જાણો લગ્નની મહત્વપૂર્ણ વિધિઓમાંથી લગ્નના કરવામાં આવતી પૂંખણવિધિનું મહત્વ

0
1162

પૂંખણિયાં

હિંદુ ધર્મના ૧૬ સંસ્કારોમાં લગ્નને એક સંસ્કાર તરીકે ગણવામાં આવ્યો છે. એ લગ્ન વખતની એક એક વિધિનું આગવું મહત્ત્વ છે. જેમાં લગ્નના બીજા દિવસે પૂંખણવિધિ કરવામાં આવે છે. ગામમાંથી સુથારીને ત્યાંથી લાકડામાંથી બનાવેલા ગણેશ અને પૂંખણિયાં લેવા માટે હોંશેહોંશે બહેનો જાય છે. એ વખતે પ્રખ્યાત લગ્નગીત ગાવે છે:

મારો સર્વે સોનાનો સૂરજ ઉગ્યો,

ભાઈ ભાઈ રે સુથારીયા વીરા વિનવું;

ઘડજો ઘડજો મારે ગણેશાં વાળી જોડ.

સુથારીના ત્યાંથી ગણેશ અને પૂંખણિયાં લાવ્યા બાદ ઘરે ગણેશની સ્થાપના કરવામાં આવે છે. અને પૂંખણિયાંથી પૂંખણની વિધિ શરુ થાય છે.

ભાઈ અને બહેન બંનેનાં લગ્નમાં પૂંખણિયાં હોય છે. દરેક પૂંખણિયાને એની વિશેષતાને આધારે લેવામાં આવ્યાં છે. જિંદગીની અલગ અલગ બાબતોને સાંકળીને એના પ્રતિકરૂપે પૂંખણિયાં બનાવવામાં આવ્યાં છે.

(૧) ધૂંસળ / ધૂંસરી – બળદના કાંધ પર મૂકવામાં આવતું આડું લાકડું / કારણ : બળદની જેમ હવે જવાબદારીથી બંધાઈને કુંટુંબનો ભાર વહન કરવાનો છે/ ઘરની ધુરા સંભાળવાની છે.

(૨) મુશળ / સાંબેલું

ખાંડવા માટે વપરાતું / કારણ : સાંબેલા જેવું કઠણ બનવાનું છે. સુખ અને દુ:ખમાં સાંબેલાની જેમ કઠણ બનીને જિંદગી જીવવાની છે.

(૩) રવૈયો

કારણ : જિંદગીમાં આવતાં સુખ અને દુઃખને વલોવીને એકરસ કરીને જિંદગી વિતાવવાની છે. પરિવાર સાથે હળીમળીને રહેવાનું છે.

(૪) ત્રાક

સીધો સળિયો / કારણ : ત્રાકની જેમ સુખ અને દુ:ખમાં અડગ ઉભા રહીને પરિવારને હિંમત પૂરી પાડવાની છે. જિંદગીમાં આવતી સુખ દુ:ખની ગાંઠોને ઉકેલવાની છે.

(પ) માણેકથંભ (માણેકસ્તંભ) / માંડવો : માંડવાનો અર્થ વિજયસ્તંભ અને છોકરી કે સ્ત્રી એવો પણ થાય છે. એના પરથી ‘માંડવો આવવો’ એવો રૂઢિપ્રયોગ છોકરી જન્મે કરવામાં આવતો હોય છે. / કારણ : જિંદગીની રેસમાં સફળ થવાના પ્રતિક રૂપે માણેકથંભ રોપવામાં આવે છે.

લગ્નપ્રસંગ વખતે કન્યા પક્ષે જે માંડવો રોપાય તે માંડવો (માણેકથંભ) અને વરરાજાને પૂંખવા માટે ( સ્વાગત માટે) પૂંખણિયા વપરાય છે.

વિશેષતાઓ :

જે પૂંખણિયાં સુથાર કારીગર બનાવે છે.

પૂંખણિયા પવિત્ર વૃક્ષોના લીલા લાકડા (તરત કપાયેલા) માંથી બનાવવામાં આવે છે. સૂકા લાકડામાંથી બનાવવામાં આવતાં નથી.

પૂંખણિયા બનાવતી વખતે તેમાંથી વધતો લાકડાનો વહેર કે બીજું વધારાનું લાકડું બળતણમાં વાપરવામાં આવતું નથી. તેને સારી જગ્યાએ મૂકવામાં આવે છે.

— ©તસવીર શબ્દ : મયૂર સુથાર

પૃથક્કરણ / વિભાવના : પ્રૉફે. પ્રકાશકુમાર સુથાર (બનાસકાંઠા જિલ્લાના સંદર્ભમાં)