પોતાના દીકરાને પારણે હીંચકાવતો જોઈ બહેનનું દિલ ભરાઈ આવ્યું, પછી તેણે જે કર્યું તે….

0
543

“પારણું”

વેલજીના મોટી ઉંમરે લગ્ન થયેલાં, એક વાર દુઃખાણેલી પુનીએ આવતાં વેંત વેલજીના ઓરડામાં અજવાળાં પાથરી દીધા, સમજોને કે એની પરસાળમાં આભલા ટાંકી દીધાં. પુનીના પ્રેમના પિયુષ પીય ને વેલજીની ઉમર જાણે અવળો આંટો લઈ ગઈ.

બે મહિનામાં તો વેલજી વહુઘેલા તરીકે ગામમાં પંકાય ગયો, પૂની પણ ઘણી વાર સણકો કરી કે “હુ હાવ વેવલાવેડાં કરો છો, પુળો મૂછની તો લાજ રાખો”. વેલજી મૂછમાં હંસતો પૂનીનું કાંડુ મરડી કમરમાં ચીમટો ભરી લે ને પુની “ઓય મડી રે” કરીને વેલજીની છાતી પર ધુબો મારી લે.

હેતનો હથેવાળો વ્હાલની વાતું કરતા કરતા પાંચ વર્ષ જેટલો પગ કરી ગ્યો. પૂનીની જેઠાણી, શેરીની વ્હવારુઓ ઓટલે બેસતી. અનુભવી આયુ, સૌની નજર હવે પુનીના ઘઉં વર્ણનાં પેટ પર મંડરાવા લાગી. પણ આ પ્રિતઘેલા પતિ પત્નીને સ્નેહનાં વાવેતર સિવાય કોઈ ઉગાવાની પડી નહોતી, ક્યારેક વેલા ને એના ભાઈબંધુ મજાકમાં પૂછે એલા “પેંડાનાં પડીકા કેદી ખોલીશ?”

વેલજી ” અરે પેંડા તો મારી પૂનીને દૂધ બાળીને બનાવતાં જોર ફાવે, આવતી આઠમે ઠાકરની થાળી પાકી” એમ કહી મનમાં જે ઠાકર! કહીં, વાતને હવામાં ઉડાડી દે. પણ, આ બાબતે વેલજી કે પૂની પૂનમની રાતે પણ કશી વાત ન કરે, શેર માટીની ખોટ આ હેતમાં હિલોળા લેતાં માટીનાં માણસોને મન નગણ્ય હતી.

વેલજી અને ખીમજીની એક બેન જીવી પણ ખરી, જીવતર જીવી જાણે એવી જીવી બાજુના ગામમાં જ સાસરે, ભગવાને ચંદરના ટુકડા જેવા બે દીકરા જીવીના ખોળે રમતાં મેલેલા, એક ત્રણ વર્ષનો અને એક હજુ આઠ મહિનાનો જીવીની છાતી પર ઊગી રહ્યો છે.

પુનીના જેઠ ખીમજીની બે દીકરિયું પરણવા જોગ થઈ ગયેલી, એનાં લગ્ન લેવાણાં વેલજીએ ભત્રીજીયું ને રંગેસંગે પરણાવવામાં કોઈ કમી ના રહેવા દીધી. કન્યા વિદાયના ભાવુક પ્રસંગે, વ્હાલા દિલનો માલિક વેલજી આંસુંને રોકતો, છૂપાવતો, ઓસરીનીં પાળે આવીને આંખો ભીડીને બેઠો.

પુની, વેલજીની બેન જીવી અને સૌ બાયું પૈડું સિંચવાના પ્રસંગે ડેલી બાર રોકાયેલા. ઓસરીમાં વેલજીએ ખાસ ભાંણેજરું માટે જાતે ઘડેલ ઘોડિયામાં પોઢેલો જીવીબેનનો આઠ મહીનાનો ઓજસ્વી દીકરો ઉઘમાંથી જાગી ને રડવા માંડ્યો. વેલજી જબક્યો તરત દોરી લઈને હીંચકો નાંખવા લાગ્યો, બાળક થોડી વારમાં શાંત થઈ ગયું.

જાનને વળાવી જીવીબેને ફળિયામાં પગ મૂક્યો તો ભીંજાયેલ આંખે વેલજીને પોતાના ભાણીયાને હીંચકાવતો જોઈ એનું દિલ ભરાઈ આવ્યું. મનમાં કંઈક નક્કી કરી, એ એના વર પાસે જઇ, કંઈક વાત કરી આવી.

દી આથમવાને હજુ વાર હતી. પુની મહેમાનો માટે ભાતા તૈયાર કરવા રસોડામાં ગઈ. જીવીએ પોતાના કપડાંની થેલી ઉપાડતાં ભાઈઓ, ભાભીઓ પાંહે વિદાય માંગી. પુની ભાતા હાર્યે ભાણાંના કપડાંની થેલી પણ લાવી.

ભાતું જીવીએ હાથમાં લીધું અને કપડાંની થેલી પરત આપતાં એટલું બોલી “ભાઈ વેલજી, મારા વીરાં, આ તે બનાવેલું ઘોડિયું, એનું મેં ભરેલું ખોયું અને આ મારો દીકરો આજથી તારાં.”

છેલ્લી વાર એનું પેટ ભરાવી પુનિના ખોળામાં ઘૂઘવતાં બાળકને આપી દીધો. “સાચવજે” આટલું બોલી જીવી મોટા દિકરાની આંગળી પકડી વધેલા આંસુ પાંપણમાં દબાવી પોતાના પતિ હાર્યે નીકળી ગઈ.

વેલજી આવી વિદાયને સુનમુન અને સ્તબધ્ધ બની જોતો રહ્યો, પૂનીની છાતીયુમાં ભરાયેલ ડૂમો આંખ માંથી બહાર આવી બાળકના ગાલને ભીંજવી રહયો. સૂરજ નારાયણ આથમી ગયાં, ઉગમણી દહે ચંદ્રની કોર દેખાણી, ને ઠાકર મંદિરે ઝાલરૂ વાગી.

– દેવાયત ભમ્મર.

(સાભાર હિતેશ ગોજીયા આહીર, અમર કથાઓ ગ્રુપ, ફોટા પ્રતિકાત્મક છે.)