ગાગોદરનું પૂર્ણેશ્વર મહાદેવ મંદિર એટલે અપાર શાંતિનો અનુભવ કરાવતું પવિત્ર સ્થળ, જાણો મંદિર વિષે વિસ્તારથી.

0
414

આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ. તા – 22/11/21.

– મહાદેવ બારડ વાગડ કચ્છ.

પૂર્ણેશ્વર મહાદેવ મંદિર, ગાગોદર, રાપર તાલુકા, કચ્છ.

મંદિરના શિખર ઉપર ઊગ્યો પીપળો

“ઊગે તેને કોઈ ના પુગે”

રાપર તાલુકાના ગાગોદરથી ચારેક કીલોમીટરના ગોરાસરના રસ્તે નદીને આગળ જતાં એક ક્રોસ વળાંક આવે, ત્યાંથી વળી જાઓ એટલે સીધા સામે પૂર્ણેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે. અમે પહોંચ્યા મંદિર એ ઉપર કુંજોના અવાજ અને આસપાસમાં પક્ષીઓના કલરવ વચ્ચે આ જગ્યા જોઈને અભિભૂત થઈ જવાય છે.

મંદિર પેલા બાજુમાં હનુમાન દાદાનું નાનું મંદિર આવેલું છે અને બાજુમાં ઉભી ઊંચી દીવાલ છે ત્યાંથી જમીનનો ભુ ભાગ ઊંચો છે અને ત્યાં બાજુમાં જ આ અતિ પૌરાણિક શિવ મંદિર આવેલું છે. અંદર દાખલ થતાં જ નીરવ શાંતિ જોવા મળે છે. અમે ગયા ત્યારે કોઈ પુજારી ન હતા પણ પૂજા કરીને તરત ગયા હોય એવું લાગતું હતું. શિવજી ઉપર ફૂલ હતાં. અમે પણ દર્શન કર્યા અને પછી પૂર્ણેશ્વર મહાદેવના પ્રાંગણમાં બેઠા જ્યાં અમારી નજર મંદિરના શિખર ઉપર પડી જ્યાં એક પીપળી ઉગેલો દેખાય છે.

આપણને જોઈને આશ્ચર્ય થાય કે શિખર ઉપર પીપળો. પણ કોઈ પક્ષીઓ ઉપર બેઠા હશે તેને કારણે ઉગી નીકળ્યો હોવો જોઈએ, એટલે જ શબ્દ નીકળી ગયા કે “ઊગે તેને કોઈ ના પુગે”. તેમજ મંદિરની પાછળની બાજુ ચબુતરો આવેલો છે જ્યાં અનેક પક્ષીઓ ચણતાં હોય છે, તેમજ પ્રાંગણમાં એક વડ પણ આવેલો છે જે બે કે ત્રણ વર્ષ પહેલાં વાવેલો હશે એવું લાગે છે.

ત્યાં નીચે સરસ મજાની કુંડી બનાવેલ છે જેમાં પક્ષીઓ માટે પાણી ભરેલું છે. પક્ષીઓ ચણ ખાય પછી અહીંયા કુંડામાં પાણી પિયે છે અને નીરવ શાંતિ વચ્ચે કલરવ કર્યા કરે. આપણને આ જગ્યામાં સાચા અર્થમાં શાંતિનો અનુભવ થાય છે. ગામથી દુર વાગડમાં અને ચારેબાજુ ખેતરો આવેલા છે. બાજુમાં નદી આવેલી છે, જેમાં ચોમાસુ પૂરું થઈ ગયું છે તેમ છતાં હજી નીર ખળ ખળ વહેતા જોવા મળે છે, અને ખળ ખળ કરતા વહ્યા કરે છે.

આસપાસમાં માલધારીઓ પોતાના ઢોરને અહીંયા નદીમાં પાણી પાય છે જે પાણી ઉપરવાસમાં આવેલ મેવાસાના મોટા તળાવમાંથી આવે છે. અને જેમ જેમ દિવસો જશે તેમ અમારે આ નદીમાં પાણી ખારું થઈ જશે અને પછી સીરવાણી પાણી ઉનાળામાં વહે છે. બાકી પાણી તો થોડું થોડું નીકળ્યા કરતું હોય છે! સીરવાણી એટલે કે ખારું પાણી જે કાળું થઈ જાય અને વહ્યા કરે અને ખારું હોય છે.

આ ખારું સેના કારણે થતું હશે? તો એવું જાણવા મળ્યું કે જમીનમાં આવેલ માટીના કારણે અમારે અમુક તળાવ પણ ખારા થઈ જતાં હોય છે. માટીના કારણે આવું થાય છે અને બીજી કે તળાવની પાછળ પાળમાંથી પણ પાણી નીકળતા હોય છે જેને સોવાના પાણી કહે છે. અમારે વાગડમાં એટલે કે તળાવની અંદરથી સરીને જે પાણી આવે તેને સોવાં ના પાણી કહે છે. તે પણ ખારું હોય છે કેમ કે પાળમાં માટી હોય છે અને પાણી માટીમાંથી થઇને આવે એટલે ખારું થઈ જાય છે.

પૂર્ણેશ્વર મહાદેવ જગ્યા એ પેલા એમ કહેવાય છે કે, અહીંયા પેલા ગાગોદર ગામ હતું. જૂનું ગામ અહીંયા હતું પણ કોઈ કારણોસર નાશ પામ્યું અને આજે ગાગોદર છે ત્યાં નવું ગાગોદર વસ્યું છે. મંદિરના પાછળના ભાગમાં એક માટીનો ટેકરો છે ત્યાં ઘણા બધા અવશેષો જોવા મળે છે. અને આસપાસમાં ખેતરોમાં પણ માટીના અવશેષો જોવા મળે છે અને જમીન રાખોડા વારી એટલે કે જમીનમાં શેલીનું પ્રમાણ ઘણું જોવા મળે છે. અને વસાહત હોય એવા નાના મોટા પત્થરો, માટીના વાસણોના અવશેષો જોવા મળે છે. આવા તો અનેક વાગડમાં ગામે ગામ નાશ પામ્યા છે અને અનેક જગ્યાએ અવશેષો જોવા મળે છે.

આ જગ્યામાં બેઠા હોઈએ તો પણ કેટલો આનંદ મળે છે જે જાય તેને અનુભવ થાય છે. અહીંયા મેં મારા મિત્ર પંચાલ ભાઈ દિવ્ય ભાસ્કરના પત્રકાર તેમના નામની આપેલ દાન ખુરસી જોઈ. લોકોને બેસવા માટે બાકડો છે. તેઓ આ જગ્યા પણ વધારે આવે છે. સેવા પણ ખુબ ભક્તિ ભાવથી કરે છે.

આપણે જોઈએ તો જ્યાં સીમ વિસ્તારમાં શિવ બેઠા હોય ત્યાં પેલાના સમયમાં ગામ હોય છે તો જ શિવની સ્થાપના કરેલ હોય છે. પેલાના સમયમાં જ્યાં ગામ હોય ત્યાં શિવ અને હનુમાન બેસાડવામાં આવતા હતા. એટલે અહીંયા આ એક જૂનું ગામ હતું તેનો પુરાવો છે. અહીંયા શ્રાવણ માસમાં આસપાસથી દુર દુરથી લોકો શિવના દર્શન કરવા આવે છે. ગાગોદરની ખુબજ પૌરાણિક જગ્યા પૂર્ણેશ્વર મહાદેવ આવેલી છે.

– મહાદેવ બારડ વાગડ કચ્છ.