપો અને તમારા મનમાંથી આ વાતને સંપૂર્ણપણે દૂર કરો કે પતિને પરિવારથી અલગ કરીને જ તમે ખુશ રહી શકો છો. કોઈનો પ્રેમ મેળવવા માટે એ જરૂરી નથી કે તે તેના બીજા સંબંધોથી અલગ થઈ જાય. આજ સુધી આપણે એવું સાંભળ્યું છે કે, સાસુ પણ ક્યારેક વહુ હતી, પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે, વહુ પણ ક્યારેક સાસુ બનશે.

લેખક – રવિ રાઠોડ.