આ કથા તેમના માટે છે જે દરેક વસ્તુ ભગવાનને ભોગ ચડાવીને જ ખાય છે. જયારે ભગવાન શ્રીકૃષ્ણએ સુદામાજીને ત્રણે લોકના સ્વામી બનાવી દીધા તો સુદામાજીની સંપત્તિ જોઈને યમરાજાથી ન રહેવાયું.
ભગવાનને નિયમ કાયદાના પાઠ ભણાવવા માટે યમરાજ પોતાની ખાતાવહી લઈને દ્વારકા પહોંચી ગયા.
તે ભગવાનને કહેવા લાગ્યા કે, અપરાધ ક્ષમા કરો ભગવાન પણ સત્ય તો એ છે કે, યમપુરીમાં કદાચ હવે મારી કોઈ જરૂરિયાત નથી રહી. એટલા માટે પૃથ્વી લોકના પ્રાણીઓના કર્મોની ખાતાવહી તમને સોંપવા આવ્યો છું. અને આ રીતે યમરાજાએ બધી ખાતાવહી ભગવાન સામે રાખી દીધી.
ભગવાન હસ્યા અને બોલ્યા યમરાજજી ખરેખર એવી કઈ વાત છે જે તમે આટલા ચિંતિત લાગી રહ્યા છો.
યમરાજ કહેવા લાગ્યા કે, પ્રભુ તમારા ક્ષમા કરી દેવાથી અનેક પાપી એક તો યમપૂરી આવતા જ નથી તે સીધા જ તમારા ધામ જતા રહે છે. પછી તમે હમણા હમણા સુદામાજીને ત્રણે લોક દાનમાં આપી દીધા છે. તો હવે અમે ક્યા જઈએ?
યમરાજ શ્રીકૃષ્ણ ભગવાનને કહેવા લાગ્યા કે, પ્રભુ સુદામાજીના પ્રારબ્ધમાં તો જીવનભર ગરીબી જ લખાયેલી હતી. પણ તમે તેમને ત્રણે લોકની સંપત્તિ આપીને વિધિના બનાવેલા વિધાનને બદલી દીધું છે. હવે કર્મોની પ્રધાનતા તો લગભગ સમાપ્ત જ થઇ ગઈ છે.
આ સાંભળી ભગવાન બોલ્યા કે, યમ તમે કેવી રીતે જાણી લીધું કે સુદામાના ભાગ્યમાં આજીવન ગરીબીના યોગ છે.
પછી યમરાજાએ તેમનું ખાતું ખોલ્યું અને સુદામાજીના ભાગ્ય વાળા સ્થાન ઉપર જોયું તો ચકિત રહી ગયા.
જ્યાં શ્રીક્ષય સંપત્તિના ક્ષય લખાયેલું હતું, ત્યાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ તે અક્ષરોને ફેરવીને તે સ્થાન ઉપર યક્ષશ્રી લખી દીધુ એટલે કે કુબેરની સંપત્તિ.
ભગવાન બોલ્યા કે યમરાજજી કદાચ તમારી જાણકારી પૂરી નથી. શું તમે જાણો છો કે સુદામાએ મને તેમનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. મેં તો સુદામાનું માત્ર તે ઉપકારનું પ્રતિફળ તેમને આપ્યું છે.
યમરાજ બોલ્યા કે ભગવાન એવી કઈ સંપત્તિ સુદામાએ તમને અર્પણ કરી દીધી? તેમની પાસે તો કાંઈ હતું જ નહિ.
ભગવાન બોલ્યા કે સુદામાએ તેમની કુલ મૂડીના રૂપમાં ખુબ જ પ્રેમથી મને ભાત અર્પણ કર્યા હતા જે મેં અને દેવી લક્ષ્મીએ ખુબ પ્રેમથી ખાધા હતા.
જે મને પ્રેમથી કંઈક ખવરાવે છે તેમને સંપૂર્ણ વિશ્વને ભોજન કરાવવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.
બસ તેના પ્રતિફળ સ્વરૂપ સુદામાને મેં આપ્યું છે.
આવા દયાળુ છે પ્રભુ શ્રી દ્વારિકાધીશ ભગવાન જેમણે ન માત્ર સુદામાજી ઉપર કૃપા કરી છે, પણ દ્રૌપદીના વાસણમાં બચેલા એક પાંદડાને પણ ખુબ હોંશથી ખાઈને દુર્વાસા ઋષિ અને તેમના શિષ્યો સહીત સંપૂર્ણ વિશ્વને તૃપ્ત કરી દીધા હતા અને પાંડવોને શ્રાપથી બચાવ્યા હતા.
જય શ્રી રાધે.