પતિ પત્નીનું સૌભાગ્ય એટલે જાણે શિવ પાર્વતી, કૃષ્ણ રુક્મણીનું સૌભાગ્ય, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
782

સૌભાગ્ય :

મગનું ખળું લીધું હતું. કેશવ વાસુ રહીને આવ્યો. શીરામણ કરી પાછો વાડીએ જવા ચાલ્યો, ત્યાં સવિતાએ પુછ્યું.. “મગ કેવાક નિકળ્યા? આજે દશેરા છે.. દુધપાક મુકું છું.. જમવા ટાણે તો આવી જવાશે ને?”

કેશવે કહ્યું.. “દશ બાર બાંચકા ભરાશે.. થોડુંક કામ જ બાકી છે.. વહેલો આવી જઈશ.”

કેશવને બે વિઘાના મગ હતા. વરસાદ પુષ્કળ અને ધરવ થયો પણ મગને નડ્યો નહીં. આ વરસ સારું નિવડ્યું. કુવો છલોછલ હતો. ઘઉં પણ સારા થશે.

કેશવે મગ ચોક્ખા કરી નાખ્યા. બાચકાં ભરવાના બાકી હતા ત્યાં સવિતા વાડીએ આવી પહોંચી. લીલાછમ મગનો ઢગલો જોઈ એ હસુ હસુ થવા લાગી. બે હાથે ખોબા ભરી ધાર કરી. પછી કેશવ પાસે બેઠી.

“મગ કેવા રુપાળા છે.. નહીં? ત્રણ વરસ પહેલાં હું દશેરાએ આણું વળી હતી. તેદી મારા ખોળામાં પણ આવા મગ.. મને ઉગમણે મોંએ ઉભી રાખી, મારી બાએ નાખ્યા હતા.

“મગ બધા સારાં નરસાં કામમાં વપરાય. છોકરાંની છઠ્ઠીમાં.. નામ પાડવામાં.. સગાઈમાં.. લગ્નમાં.. ખોળો ભરવામાં.. કથા સપ્તાહમાં.. નેમ રવામાં પણ વપરાય.”

એ આગળ બોલી.. “તમને તો યાદેય નહીં હોય. આણાવાળી દશેરાએ રાતે આપણે એક થાળીએ જમ્યા હતા. આજે, તમને મદદ કરવાનું બહાનું કરી, મુન્નાને બાને સોંપીને આવી છું. ચાલો જમી લઈએ.”

પ્રેમાળ મસ્તી કરતાં કરતાં બેય એક થાળીએ જમ્યા.

બેયે મળીને મગના બાચકાં ભરી, સીવીને તૈયાર કરી નાખ્યા. કુવાની પાળીને ટેકે ગોઠવ્યા.

કેશવ છલોછલ કુવામાં નહાવા પડ્યો. સવિતા પાળીએ બેઠી બેઠી પતિના મજબુત દેહને નિહાળી રહી હતી. અચાનક એ બોલી ઉઠી.

“મને તરતાં આવડે છે.. હું આવું?”

“હા.. આવને.. અહીં તો આપણે એકલાં જ છીએ.”

એણે સાડી કાઢીને એક તરફ મુકી. કછોટો વાળ્યો. પાળી પર ચડીને ધુમકો માર્યો.

બન્નેના ખડખડાટ હસવાનો પડઘો. કુવાની પાળી કુદીને ફેલાવા લાગ્યો.

બાચકાંમાં ભરેલા લીલાછમ મગ જાણે બોલતા ન હોય.

ઈન્દ્ર ઈન્દ્રાણીનું સૌભાગ્ય..

શિવ પાર્વતીનું સૌભાગ્ય..

કૃષ્ણ રુક્મણીનું સૌભાગ્ય..

– જયંતીલાલ ચૌહાણ ૩ -૧૦ -૨૧