કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થાય તેની આ રમુજી લઘુકથા વાંચવાનું ચૂકશો નહિ.

0
757

કલાવતી :

– જયંતીલાલ ચૌહાણ

(આ પ્રહસન છે. બંધબેસતી પાઘડી ઓઢી લેવી નહીં.)

એનું નામ તો કલાવતી જ હતું. પણ એ લીલાવતીની દિકરી ન હતી. સત્યનારાયણની કથામાં આવે છે એમ એનો બાપ સાધુ ન હતો કે વાણીયો પણ ન હતો. આ તો નવા જમાનાની કલાવતી હતી.

પણ એક સમાનતા હતી. આ કલાવતીનો વર, રતો પણ ઘરજમાઈ આવ્યો હતો. સાધુ વાણીયો એના જમાઈને વહાણમાં વેપાર કરવા લઈ જતો. પણ રતાને એનો સાસરો શાક લેવા મોકલતો.

કોક વૈદે નાડ તપાસીને કલાવતીને કહ્યું હતું, કે “તમારામાં ક્ષારની ખામી છે.” કલાવતીને સમજ ના પડી એટલે વધુ ચોખવટ માંગી.

વૈદે કહ્યું “ક્ષાર એટલે મીઠું. મીઠાની ખામી છે તમારામાં.”

કલાવતીએ કહ્યું.. “હા.. એ સાચું.. પણ બીજા મારી પાછળ આમ કહે છે.. ને તમે મારે મોઢે કહી દીધું.”

વૈદે માથું કુટ્યું. “અરે.. બાઈ.. હું શરીરના લો-હી-માં ક્ષારની ખામી છે, એમ કહું છું. ને તું મગજમાં મીઠાની ખામીની વાત કરે છે.”

મીઠાની ખામીની વાત કલાવતીએ પિતાશ્રીને કરી. એટલે પાંદડાવાળા શાકભાજીમાં એ વધારે હોય, એવી માહિતિ મળતાં, સસરો રોજ રતાને થેલો ભરીને શાક પાંદડા લઈ આવવાનું કહેતો.

એક દિવસ રતો રોજની જેમ, શાકપાંદડાનો થેલો ભરીને જતો હતો. ત્યાં રસ્તામાં એક ધોતિયું પહેરેલો માણસ સામો મળ્યો. એણે પુછ્યું.. “આમાં શું છે?”

રતાએ કહ્યું.. “વેલા અને પાંદડા.”

એ માણસ ખુશ થયો. એના હાથમાં પ્રસાદનો પડિયો હતો. એ સત્યનારાયણની કથા સાંભળીને આવતો હતો. એણે અડધો પ્રસાદ રતાને આપ્યો અને બોલ્યો.. “હું તારા સાચા બોલવા પર પ્રસન્ન થયો છું. આજે તને આ પાંદડા સિવાય બીજું કંઈક ખાવા મળશે.”

રતો ઘરે થેલો આપી સસરાની દુકાને ગયો. બપોરે બેય ઘરે આવ્યા. જમવા બેઠા, તો થાળીમાં બટેટાનું શાક પિરસાયેલું હતું.

કલાવતીની માએ ચોખવટ કરી “હું બહાર ઓટલે બેઠી બેઠી ભાજી સમારતી હતી, ત્યાં કલાવતીએ અંદર બોલાવી. હું અંદર જઈને પાછી આવી. તો કાબરો ખુંટિયો નિરાંતે ખાતો હતો. મેં ‘હી… હી..’ કર્યું, તો એણે શીંગડા ઉગામ્યા. હું તો ડરીને ભાગી. લ્યો.. આજે બટેટાના શાકથી ચલાવી લ્યો.”

– જયંતીલાલ ચૌહાણ ૧૦ -૧૧ -૨૧ (અમર કથાઓ ગ્રુપ)

આ પ્રહસન છે. બંધબેસતી પાઘડી ઓઢી લેવી નહીં.