જાણો પ્રાસલીમાં આવેલ વીર વસ્તાજીની ખાંભી વિષે, ગૌધન માટે વીરગતિને પામ્યા હતા આ શુરવીર.

0
421

આ વાત સવંત 1842 એટલે કે ઈ. સ.1786 ની છે. સોરઠમાં કેશોદ અને કેશોદ પાસેના પ્રાસલી ગામે મહિયા રાજપુતોનો વસવાટ. એક વખત જૂનાગઢના બાબી આમદખાનને વિચાર થયો કે આ પ્રાસલી ગામ માથાભારે અને મહિયા પાછા ઝનૂની ગણાય છે. તો જોઈએ તો ખરા કે મહિયાઓમાં કેવીક મરદાઈ છે? આમ મરદાઈના પારખાં લેવા આમદખાને વિચાર્યું. પોતાના સેનાપતિને હુકમ કર્યો કે… જાઓ પ્રાસલી ગામના ગૌધન વાળી આવો.

આ તો નવાબનો હુકમ. અલ્લાવાળા છૂટ્યા. પ્રાસલી જઈને સીમમાંથી ધણ વાળી જૂનાગઢની સડકે ચડાવ્યું. ગોવાળો આડા પડ્યા એને બન ડુકને કુંદે કુંદે તગડી મુક્યા. ગોવાળોએ પ્રાસલી ગામે આવી રાવ ખાધી. ગામમાં રહેલા મહિયા ભાઈઓએ બને એટલો સામનો કર્યો. પણ જૂનાગઢ નવાબના સૈન્ય સામે એમનું કેટલુંક ગજું? સૂરજ સામે શું ધૂળ ઉડાડવી એવું મન મારીને સમસમીને સૌ બેસી ગયા.

વસ્તો મહિયો એ વખતે સગા સાગવામાં ગામતરે ગયેલ. વસ્તો શાખે બાબરીયા. બાબરીયા એ મહિયાની એક શાખા કહેવાય. મૂળ બ્રાહ્મણ ગોત્ર. બાપનુ નામ મુળુભા બાબરીયા. મુળુભા પ્રાસલી ગામના મોટા ગીરાસદાર, અને ગીરાસદાર હોવાના કારણે ગામલોકોએ ગામના મુખી બનાવેલા. ગૌધન વાળ્યાંને કલાકો વીતી ગયા છે. ત્યાં વસ્તો મહિયો બહારગામથી આવ્યો. સૌ ડાયરાને રામ રામ કર્યા. પણ કોઈના મોઢા ઉપર નૂર નથી. ઉપડતે અવાજે બોલવાની કોઈ હિંમત કરતું નથી. ગામની ડાઘુ જેવી દશા જોઈને વસ્તા મહિયાએ પૂછુંયૂ કે… ગામમાં કાય નવા જૂની બની છે? આમ મૂંઝાઈને સૌ કા બેઠા? છેવટે ભેગા મળી ને સૌ એ વાત કરી.

વાત સાંભળતા વસ્તાની રોમરાઈ અવળી થઈ ગઈ. પોતાની પીરાણી ઘોડી માથે સામાન નાખી, માં ના આશીર્વાદ મેળવ્યાને ઘરવાળીને છેલ્લી વેળાના જુહાર કર્યા ને વસ્તાના ઘરમાંથી રાજપુતાણી કહે.

“કંથા રણ મેં જાય કે, ભાગી મ આવે શેણ,

તારી સેજ ન ગ્રહશાં,તું ભા ને હું ભેણ.”

વસ્તો હાલી નીકળ્યો. બોરડીના જાળામાં પાઘડી અટવાયને નીચે પડી ત્યારે ગામના માણસો કહે. વસ્તા ! શુકન સારા નથી થતા માટે થોડીવાર રોકાયને પછી નીકળો.

વસ્તો કહે, મરદોને વળી શુકન શુ ને અપશુકન શુ?

“જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા શૂર,

નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.”

આમ કહેતા જેવો ઘોડીને ઈશારો થયો કે જેમ સિંહ મારણ માથે તરાપ મારે એમ ઘોડીએ તરાપ મારી. વસ્તાની પાછળ પ્રાસલીના પચ્ચીસેક ઘોડેસવારો પણ ચડ્યા.

જૂનાગઢની ફોજ મેંદરડા પાસેના અરણીયાળા ગામની સીમમાં પહોંચી હશે. ત્યાં વસ્તો આંબી ગયો ને પડકારો કર્યો કે : “હવે માટી થાજો!” બકરાના ઘેરામાં જેમ સિંહ પડે ને બકરા તીતરબીતર થઈ જાય એમ જૂનાગઢની ફોજ માથે ત્રાટકતા ફોજને દાણો દાણો કરી નાખી. વસ્તાની તર વારે સુદર્શન ચક્રનું રૂપ ધારણ કર્યું. સારો ખેડૂત ખેતરમાં જેમ જુવારના લોથા લણે એમ વસ્તો માંડ્યો ફોજના માણસોના મા થા લણવા.

“કેશરીયા વાઘા સજી, મીંઢળીયો ગૌ વાર કરે,

રોકણહારા લોક પણ, વસ્તો ગૌ ને પ્રાણ ધરે.”

ગીરમાં જેમ કબાડી લોકો સાગ વાઢીને ઓઘા કરે એમ વસ્તાએ નવાબના માણસોના ધડના ઓઘા ખડકયા છે. ફોજને કપાતી જોઈને સૈનિકોએ છેવટે બન ડુક ચલાવી. ધાણીફૂટ બન ડુકથી વસ્તો વીંધાઈને નવરાતના ગરબા જેવો થઈ રહ્યો. વસ્તાએ જાણ્યું કે હવે શરીર હાથ નહિ રહે, એટલે પોતાના જ હાથે તર વારથી પોતાનું મસ્તક ઉતારી નાખ્યું. વસ્તા સાથે આવેલા પચીસ ઘોડેસવારોએ પણ ભારે પરાક્રમ દાખવ્યું. બચી ગયેલા રાજપુતો મહિયાના દેહ અને ગૌ ધનસાથે પ્રાસલી આવ્યા. ગામે ગાયો માટે ખપી ગયેલા બહાદુરોના અગ્નિસંસ્કાર કર્યા.

સવંત 1842 ના ફાગણ સુદ ચોથને દિવસે વસ્તો મહિયો ધરમના ધીંગાણામાં કામ આવી ગયો. અરણીયાળાની સીમમાં અને પ્રાસલીમાં તેની ખાંભીઓ છે. મહિયાના વિરત્વની નવાબ આમદખાન નવાઈ પામ્યા. ઈમાન માટે આદમી કેવાકેવા વિરત્વ દાખવે છે.

લોકદંતી વાતો વાગોળે છે, કે પ્રાસલીની રખેવાળી કરવા વસ્તાજી અને એના મિત્ર વીરગતિ પામી નાગરૂપે પ્રાસલીમાં જ રહે છે. પ્રાસલી ગામની ઉગમણી દિશાએ નાગદેવતાનું એક સ્થાનક છે.તેમાં બે નાગદેવતા શ્રાવણ મહિનામાં બહાર આવી ફેણ ચડાવ્યા વિના જ સુતા રહે છે. કદી ફુંફાડા મારતા નથી. બાળકો નાગના એંગ પર હાથ ફેરવતા તેને રમાડે છે. કોઈ કહે છે કે વસ્તાજી નાગદેવતાના દીધેલા હતા.

અરણીયાળા ગામની સીમમાં જ્યાં વસ્તાજી નુંમા થુપડ્યું હતું ત્યાં પ્રાસલીવાસીઓએ ખાંભીનું નિર્માણ કર્યું. અને આજે પણ તેની રણખાંભી અને પ્રાસલીમાં પાળિયાની માનતા મનાય છે.

– જયમલ્લ પરમાર

મરદાઈના પારખાં (વિભાગ-1, અનુક્રમ-30) – મામૈયાભાઈ બારોટ

ટાઈપિંગ – શક્તિસિંહ કણેરી

સાભાર નયસત ગોસાઈ (આપણો ઈતિહાસ ગ્રુપ)