ઘરની બહાર પોલીસની જીપ જોઈ સાસુએ પૂછ્યું, આ જીપમાં કોણ આવ્યું છે? અંદરથી બહેન બોલી આ તો…

0
1635

સવા બારની બસ :

રસોઈ તૈયાર થઈ ગઈ, ઢાંકો ઢુંબો કરી કમળા પાદરે આવી. બસમાં જનારા કોઈ હજી આવ્યા ન હતા. એક અજાણ્યો યુવાન જુના જેવા મોટર સાયકલમાં કંઈક કરી રહ્યો હતો. કમળાને લાગ્યું કે કંઈક ખરાબી થઈ હશે.

આજે ભાઈબીજ હતી. સવા બારની બસમાં ભાઈને લેવા એ સામી આવી હતી. એને સગો ભાઈ ન હતો, કાકાનો દિકરો બે ત્રણ વરસે જાણ કર્યા વગર આવતો. પણ કમળા બધી ભાઈબીજે રસોઈ તૈયાર કરી ભાઈને લેવા સવા બારની બસના ટાણે પાદરે ચોક્કસ આવતી.

બસ આવી. બે ચાર માણસો ઉતર્યા. કમળાનો ભાઈ આવ્યો નહીં. જનારા ચડી ગયા. બસ ગઈ. પેલો યુવાન હજી વડલાને ઓટે બેઠો હતો.

કમળાએ પુછ્યું.. “ભાઈ.. શું થયું છે? તેં ખાધું છે કે નહીં?”

યુવાને કહ્યું.. “દુરથી આવું છું. મશીન ગરમ થઈ ગયું છે. ઠંડુ પડતાં વાર લાગશે. મારે આગળ જવાનું છે.”

“તો, ચાલ મારે ઘરે. જમી લે. ત્યાં ઠીક થઈ જશે.”

“ના બેન. મને બહુ ભૂખ લાગી નથી.”

“આજે ભાઈબીજ છે. બેનને ઘરે ભાઈ જાણ કર્યા વગર જ આવે. હું ભાઈને લેવા જ આવી હતી. એ ન આવ્યો. તું ચાલ. આજે ના ન પડાય.”

“પણ બેન..” યુવાન અચકાતો હતો. “અમે વણકર છીએ.”

કમળા બોલી. ” એમાં શું. યમરાજા અને યમુના ભાઈબેન હતાં. ક્યાંય એની નાત જાત લખી છે?”

યુવાન કમળાની સાથે જઈ જમ્યો. જતી વેળા ખીસ્સામાં હાથ નાખ્યો.

કમળાની સાસુએ કહ્યું “આજે કંઈ લેવાય દેવાય નહીં. પાછો કોકદી બીજી વાર આવ, ત્યારે બેનને જે આપવું હોય તે આપજે.”

બીજે વરસે ભાઈબીજ આવી. કમળા રાહ જોતી પાદરે ઉભી હતી. સવા બારની બસ આવી. કાકાનો દિકરો ઉતર્યો.

ત્રીજે વરસે ભાઈબીજ આવી. કમળાએ રસોઈ કરી લીધી. એ પાદરે જવા તૈયાર થઈ. ત્યાં વાહનનો અવાજ આવ્યો. ડેલી સામે એક જીપ ઉભી રહી ગઈ. એ જોવા બહાર આવી. જોયું તો પોલીસની જીપ હતી. એક યુવાન પતિ પત્ની ઉતર્યા. કમળા ઓળખી ગઈ. ‘જુના મોટર સાયકલ વાળો જ યુવાન છે.’

આવકારો આપી કમળા બેયને અંદર લઈ ગઈ.

યુવાને કહ્યું “બેન, મને ફોજદારની નોકરી મળી ગઈ. અહીં તાલુકે મુકાણો છું. મારા લગ્નમાં તમને તેડાવવાનું ભૂલાઈ ગયું એટલે લગ્નની ખુશાલીમાં આ તમારી ભાભી હવે આજે કંઈક લાવી છે. એ લઈ લો. અમને જમાડ્યા પછી તો તમે કંઈ લેશો નહીં.”

ખુબ કિંમતી સાડી હાથમાં લેતાં કમળા ગદગદિત થઈ ગઈ.

સાસુ બહાર ગયા હતા, તે આવ્યા.. પોલીસની જીપ જોઈ એણે બહારથી જ પુછ્યું “કમુ.. આ જીપમાં કોણ આવ્યું છે?”

“બા.. એ તો, મારા ભાઈ ભાભી આવ્યા છે. આજે ભાઈબીજ છે ને?”

– જયંતીલાલ ચૌહાણ ૧૯-૮-૨૧ (અમર કથાઓ ગ્રુપ)