ભાગ 1 થી 9 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
નવમાં ભાગમાં આપણે જાણ્યું કે, કેવી રીતે નારદજીએ સત્યભામા પાસેથી શ્રીકૃષ્ણને દાનમાં મેળવ્યા અને તેમની પાસેથી સેવા કરાવવા લાગ્યા. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.
“સત્યભામાના એ નાદનીયત ભરેલ વલણનો મહિમા આપ કઈ શૈલીથી વધારો છો, એ જાણવા જ હું વધુ ઉત્સુક છું” – મહાલક્ષ્મીએ શ્રીહરિને આમ કહ્યું, એટલે પ્રભુએ પણ પોતાનો પક્ષ મુકતા વાર્તાલાપ આગળ વધાર્યો-
“તે ક્ષણે તો સત્યભામા, પોતાના પતિને નારદજીના દાસત્વમાંથી છોડાવવામાં સ્વયંને અસહાય જ પ્રતીત કરી રહી હશે. એ વખતની તેની વિચલિત અને મૂંઝાયેલ અવસ્થા માટે નિઃશંકપણે તેનું અવિચારીભર્યું વલણ જ જ્વાબદાર ગણાય. અને મને તો આશંકા પણ છે કે હવે પછી, તેના એ વલણને કાયમ બાલિશ અને નાદનીયતભર્યું જ લેખવામાં આવશે.
પરંતુ દેવી, સર્વે રાણીઓ કરતા સર્વાધિક પતિ-પ્રેમ મેળવવા સત્યભામાએ જે આ સઘળો ઉપક્રમ યોજ્યો, એ ઘટના પણ એના સર્વાધિક પતિપ્રેમનું જ પ્રમાણપત્ર ગણી શકાય ને..! કોઈ પણ રીતે ઇચ્છિત વસ્તુ મેળવીને જ રહેવું એ તેની લ ડાયકવૃત્તિ જ હતી, અને એક સાહસી-કન્યા તો એ બાળપણથી હતી જ. ઉપરાંત તેનો તો ઉછેર પણ એવી સાહસવૃત્તિ સાથેનો જ થયો હતો. તો તેનાં આ જન્મજાત સ્વભાવે જ તેને આ પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધી ગણાય.
ઉપરાંત, એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડે કે દાનમાં આપવા માટે પતિની અવેજીમાં અન્ય કોઈ બીજો વિકલ્પ પણ નારદજીએ તેને આપ્યો નહોતો તથા પતિને પુનઃ ખરીદી લેવાની આશા પણ તેને તેમણે આપી જ હતી, ત્યારે એવા સંજોગોમાં તેનાં એ કૃત્યને અમુક હદે સહજ અને સ્વાભાવિક ગણી લેવું જોઈએ, કે નહીં?”
સાંભળી મહાદેવીએ ઉત્તર આપ્યો, “આપનો આ અભિપ્રાય જે પ્રમાણે તે સમયના ચિત્રને મનોહર રંગ આપી રહ્યો છે, એ ન્યાયે તો મારી પાસે અન્ય કોઈ દલીલ નથી, પણ હું એય જાણું છું કે સત્યભામા માટે આવી વિકટ પરિસ્થિતિ ઉભી કરવી એ નારદજીની એકલાની તો ક્ષમતા નહોતી જ. માર્ગદર્શન તો એમને કૃષ્ણનું જ હતું ને?”
“હા દેવી. પારિજાત-પ્રકરણમાં ઉદ્દેશ તો ભટકેલાઓની સાન યથાસ્થાને પુનઃ લાવવાનો જ હતો, એ ઉપક્રમમાં દેવરાજ ઇન્દ્રનો અહંકાર તો ચૂર કરી જ નાખ્યો. બસ, હવે સત્યભામાને નમ્ર બનાવવાના હેતુથી લીલા આગળ વધારી હતી.”
“પણ આવી વિચલિત અને મૂંઝાયેલ સ્થિતિમાં લાવીને મૂકી ત્યારે તેનો અહંકાર તો નષ્ટ થયો જ હોય ને..! તો પછી, ત્યારે લીલા-સમાપ્તિ થવી જોઈતી હતી.”
ત્યારે શ્રીવિષ્ણુ બોલ્યા- “ના, દેવી. અહંકાર હજી તૂટ્યો નહોતો. ત્યારે માત્ર ઈર્ષ્યાની દિવાલ જ તૂટી. ત્યારનું સત્યભામાનું રુદન, એ તો માત્ર લાગણીનો ઉફાણો અને ભાવનાના આંસુ હતા કે જે મનના ઉપલા મેલને ધોઈ રહ્યા હતા, પણ આંતરિક અહંકારના મૂળિયા, કે જે ઊંડે સુધી ફેલાયા હતા, એને તો જડમૂળથી હજુ ઉથલાવવાના જ હતા. લો આગળ સાંભળો.”
“કૃપા કરીને મારું દાન, દેવર્ષિ પરત કરો. આપે કહ્યું હતું કે આપેલ દાન ફરીથી પાછું લઈ શકાય.” -ભાવુક બનીને સત્યભામાએ રુદનભર્યા સ્વરે નારદજીને વિનાવ્યા.
“એ તો બ્રાહ્મણની મરજી હોય તો..! પણ દ્વારકાધીશ જેવા અલૌકિક પદાર્થનું દાન પ્રાપ્ત કર્યા પછી, હું તે પાછું આપું, એટલો તો બુદ્ધિહીન હું નથી જ. ચાલો શ્રીકૃષ્ણ, આપણે રસોઈઘરમાં જઈએ. મને આપ ત્યાં ચટણી વાટી આપજો.”
હતપ્રજ્ઞ અને નિરાશ સત્યભામા, પછી જાંબવંતી અને રુક્મિણી સમીપે ગઈ અને કહ્યું- “બહેનો, તમે હવે કંઈક કરો. મારા થકી મોટી ભૂલ થઈ ગઈ છે, ને હવે ન તો મુનિરાજ મારી વાત સાંભળે છે, ન તો દ્વારકાધીશ..! તો તેમને રોકો, બહેન… તેમને રોકો..!”
“ચાલો જોઈએ કે શું થઈ શકે.” -પાસે ઉભેલ રુક્મણીએ કહ્યું.
પછી જ્યારે રુક્મિણી, સત્યભામા અને જામવંતી ત્રણેયએ જઈને જોયું તો પ્રભુ દા સની જેમ ચટણી પીસતા હતા અને નારદમુનિ પોતાની આંખો બંધ કરીને ધ્યાન ધરી બેઠા હતા. આ જોઈને રુક્મિણી સહિત ત્રણેય ચોંકી ઉઠ્યા.
“દ્વારકાધીશ એક બ્રાહ્મણ પુજારીના દા સ? મારી તો કલ્પનામાં આવતું નથી.” -જાંબવંતી બોલી ઉઠી.
“દેવી, આ કલ્પનાની વાત નથી. વાસ્તવિકતામાં જ મારી પત્નીએ મને આ પૂજારીને દાનમાં આપ્યો છે.” કૃષ્ણએ પોતાની અસહાયતા દર્શાવી.
“પત્નીએ દાનમાં આપ્યા છે? પણ મેં તો તમને કોઈ દાનમાં આપ્યા નથી..!” -જાંબવંતીએ સામી દલીલ કરી.
“દેવી સત્યભામાએ તેમનું દાન આપ્યું છે. સત્યભામા તેમની પત્ની છે કે નહીં?” -નારદમુનિએ બચાવ કર્યો.
“મારા માટે આનો અર્થ કંઈ નથી, તમે જ કહો કે હું તેમની પત્ની છું કે નહીં?” -જાંબવંતીએ વધુ મક્કમ દલીલ કરી.
“હા હા..! પણ…”
“પણ..બણ..કઈં નહીં દેવર્ષિ, હવે મને કહો કે, તમે મારી પરવાનગી વિના મારા પતિને તમારા દાસ તરીકે કેવી રીતે ગણ્યા? મારા પતિ ઉપર તમને શું અધિકાર છે?”
“મારો તમારા પતિ પર તો દેવી, કોઈ અધિકાર નથી.” -નારદજી હવે મૂંઝાયા.
“સારું, તેથી જ હું મારા પતિને સાથે લઈ જઈ રહી છું.”
એમ કહીને જાંબવંતીએ શ્રીકૃષ્ણનો હાથ પકડી તેમને ઉભા કરવા ઇચ્છયું. નારદજી ચોંકી ઉઠ્યા.
“નારાયણ નારાયણ..!” -કહેતા તેઓ રસ્તો રોકી વચ્ચે ઉભા રહી ગયા અને બોલ્યા- “દેવી, આ રીતે કોઈ બ્રાહ્મણને છેતરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શ્રીકૃષ્ણ હવે મારી સંપત્તિ છે. સત્યભામાએ તેમનું દાન આપ્યું છે.”
“પરંતુ દેવર્ષિ, શ્રીકૃષ્ણ સત્યભામાના એકલીના તો નથી જ ને..!” -આટલો વખત મૌન, એવા રુક્મણી ત્યારે બોલ્યા.
આ સાંભળીને જામવંતીએ પણ સુર પુરાવ્યો- “હા આમના અને મારા પણ..!”
“શું તેઓ સત્યભામાના છે?” -નરદામુનિએ ઉલટતપાસ આદરી.
“હાસ્તો..!” -જાંબવંતીએ ઉત્તર આપ્યો.
“તેનો અર્થ એ છે કે તમે બધા શ્રીકૃષ્ણમાં ભાગ લો છો.” -નારદજીએ વાત આગળ વધારી.
“હા. એમ જ..!” -રુક્મિણીએ પણ કબુલ્યું.
“તો તેનો અર્થ એમ પણ થાય છે, કે સત્યભામા કૃષ્ણમાંનો ફક્ત પોતાનો હિસ્સો જ દાન આપી શકે છે, તમારો હિસ્સો નહીં..!” -નારદજીએ તર્ક કર્યો.
“ચોક્કસ, એવું જ તો વળી..!” -બન્ને રાણીઓ પણ સહમત થઈ.
હવે નારદમુનિ બેબાકળા થયા.
“તેનો અર્થ એ છે કે બ્રાહ્મણને છેતરવામાં આવ્યો છે. આ તો સંપત્તિના અન્ય હિસ્સેદાર પણ નીકળી આવ્યા છે. તેથી હવે એકમાત્ર રસ્તો છે. મને સત્યભામાના ભાગના કૃષ્ણ આપો અને તમારા ભાગના કૃષ્ણને લઈ જાઓ.
“શું..?” -જાંબવંતી આશ્ચર્ય સાથે બોલી.
“હા, દલીલમાં તો જાંબવંતીદેવી, તમે જીતી ગયા છો. નારાયણ નારાયણ..! તો હવે દેવી સત્યભામા, મને કંઈક કહો… તમે મને કૃષ્ણનો કયો હિસ્સો આપી રહ્યા છો?”
“હું તમને દેવર્ષિ, આ વિશે શું જવાબ આપું, તે સમજવામાં અસમર્થ છું.” – મહામુશ્કેલીથી સત્યભામાએ આંખોમાં આંસુ સાથે કહ્યું- “મને એ પણ ખબર નથી કે આ ત્રિલોકીનાથ ઉપર મારો કેટલો અધિકાર છે. એક દિવસ હતો, જ્યારે મેં વિચાર્યું હતું કે ફક્ત મારો તેમના પર અધિકાર છે અને આજે એવો દિવસ છે જ્યારે મારુ ઘમન્ડ તૂટી ગયું છે.
હવે હું જાણું છું કે તેઓ મારા તો શું, કોઈના જ નથી, અને સર્વેના પણ છે જ. જો મારી આ ભયંકર ભૂલનું કોઈ પ્રાયશ્ચિત હોય, તો મને જણાવો. જો તે પ્રાયશ્ચિતની કિંમત મારા જીવન દ્વારા ચૂકવવામાં આવી શકતી હોય, તો પછી આ જ ક્ષણે હું મારા જીવનનું તમારા ચરણોમાં દાન આપવા તૈયાર છું. મારા પ્રા ણ લઈ લો, પણ મારા સ્વામીને મારા વચનમાંથી મુક્ત કરો.”
“હું કોઈના પ્રા ણ તો લઈ ના શકું, કારણ કે એ કાળ ભગવાનની સંપત્તિ છે, પરંતુ જો તેના બદલામાં પ્રાયશ્ચિત ચુકવણી કરવી હોય, તો જીવન જેવી અમૂલ્ય વસ્તુ સિવાય, કોઈક મૂલ્યવાન વસ્તુ આપો. અમે તેમને મુક્ત કરીશું.” -દેવર્ષિ નરદામુનિએ વચલો પર્યાય સુચવ્યો.
“સાચે જ ને?” -સત્યભામાના સ્વરમાં હવે ઉત્સાહ ભળ્યો.
“હા દેવી. તમારા પતિ પ્રત્યે તમારા હૃદયમાં આવી સાચી ઊંડી લાગણી જોઈને મારું હૃદય પણ પીગળી ગયું. અને મેં તેમને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે, પણ તમે બદલામાં કંઈક તો આપો.” -નારદજી બોલ્યા.
“અરે કઈંક શું બદલામાં હું તમને એટલું આપીશ…હું એટલું આપીશ કે જેટલું આજ સુધી કોઈએ તમને આપ્યું નહીં હોય.” -સત્યભામાએ ઉત્તેજિત સ્વરમાં બાંહેધરી આપી.
આ સાંભળીને શ્રીકૃષ્ણે સત્યભામા તરફ જોયું અને વિચાર્યું- ‘હા, હજુયે અહંકાર બાકી છે.’
(ક્રમશ:)
ભાગ 1 થી 9 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)