“પીડા” : માણેકલાલ પટેલની આ લઘુકથા કળિયુગની હકીકત વર્ણવે છે, દરેક વ્યક્તિએ વાંચવા જેવી છે સ્ટોરી.

0
516

દિપકભાઈને સિત્તેર થવા આવ્યાં હતાં. નોકરીમાંથી તો એ નિવૃત્ત થઈ ગયા હતા પણ હવે તો એ ધીરે ધીરે બધેથી સાવ નિવૃત થતા જતા હતા. એમના ત્રણે દિકરા અને વહુઓએ એમને કંઈ પણ પૂછવાનું જ માંડી વાળ્યું હતું .

ઘરમાં કંઈ નવી વસ્તુ લાવવી હોય કે સામાજીક વહેવારની વાત હોય – એમને કોઈ ગણતું નહીં. ઘણી વખત તો છેલ્લે એમને કહેવા ખાતર કહેવામાં કે પૂછવામાં આવતું. સવારે ચા અને બે સમય જમવાનું મળતું એનાથી એમને સંતોષ માનવો પડતો. મોટા ભાગે એ એમની રૂમમાં જ બેસી રહેતા. એમનાં પત્નીના ગયા પછી અવગણનાની પીડા એમનાથી સહન ન થતી છતાંય એ જીવતા હતા મરુટયુ ની રાહ જોતા.

ઘણી વખત એમની આંખો ભરાઈ આવતી ત્યારે એ અતીતમાં સરી પડતા :- જ્યારે એમના મોટા દિકરાએ એક વખત કેરી ખાવાની જિદ્ કરેલી અને હજુ કેરીઓ બજારમાં આવી નહોતી. પણ, એમની પત્ની દિનાએ કહેલું કે અમદાવાદ જઈ અને કાલુપુર માર્કેટમાંથી લઈ આવો, ત્યાં મળી જશે. અને એ છેકે અમદાવાદથી એ વખતે બે કિલો કેરીઓ લઈ આવેલા.

વચલા માટે એ સાયકલ લાવેલા ત્યારે એણે જિદ્ પકડેલી કે મારે આવી સાયકલ ન જોઈએ એટલે એ બદલાવીને એને ગમતી સાયકલ લાવેલા. સૌથી નાનો તો જિદ્ કરીને એનું ધાર્યું જ કરાવતો. બાળકો ખુશ એટલે એમની ખુશીનો પણ પાર ન રહેતો. દિના તો હસતી :- “તમારી આ ખુશીને કોઈની નજર ના લાગે!” હવે તો પત્ની રહી નહોતી. બાળકો બધાં મોટાં થઈ ગયાં હતાં.એમને ય ઘેર બાલ- ગોપાળ હતાં. મોટાની દીકરી તો ઉંમરલાયક થઈ ગઈ હતી.

આજે સવારથી જ ઘરમાં થઈ રહેલો ફેરફાર એ જોઈ રહેલા. સોફા પર નવું કવર ચઢાવેલું એમણે જોયું તો મોટી વહુને પૂછ્યું તો એણે કહ્યું :-” ઘડીક બહાર આંટો મારી આવો તો ઘરને ઝાપટ – ઝૂંપટ કરતાં ફાવે. હજુ તો ચાદરો પણ બદલવાની છે !”

એ ચૂપચાપ હાથમાં જેડીયો લઈ બહાર નીકળ્યા. રસ્તામાં પાડોશી મનહરની પત્ની સામે મળી. એણે કહ્યું:-” કાકા, સગું સારું છે, હોં ! ”

એ કંઈ સમજ્યા વિના માથું હલાવી આગળ નીકળી ગયા. જ્યારે પાછા આવ્યા ત્યારે ઘરમાં મહેમાનોને બેઠેલા જોયા એટલે બે હાથ જોડી એ સોફાના એક ખૂણામાં બેઠા ત્યારે મોટા દિકરાએ પૂછ્યું :-” બાપા ! મહેમાનો ક્યારના ય આવી ગયા અને તમે…..”

“સગું સારું છે, હોં ભૈ !” અને એ ભીંતે લટકતા દિનાના ફોટા સામે જોઈ રહ્યા.

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ)