પોતાના થનારા સાસુ સસરાનું એક્સિડન્ટ થતા છોકરીએ જે કર્યું તેમાં સારા સંસ્કારની ઝલક દેખાય છે, વાંચો સ્ટોરી.

0
880

લઘુકથા – “કેતકી” – ભાગ 3 અને 4 :

(ભાગ 1 અને 2 તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.)

આગળના ભાગમાં આપણે જાણ્યું કે કઈ રીતે કૌશીક અને કેતકીના ઘરવાળા તેમના સંબંધ માટે રાજી થઈ જાય છે અને કૌશીક કોલેજ જવા માટે નીકળે છે. હવે આગળની સ્ટોરી જાણીએ.

કૌશીકને એમ.એસ. નો અભ્યાસ ચાલુ થઈ ગયો.

વિનોદભાઈએ સૌ સગાવહાલમાં ‘કૌશીકને એમ. એસ. માં પ્રવેશ મળ્યો, અને તેનું જલ આપ્યું..’ એ સમાચાર આપી દીધા.

દિકરી મીતા અને જમાઈ હરખ કરવા આવ્યા. એણે મીઠી ફરિયાદ કરી કે ‘અમને કેમ ન બોલાવ્યા?’ પણ એક જ દિવસે બે સારા કામ થયા.. એ વાતથી રાજી થયા.

જાણીતા સાથીદાર શિક્ષકના ઘરે લગ્ન પ્રસંગ હતો. એણે કેતકીને પણ સાથે લાવવા આગ્રહ કર્યો હતો. એટલે વંદનાબેન કેતકીને તેડી લાવવા ગયા અને કહ્યું..

“અમારે થોડી ખરીદી કરવાની છે. અને રાત્રે દાંડિયા રાસ છે. એટલે મોડું થશે. તમે કેતકીની રાહ ન જોતાં. એ અમારી સાથે જ સુઈ રહેશે.”

કેતકી ભાવિ સાસુ સસરા સાથે બજારમાં ગઈ. એ ના પાડતી રહી તોયે સાસુએ કિમતી કપડાં પસંદ કરાવ્યા. પછી ઝવેરીની દુકાને જઈ, સોનાના કંગન અને ગળાનો સેટ અપાવ્યો.

વંદનાબેને કહ્યું.. “અમે તને પહેલી વાર ઓળખીતા વચ્ચે લઈ જઈએ છીએ. આજે તારો શણગાર એ જ અમારો શણગાર કહેવાય. તારા માટે ઘરેણા સગાઈ વખતે લેવાના હતાં. પણ તારા પપ્પાએ કહ્યું કે.. આપણે કેતકીને પહેલીવાર પ્રસંગમાં લઈ જઈએ, અને દરદાગીના ન પહેર્યા હોય તો લોકો આપણને પાછળથી ‘ખરા માસ્તર છે..’ એમ કહે. એટલે એણે ઝવેરી સાથે અગાઉથી વાત કરી રાખી હતી.”

કેતકી નવા વસ્ત્ર અલંકારોથી સજ્જ થઈ ગઈ. બધાએ ખુબ આનંદથી લગ્ન પ્રસંગ માણ્યો. કેતકીએ લળી લળીને રાસ લીધા. વિનોદભાઈ અને વંદનાબેન હરખભરી નજરે બધાની વચ્ચે એને જ જોયા કરતા હતા.

મોડી રાત્રે ત્રણે ઘરે આવ્યા. વંદનાબેને કેતકીને કહ્યું.. “કૌશીકવાળા ઓરડામાં અલાયદું બાથરુમ છે.. એટલે તને સવારે નહાવા ધોવામાં ઠીક રહેશે.. તું ત્યાં સુઈ જા.”

એ ઓરડામાં ગઈ. બારણું બંધ કર્યું. એના ધબકારા વધી ગયા. જે ઓરડામાં પરણીને આવવાનું હતું. ત્યાં કુંવારા જ આવવાનું થયું. એણે ખુશી સાથે ચારે તરફ નજર ફેરવી. અને કૌશીકના પલંગ પર આડી પડી. ભવિષ્યના સુખના વિચારો કરવા લાગી.

કૌશીકની ઉંઘ બગડશે એમ માની ફોન ન કર્યો. પણ એક સંદેશ લખીને રવાના કર્યો.

“ડોક્ટર.. સ્વર્ગથી અધીકી સુંદર જગ્યાએ.. આનંદાલય જેવા મહેલમાં.. મારા અધિકારના સ્થાનનો કબજો મેં લઈ લીધો છે. તમારી સુગંધથી તરબતર થતી થતી હું સુઈ જાઉં છું. તમે સપનામાં જરુર આવજો. – કટકી.”

(ભાગ 4)

વિનોદભાઈ કેશવભાઈની દુકાને ક્યારેક બેસવા જતા. હવે સંબંધ થતાં અવારનવાર જવા લાગ્યા.

એક દિવસ કેશવભાઈએ કહ્યું.. “આપણે સગાઈનું હવે ગોઠવી દઈએ. કૌશીકને પુછી જોજો. બે દિવસની રજા મળે, તો પણ પ્રસંગ થઈ જાય.”

વિનોદભાઈએ કૌશીક સાથે ચર્ચા કરી. કૌશીકે જણાવ્યું કે.. ‘મને એક અઠવાડિયાની રજા મળી શકશે.’ અને તે માટે ત્રણ માસ પછીનો સમય જણાવ્યો.

સગાઈના પ્રસંગની ગોઠવણ બન્ને પક્ષે કરવા માંડી. પણ અચાનક વિઘ્ન આવી પડ્યું. વિનોદભાઈ અને વંદનાબેન પોતાના વાહન પર શાળાએ જતા હતા ત્યાં કારચાલકે હડફેટે લીધા. વિનોદભાઈને સામાન્ય ઈજાઓ થઈ. વંદનાબેનનું સાથળનું હાડકું ભાંગી ગયું. વાઢકાપ સારવાર માટે દવાખાનામાં દાખલ કરવા પડ્યા.

કેશવભાઈએ કૌશીકને ફોન કરી.. ‘કંઈ ચીંતા ન કરવી, અમે બધી ગોઠવણ કરી લઈશું.’ એમ જણાવ્યું. તો પણ, કૌશીક તુરત જ એક દિવસ પુરતો આવી ગયો અને પોતે પણ ડોક્ટર છે એ નાતે દવાખાનામાં ભલામણ કરી ગયો.

જમાઈ અને દિકરી પણ આવ્યા. મીતા રોકાઈ ગઈ. એ અને કેતકી વારા ફરતી વંદનાબેન પાસે દવાખાનામાં રહેતા.

સાત દિવસ રોકાઈને મીતા સવારે પોતાના સાસરે ગઈ. બપોરે રજા મળતાં, વંદનાબેનને ઘરે લાવ્યા. વિનોદભાઈની સામાન્ય ઈજાઓ હવે મટવા આવી હતી.

કેશવભાઈ અને શારદાબેન એ ચીંતાની ચર્ચા કરતા હતાં કે.. “હવે વંદનાબેન પાસે કોણ રહેશે? ઘર સાંચવવાનું, રસોઈનું શું થશે? એને હરતા ફરતા થતા હજી ઘણો સમય લાગશે. અને એ પછી પણ એ બધું થોડા કરી શકશે? અને વિનોદભાઈ પુરુષ થઈને કેટલુંક કરી શકે?”

આ વાત કેતકી સાંભળતી હતી. એ બોલી..

“મમ્મી.. પપ્પા… હું લગ્ન પહેલાં ત્યાં રહી ના શકું?”

કેતકીની દરખાસ્તથી બન્ને વિચારમાં પડી ગયા. થોડીવારે શારદાબેને પતિને કહ્યું.. “સગાને ભીડ પડી.. અને આપણે કામ ન આવીએ.. તે શુ કામનું? કુંવારી સાસરે મોકલવા માટે લોકો તો ટીકા કરશે. પણ તમે હા પાડો તો કેતકી ભલે ત્યાં જાય. મને મદદ કરવા શુભાંગી તો છે જ ને?”

કેશવભાઈ હસ્યા.. “ભલે જતી.. ક્યારેક તો ત્યાં જવાનું જ હતું.. એને બદલે વહેલી..”

કેતકી કપડા અને બીજી જરુરી ચીજો લઈ. કૌશીકવાળા ઓરડામાં આવી ગઈ.

વેવાઈ વેવાણનો નિર્ણય, અને કેતકીની લાગણી જોઈ.. વિનોદભાઈ ગદગદિત થઈ ગયા.

કૌશીક સાથે વાત કરીને કેતકીએ અહીં મમ્મી પપ્પા કે ઘરની કંઈ ચીંતા ન કરવા જણાવી દીધું, અને કહ્યું.. “જુઓ ડોક્ટર.. હવે આ ઓરડો મારો એકનો જ છે. લગ્ન પહેલાં એની અંદર તમારે પગ મુકવાનો નથી. સમજ્યા ને?”

– જયંતીલાલ ચૌહાણ