“પોટલી” : ઘર વહેવાર અને સંસ્કારની ગાંઠોની આ સ્ટોરી તમને ઘણું શીખવી જશે.

0
566

” લ્યો તાજા ચણિયા બોર… “

બોર ભલે મીઠાં હોય કે ન હોય.. પણ રુખીની આ લયબધ્ધ બોલી તો ખરેખર મીઠી મધ જ હોય..

મધુબેનની ડેલીનો ઓટલો એટલે રુખીનું સ્ટેશન.. બુમ મારીને બેસી જાય.. કેરડા , કરમદા , કોઠીંબા , જાંબુ કે બોર.. જે કંઈ વિણીને લાવી હોય તેની પોટલી છોડે..

આજુબાજુની સ્ત્રીઓ કંઈ લેવું હોય તો આવે.. પણ મધુબેન તો લેવું હોય કે ના હોય.. રુખી માટે પાણીનો લોટો ભરીને આવે..

આજે રુખી ચણિયાબોર વિણી લાવી હતી.. બુમ મારીને પોટલી ખોલીને બેઠી.. મધુબેન લોટો ભરી લાવ્યા..

રુખી બોલી .. ” આજ સારી બોરડી હાથ આવી ગઈ.. બોર બહુ મીઠાં છે.. બેનબાને ચણિયા બોર બહુ ભાવે.. એટલે સીધી અહીં આવી છું.. બોરનું નામ સાંભળતાં તો એ તમારી પહેલાં બહાર આવે.. આજે કેમ ના આવ્યા?”

રડમસ અવાજે મધુબેન બોલ્યા.. ” એ નહીં આવે.. હવે શું ધૂળ આવે? તું ઘરના જેવી છો , એટલે કહું છું.. એ ભાગી ગઈ.. ઘર મુકીને..”

રુખીથી બોલાઈ ગયું .. ” અરરર…”

પાણી પીયને એ પોટલી બાંધવા માંડી..

” બેન.. મારેય ઘણીવાર એવું થાય.. આ બોર , કોઠીંબા , જાંબુ , કેરડા.. બધા સરખા.. ગોળમટોળ.. સારું કપડું લઈ સરખી ગાંઠ ના વાળું.. તો પોટલીને પડખેથી નિકળી જાય.. બહુ ધ્યાન રાખવું પડે..”

રુખી ગઈ..

મધુબેન વિચારતા રહ્યા.. ” મેં ઘર વહેવારનું કપડું સારું લીધું નહીં હોય.. ને સંસ્કારની ગાંઠો સરખી વાળી નહીં હોય..”

એણે નિસાસો નાખ્યો..

“હે ભગવાન.. મારી પોટલીમાંથી કોઠીંબુ નિકળી ગયું..”

– જયંતીલાલ ચૌહાણ ૨૨-૬-૨૧