ગુરુએ પ્રેમથી હળીમળીને રહેતા લોકોને ‘છુટા’ પડી જવાના આશીર્વાદ આપ્યા, તેની પાછળનું રહસ્ય જાણવા જેવું છે

0
273

કેટલાક લોકો હંમેશા અન્ય લોકો પર ગુસ્સે રહે છે અને વાત વાત પર ગુસ્સે થઈ જાય છે. આવા લોકો પાસે કોઈ જતું નથી, લોકો તેમનાથી અંતર રાખે છે. આવા લોકો જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકતા નથી.

જે લોકો પ્રેમથી વાત કરે છે, પ્રેમથી મળે છે, બધા લોકો તેમને પોતાના મિત્ર બનાવવા માંગે છે અને આવા લોકો તેમના જીવનમાં સતત પ્રગતિ કરે છે. આજે અમે તમને એક એવી સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે ઝઘડાખોર લોકો હંમેશા ત્યાંના ત્યાં રહે છે અને પ્રેમથી જીવતા લોકો જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે છે.

ગુરુએ ગ્રામજનોને વિચિત્ર આશીર્વાદ આપ્યા :

એકવાર એક ગુરુ તેમના શિષ્યો સાથે ક્યાંક જઈ રહ્યા હતા. ચાલતા ચાલતા તેઓ એક ગામમાં પહોંચ્યા. થોડા દિવસો ત્યાં રહ્યા પછી ગુરુએ જોયું કે તે ગામના બધા લોકો હંમેશા એકબીજા સાથે ઝઘડતા રહેતા અને કોઈ કોઈનું સન્માન કરતા નહતા. જ્યારે ગુરુ ગામ છોડીને જતા હતા ત્યારે કેટલાક લોકો તેમના આશીર્વાદ લેવા તેમની પાસે આવ્યા. ગુરુએ તેમને કહ્યું, “બધા ભેગા રહેજો.”

ચાલતા ચાલતા ગુરુ તેમના શિષ્યો સાથે બીજા ગામમાં પહોંચ્યા. ત્યાં પણ તેઓ થોડા દિવસ રોકાયા. તેમણે જોયું કે એ ગામના બધા લોકો એકબીજા સાથે પ્રેમ ભાવથી રહેતા અને તેઓ ક્યારેય એકબીજા વિશે ખરાબ બોલતા નહતા. કેટલાક દિવસો ત્યાં પસાર થયા પછી, જ્યારે ગુરુ ત્યાંથી નીકળવા લાગ્યા, ત્યારે કેટલાક ગ્રામજનો તેમની પાસે આવ્યા અને તેમને આશીર્વાદ આપવા કહ્યું. ગુરુએ તેઓને કહ્યું, “બધા છુટા પડી જાવ.”

ગ્રામજનોને કંઈ સમજાયું નહીં, પણ તેઓ ગુરુના આશીર્વાદ લઈને ત્યાંથી ચાલ્યા ગયા. ગુરુ સાથે તેમનો પ્રિય શિષ્ય હતો, તેનાથી રહેવાયું નહિ અને તેણે પૂછ્યું કે, “ગુરુજી, જે ગામવાસીઓ એકબીજા સાથે ઝઘડતા હતા, તમે તેમને સાથે રહેવા માટે આશીર્વાદ આપ્યા છે અને જેઓ એકબીજા સાથે પ્રેમથી રહે છે તેઓને તમે અલગ થવા કહ્યું. આવું શા માટે?

ગુરુએ તેમના શિષ્યને સમજાવ્યું કે “દુષ્ટતાને ક્યારેય ફેલાવવા દેવી જોઈએ નહીં, તેથી જ મેં તે ગામના લોકોને સાથે રહેવા માટે આશીર્વાદ આપ્યા હતા. અને ભલાઈ એ ફૂલની સુગંધ સમાન છે. તેથી મેં બીજા ગામના લોકોને અલગ થવાના આશીર્વાદ આપ્યા, જેથી તેઓ જ્યાં પણ જાય ત્યાં લોકોમાં પ્રેમ ફેલાવી શકે.” શિષ્ય તેના ગુરુની વાત સમજી ગયો.

આ સ્ટોરીનો બોધ એ છે કે જે લોકો હંમેશા એકબીજા સાથે ઝઘડતા હોય છે, તે બધા ક્યારેય આગળ વધતા નથી અને પોતાનું જીવન વેડફી દે છે. જ્યારે જે લોકો પ્રેમથી વર્તે છે તેઓ તેમના જીવનમાં આગળ વધતા રહે છે.