પરોપકારી બાળક શતમન્યુ : દેશ માટે પોતાના પ્રાણ આપવા તૈયાર થનાર બાળકની સ્ટોરી વાંચવાનું ચૂકતા નહીં.

0
141

બાળક બોલ્યો – અસંખ્ય જીવોને બચાવવા અને દેશને સંકટની સ્થિતિમાંથી છુટકારો અપાવવા માટે મારા પ્રાણ સહર્ષ પ્રસ્તુત છે. વાંચો આખી સ્ટોરી.

“શતમન્યુ”

સત્યયુગની વાત છે. એક વાર દેશમાં દુકાળ પડ્યો. વરસાદના અભાવે અનાજ પાક્યું નહીં. પશુઓ માટે ઘાસચારો રહ્યો નહીં. બીજે વર્ષે પણ વરસાદ પડ્યો નહીં. આફત વધતી ગઈ. નદીઓ અને તળાવો સુકાઈ ગયાં. સૂર્યનાં પ્રચંડ કિરણોને લીધે ધરતી રસહીન થઈ ગઈ. ઘાસ બળી ગયું. વૃક્ષો નિષ્પ્રાણ-નિશ્ચેતન થતાં ગયાં. મનુષ્યો અને પશુઓમાં હાહાકાર મચી ગયો.

દુષ્કાળ લંબાતો ગયો. એક વર્ષ નહીં, બે વર્ષ નહીં, પૂરાં બાર વર્ષો સુધી વરસાદ પડ્યો નહીં. લોકો ત્રાહિ-ત્રાહિ પોકારવા લાગ્યાં. ક્યાંય અનાજ નહોતું, પાણી નહોતું, ઘાસ નહોતું, વર્ષાઋતુ અને શિયાળો નહોતાં, બસ સઘળે ઠેકાણે હંમેશા માટે એક જ ઉનાળાની ઋતુ! ધરતીમાંથી ઊડતી ધૂળ અને આગથી લપેટાયેલી તેજ લૂ! આકાશમાં પાંખો ફેલાવી ઝૂંડનાં ઝૂંડ ઊડતાં પક્ષીઓનાં દર્શન દુર્લભ થઈ ગયાં.

પશુઓ અને પક્ષીઓ જ નહીં, કેટલાંયે મનુષ્યો કાળનો કાળિયો બની ગયાં, કોઈ ગણતરી નહીં. માતાના સ્તનોમાંથી દૂધ નહીં પામતાં કોણ જાણે કેટલાં કૂમળાં ભૂલકાં મૃત્યુના ખોળામાં સૂઈ ગયાં! માણસોનાં હાડપિંજર જોઈને ખુદ કરુણા પણ કરુણાથી ભીંજાઈ જતી હતી, પરંતુ એક મુઠ્ઠી અનાજ કોઈનેય કોણ ક્યાંથી આપે? રાજાનો અખૂટ ધનભંડા૨ અને ધનવાનોનું ધન પણ અન્નની વ્યવસ્થા શી રીતે કરી શકે? પરિસ્થિતિ ઉત્તરોત્તર વણસતી જ રહી. જીવવાના સાંસા પડી ગયા.

કોઈએ ઉપાય બતાવ્યો કે જો નરમેધ યજ્ઞ કરવામાં આવે તો વરસાદ પડે. લોકોને વાત તો ગળે ઊતરી; પણ જીવ સૌને વહાલો હોય છે. બળજબરીથી કોઈનો બિલ આપી શકાતો નથી.

વિશાળ માનવસમૂહ એકઠો થયો હતો, પણ બધાંય મૌન હતાં. બધાંનાં માથાં ઝૂકેલાં હતાં. એવામાં એકાએક નીરવતામાં ભંગ પડ્યો. બધાંએ ઊંચું જોયું; જોયું કે બાર વર્ષનો એક અત્યંત સુંદર બાળક ઊભો છે; એના અંગેઅંગમાંથી જાણે કે કોમળતા નીતરી રહી હતી!

તેણે કહ્યું – “હે ઉપસ્થિત મહાનુભાવો! અસંખ્ય જીવોને બચાવવા અને દેશને સંકટની સ્થિતિમાંથી છુટકારો અપાવવા માટે મારા પ્રાણ સહર્ષ પ્રસ્તુત છે. મારા આ પ્રાણ દેશના છે અને એ દેશ માટે સમર્પિત થાઓ. આનાથી વધુ સદુપયોગ આ પ્રાણોનો અન્ય શો હોઈ શકે, ભલા? આ નિમિત્તે વિશ્વના આત્મા શ્રીપ્રભુની સેવા આ નશ્વર શરીરથી થવા પામશે.”

“બેટા શતમન્યુ! તું ધન્ય છે!” – એમ ઉદગારતી એક વ્યક્તિએ દોડી આવીને તેને પોતાની છાતી સરસો ચાંપી દીધો. તે વ્યક્તિ હતી શતમન્યુના પિતા. (તેઓ બોલતા હતા -) “તેં પોતાના પૂર્વજોને અમર કરી દીધા, બેટા!” શતમન્યુનાં માતા પણ ત્યાં જ હતાં, તેઓ નજીક આવી ગયાં. એમની આંખો ઝમી રહી હતી. એમણે શતમન્યુને પોતાની છાતી સરસો એવી રીતે ચાંપી દીધો કે જાણે પોતે તેને ક્યારેય અળગો કરી શકશે નહીં.

નિર્ધારિત સમયે સમારોહ સાથે યજ્ઞનો પ્રારંભ થયો. શતમન્યુને અનેક તીર્થોનાં (પવિત્ર) જળથી સ્નાન કરાવીને નવાં વસ્ત્રો અને આભૂષણો પહેરાવવામાં આવ્યાં, સુગંધિત ચંદન લગાડવામાં આવ્યું, પુષ્પમાળાઓથી તેને અલંકૃત કરવામાં આવ્યો.

બાળક શતમન્યુ યજ્ઞમંડપમાં આવ્યો. યજ્ઞસ્તંભ પાસે ઊભો રહીને તે દેવરાજ ઇન્દ્રનું સ્મરણ કરવા લાગ્યો. યજ્ઞમંડપ શાંત અને નીરવ હતો. બાળક માથું ઝુકાવીને બલિ માટે તૈયાર હતો. એકઠો થયેલો જનસમૂહ મૌન થઈ રહીને એ તરફ એકીટસે જોઈ રહ્યો હતો. તે જ ક્ષણે અવકાશમાં વિચિત્ર વાદ્યો વાગવા લાગ્યાં. શતમન્યુ પર પારિજાતનાં ફૂલોનો વરસાદ વરસવા લાગ્યો. અચાનક મેઘધ્વનિ (વાદળોના ગડગડાટ) સાથે વજ્રધારી દેવેન્દ્ર પ્રકટ થયા. બધાં લોકો આંખો ફાડીને આશ્ચર્યપૂર્વક બધું જોઈ સાંભળી રહ્યાં હતાં.

શતમન્યુના માથા પર અત્યંત પ્રેમપૂર્વક પોતાનો વ૨દ હાથ ફેરવતાં દેવરાજ ઇન્દ્રે કહ્યું – “વત્સ! તારી ભક્તિ અને દેશના કલ્યાણની ભાવનાથી હું સંતુષ્ટ છું. જે દેશનાં બાળકો દેશના રક્ષણ માટે પોતાના પ્રાણોનું સમર્પણ કરવા માટે પ્રતિક્ષણ તત્પર રહે છે તે દેશનું ક્યારેય પતન થવા પામતું નથી. તારા ત્યાગથી સંતુષ્ટ થઈને હું, બલિ વિના જ યજ્ઞફળનું પ્રદાન કરીશ.” આટલું કહીને દેવેન્દ્ર અંતર્ધાન થઈ ગયા.

બીજે દિવસે એટલી વર્ષા થઈ કે ધરતી પર પાણી જ પાણી દેખાવા લાગ્યું. સર્વત્ર અન્ન, જળ અને ફળ-ફૂલ પ્રચુર માત્રામાં સંપન્ન થયાં. દેશના પ્રાણરૂપ એક શતમન્યુની ત્યાગ, તપ અને કલ્યાણની ભાવનાએ સર્વત્ર પવિત્ર આનંદની સરિતા વહાવી દીધી.

– અનુવાદક : પ્રો. જોઈતારામ એમ. પટેલ.