રાજપૂતનો વટ – IPS officer
“મી આઈ કમ ઈન સર?”
દરવાજેથી એક પહાડી અવાજ ચા પીતા પીતા છાપું વાંચી રહેલ પી એસ આઈ ઘાટકે સાહેબના કાને પડ્યો. સાહેબે ઊંચું જોવાની તસ્દી લીધા વિના હકારમાં માથું હલાવ્યું અને એક પહાડી વ્યક્તિ અંદર આવી જોરદાર પગની બીટ મારી સાવધાન થઈ કડક સેલ્યુટ મારી. પડછંદ શરીર, બળુકી ભુજા, મજબૂત છાતી, કરડી આંખો, ધારદાર મુછ સાથે ઈમાનદારી, ખુમારી, તાકાત, સાહસ અને લાગણીનો સમન્વય ધરાવતું અડાભીડ વ્યકતીત્વ પોતાનો પરિચય આપતા કહ્યું “જય હિન્દ શ્રીમાન મારુ નામ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ચુડાસમા બકલ નંબર 564.”
સાહેબ છાપું વાંચવામાં મગ્ન હતા પાંચ સાત મિનિટ પોતે વાંચી રહેલ સમાચાર પૂર્ણ કરી બોલ્યા “શું આવવું થયું ચુડાસમા?”
“બદલી માટેની અરજી લઈને આવ્યો છુ સાહેબ. આપનો અભિપ્રાય લખાવવા. મારા પિતાની તબિયત ઉંમર થતા નાદુરસ્ત રહે છે અને જવાબદાર વ્યક્તિ ઘરમાં હું એક જ છુ એ માટે એસ પી સાહેબને બદલી માટે અરજી લખી છે. મારા ગામ નજીક આઉટ પોસ્ટના પો.સ્ટેમાં બદલી થઇ જાય તો નોકરીની સાથે એક પુત્ર તરીકે ની ફરજ પણ બજાવી શકું એ માટે આપનો અભિપ્રાય લખાવવા આવ્યો છુ.” ચુડાસમા એક શ્વાસમાં એકસાથે બોલી ગયા.
“પિતાને અહીં તેડાવી લે, નોકરીને હજી બે વર્ષ નથી થયાને બદલી માટે આવતા શરમ નથી થતી? ફેમિલી પ્રોબ્લેમ તો બધાને હોઈ. નો મેનેજ થતું હોઈ તો નોકરી છોડી દો. ઉભા રહી જાવ છો તે.” ચુડાસમાની આંખો લાલ થઇ ગઈ. ક્ષત્રિય રક્ત ઊકળી ગયું હતું, હાથમાં રહેલ બદલી માટેની અરજી મુઠ્ઠીમાં ચોળાય ગઈ હતી, પિતાનો બીમાર ચેહરો નજરે તરવરી રહ્યો હતો, ભ્રકુટીનો મરોડ બદલાઈ ચુક્યો હતો, પણ પોતે એક ડિસિપ્લીન ફોર્સનો જવાન છે અને અધિકારીને સન્માન આપવું ફરજ છે એ વાત યાદ આવતા ચૂપચાપ ઉભો રહ્યો.
“ગુજરાતી માં નથી સમજાતુ? ખબર છે રાજપૂત છો, ગુસ્સો આવતો હશે પણ બધે તમારું ના ચાલે હો. જાવ કામ કરો” સાહેબે ગુસ્સે થઇ પોતાની આછકલાઈ દર્શાવતા કહ્યું.
ચુડાસમા પોતે કાબુ ગુમાવે તે પેહલા ઓફિસ બહાર નીકળી જવા માંગતા હતા, હાથમાં રહેલ અરજીનો કાગળ સાહેબ જુએ તે રીતે ડસ્ટબિનમાં ફેંક્યો ને પરાણે સેલ્યુટ કરી અપમાનનો ઘૂંટડો પી ને બહાર નીકળી ગયો ને સાહેબ ધીમેથી બબડયા “નહીં જોયા હોઈ તે મોટા વટવાળા, ચીંદરી બળી પણ વળ ન ગયો.” આ શબ્દો ચુડાસમાએ ચોખ્ખા સાંભળ્યા પણ તે ગમ ખાઈ ગયો.
ઉપરોક્ત ઘટનાને દસેક વર્ષ વીતી ગયા પી એસ આઈ ઘાટકે હવે પી આઈ બની ચુક્યા હતા. પોતે હરામના રૂપિયા લઈ લાખો ના ખર્ચે બનાવેલ બંગલામાં રાત્રે સુઈ રહ્યા હતા. અડધી રાત્રે તેમના મોબાઈલની રિંગ રણકી. સાહેબે ઊંઘમાં જ ફોન રિસિવ કર્યો “બોલો જમાદાર કેમ અત્યારે ફોન કર્યો?”
“સાહેબ એસ પી સાહેબે અત્યારે જ ચાર્જ લેતા જ આપણાં વિસ્તારમાં રેડ કરી, આપણને હપ્તો આપતા તમામ બુટલેગરોને, બુકીઓને દબોચી પોતાની એસ પી ઓફિસે લઈ ગયા છે અને આપને ત્યાં અત્યારે જ હાજર થવા જણાવ્યું છે.”
આ સાંભળતા જ ઘાટકે સફાળા બેઠા થઇ ગયા. પોતાને રિટાયર્ડ થવામાં પાંચ મહિના જ બાકી રહ્યા છે ને હવે સસ્પેન્ડ થવાના વિચારમાત્રથી સાહેબ ધ્રુજી ગયા. ફટાફટ યુનિફોર્મ પહેરીને એસ પી ઓફિસે પોહચ્યા. એસ પી સાહેબના પી એ દ્વારા માહિતી મળી કે સાહેબ ખુબ જ પ્રામાણિક અને ન્યાયપ્રિય અધિકારી છે. ગુનેગારો અને કરપ્શન કરતા અધિકારીઓ માટે સાક્ષાત યમરાજ છે. ઘાટકે હવે ભર શિયાળે પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. પી. એ. એ બહાર આવીને કહ્યું “આપણે અંદર સાહેબ બોલાવે છે.” ઘાટકેના ધબકારા વધી ચુક્યા હતા.
“મી આઈ કમ ઈન સર?” ઘાટકે ગભરાતા સ્વરે પૂછ્યું.
“પધારો”
ઘાટકે એ સેલ્યુટ કરી. સાહેબ બારી સામું મો કરી ઘાટકે તરફ પીઠ રાખી સિગારેટ પી રહ્યા હતા.
“આપના વિસ્તારમાં બેફામ ગેરકાયદેસર પ્રવુતિઓ ધમધમે છે ને આપ રૂપિયા લઈને એમને છાવરો છો. આ સઘળી હકીકત આ ગુનેગારો એ સ્વીકારી લીધી છે તમે તમારા બચાવમાં શું કેહવા માંગો છો?”
“સાહેબ મારા પત્ની બીમાર છે જેનો ઈલાજ ખુબ ખર્ચાળ છે, મારી દીકરી મેડિકલની સ્ટુડન્ટ છે એડમિશન માટે લાખો રૂપિયા માંગે છે, સાહેબ આ કરપ્શન મારી મરજીથી નહિ પણ મજબૂરીથી કરું છુ, એકવાર માફ કરી દો હવે આવી ભૂલ નહિ થાય…. ક્યારેય નહિ સાહેબ.”
ઘાટકેનો અવાજ ગળગલો અને આંખો ભીની થઇ ગઈ.
“ઘાટકે સાહેબ મજબુર વ્યક્તિને અપમાન કરીને કાઢી મુકુ તો તમારામાં અને મારામાં શું તફાવત? યાદ છે આજથી દસેક વર્ષ પેહલા આમ જ એક મજબુર કોન્સ્ટેબલ તમારી પાસે આવેલો અને તમે તેને હડધૂત કરેલો, કંઈ યાદ આવ્યું?”
ઘાટકેની નજર અનાયાસે એસ પી સાહેબના ટેબલ પર પડેલ નેમપ્લેટ પર પડી લખ્યું હતું, ‘ભગીરથસિંહ ચુડાસમા. આઈ પી એસ’
ઘાટકેને આંખે અંધારા આવી ગયા, એની સામે કોન્સ્ટેબલ ચુડાસમાનો માજબુએ ચેહરો યાદ આવી ગયો, પોતે કહેલ અપમાનજનક એક-એક વાક્ય પોતાના મન માં ચકરાવવા લાગ્યું, પોતાની ભૂલ પોતાના પતન નું કારણ બની રહી હતી, પોતે એક અસીમ શૂન્યાવકાસ માં ગરકાવ થઇ ગયા હતા, શું બોલવું તે સમજાતું નહોતું ત્યાંજ સાહેબે પોતાનું મોં ઘાટકે તરફ ફેરવ્યું. ઘાટકે હવે સાવ તૂટી ગયો હતો. દસ વર્ષ પેહલા જે કોન્સ્ટેબલને એક અભિપ્રાયની સારી લીટી પણ ન લખી દઈ પોતાની ઓફીસથી હડધૂત કરી કાઢી મુકેલ તે જ કોન્સ્ટેબલ આજે આઈ પી એસ બની પોતાના ભવિષ્યનો ફેંસલો કરવાનો હતો.
“સાહેબ માફી માંગુ છુ હવે”
ચુડાસમાએ ઘાટકેને અધવચ્ચેથી અટકાવીને પાણી આપતા કહ્યું “સ્વસ્થ થાવ સાહેબ, હું તે’દિ નો બદલો નથી લઈ રહ્યો, મારી ફરજ બજાવું છુ, જો ત્યારે તમે અપમાન કરી કાઢી નો મુક્યો હોત તો હું આજે આઈ પી એસ નો હોત. સાહેબ હું જન્મથી અને કર્મ થી રાજપૂત છુ બદલો તો સમોવાડીયા સામે હોઈ, પણ હા એક વાત ચોક્કસ કહીશ કે હંમેશા પોતાનાથી નાની વ્યક્તિનું સન્માન જાળવવું એ મોટા તરીકે એક માણસનું જમા પાસું છે. આપને ધારું તો અત્યારે જ સસ્પેન્ડ કરી શકુ છુ પણ એવું કરતા મને મારા સંસ્કાર રોકે છે. આપને હજી એક મોકો સુધરવાનો આપું છુ, હવે ફરિયાદ નો આવવી જોઈ.”
ઘાટકે ની નજર સાહેબના ખભે લગાવેલ અશોકસ્તંભ પર જડાઈ ગઈ, અનાયાસે સેલ્યુટ થઇ ગઇ, એ ઓફીસ બહાર જવા જેવી પીઠ ફેરવી કે તરત ચુડાસમા સાહેબ બોલ્યા “જે ચીંદરી બળી જ ન હોઈને એની વળ ક્યારેય ન જાય, વટ તો અમને વારસામાં મળેલ છે. એ ન જાય ઘાટકે સાહેબ યાદ આવ્યું?”
ઘાટકે મનોમન કેહવા લાગ્યો “વટ ને જાળવી જાણ્યો દરબાર”.
તસ્વીર – પ્રતિકાત્મક છે.
– સુરપાલસિહજી ગોહીલ
(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ, પ્રતીકાત્મક ફોટા)