“પીયરને પીપળેથી આવ્યું પારેવડું” તમે પિયરની સ્મૃતિઓમાં સરી પડો એવું મનોહર ચિત્રણ આ ગીતમાં રજૂ થયું છે.

0
982

દીકરીનું જ્યાં બાળપણ વિત્યું હોય તે પિયરને તો કેમ ભૂલે! સાસરામાં ખૂબ જ સુખ હોય તેમ છતાં તેના પિયરનું કોઈ જોવે તો તે હરખાઈ જાય છે.

પેલી કહેવત છે ને! “પિયરનું તો કૂતરું પણ વહાલું લાગે” આવી છે પિયરની માયા. સ્ત્રીની ભલે કોઈ પણ ઉંમર હોય પણ પિયરની યાદ, પિયરને જોતાં તે આનંદિત થઈ જતી હોય છે.

મારા સ્વ. માતાજીને મોં એ ઘણી વાર સાંભળ્યું હતુ કે, ચુડાના (મારું મોસાળ) ઝાડવા જોવું ત્યારે મારું મન હરખાય જાય છે. અને તે ઝાડવાં પણ વ્હાલા લાગે.

આવું જ એક બિજુ ગીત છે:

“મોરલો બોલ્યો બોલ્યો રે મારા મૈયેરનો”…..

આવી જ એક સરસ અવિનાશ વ્યાસ રચીત રચના માણીએ.

“પીયરને પીપળેથી આવ્યું પારેવડું,”

લગ્ન પછી જ્યારે કન્યા સાસરે જાય ત્યારે મમતાનાં બધા સંબંધો પિયરમાં છૂટી જાય છે. પરંતુ એના હૈયે તો એનું બાળપણ, એની સહેલીઓ, એનાં ભાઈ-બેન, માતા-પિતા તથા સ્નેહીઓ ગોપાયેલાં રહે છે. એ મનોદશામાં વિહરતી કન્યાને સાસરાના આંગણાંમાં એક પારેવડું નજરે પડે છે. એ પિયરમાંથી આવેલું હોવાની કલ્પના કરી કન્યા પોતાના પિયરની સ્મૃતિઓમાં સરી પડે છે એનું મનોહર ચિત્રણ આ ગીતમાં રજૂ થયું છે.

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,

પારેવડાં ને સોના કેરી ચાંચ રે..

પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,

મૈયરની સામે એક નાની તલાવડી,

એવા મારા મૈયરનું આ રે પારેવડું,

એને આવે ના ઉની આંચ રે..

પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,

એ રે પારેવડે મારો ભાઇ..

એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,

એ રે પારેવડે ભોજાઇ..

પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,

મૈયર આવ્યું સાચો-સાચ રે..

પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,

એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,

એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,

એને કરવા દ્યો થનગન થન નાચ રે..

પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,

પારેવડાં ને સોના કેરી ચાંચ રે..

પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

– અવિનાશ વ્યાસ.

સંકલન, સંપાદન : હસમુખ ગોહીલ