બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓમાંથી તેમના કુશળ નેતૃત્વનો પરિચય આપતો આ પ્રસંગ જરૂર વાંચજો.

0
160

ભાદરા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે કુલ 23 વિભાગોમાં 2,225 સ્વયંસેવકો તથા સ્વયંસેવિકાઓ કાર્યરત હતાં, પરંતુ 1969 માં યોગીજી મહારાજે જ્યારે અહીં જ મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે આવું કોઈ સ્વયંસેવકદળ હતું નહીં. દળ ગણો તોય સ્વામીશ્રીની શ્રીજીમહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને બળ ગણો તો પણ સ્વામીશ્રીની શ્રીજી-મહારાજ પ્રત્યેની અતૂટ ભક્તિ અને યોગીજી મહારાજ પ્રત્યેની ગુરુભક્તિ હતાં.

એ વખતના સ્વામીશ્રીના પરિશ્રમનો અમૂલ્ય દસ્તાવેજ તેઓએ જ લખેલી ડાયરીઓનાં પાને પાને મળતો રહે છે. ઇતિહાસનું આ સુવર્ણ દસ્તાવેજી પૃષ્ઠ છે.

અહીં થોડાંક એ અસલ પાનાંઓ સ્મૃતિ માટે પ્રસ્તુત છે. સ્વામીશ્રીએ સ્વ-હસ્તાક્ષરમાં કરેલી નોંધને યથાવત્ પ્રસ્તુત કરીને તેની નીચે તે જ વિગતો ટાઈપ કરીને પણ મૂકવામાં આવી છે. તા. 23-4-1969 ના રોજ યોગીજી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા થયા પછી સ્વામીશ્રી તરત જ વાઇન્ડ-અપની સેવામાં લાગી ગયા.

તા. 24-4-1969 ની રોજનીશીમાં તેઓ નોંધે છે : ‘મંડપ, તંબુ તેમજ વાસણ વગેરે પાછા મોકલવાની વ્યવસ્થા ભઈલુભા બાપુ તથા જામભા તથા બારદાનવાળા શેઠના ટ્રકમાં રવાના.’

ત્યારપછીના દિવસો સ્વામીશ્રી વાઇન્ડ-અપમાં વ્યસ્ત રહ્યા. છેલ્લે તા. 26-4-1969 ની રોજનીશીમાં તેઓ નોંધે છે : ‘આજે તમામ વસ્તુ પરત મોકલી દીધી. કોઈપણ વસ્તુ ખૂટી નહીં.’

આટઆટલી વ્યસ્તતાઓ વચ્ચે બહારથી લાવેલાં વાસણો, ગાદલાં, રજાઈથી માંડીને નાની-મોટી વસ્તુઓમાં એક પણ વસ્તુ ખૂટે નહીં, એ જ દર્શાવે છે કે સ્વામીશ્રીએ કેટલું ઊંડાણપૂર્વક ઝીણવટથી આયોજન કર્યું હશે !! આ સમૈયો સ્વામીશ્રીના કુશળ નેતૃત્વનો પરિચય આપે છે.

તેઓની સાથે સેવામાં સહાયક સ્વયંસેવક તરીકે અખંડ રહેલા ભીમજીભાઈ વાઇન્ડ-અપ અંગે કહે છે કે, “પ્રતિષ્ઠા પૂરી થયા પછી સાંજે યોગીજી મહારાજ ગોંડલ જવા વિદાય થયા ત્યારે પ્રમુખસ્વામી મહારાજ તો ધર્મશાળામાં વાઇન્ડ-અપનું કામ કરાવતા હતા.”

“યોગીજી મહારાજની ગાડી ડિસોટો નીકળી ત્યારે પ્રમુખસ્વામી મને કહે : ‘બાપા ગોંડલ જાય છે, તો ચાલ મળી આવીએ.’ અમે બાપા પાસે ગયા. બાપાએ ગાડીનો કાચ ઉતારીને આશીર્વાદ આપ્યા અને પ્રમુખસ્વામીને વાઇન્ડ-અપનું કામ કરીને પાંચ દિવસ પછી ગોંડલ આવવાનું કહ્યું. અમે પાંચ દિવસમાં બધું જ વાઇન્ડ-અપનું કામ પૂરું કરીને પ્રમુખસ્વામી સાથે ગોંડલ ગયા.”

જય સ્વામિનારાયણ.

– સાભાર કલ્પેશસિંહ ગોહિલ (દિવ્ય સત્સંગ ગ્રુપ)