એક નાનો બાળક રોજ શાળાએ જતી વખતે રસ્તામાં આવતા એક મંદિરમાં દર્શન કરવા માટે જતો.
ભગવાનની મુર્તિ સામે બે હાથ જોડીને ઉભો રહેતો. આંખો બંધ કરીને એ પ્રાર્થનામાં એવો તો મશગુલ થઇ જતો કે, મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તો ભગવાનને બદલે આ બાળકને જોયા કરતા.
મંદિરના પુજારી પણ આ બાળકની રાહ જોઇને બેઠા હોય.
ઘણા તો એવી પણ વાતો કરતા કે આ બાળક સાક્ષાત હનુમાનજી છે, કેટલા ભાવથી ભગવાનના દર્શન કરે છે.
આંખો બંધ કરીને ઉભેલા બાળકના માત્ર હોઠ ફફળતા હોય.
થોડી મિનિટો સુધી બસ એમ જ કંઇક બોલ્યા કરે.
બધાને એ વાતનું આશ્વર્ય હતું કે, આ નાનો બાળક ભગવાનને શું પ્રાર્થના કરતો હશે!
એક દિવસ બધા ભક્તોએ ભેગા થઇને પુજારીને વિનંતિ કરી કે, આ છોકરાને આપણે પુછીએ કે એ ભગવાનને શું પ્રાર્થના કરે છે?
પુજારીને પણ આ જાણવું જ હતું એટલે બધા પેલા બાળકની રાહ જોવા લાગ્યા.
બાળક આવ્યો. બુટ ઉતારીને મંદિરમાં પ્રવેશ્યો. દફતર ખભા પર જ હતું ને બે હાથ જોડીને પ્રાર્થના ચાલુ કરી.
પ્રાર્થના પુરી કરીને એ બહાર નિકળ્યો એટલે બધા લોકોએ એને ઘેરી લીધો.
પુજારીએ પુછ્યુ, “સાચુ કહેજો આપ કોણ છો અને રોજ શું પ્રાર્થના કરો છો?”
પેલા બાળકે કહ્યુ, “અરે, પુજારીજી મને ના ખોળખ્યો? હું તો બાજુની ચાલીમાં રહેતા ઇશ્વરભાઇનો દીકરો છું અને મને પ્રાર્થનામાં કંઇ જ ખબર પડતી નથી. ભગવાનને શું કહેવાય અને શું ન કહેવાય? એ કંઇ જ સમજાતું નથી. હું તો ભગવાન સામે ઉભો રહીને આંખ બંધ કરીને 5 વખત ABCD બોલી જાવ છું. ભગવાન ને એમાંથી જે શબ્દો જોઇતા હોય એ લઇ લે અને જેવી પ્રાર્થના બનાવવી હોય એવી બનાવી લે.”
મિત્રો, પ્રાર્થનાને શબ્દોની કોઇ જરુર નથી હોતી, શબ્દોમાં તો મોટા ભાગે માંગણીઓ જ હોય છે.
– હિતેશ રાયચુરા (અમર કથાઓ ગ્રુપ)
પ્રતીકાત્મક ફોટાઓ