પ્રોફેસરે ફુગ્ગાની રમત રમાડીને વિદ્યાર્થીઓને શીખવાડ્યું સફળ થવાનું રહસ્ય, દરેકે આ વાત સમજવી જરૂરી છે.

0
720

દરેક વ્યક્તિ એવું વિચારે છે કે જો તેણે જીવનમાં આગળ વધવું હોય તો બીજાને હરાવવા કે પાછળ છોડવા જરૂરી છે, જ્યારે આ વિચાર તદ્દન ખોટો છે. કેટલીકવાર બીજાને પાછળ રાખવાના ચક્કરમાં આપણે જ પાછળ રહી જઈએ છીએ.

કઈ વ્યક્તિ શું કરી રહી છે અથવા તે કેટલી સફળ થઈ ગઈ છે તે જોયા વિના સખત મહેનત અને પ્રમાણિકતાથી કામ કરવાનું ચાલુ રાખો. પછી તમે પણ સફળ થશો. આજે અમે તમને એક એવા જ પ્રસંગ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો સાર એ છે કે આપણે બીજાને હરાવીને ક્યારેય જીતી શકતા નથી.

પ્રોફેસરે વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ રમત રમી :

એક કોલેજમાં મનોવિજ્ઞાનના એક પ્રોફેસર હતા. તેમની ભણાવવાની રીત ઘણી અલગ હતી. તેથી જ વિદ્યાર્થીઓ પણ તેમના વર્ગને ચૂકતા ન હતા. એક દિવસ પ્રોફેસર વર્ગમાં આવ્યા ત્યારે તેમની પાસે ઘણા રંગબેરંગી ફુગ્ગા હતા.

પ્રોફેસરે તે ફુગ્ગા બધા વિદ્યાર્થીઓમાં વહેંચી દીધા અને કહ્યું, “આ ફુગ્ગાઓ ફુલાવી દો.” જ્યારે વિદ્યાર્થીઓએ તેમના ફુગ્ગા ફુગાવ્યા ત્યારે પ્રોફેસરે કહ્યું, “ફૂગ્ગાને દોરાથી એવી રીતે બાંધો કે તેની હવા નીકળી ન શકે.”

વિદ્યાર્થીઓએ પણ એવું જ કર્યું. એ પછી પ્રોફેસરે બધા વિદ્યાર્થીઓને એક પિન આપી અને કહ્યું કે “આ એક સરળ રમત છે. તમારી પાસે તમારો પોતાનો ફુગ્ગો અને પિન છે. જેનો ફુગ્ગો 10 મિનિટ પછી સુરક્ષિત રહેશે તે આ રમતનો વિજેતા માનવામાં આવશે.

જેમ જેમ રમતનો સમય શરૂ થયો, બધાએ એકબીજાના ફુગ્ગાને પિન વડે ફોડવાનું શરૂ કર્યું. જ્યારે રમતનો સમય સમાપ્ત થયો, ત્યારે કોઈની પાસે ફૂલેલો ફુગ્ગો ન હતો. એટલે કે, તે રમતમાં કોઈ વિજેતા બની શક્યું નહીં.

એ પછી પ્રોફેસરે વિદ્યાર્થીઓને કહ્યું કે “તમે કદાચ મારી વાત ધ્યાનથી નથી સાંભળી. મેં હમણાં જ કહ્યું કે રમતના અંત સુધી જેની પાસે ફુગ્ગો હશે તે આ રમતનો વિજેતા બનશે. પણ મેં એમ નહોતું કહ્યું કે તમારે પીન વડે બીજાના ફુગ્ગા ફોડવા જોઈએ.”

પ્રોફેસરે તેમના વિદ્યાર્થીઓને એ પણ કહ્યું કે, “જો તમે એકબીજાના ફુગ્ગાને પિનથી ન ફોડ્યા હોત, તો કદાચ તમે બધા વિજેતા બની શક્યા હોત. પણ તમારું ધ્યાન માત્ર બીજાના ફુગ્ગાને ફોડવા પર હતું, આ કારણે તમારો ફુગ્ગો પણ ફૂટ્યો.”

પ્રોફેસરે એમ પણ કહ્યું કે, “જીતવા માટે બીજાને નુકસાન પહોંચાડવું જરૂરી નથી, પરંતુ આપણું મનોવિજ્ઞાન આ રીતે જ ચાલે છે. આપણે વિચારીએ છીએ કે, જીતવું હોય તો બીજાને નુકસાન પહોંચાડીએ. જ્યારે સત્ય કંઈક બીજું છે. બીજાને હરાવવામાં આપણે પણ હારી જઈએ છીએ.”

વિદ્યાર્થીઓ પ્રોફેસરની વાત સારી રીતે સમજી ગયા.

આ સ્ટોરીનો નિષ્કર્ષ એ છે કે, બીજાને અપમાનિત કરવાની પ્રક્રિયામાં, આપણે પોતે નીચે પડી જઈએ છીએ. આપણને લાગે છે કે જીતવા માટે બીજાને હરાવવા જરૂરી છે, બીજાની વિરુદ્ધ બોલવું જરૂરી છે. પરંતુ જો આપણે બીજાને હરાવવાને બદલે પોતે જીતવાનો પ્રયત્ન કરશું તો આપણે વધુ સફળ થઈ શકીશું.