બે ભાઈઓમાં સરખા ભાગે મિલકતની વહેંચણી થઈ રહી હતી, ત્યારે બહેન જે બોલી તે જાણવા જેવું છે.

0
1709

વહેંચણી

– માણેકલાલ પટેલ

બે ભાઈઓની મિલકતની વહેંચણી કરવા મને અને રામજીને બોલાવ્યા હતા. અમે એક ઓરડામાં બેસી ચર્ચા કરીને બે અલગ ભાગ પાડતા હતા.

કુલ પચાસ વિઘા જમીન હતી. અમે ખેતરની ગુણવત્તા મુજબ ચિઠ્ઠીમાં જેતે ખેતરનું નામ લખી બે ભાગમાં અલગ અલગ મૂક્યાં હતાં.

દાગીના પણ બે ઢગલીમાં રાખ્યા હતા.

ચાર ઘર હતાં એને પણ ચઢ ઉતરમાં બે ભાગ પાડીને ચિઠ્ઠીઓ બનાવી રાખ્યાં હતાં. ઘરના રાચરચીલાના પણ નામ લખીને બે ભાગ પાડ્યા હતા.

એ વખતે નાનો શિવુ અમારી પાસે આવ્યો અને કહ્યું : ” મોટાભાઈને એક દીકરો અને દીકરી પણ છે. એમના ભાગમાં વધારે જાય એવું ન થઈ શકે?”

અમે ના પાડતાં કહ્યું : ” વહેંચણીમાં અમારાથી ભેદભાવ ન કરી શકાય.”

થોડીવાર પછી મોટો વિજુ આવ્યો. એ બોલ્યો : ” શિવાનાં લગન હમણાં થયાં છે. પાછળ કેટલાં સંતાન થાય એની શું ખબર પડે? એના ભાગમાં વધારે જાય એવું ન થઈ શકે?”

અમે ના પાડતાં કહ્યું : ” વહેંચણીમાં અમારાથી ભેદભાવ ન કરી શકાય.”

કઈ ચિઠ્ઠી કોના ભાગે આવશે એ ક્યાં નક્કી હતું? વળી, ગામ આખામાં આવી વહેંચણીમાં અમારા બન્નેની તટસ્થતા વખણાતી હતી.

એમને એક અપંગ અપરણિત મોટી બહેન હતી. નક્કી એવું થયું કે જે ભાઈ એ બહેનને રાખે એને ચાર વિઘાનું ખેતર એ બહેનની જીવાઈ પેટે આપવું, જે બહેનની હયાતિ ન હોય એ પછી બન્ને ભાઈઓએ વહેંચી લેવું.

બન્ને ભાઈઓને એ વાત બરાબર લાગી.

હવે એ બહેન કોના ભેગી રહેશે એની પણ ચિઠ્ઠી બનાવી એક ઢગલીમાં રાખી. એ પછી અમે આખા પરિવારને ત્યાં બોલાવ્યો. અમે કેમ ભાગ પાડ્યા છે તેની વિગતે સમજ આપી.

શિવુ અને વિજુ ચિઠ્ઠી ઉપાડવા જતા હતા ત્યાંજ પેલી બહેને અમને પૂછ્યું : ” વહેંચણીમાં તમારાથી તો ભેદભાવ ન થઈ શકે ને?”

” ના.” અમને અમારી તટસ્થતા પર અભિમાન હતું.

” મારા બાપાને કેટલાં સંતાન છે?” એ બહેને પૂછ્યું.

” બે દીકરા અને એક દીકરી.”

” ત્રણ ને? ” હોઠ હસતા રાખી એ મક્કમતાથી બોલી : ” તો પછી તમે બેજ ભાગ કેમ પાડ્યા છે? ”

” બેન, અમારી ભૂલ ન થાય. તમારીયે વ્યવસ્થા કરી છે ને? ”

” તમે ત્રણ ભાગ પાડો.” એણે કહ્યું : ” પછી મારે શું કરવું એ હું નક્કી કરીશ. ”

વહેંચણીમાં પહેલી વખત અમને અમારી ભૂલ થઈ હોય તેમ લાગ્યું.

– માણેકલાલ પટેલ (અમર કથાઓ ગ્રુપ)