“પોપટભાઈનું મામેરું” – ભાઈ બહેનનો પ્રેમ રજુ કરતી જયંતીલાલ ચૌહાણની આ સ્ટોરી વાંચવાની મજા પડી જશે.

0
858

એક બાઈ હતી.. એણે ફળિયામાં જામફળી વાવી હતી.. એમાં ફળ આવવા માંડ્યા.. જામફળ કાચા હતા, ત્યારે જ એક પોપટ આવીને બેસતો.. અને પાકું ફળ ગોતતો.. બાઈ રોજ પોપટને ઉડાડી મુકતી..

એક દિવસ એક જામફળ પાક્યું.. પોપટ આવીને ખાવા જતો હતો, ત્યાં બાઈએ એને ઉડાડી મુક્યો.. એ દુર જઈને બેઠો.. બાઈએ પાકેલું ફળ તોડી લીધું..

પોપટે કહ્યું..

“બેન , મને જામફળ બહુ ભાવે.. થોડુંક આપને..”

બાઈએ અડધું જામફળ આપ્યું..” લે ભાઈ પોપટ.. તું પણ અડધું ખા..”

પછી તો રોજ પોપટ આવે.. “ બેન , મને કંઈક ખાવાનું આપને..”

એ બાઈ રોજ નવું નવું ખાવાનું આપે..

એક દિવસ રોજની જેમ પોપટ આવ્યો.. બાઈએ ખાવાનું આપ્યું .. પણ એ ઉદાસ હતી..

પોપટે પુછ્યું “બેન , આજે તું ઉદાસ કેમ છો?”

બાઈએ કહ્યું “મારી નણંદના લગ્ન છે.. મારી સાસુએ મને કહ્યું છે કે ‘તારા ભાઈને કહેજે કે સારું મામેરું લઈ આવે..’ મારે કોઈ ભાઈ નથી.. મારી જેઠાણીનો ભાઈ ખુબ શાહુકાર છે.. એ મામેરામાં કપડાં ઘરેણા લાવશે.. બધા મારી હાંસી કરશે..” એમ કહેતાં એ રડવા લાગી..

પોપટે કહ્યું “બેન, મુંઝાઈશ નહીં.. હું તારો ભાઈ.. એનાથી સવાયું મામેરું લઈ આવીશ..” એમ કહી એ ઉડી ગયો..

પોપટે વિચાર કર્યો.. રાજાની રાણીને રાજી કરું તો મોટું મામેરું મળે..

એ ઉડતો ઉડતો જંગલમાં ખુબ દુર ગયો.. ત્યાં સોનેરી રંગના, ખુબ સુવાસ વાળા ફુલનું ઝાડ હતું.. તેણે એક સરસ ફુલ તોડ્યું.. અને આવ્યો રાજમહેલ પાસે.. રાણી ઝરુખામાં બેઠી હતી, ત્યાં જઈને બેઠો.. રાણી તો ફુલના રંગ અને સુવાસથી દંગ થઈ ગઈ.. દાસીને હુકમ કર્યો .. “આ પોપટને થાળ ભરીને ખાવાનું આપો..”

પોપટ બોલ્યો.. “રાણી સાહેબા.. મારે ખાવાનું નથી જોઈતું.. મારી બેનનું મામેરું ભરાવી દ્યો.. તો ફુલ આપું..”

રાણીએ કહ્યું “બોલ, શું જોઈએ તારે બેનના મામેરામાં..?”

પોપટે કહ્યું “એક સોનાનો હાર, બે કંગન ને સાત સાડી.. રાજના ઢોલી શરણાઈયા વગાડતા આવે.. ને હું પાલખીમાં બેસીને મામેરું આપવા જાઉં.. એટલું કરી દ્યો .. તો ફુલ આપું..”

રાણીએ તરત જ દાસ દાસીઓને પોપટ કહે તેમ કરવા હુકમ કર્યો.. પોપટે રાણીને ફુલ આપ્યું..

આ બાજુ મામેરા ભરવાનો સમય થતો હતો.. બાઈને એમ .. કે બિચારો પોપટ શું લાવશે..

પણ ત્યાં તો ઢોલ નગારા, શરણાઈ સંભળાઈ.. પોપટ પાલખીમાં બેસીને બહેનનું મામેરું લઈને આવ્યો..

બાઈએ હેતથી પોપટભાઈ અને મામેરાને વધાવ્યાં..

જુઓ, ભાઈ બહેનનો પ્રેમ.. ને જીવતાં શીખો એમ..

– જયંતીલાલ ચૌહાણ ૨૪-૫-૨૧

દાદીમાની વારતાઓ જેવી જુની શૈલીમાં આ બાળવાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે.. આપના અભિપ્રાય આવકાર્ય છે..

(સાભાર જયંતીલાલ ચૌહાણ, અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)