“પ્રાયશ્ચિત” – ક્યારેય કોઈને તેના હકનું આપવામાં ઢીલ ન રાખવી, વાંચો રસપ્રદ સ્ટોરી.

0
591

અમરતે પલળતાં પલળતાં બકરી દોહી , પછી ચા બનાવી.. લાભુડી અને ભીખલાને વાટકામાં આપી.. લાભુડીએ રોટલો માંગ્યો.. ” રાતેય લુખી ખીચડી ખાધી.. અટાણે તો રોટલો દ્યોને..”

અમરત ઉકળી ઉઠી.. લખમણ સામે હાથ કરીને બોલી.. ” આ મારા બાપના સાળાને ચાર દીથી કહું છું.. કે ઘઉં બાજરી લઈને દળાવી આવો.. પણ મુઓ શેઠ પાસે પૈસા માંગતા શરમાય છે..”

લખમણને કંઇ અસર ના થઈ.. આવું તો અવાર નવાર સાંભળવા મળતું.. ચોમાસામાં મજુરીનું કામ ઓછું મળતું.. સોમચંદ શેઠના ફળિયામાં લીમડાનું ઝાડ ખુબ મોટું થઈ ગયું હતું.. વાઝડીમાં ડાળીઓ ભાંગે તો મકાન પર પડે તેમ હતી.. તે કાપવાનું કામ રાખ્યું હતું.. એણે શેઠ પાસે પૈસા માંગ્યા હતા .. પણ પાછળથી કામ ના કરે તો.. એ શંકાથી શેઠે ગલ્લાતલ્લા કરી , ના આપ્યા.. હમણાં ચાર દિવસથી હેલી હતી.. એ કુબાની બહાર પણ નહોતો નિકળ્યો.. તેલ લોટ ખુટી ગયા હતા.. આકરી અમરત ખીજાય ત્યારે ગમે તેમ ગા ળો દઈ દેતી.. એમાં એને કાંઇ નવાઇ લાગતી નહીં..

એ કંઇ બોલ્યા વગર ઉભો થયો.. કોથળાની કુચલી ઓઢી ગામ તરફ ગયો.. પ્રાગજી કંદોઇની દુકાન થોડે દુર દેખાતી હતી.. એક છોકરો ત્યાંથી મોટું પડીકું બંધાવી , થેલીમાં નાખી સામે આવી રહ્યો હતો.. લખમણને ભૂખ્યા લાભુડી ને ભીખલો દેખાયા.. કંઇ જાજું વિચાર્યું નહીં.. સમડીની જેમ ઝપટ મારીને થેલી આંચકીને ભાગ્યો..

એ છોકરો સોમચંદના દિકરાનો દિકરો હતો.. એણે ઘરે આવીને વાત કરી.. ” દાદા , એ જણ આપણો લીમડો જોવા આવ્યો હતો , તે જ હતો.. હું એને ઓળખી ગયો છું..”

શેઠે મનમાં વિચાર્યું.. ” વાંક તો મારોય છે.. એ કરગરીને પૈસા માંગતો હતો.. પણ મેં થોડા ઘણા પણ ના આપ્યા..”

શેઠ રોજની જેમ ઉપાશ્રય માં ચાતુર્માસ કરતા સાધ્વીજીને વંદન કરવા ગયા.. બનેલી બીનાની વાત કરી..

સાધ્વીજી બોલ્યા.. “ શેઠ , જે થાય તે સારું થાય.. તમે નહીં.. તો કોઇ બીજાએ સવારનો નાસ્તો કર્યો હશે ને? અને થોડી ભૂલ તો તમારી પણ ગણાય.. એનું કામ રડે તેટલા પૈસા આપ્યા હોત તો સારું હતું.. પણ હવે પ્રાયશ્ચિત કરો..”

વરસતા વરસાદમાં બે માણસ નદીના કાંઠે લખમણનો કુબો ગોતતા આવ્યા.. એક મોટું બાંચકું અમરતને આપ્યું..” લ્યો .. કોક અજાણ્યો ડોસો અપાસરે આ આપી ગયો છે.. અને તરત જ લખમણને કુબે આપી આવવાનું કહી ગયો છે.. અમે એને ઓળખતા નથી..”

– જયંતીલાલ ચૌહાણ ૨૭-૭-૨૧