બુદ્ધ ભગવાનના બાળપણનો આ પ્રસંગ તેમની જીવદયા વિશે જણાવે છે, વાંચવાનું ચૂકશો નહીં.

0
256

ભગવાન બુદ્ધે બાળપણમાં હંસને આપ્યું હતું જીવનદાન, જાણો પછી તેમના પિતાએ શું કર્યું.

“સિદ્ધાર્થકુમાર”

બુદ્ધ ભગવાનનું બાળપણનું નામ સિદ્ધાર્થકુમાર છે. મહારાજ શુદ્ધોદને તેમના માટે એક અલાયદો, ઘણો મોટો ઉદ્યાન તૈયાર કરાવ્યો હતો. તે બગીચામાં તેઓ એક દિવસે ટહેલી રહ્યા હતા. એ સમયે આકાશમાંથી એક હંસ (પક્ષી) ચીસ પાડતો નીચે પડ્યો. રાજકુમાર સિદ્ધાર્થે દોડી જઈને તે પક્ષીને પોતાના ખોળામાં લઈ લીધું. કોઈએ તે હંસને બાણ માર્યું હતું. તે બાણ અત્યારે પણ હંસના શરીરમાં ઘૂસી ગયેલું હતું.

કુમાર સિદ્ધાર્થે પક્ષીના શરીરમાંથી તે બાણ ખેંચી કાઢ્યું; અને શરીરમાં બાણ ઘૂસી જાય તો તે કેવું લાગે એ જોવા-જાણવા માટે તેમણે તે બાણને પોતાના જમણા હાથથી ડાબા હાથમાં ખોસી દીધું. બાણ હાથમાં ઘૂસતા જ રાજકુમારની આંખોમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા. પરપરંતુ તેમનું પોતાની પીડા પ્રત્યે ધ્યાન ન હતું; બિચારા પક્ષીને કેટલી પીડા થતી હશે એ વિચારતાં જ તેઓ રડી પડ્યા.

કુમાર સિદ્ધાર્થે હંસનો ઘા ધોયો, તેના ઘા પર પાંદડાંઓનો રસ નિચોવ્યો અને તેને ખોળામાં લઈને તેઓ પ્રેમપૂર્વક પંપાળવા લાગ્યા. એ દરમિયાન, કુમાર દેવદત્તનો અવાજ સંભળાયો “શું મારો હંસ અહીં પડ્યો છે?”

રાજકુમાર દેવદત્ત સિદ્ધાર્થકુમારના પિતરાઈ ભાઈ હતા. તેઓ ઘણા કઠોર (નિર્દય) સ્વભાવના હતા. શિકાર કરવામાં તેમને ઘણો આનંદ આવતો હતો. હંસને તેમણે જ બાણ માર્યું હતું. તેઓ સિદ્ધાર્થકુમારના ખોળામાં હંસને જોઈને ત્યાં દોડી આવ્યા અને બોલ્યા – “આ હંસ તો મારો છે, મને આપી દો.”

સિદ્ધાર્થ બોલ્યા – “શું તમે આને પાળ્યો-પોષ્યો છે?”

દેવદત્તે કહ્યું – “મેં એને બાણ માર્યું છે. જુઓ, પેલું પડ્યું તે બાણ મારું છે.”

કુમાર સિદ્ધાર્થે કહ્યું – “શું તમે આને બાણ માર્યું છે? બિચારા નિર્દોષ પક્ષીને તમે શા માટે બાણ માર્યું? બાણ ઘૂસી જવાથી ઘણી પીડા થાય છે એ મેં પોતાના હાથમાં બાણ ઘુસાડીને અનુભવ્યું છે. હું હંસ તમને નહીં આપું. આ જ્યારે સાજો-સારો થઈ જશે ત્યારે હું તેને ઊડી જવા માટે છોડી દઈશ.”

કુમાર દેવદત્ત એટલા સીધા-ભલા ન હતા, તેઓ હંસ (મેળવવા) માટે ઝઘડો કરવા લાગ્યા. વાત મહારાજ શુદ્ધોદન પાસે પહોંચી. મહારાજે બંને રાજકુમારોનું કહેવું સાંભળ્યું. પછી તેમણે દેવદત્તને પૂછ્યું – “શું તું હંસને મારી શકે છે?”

દેવદત્તે કહ્યું – “તમે તે મને આપો, હું હમણાં જ તેને મારી નાખું છું.”

મહારાજે પૂછ્યું – “પછી તું તેને જીવતો પણ કરી દઈશ?”

દેવદત્તે કહ્યું – “અરે, મરેલું પ્રાણી તે ક્યાંય ફરી જીવતું થાય ખરું?”

મહારાજે કહ્યું – “શિકારનો એ નિયમ બરાબર છે કે જે કોઈ પશુ કે પક્ષીને મારે તેના પર તેનો અધિકાર થાય છે. જો હંસ મરી ગયો હોત તો તેના પર તારો અધિકાર થાત. પરંતુ મરતા પ્રાણીને જે વ્યક્તિ જીવન-દાન આપે તેનો તે પ્રાણી પર પેલા મારનારાના કરતાં અધિક અધિકાર છે. સિદ્ધાર્થે હંસને મરતો બચાવ્યો છે. તેથી હંસ સિદ્ધાર્થનો છે, તારો નહીં.”

કુમાર સિદ્ધાર્થ હંસને લઈ ગયા. જ્યારે હંસનો ઘા રુઝાઈ ગયો ત્યારે તેમણે તે હંસને ઉડાડી મૂક્યો.

– અનુવાદક : પ્રો. જોઈતારામ એમ. પટેલ.