વાંચો ખૂબ જ પ્રચલિત અને ગુજરાતીઓના હૈયે ચડેલું લોકગીત ‘સોનલા વાટકડી રે રૂપલા કાંગસડી…’

0
887

સોનલા વાટકડી રે રૂપલા કાંગસડી,

ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી.

હાથ પગ ચોળે એના ઘરની અસતરી,

વાંસાના મોર ચોળે માડી રે ભરથરી.

મોર રે ચોળંતાં એનું હૈડું ભરાણું જો,

નેણલે કાંઈ આંસુડાંની ધારું રે ભરથરી.

નહીં રે વાદલડી ને નહીં રે વીજલડી,

ઓચિંતાં નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી.

આવી રે કાયા રે તારા બાપની હતી જો,

ઈ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી.

કો’ તો માતાજી અમે જોગીડા થાયેં જો,

કો’ તો લઈએ રે ભગવો ભેખ રે ભરથરી.

બાર બાર વરસ બેટા રાજવટું કરો જો,

તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી.

બાર બાર વરસ માતા કોણે રે જોયા જો,

આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી.

દેશ જાજો રે દીકરા પરદેશ જાજો જો,

એક રે નો જાજો બેનીબાને દેશ રે ભરથરી.

નણદલની દીકરી રે કાંઈ સોનબાઈ નામ જો,

સોનબાઈ કાંઈ પાણીડાં નિહાર્ય રે ભરથરી.

કો’ તો મામીજી તમારો વીરોજી દેખાડું જો,

કો’ તો દેખાડું બાળુડો જોગી રે ભરથરી.

સાચું બોલો તો સોનબાઈ સોનલે મઢાવું જો,

જૂઠું બોલો તો જીભડી વાઢું રે ભરથરી.

હાલો દેરાણી ને હાલો જેઠાણી જો,

જોગીડાની જમાત જોવા જાઈં રે ભરથરી.

કો’ તો વીરાજી મારા પાલખી મગાવું જો,

કો’ તો અપાવું પાછાં રાજ રે ભરથરી.

પાલખી ન જોયેં બેનીબા રાજ ન જોયેં જો,

મારે કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.

મિત્રો તમે જે લોકગીત વાંચ્યું તે એક કથાગીત પણ છે. આ કથાગીત એટલે એવું લોકગીત જેમાં કોઈ કથાના તાણાવાણા ગૂંથાયા હોય. આમ તો લગભગ દરેક લોકગીત કોઈ ને કોઈ કથા વિષે જણાવતું હોય છે. પણ કથાગીતમાં કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટનાની નામજોગ કથા હોય છે. કથાગીતો પ્રમાણમાં દીર્ઘ હોય કેમ કે કોઈકનું આખું જીવનકવન કે કિસ્સો એમાં અથથી ઇતિ આલેખાય છે.

ઉપર રહેલા લોકગીતની વાત કરીએ તો ઘણા લોકોએ તેને ભજન માની લીધું છે. તેનું કન્ટેન્ટ, કમ્પોઝિશન વગેરે ભજન જેવું છે પણ તે ભજન નથી. કૃતિને અંતે આવતું સર્જકનું નામ એટલે કે નામાચરણ ભજનની કેટલીક ઓળખમાંથી એક ઓળખ છે. આ પરંપરાગત કૃતિના કર્તા કોણ એ સવાલનો જવાબ આપણી પાસે નથી જ. ઝવેરચંદ મેઘાણીના અભૂતપૂર્વ લોકગીત સંગ્રહ ‘રઢિયાળી રાત’ માં આ રચના શોભાયમાન બની છે.

આ લોકગીત સાથે જોડાયેલા પ્રસંગ વિષે વાત કરીએ, તો એકવાર ગોડ બંગાળના યુવા રાજવી ગોપીચંદ સ્નાન કરવા બેઠા હતા. તેમના શરીરને સુવાસિત કરતા લેપ લગાવાઈ રહ્યા હતા. પણ એ અધખુલ્લી કાયાને જોઈ તેમના માતા મેનાવતીની આંખો એ વિચારે ઉભરાઈ છે કે, આવો જ પુષ્ટ અને કંચનવર્ણો દેહ આના પિતાનો હતો પણ પરિણામ શું આવ્યું? કામણગારી કાયાને કાષ્ટના હવાલે કરવી પડી ને રાખ થઈ ગઈ.

તે દરમિયાન માતાની આંખનું ઉનું આંસુ ગોપીચંદની પીઠ પર પડે છે. ગોડ બંગાળના રાજવીની માતા રડે? પણ શા માટે? કારણનો ખુલાસો થયો ને ગોપીચંદનું મન વૈરાગી બન્યું. પછી ગોપીચંદે ભગવાં ધારણ કરવાની અભિલાષા વ્યક્ત કરી. આથી માં એ બાર વર્ષ રાજ ભોગવ્યા પછી સાધુ થવા સૂચવ્યું. પણ જેનો આત્મા સાધુતારંગી બન્યો છે એ કેમ રોકાય?

તે જોગીપુત્રને માં એ વિનવ્યો કે, તું દુનિયા ભમજે પણ જે મલકમાં તારી બેન વસે છે ત્યાં ન જઈશ. બેનીનાં આંસુથી તારા ભગવાં ભીંજાય ને ક્યાંક એને પુનઃ સંસારમાં પાછા ફરવાની ક્ષણિક ઈચ્છા જાગે તો? પણ ગોપીચંદ ખુદની કસોટી કરવા ને એમાં પાર ઉતરવા બેનીબા ને દેશ ગયા ને બેનની વિનવણી છતાં સાધુતામાં અટલ રહ્યા. કંઈક આવી છે ગોપીચંદની સ્ટોરી.

સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ.)