પિતા સંપત્તિના ભાગ પાડવાના હતા, નાના દીકરાએ કહ્યું કોના ભાગે કેટલું આવશે તે હું નક્કી કરીશ, પછી જે થયું તે..

0
3765

‘પપ્પા ! તમે આજે સવારે સંપત્તિના ભાગ પાડી દેવાનો જે નિર્ણય જાહેર કર્યો છે એ અંગે મારે તમને એટલું જ કહેવાનું છે કે, સંપત્તિના ભાગ અમારા ત્રણ ભાઈઓ વચ્ચે કેવી રીતે પાડવા એનો નિર્ણય જો તમે જ કરવાના હો તો એ મને માન્ય નહીં રહે.’

માત્ર ૨૬ વરસના નાના દીકરાએ વાલકેશ્ર્વરના વિશાળકાય ફ્લેટમાં રાતના સમયે પોતાના પપ્પા પાસે સ્પષ્ટ રજૂઆત કરી દીધી.

‘તો એ નિર્ણય કોણ કરશે?’

‘હું કરીશ’

‘તું?’

‘પણ સંપત્તિ મારી પોતાની છે. કયા દીકરાને કેટલી સંપત્તિ આપવી એ અધિકાર મારો છે. મારા એ અધિકારને અમાન્ય કરવા પાછળનું કારણ?’

‘મને તમારા નિષ્પક્ષપાતી વલણ અંગે શંકા છે.’ અને પોતાના જ દીકરાને મોઢે આ વાત સાંભળતાં બાપ સ્તબ્ધ થઈ ગયો. વરસોથી પ્રેમ, સ્નેહ અને વાત્સલ્ય દ્વારા ૧૭-૧૭ સભ્યોના કુટુંબને એક રસોડે જમતા રાખવામાં જે બાપે સફળતા મેળવી હતી, એ જ બાપને પોતાના જ દીકરાને મોઢે આવો આક્ષેપ સાંભળવા મળે ત્યારે જે આધાત લાગે એ આઘાત તો જે બાપને સ્થાને હોય એ જ સમજી શકે. છતાં બાપે સ્વસ્થતા ધારણ કરી રાખીને પૂછ્યું….

‘મારા પક્ષપાતી વલણ માટે તારી પાસે આધાર શો છે?’

‘જુઓ પપ્પા, મારે તમારી સાથે કોઈ દલીલમાં નથી ઊતરવું. અને છતાં મેં તમને જે વાત કરી છે એમાં મારે કોઈ ફેરવિચારણા પણ નથી કરવી. સંપત્તિના ભાગ પાડવા જ હોય તો એ ભાગનો નિર્ણય આ ઘરમાં મારા સિવાય બીજો કોઈ જ નહીં કરી શકે.’ આટલું કહીને દીકરો પોતાના કમરામાં ચાલ્યો ગયો. ઘરનું શાંત વાતાવરણ ડહોળાઈ ગયું.

બાપે મોટા દીકરાને વાત કરી, મોટા દીકરાએ પળનાય વિલંબ વિના કહી દીધું, ‘પપ્પા ! આમાં શી મોટી વાત છે? તમે કહી દો નાનાને, એ જે રીતે ભાગ પાડશે એ અમને બધાંયને માન્ય રહેશે.

આખરે તો એ અમારો ભાઈ જ છે ને? આપના નિર્ણય અંગે આપને માટે એના મનમાં ભલે શંકા હોય, એના નિર્ણય અંગે એના પર આ ઘરમાં મને તો નહીં, પણ કોઈને ય શંકા નથી.’

મોટા દીકરાની આ વાત સાંભળીને બાપની આંખમાં આંસું આવી ગયા. કયાં મોટાના હૃદયની ઉત્તમતા અને ક્યાં નાનાના દિલની અધમતા? છેવટે કચવાતે મને બાપે નાનાની વાત સ્વીકારી.

રાતના નવેક વાગ્યે ત્રણેય દીકરાઓ બાપ પાસે આવી ગયા. ઔપચારિક વાતો થયા પછી બાપે ત્રણેય દીકરા પાસે વાત મુકી. એક કરોડની સંપત્તિ મારે તમારા ત્રણ વચ્ચે વહેંચવાની છે, અને એ વહેંચણી કેવી રીતે કરવી, એનો નિર્ણય તમારો આ નાનો ભાઈ અત્યારે જ જાહેર કરે છે.’

પળનીય વાર લગાડ્યા વિના નાનાએ પોતાનો નિર્ણય જાહેર કરી દીધો.

‘જે ભાઈની જેટલી ઉંમર છે, એ ભાઈને એટલા લાખ રૂપિયા પપ્પા આપી દે.’

પ્રતીકાત્મક ફોટા

સહુ આ નિર્ણય સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. પપ્પાની આંખ તો ગંગા જમના વરસાવવા લાગી.. ‘તું શી વાત કરે છે?’ એટલું એ બોલી શક્યા.

‘પપ્પા ! સંપત્તિની વહેંચણીનો અધિકાર તમારા હાથમાં રાખ્યો હોત તો તમે અમને ત્રણેય ભાઈઓને સરખે ભાગે રકમ આપી દેત. જે ધંધાને તમે શરૂ કર્યો છે, મોટાભાઈએ વિક્સાવ્યો છે, અને વચલાભાઈએ ટકાવી રાખ્યો છે, એ ધંધામાં થયેલી કમાણીનો સમાન હિસ્સો એ ધંધામાં દાખલ થયા વિના જ મને મળી જાય એ વાત મને મંજૂર નહોતી અને એ હિસાબે જ મેં સંપત્તિની વહેંચણીના તમારા અધિકારને પડકાર્યો હતો.

પપ્પા ! મારા એ વર્તાવથી તમને થયેલા દુઃખ બદલ હું માફી તો માગું છું. પણ તમે મારા નિર્ણય પર સંમતિની મહોર છાપ લગાવી દો, એટલે ઘરના વાતાવરણમાં પાછી પૂર્વવત પ્રસન્નતા પ્રસરી જાય!’

બાપની આંખ દીકરાના આ શબ્દો પર હર્ષાશ્રુથી છલકાઈ ઊઠી.

મોટા દીકરાની ઉંમર ૪૦ વરસની હતી, એને ૪૦ લાખ.. વચલા દીકરાની ઉંમર ૩૪ વરસની હતી, એને ૩૪ લાખ.. અને નાના દીકરાની ઉંમર ૨૬ વરસની હતી, એને ૨૬ લાખ !

બાપને લાગ્યું કે ‘દિલના ભાગ પડવા દીધા વિના સંપત્તિના ભાગ પાડી દેવામાં નાનાએ જે સફળતા મેળવી એ સફળતા સંપત્તિના ભાગ પાડવાનો અધિકાર મારા હાથમાં મેં રાખ્યો હોત તો મને ન જ મળત ! મારુંય સદભાગ્ય છે કે હું આવા ગુણિયલ દીકરાનો બાપ છું !’

– સાભાર વનિતા કુકીંગ.