બીજાને અપશુકનિયાળ ગણાતાં લોકોને આ લઘુકથા બોધ આપતી જશે.

0
724

રોગ :

દેવજીભાઈની પંદરેક વર્ષની ફૂલ જેવી દીકરી રાધાને અચાનક આખા શરીરે એવો રોગ થયેલો કે ઘરનાં બધાં એનાથી છેટાં જ રહેવા માંડ્યાં.

ઓશરીના એક ખૂણામાં ઢાળેલી તૂટેલી ખાટલીમાં એને સુવાડી રાખતાં.

એના શરીરમાંથી પરું અને દુર્ગંધ આવતી. ચેપ લાગવાની બીકથી કોઈ એને નવડાવતું પણ નહિ.

શરૂઆતમાં કેટલાક ડૉક્ટરોને બતાવેલું. પણ પરિણામ નિરાશાજનક આવતાં દેવજીભાઈ અને એમનાં પત્ની પારુલબેન ભૂવા, તાંત્રિક અને જ્યોતિષિઓના ચક્કરમાં પણ પડેલાં.

દીકરીની પીડા તો કોઈથી જોઈ ન જતી. સૌનો જીવ બળતો. પણ, પોતાનો જીવ વહાલો હોય એ ન્યાયે બધાં રાધાથી છેટાં રહેતાં અને મનોમન પ્રાર્થના પણ કરતાં : “બિચારી, હવે છૂટે તો સારું!”

કોઈએ દેવજીભાઈને કહેલું : “ભોળા શિવને શ્રદ્ધાથી રોજ દૂધ ચઢાવો, કદાચ રાધાને સારું પણ થઈ જાય! ડૂબતો માણસ તરણાને પણ પકડે એવા વિશ્વાસે દેવજીભાઈ રોજની જેમ ત્રાંબાના લોટામાં દૂધ લઈ આજે પણ મહાદેવ બાજુ જતા હતા ત્યારે હાથમાં જેડીયો પકડી આવી રહેલાં કાશીમા સામે મળ્યાં.

દેવજીભાઈને થયું કે એ પાછા વળી જાય. ગામમાં કાશીમા અપશુકનિયાળ ગણાતાં. એ યુવાનીમાં જ વિધવા થયેલાં. સારા પ્રસંગે લોકો એમના શુકન લેવાનું ટાળતા.

કાશીમાએ પૂછ્યું : ” ભૈ, દેવજી! રાધાબેટીને કેમ છે?”

કટાણું મોંઢું કરીને દેવજીભાઈએ નછૂટકે બધી વાત કરીને પછી એ ઝડપથી મહાદેવ બાજુ નીકળ્યા.

ત્યાં જઈ એમણે દૂધનો લોટો પૂજારીને આપ્યો તો પૂજારીએ જોઈને એ પાછો આપતાં કહ્યું : “દૂધ ફાટી ગયું છે એટલે મહાદેવને નહિ ચઢે.”

દેવજીભાઈ નિરાશ થઈ મંદિરેથી ઘરે આવવા નીકળ્યા ત્યારે કાશીમા ઉપર એમને ખૂબ ખીજ ચઢી.

જેવા એ એમના ઘરના આંગણામાં આવ્યા તો રાધાને નવડાવતાં કાશીમાને એ જોઈ જ રહ્યા.

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ) (ફોટો પ્રતિકાત્મક છે.)