બાપ… ઈ… બાપ છે…
લેખ અને દુહા રચના : શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર,વઢિયાર પ્રદેશ)
“મા” વિશે આ જગતમાં ખૂબ લખાયુ, એની વંદના થઈ અને થવી પણ જોઈએ પરંતુ પરિવાર માટે અસહ્ય પીડાઓ ભોગવી,પોતાના સુખોને ભોમાં ભંડારી, કુંટુંબ માટે કાયાના કટકા કરી સંતાનોના સુખ અને સપના માટે સદૈવ મૌન બનીને જીવતર પૂરું કરી દેતા પિતા, બાપ કે બાપુ માટે ખૂબ જ ઓછું લખાયુ છે.
જે સંતાનોને પેટે પાટા બાંધી, કાળી મજૂરી કરીને ભણાવી ગણાવી મોટા કરનાર પિતા જ્યારે કોલેજના કેમ્પસમાં પોતાના કૂળ દિપકને મળવા આવે ત્યારે બાપની ધૂળ કાઢતા કમુરિયા કપૂતોને મે મારી સગી આંખે જોયા છે, એજ બાપને ગાળો ભાંડતા અને વૃદ્ધાશ્રમની વાટ પકડાવતા નપાવટ નબીરાઓને પણ આપણે જોયા છે. ખેર વધારે નથી લખવું પણ ઈ બહુગુણા બાપ વિશેના આ દસ દુહા કદાચ કુમાર્ગે, કુસંગે ચડેલા કે પોતાનો પુત્ર ધર્મ ભૂલેલા કપુતોને કામ લાગે એવી આશા સાથે.
છોરુ કાજે સહ્યુ સદા, કવેણ કદી ન કીધા,
હાડ ઓગાળી દીધા, સંકટ વેઠીને “શંકરા”
કુટુંબના કકળાટ, સદાય હસતાં સહ્યા,
કાયમ અળગા રહ્યા, સુખથી બાપુ “શંકરા”
પંડમાં પીડા અપાર, તોય રાખે ન રજા બાપ,
દુઃખડાં હોય અમાપ, તોય સામાં ન લાવે “શંકરા”
અરમાન સૌ અળગાં કર્યા, કુંટુંબ કાજે બાપે,
છોરુ ભલે સંતાપે, તોય સાચવે છોરુને “શંકરા”
તનને તોડી નાખીયાં, ખાધાં ન ધરીને ધાન,
છોરુ કરે અપમાન, તોય સહ્યાં કાયમ “શંકરા”
પાટા પેટે બાંધીયા, બઉ ભણાવ્યા બાપે,
છોરુ થઈ સંતાપે, છોડે નઈ કરમ “શંકરા”
ખબર પડે નઈ તમને, પરજા કાયમ કહે,
તોય ધોધ વ્હાલના વહે, સમજો બાપને “શંકરા”
બળદ સાથે બળદ થઈ, બઉ ઘસડાયો બાપ,
સ્નેહ છોરૂથી અમાપ, સમજી શક્યા નઈ “શંકરા”
કેળે ખંભે બેહાળીયા, લથડીયાં લઈ બાપે,
વાટ આશ્રમની માપે, સળગે આગ્યુ “શંકરા”
કુટુંબના પોષણ કરે, કાયા તોડી નાખે,
ભલુ છોરુનું ભાખે, એને દેવ સમજજો “શંકરા”.
– શંકરસિંહ સિંધવ (અમર કથાઓ ગ્રુપ)