પોતાના ‘વટ’ ને ખાતર માણસ કેટલી હદ સુધી જઈ શકે છે તેનો દાખલો બારીની આ લઘુકથા આપશે.

0
682

લઘુકથા – બારી :

– માણેકલાલ પટેલ.

એક બારીના પ્રશ્ને બે પરિવારો વચ્ચે મોટી બબાલ મચાવી દીધી હતી. આ બબાલથી ગામ આખું બે ભાગમાં વહેંચાઈ ગયું હતું.

સવજીભાઈ અને રામજીભાઈના ઘરની સહિયારી ભીંતે સવજીભાઈએ એક બારી પાડી અને લાકડાની ફ્રેમમાં ઊભા સળિયા ફીટ કર્યા હતા.

આ બારી આમ તો રામજીભાઈના વરંડામાં પડતી હતી. પણ, પાછળથી પાડેલી આ બારીને લીધે બન્ને પરિવારો વચ્ચે ઝગડો મા-રા- મારી સુધી પહોંચી ગયેલો અને પછી તો પોલીસ કેસ પણ થયેલો.

થોડા સમય પછી બન્ને જામીન પર પણ છૂટેલા.

એ પછી કેસ કોર્ટમાં આવેલો.

ગામમાંથી જતી ટ્રેનમાં બન્ને સાથે જ તાલુકા મથકની કોર્ટમાં જતા. બંને વચ્ચે અબોલા હોઈ બેસતા અલગ અલગ ડબ્બામાં અને સ્ટેશને ઉતરી પહેલાં તેઓ પોત પોતાના વકીલની ઓફિસ બાજુ જતા.

દરેક મુદતે આવું જ બનતું.

પાંચેક વર્ષ વીતી ગયાં આ વાતને.

રામજીભાઈ કોઈ પણ ભોગે આ બારી બંધ કરાવવા માગતા હતા.

બંને પરિવારો આ કેસને લીધે સામાજિક રીતે બદનામ તો થયાં જ હતાં, આર્થિક રીતે પણ ઘસાતાં જતાં હતાં. પણ, વટને ખાતર બન્નેમાંથી કોઈ બાંધછોડ કરવા તૈયાર નહોતાં.

એક મધરાતે રામજીભાઈના ઘરના છેલ્લા ઓરડામાં અચાનક આગ લાગી. બધાં ઘસઘસાટ ઊંઘતાં હતાં એટલે એમના ઘરમાં કે આગળ ફળિયામાં પણ કોઈને આ આગનો ખ્યાલ ન આવેલો. પણ, બારીમાંથી સવજીભાઈના ઘરમાં તીવ્ર વાસ આવવા લાગી.

પતિ- પત્નીએ રામજીભાઈના ઘરમાં આગ લાગતી જોઈ અને ઘડીનોયે વિલંબ કર્યા વિના એમણે બારીની ફ્રેમ ખોલી નાખી અને ઝડપથી એ પતિ- પત્ની રામજીભાઈના ઘરમાં કૂદી પડ્યાં અને પરિવારને ઊંઘમાંથી ઉઠાડ્યો.

બધાં ગભરાઈને હાંફળા ફાંફળા બની ગયાં. પછી તો બધાંએ ભેગા મળી આગને ઓલવી દીધી અને એક મોટો અકસ્માત થતાં બચી ગયો.

બીજા દિવસે સવારે રામજીભાઈ એ બારીને સરખી કરાવવા માટે કેશાભાઈ સુથારને લઈને આવ્યા ત્યારે ફળિયાનાં બધાં વિચારમાં પડી ગયાં.

– માણેકલાલ પટેલ.

(ફોટા પ્રતીકાત્મક છે)