એક વખત અમેરિકામાં કેલીફોર્નીયાના રોડના કિનારે એક વૃદ્ધ માણસને પેશાબ કરતા જોઈ પોલસવાળા તેમને પકડીને તેમના ઘરે લઇ આવ્યા અને તેમની પત્નીને હવાલે કરીને આદેશ કર્યો કે, તેઓ આ વ્યક્તિનું સારી રીતે ધ્યાન રાખે અને તેમને ઘરેથી બહાર નીકળવા ન દે.
ખાસ કરીને તે વૃદ્ધ કોઈને જાણ કર્યા વગર ક્યાંય પણ અને કોઈ પણ સમયે ઘરેથી બહાર નીકળી જતા હતા અને પોતાને પણ ઓળખી શકતા ન હતા. વૃદ્ધની પત્નીએ પોલીસ વાળાનો આભાર માન્યો અને તેમના પતિને પ્રેમથી સંભાળીને રૂમની અંદર લઇ ગયા.
વૃદ્ધની પત્ની તેમને વારંવાર સમજાવી રહી હતી કે તમારે તમારું ધ્યાન રાખવું જોઈએ. આમ કોઈને જાણ કર્યા વગર બહાર ન નીકળી જવું જોઈએ. તમે હવે વૃદ્ધ થઇ ગયા છો, સાથે જ તમારે તમારો ગૌરવશાળી ઈતિહાસ યાદ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમારે આવું વર્તન ન કરવું જોઈએ જેથી શરમ અનુભવવી પડે.
જે વૃદ્ધને પોલીસ રોડ પરથી પકડીને તેમના ઘરે મૂકી આવી હતી, તે એક સમયે અમેરિકાના જાણીતા ફિલ્મી કલાકાર હતા. લોકો તેમની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા હતા. તેમની લોકપ્રિયતાની સ્થિતિ એટલી મજબૂત હતી કે તેના બળ ઉપર તેઓ રાજકારણમાં ગયા અને દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનીને આગળ આવ્યા અને એક દિવસ તે અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. તેમનું નામ હતું રોનાલ્ડ રીગન.
1980 માં રીગન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા અને પુરા આઠ વર્ષ દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ રહ્યા. રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમની ઉપર ગો-ળી-પ-ણ ચાલી. ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહ્યા પછી જયારે તે ફરી વખત વ્હાઈટ હાઉસ ગયા તો તેમની લોકપ્રિયતા બમણી થઇ ગઈ હતી. રીગન તેમના સમયમાં અમેરિકાના સૌથી લોકપ્રિય નામો માંથી એક હતા.
રાષ્ટ્રપતિ પદ પરથી દુર થયા પછી જયારે તે પોતાના અંગત જીવનમાં પાછા ફર્યા તો થોડા દિવસ સુધી બધું સારું રહ્યું. પણ થોડા દિવસો પછી તેમને અલ્ઝાઇમરની તકલીફ થઇ અને ધીમે ધીમે તે પોતાની યાદશક્તિ ગુમાવી બેઠા.
શરીર હતું. યાદો ન હતી. તે ભૂલી ગયા કે એક સમય હતો જયારે લોકો તેમની એક ઝલક માટે આતુર હતા. તે ભૂલી ગયા કે તેમની સુરક્ષા દુનિયાની સૌથી મોટી ચિંતા હતી. નિવૃત્તિ પછી તે બધું ભૂલી ગયા. પણ અમેરિકાની ઘટના હતી તો વાત બધાની સામે આવી ગઈ કે, એક સમયે દુનિયા પર રાજ કરવા વાળા વ્યક્તિ જયારે યાદોમાંથી નીકળી ગયા તો તે વ્યક્તિ ન રહ્યા જે પહેલા હતા. એટલે કે તેમનું જીવન બાકી હોવા છતાં પણ પૂરું થઇ ગયું હતું.
આ બનાવ એ વાત સમજાવે છે કે શક્તિશાળીમાં શક્તિશાળી વસ્તુની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. એટલા માટે જીવનમાં ક્યારેય કોઈ વસ્તુનો અહંકાર આવી જાય તો શ્મશાનનો એક આંટો જરૂર લગાવી આવવો જોઈએ. ત્યાં એક એકથી ચડિયાતી અને મોટી મોટી હસ્તીઓ રાખ બનીને પડ્યા હોય છે. અહંકાર ખોટો છે પછી તે સત્તાનો હોય, ધનનો હોય કે પછી બાહુબળનો હોય.