કેટલાને યાદ છે પ્રાથમિક જીવનનાં આ 25 પગલાં, તમારા બાળપણની યાદ એકવાર ફરી તાજી કરી લો.

0
626

પ્રાથમિક શાળાના દિવસો કોને યાદ ન હોય..! બધાને યાદ હોય જ.. જૂઓ આટલું વાંચતાં જ મન પહોંચી ગયું ને બાળપણમાં..??? તમારી પ્રાથમિક શાળાની યાદ આવી ગઈ ને…??? હા.. આવી જ જાય યાદ..

એ જ તો ખરી મજા હતી જીવનની.. કેટલા બેફિકર, કેટલા બિન્દાસ, કેટલા મસ્તીભર્યા દિવસો હતા એ..! પ્રાથમિક શાળાના એ દિવસોને યાદ કરો એટલે સૌપ્રથમ તો લંગોટીયા દોસ્તારો યાદ આવે. ગુરૂજનો યાદ આવે. ધમાચકડી, મેથીપાક, પ્રવાસ, ધ્વજવંદન, “ડીપોટી” સાહેબ, રમતગમત વગેરે બધું જ એક ફિલ્મની પટ્ટીની જેમ નજર સામે ખડું થઈ જાય.

અને હા, સૌથી મહત્વની બાબત તો એ વખતનાં આપણાં પુસ્તકોને કેમ ભૂલાય..? એ વખતનાં પહેલાં ધોરણનાં પુસ્તકોને યાદ કરશો તો હૈયામાંથી એક જ અવાજ આવશે “અહા..હા..હા..! શું ચોપડીઓ હતી એ..!” અને વાત પણ ખરી જ છે ને..! ખરેખર શું ચોપડીઓ હતી..! વાહ.. વાહ… વાહ… ! અદ્ભુત…. અવિસ્મરણીય..!

તો મિત્રો, અહીંયા જૂના સમયનાં ધોરણ 1 ના ગુજરાતી પાઠ્ય પુસ્તકની સ્મૃતિઓને શેયર કરી છે. આશા છે કે આપ સૌને પણ જરૂર જરૂર ગમશે..

એ વખતે પગલાં આવતાં. કેટલી સુંદર રીતે આ પગલાંની છણાવટ કરેલી હતી કે ના પૂછો વાત. એક એક પગલું ભણતા જઈએ તેમ તેમ આપણી ઉત્સુકતા, જિજ્ઞાસા, અને ભાષાવૈભવ વધતાં જ જાય. પગલાંના શબ્દો, ચિત્રો, રંગો વગેરેનું એવું સુંદર મિશ્રણ હતું કે એ દ્રશ્ય આબેહૂબ નજર આગળ ખડું થઈ જાય. અને અંતરપટ પર એવું અંકિત થઈ જતું કે ક્યારેય ભૂલાય જ નહીં. તો ચાલો i love my Village, kungher ના માધ્યમથી બાળપણમાં સરી પડીએ..

પગલું — ૧

“નમ” સાથે “નમન” ની ભારતીય સંસ્કૃતિને પગટ કરતું આ પગલું. ઉગતો સૂરજ, નદી, પહાડ, ઉડતાં પંખીઓ, વૃક્ષ જેવાં પ્રકૃતિનાં અંગો સાથે નમન કરતાં નાનકડાં ભાઈબહેન જોઈને અનાયાસે જ વંદન થઈ જાય એવું આ પગલું…ન, મ, ક, ર મૂળાક્ષરો. એટલે “નમન કર” એવું અલગથી કહેવું પડે ખરૂં..??

પગલું — ૨

“રમ” અને “જમ”. પહેલાં રમવાનું.. પછી ભૂખ લાગે એટલે જમવાનું. સુંદર મજાનું ઘર, એની આસપાસની લીલીછમ્મ ધરતી પર મોજથી રમવાનું. પછી ઘરના ઓરડામાં નીચે પલાંઠીવાળીને પાટલા ઉપર ભાણું રાખીને જમવાનું. સાથે સાથે જ, ગ, દ, ત નવા મૂળાક્ષરો એવી રીતે જ્ઞાનમાં ભળી જાય જેમ લાપસીમાં ઘી-ખાંડ ભળી જાય.

પગલું — ૩

“જા” અને “રજા” ની સાથે “મજા” પણ સહજતાથી જ વણાઈ જાય. શનિવારની બપોરે શાળા છૂટે અને ગામના ખૂલ્લા રસ્તા તરફ બાળકો દોટ મૂકે. દૂર ખડું ઘર જાણે એમ સાદ દેતું હોય કે “આવતીકાલે તો આખો દિવસ તારે મારી પાસેથી ખસવાનું જ નથી.” એનો આનંદ, ઉત્સાહ ચોખ્ખો બાળકોનાં મોંઢા ઉપર ઊભરાઈ આવે. સાથે સાથે “ા” કાનો પણ ભેળો..

પગલું — ૪

“વડ” અને “ચડ” આ બે શબ્દો વાંચીએ એટલે તરત જ ગામના પાદરના વડનો સાદ સંભળાવા લાગે. વળી લીલોછમ્મ ઘટાટોપ વડલો, લાંબી લાંબી વડવાઈઓ, ચમન અને પરાગ વડ પર ચડી ગયા હોય, તારા વડ પર ચડવાનો પ્રયત્ન કરતી હોય અને એવું દ્રશ્ય રચાય… આપણને એમ થાય કે અત્યારે જ પાદર તરફ દોટ મૂકીએ.

પગલું — ૫

“લખ” એટલે નજર પાટી અને પેન તરફ જ જાય. શાળાએથી ઘરે આવીને ઓસરીની બારી પાસે બા એની બાળકીને ચાર નામ લખવાનું કહેતી હોય ત્યારે આપણને ચાલીસ નામ લખવાનું શૂરાતન ચડી જાય એવું આ પગલું.

પગલું — ૬

ચાલ, ગાજર, ખા, નામ, જેવા કાનાવાળા શબ્દો અને સાથે આપેલાં આબેહૂબ ચિત્રો સહજતાથી અગાઉનાં પાચેય પગલાંનું પુનરાવર્તન કરી જાય.

પગલું — ૭

“ગાડી” તો બાળપણનું પ્રિય રમકડું. આ પગલાંના એક એક શબ્દો વાંચતા જઈએ અને સાથે સાથે ગાડીથી રમતાં ભાઈબહેનનું રંગબેરંગી ચિત્ર જોતા જઈએ તો આપણે પોતે જ અત્યારે “ગાડી-ગાડી” રમ્યા હોઈએ એવો અહેસાસ થયા વિના રહે જ નહીં.

પગલું — ૮

ઘર ઘર રમવાનું આ પગલું જોતાં જ આપણને અત્યારે બાળક બની જવાનું મન થઈ જાય એવું આ પગલું.

પગલું — ૯

બાળપણના સૌથી પ્રિય પાત્ર એવા “દાદા” ની યાદ અપાવતું આ પગલું. દાદા હીંચકામાં બેઠા હોય, આજુબાજુ બાળકો ઘેરી વળ્યાં હોય, દાદા રેવડી આપતા હોય, વારતાઓ કહેતા હોય.. ગામડાનું બાળપણ યાદ આવ્યા વગર રહે જ નહીં ને..! સાથે સાથે “ે” (એક માત્રા) રેવડી ઉપર ક્યારે વણાઈ જાય અને એનો ઉચ્ચાર “એ” ક્યારે મનમાં ગોઠવાઈ જાય એની પણ ખબર ન પડે.

પગલું — ૧૦

“તારા” શબ્દ વાંચીએ કે તરત જ રાતનું આકાશ આંખોમાં છવાઈ જાય. તારલિયાની ટોળી અને વચમાં થનગનતા ચાંદામામા અને એની સાથે વણાયેલી ડોશીની ઝૂંપડીની વાતો પણ યાદ આવી જાય. ત્રણ બાળકોનું ચિત્ર પણ એટલું આબેહૂબ કે જાણે આપણે જ એ બાળક હોઈએ એવું લાગે.

પગલું — ૧૧

“વરસાદ” ની વાછટોનો ભરઉનાળેય અનુભવ કરાવે એવું આ પગલું. આકાશમાં કાળાં ડીબાંગ વાદળો, ઝરમર વરસતો વરસાદ, ઝાડ પર બેસીને ટહૂકતો મોરલો અને મોકળા મનથી ઉછળકૂદ કરતાં બાળકોનું ચિત્ર જોતાં જ આપણે પણ ભિંજાઈ ગયા હોય એવું લાગે.

પગલું — ૧૨

“પંખી” ને આવકાર આપતું આ પગલું. સરસ મજાનું નાનકડું ગામડું, એક નાનકડું ઘર, ઘરનું ખૂલ્લું આંગણું, એમાં ચણતાં પંખીઓ, બાજુના ઝાડ પર લટકતી પક્ષીપરબ, નાનકડાં બાળકોના ખિલી ઉઠેલા ચહેરા..સાથે સાથે “ં” અનુસ્વાર પણ ભળે. કેટલું સરસ પગલું..!

પગલું — ૧૩

“બાગ” નું આબેહૂબ વર્ણન કરતું આ પગલું. એની એક એક પંકિ્ત વાંચીએ તો એમ જ લાગે કે જાણે બગીચામાં જ ફરતા હોઈએ. સાથે ૧ થી ૧૨ પગલાંનું પુનરાવર્તન પણ થઈ જાય.

પગલું — ૧૪

“નદી” શબ્દ સાંભળતાં જ પાણીનો ખળખળાટ સંભળાવા લાગે. વળી નદીના કાંઠે જ ગામડું. પછી તો પૂછવું જ શું..? શાળામાં રજા પડી નથી કે બાળકો નદીએ દોડ્યાં નથી..! નદીની રેતમાં રમવાનું, રેતીનું ઘર બનાવવાનું, પુલ ઉપરથી પાણીમાં કાંકરા નાંખવાના વગેરે બાળપણની મોજ અહીં ઊભરાઈ આવે.

પગલું — ૧૫

બગીચામાં રજા ગાળવાની વાત. બધા ભાઈબંધોને સાથે લઈને બગીચામાં જવાનું, જામફળનાં ઝાડ પરથી જાતે જ જામફળ તોડવાનાં, પછી પાથરણું પાથરીને એના પર બેસીને જામફની ચીરીઓ કરવાની, મરીમસાલા નાંખીને ભાઈબંધો સાથે ખાવાનાં, રમવાનું ને પછી ઘેર જવાનું. જાણે આપણે જ બગીચાની મોજ કરી આવ્યા હોઈએ એવું લાગે.

પગલું — ૧૬

“સૂરજદાદા” આવે અને અજવાળું થાય, કૂકડો બોલે, ધણ વગડે જાય, ગામ આખું આળસ મરડીને બેઠું થાય.. સાથે “ૂ” દીર્ઘ ઊ નો ઉમેરો થાય. વાહ..! કેટલું સરસ મજાનું આ પગલું..!

પગલું — ૧૭

“ચકડોળ” માં બેસવાની મજા તો આ પગલું જોતાં જ યાદ આવી જાય. કેવો મજાનો ફેરો ફરવાનો..! ગોપી, મોના, ગોમતી, ગોપાલ, મોહન સૌ ચકડોળમાં બેસવાની મજા લેતાં હોય ત્યારે આપણે પણ ચકડોળમાં ઘૂમતા હોઈએ એવું લાગે.

પગલું — ૧૮

“ગઢ” અને હોડીનો “સઢ” વાંચતાં “ઢ” મૂળાક્ષર આપોઆપ મનમાં બેસી જાય. ગઢ ઉપર ચઢવાનું ને પછી હોડીમાં તરવાનું.. ભઈ વાહ..! કેવી મજા પડી જાય..!

પગલું — ૧૯

“આપણા કારીગરો” નાં ચિત્રો અને એમનાં કામનું ટચૂકડું વર્ણન એકવાર વાંચી લઈએ તો આજીવન યાદ રહી જ જાય એવું નિરૂપણ છે આ પગલામાં. તમે આજ દિન સુધી ભૂલ્યા છો..???

પગલું — ૨૦

“વિમાન”ને આકાશમાં ઉડતું જોતાં બાળકોની ઉત્સુકતા કેવી આબેહૂબ અહીં વ્યક્ત થતી જોઈ શકાય છે..! જાણે હમણાં જ વિમાન આપણા માથા પરથી પસાર થયું હોય એવો રોમાંચક અનુભવ થાય.

પગલું — ૨૧

ચૈતર, વૈશાખ, છૈયાં, થૈ થૈ જેવા શબ્દો સાથે “ૈ” બે માત્રાનું જ્ઞાન ક્યારે પાકું થઈ જાય એની ખબર પણ ન પડે. ચિત્રમાં આપેલ કોયલ, ખેડૂત, હળ, મોર, વૃક્ષો જોઈને લાગે કે ખરેખર ઉનાળાની ઋતુ આવી ગઈ હોય.

પગલું — ૨૨

“ગૌશાળા”માં ગાયો, વાછરડાં, દૂધ વગેરેનું જીવંત ચિત્રણ અહીં જોવા મળે. “ગાયનું દૂધ મીઠું” વાંચતાં તો મોંઢામાં દૂધનો સ્વાદ અનુભવાય.

પગલું — ૨૩

સવારે ઉઠવાથી માંડીને શાળાએ જવાની દૈનિક ક્રિયાઓનું એટલું સુંદર વર્ણન અને ચિત્રણ છે કે ન પૂછો વાત. બાળપણ યાદ આવ્યા વગર રહે જ નહીં.

પગલું — ૨૪

“બિલાડી” પાળી છે, તેને બે બચ્ચાં છે.. હમણાં જ બચ્ચાંને તેડી લઈએ એવું પગલું. બાળપણની ઉત્સુકતા પણ ઉભરાઈ આવે. એકવાર બિલાડીને દૂધ પાવાનું અને બચ્ચાંને રમાડવાનું મન થઈ જાય.

પગલું — ૨૫

છેલ્લા આ પગલા માં દિવાળીની વાતો. ભાઈબહેન વહેલાં ઉઠે, સફાઈ કરાવે, નાહીધોઈને નવાં કપડાં પહેરવાં, દીવડા પ્રગટાવવા, રંગોળી, ફટાકડા વગેરે વાંચીને દીવાળીનો અહેસાસ થયા વિના રહે જ નહીં.

તો મિત્રો, આ પચ્ચીસ પગલાંમાં ગામડું, શાળા, નદી, પર્વત, વૃક્ષો, ગાયો, મેળો, બગીચો, ખેતર, સૂરજ, વિમાન, હોડી વગેરે કેટકેટલી બાબતોને વણી લેવામાં આવી છે. વર્ણન અને ચિત્રણ પણ એટલું સચોટ કે તરત જ મનમાં બેસી જાય અને ક્યારેય ભૂલાય જ નહીં. કેવું સરસ મજાનું પુસ્તક હતું..! અત્યારનું પુસ્તક લેજો, જોજો, અને સમય મળે તો સરખાવજો..કેવું લાગે છે તે અવશ્ય જણાવજો..

અસ્તુ…..

મિત્રો, i love my Village, kungher ના માધ્યમથી આપણા પુરાણા પુસ્તકને સહારે બાળપણની યાદોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. મોજ આવે, બાળપણ યાદ આવી જાય તો like, comment અને share જરૂર કરજો..
લખનાર — Dkumar Prajapati, Kungher

(તસવીરો માટે ગૂગલ અને ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનો આભાર)

અન્ય મીત્ર ની ફેસબુક વોલ પરની પોસ્ટ

– સાભારઉષા ચોટલીયા (અમર કથાઓ ગ્રુપ)