ભાગ 1 થી 10 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
દસમાં ભાગમાં આપણે જાણ્યું કે, કેવી રીતે રુક્મિણી, સત્યભામા અને જામવંતી શ્રીકૃષ્ણને પાછા મેળવવા માટે પ્રયત્ન કરે છે. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.
“મારી પાસે તો દેવર્ષિ એટલા કિંમતી ઝવેરાત છે… એટલા રત્ન છે અને એટલું સોનું છે કે તમે સમેટતા થાકી જશો, પણ દ્રવ્ય ખૂટશે નહીં.” -સત્યભામાએ નારદજીને પ્રભાવિત કરવાના આશયથી કહ્યું, પણ નારદમુનિ પર એની ખાસ કોઈ અસર થઈ નહીં.
“નારાયણ નારાયણ..! આટલા ધનને હું શું કરીશ દેવી? શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણે લોભી ન થવું જોઈએ. તો હું માત્ર એટલું જ લઈશ જેટલી શાસ્ત્રમાં મર્યાદા બતાવી છે.’ – તેઓ બોલ્યા, એટલે કુતૂહલવશ સત્યભામાએ પૂછ્યું-
“શાસ્ત્રમાં કેટલી મર્યાદા છે?”
“શાસ્ત્રો કહે છે કે આ પરિસ્થિતિમાં, તેમના (શ્રીકૃષ્ણ) વજન જેટલું કોઈ પણ પદાર્થ આપો, બસ પ્રાયશ્ચિત્ત સ્વીકાર થઈ જશે.” – નારદમુનિએ જ્ઞાન આપ્યું એટલે સત્યભામાએ વધુ ચોખવટ માંગી-
“કોઈપણ પદાર્થ, અર્થાત?”
“નારાયણ નારાયણ..! અર્થાત કંઈપણ દેવી કંઈપણ. તે ફળ હોય, ફૂલો હોય, કે ચોખા હોય કે પછી પાંદડાઓ પણ હોય તો ચાલે દેવી. શ્રદ્ધાપૂર્વક તમે શ્રીકૃષ્ણના વજન જેટલું, જે પણ હશે, હું હર્ષભેર તે સ્વીકારીશ.”
“ઓહો! ધન્યવાદ દેવર્ષિ, પણ જ્યારે સત્યભામા દાન આપે છે, ત્યારે ફૂલો, પાંદડાઓ નહીં; તે તો ફક્ત સોના-ચાંદીનું દાન આપે છે, હીરામાણેક દાનમાં આપે છે.” -સત્યભામાએ પ્રસન્ન થઈને કહ્યું. પણ ક્ષણવાર પહેલાનો તેનો તણાવ દૂર થઈ ગયો હોવાથી, તેની પ્રસન્નતામાં હવે ગર્વપણું પ્રવેશવા લાગ્યું, ત્યારે નારદમુનિ હસી પડ્યા અને કહ્યું-
“નારાયણ નારાયણ, જેવી તમારી ઇચ્છા દેવી. ચાલો તુલા-દાનનો પ્રબંધ કરો.”
“હા દેવર્ષિ..!” -શિષ નમાવીને સત્યભામાએ હાથ જોડીને કહ્યું, ત્યારે કૃષ્ણ નારદમુનિ તરફ જોઈને મર્માંળુ હસ્યાં.
ત્યારબાદ કેટલાક બીજા બ્રાહ્મણોની હાજરી અને સાક્ષીમાં શ્રીકૃષ્ણને વિધિપૂર્વક ત્રાજવાના એક પલ્લામાં બેસાડવામાં આવ્યા અને બીજા પલ્લામાં સત્યભામાએ થાળ ભરીને ઝવેરાત લાવી લાવીને ઠાલવ્યું.
અનેક થાળ ઠાલવ્યા બાદ પણ જ્યારે તેણીએ જોયું કે કૃષ્ણનું પલ્લું તો બિલકુલ ઉચકાયું જ નથી, તો તેણીએ વધુ થાળ ભરીને દ્રવ્ય મંગાવ્યું. પણ પેલું પલ્લું તો ઉપર ઉચકાવાનું નામ નહોતું લેતું, જે જોઈને સત્યભામા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા.
અને પછી, પોતાની પાસે હતું એટલું બધું દ્રવ્ય લાવી મુક્યા બાદ તો સત્યભામા મૂંઝાયા કે હવે શું કરવું? દાસીઓને વધુ ઝવેરાતની તપાસ કરવા અન્ય મહેલે મોકલી. થોડીવારમાં એ દાસીઓએ બધું જોઈ તપાસીને સત્યભામાને કહ્યું-
“મહારાણીજી, હવે કંઈ જ બાકી નથી, શું કરીએ?”
આ સાંભળીને સત્યભામા ચોંકી ગયા. નછૂટકે તેણીએ ગળામાં ધારણ કરેલો હાર કાઢીને તુલામાં મુક્યો. પછી પોતાનો કંદોરો ય મુક્યો, પછી મુગટ ઉતારી મુક્યો, છેલ્લે બંગડીઓ કાઢી આપી અને પછી કૃષ્ણ તરફ નિરાશ નજરે જોયું, પણ કૃષ્ણ તો નચિંત ભાવે મૌન ધારણ કરી બેઠા હતાં.
શ્રીહરિના અસ્ખલિત વૃત્તાંતને રસપૂર્વક સાંભળતા દેવી મહાલક્ષ્મીજી ત્યારે વચ્ચે જ બોલી પડ્યા – “હા પ્રભુ, તુલામાં બિરાજમાન થઈને સત્યભામાની મૂંઝવણભરી મનોગતની મોજ લેતા આપને મેં ત્યારે નિહાળ્યા હતા. અને આપનો ઈશારો પણ મેં પારખી લીધો હતો, માટે જ મારા સ્થાન પરથી ચાલીને હું નિરાશ સત્યભામાની પાસે ગઈ હતી.”
“હા મહાદેવી, સત્યભામાની અટવાયેલી મતિને સાચી ગતિ આપવાનું કાર્ય તો આપનું જ હતું, જે તમે નિપુણતાપૂર્વક નિભાવ્યું. સત્યભામાને કડવા અનુભવ પછી મીઠા સચોટ બોધની આવશ્યકતા હતી, એ આપવાનું કાર્ય આપના ભાગે જ આવ્યું હતું.”
“હા પ્રભુ, અને હજુ પણ સ્મરણમાં છે કે તે ક્ષણે મેં આપેલ બોધથી તે ખરેખર પ્રભાવિત થઈ હતી. તેને સાચું દિશાભાન થયું હતું, જે તેનું જીવન સફળ બનાવી ગયું.”
“મહાદેવી, આપનાં એ બોધવચનો ફરી સંભળાવશો?
“આપની ઈચ્છા છે, તો ચોક્કસ શ્રીહરિ. સાંભળો.”
હતાશ સત્યભામાએ સહાય માટે આસપાસ જોયું તો રાણી રુક્મિણીને પોતાની સમીપે ભાળી, એટલે નિરાશ સ્વરે સત્યભામાએ કહ્યું-
“જુઓને દીદી. મારી પાસે જે અને જેટલું હતું, તે બધું મેં સામે મૂકી દીધું તે છતાં ય..”
“સત્યભામા, હજુ બધું જ ક્યાં તેં અર્પણ કર્યું છે?” -રુક્મિણી તેની વાત અધવચ્ચે જ કાપતાં બોલ્યા અને પછી રુક્મિણી વીંટી તરફ ધ્યાન દોરી કહ્યું-
“આ જો, તારી આંગળીમાં આ મુદ્રિકા હજુય તેં ધારણ કરી રાખી છે.”
“આ વીંટીનું તે શું વજન, બહેન..!” -સત્યભામાએ વીંટી કાઢતા કહ્યું, ત્યારે રુક્મિણીએ કહ્યું-
“વજન ના જુઓ બહેન, ભાર જુઓ. અત્યાર સુધી તમે જે અર્પણ કર્યું તે બાહ્ય શણગાર હતો. એ આડંબર હતો જે વજનદાર હતો તમારા અહંકારથી. પણ એમાં શ્રદ્ધાનો ભાર નહોતો. ભલું થયું બહેન, કે એ આડંબર અને અહંકાર અર્પણ કરીને હળવી થઈ ગઈ. હવે આ ન્હાની શી મુદ્રિકા, કે જે તેં સતત તારા ડાબા હાથની અનામિકામાં ધારણ કરી છે, અંગુલીથી હ્ર્દય સુધી પહોંચતી નસને આ વીંટી સતત સ્પર્શતી રહી છે. તારા હૃદયના સ્પંદનોને જે પોતાનામાં સંગ્રહિત કરતી રહી છે, એવી આ મુદ્રિકા તારા હ્ર્દયમાંની શ્રદ્ધાનું સાકાર સ્વરૂપ છે, ભલે દ્રવ્ય થકી એ વજનદાર નથી પણ શ્રદ્ધાના ભાર થકી, એ ભારે તો અવશ્ય છે જ. સ્વામીને આડંબર અને અહંકારથી તો તોળીને તેં જોઈ લીધું, હવે ભક્તિ અને શ્રદ્ધાથી તોળી તારો સમર્પણભાવ પ્રદર્શિત કર.”
સત્યભામા આ સઘળું પૂર્ણ સ્નેહ અને શ્રદ્ધાભાવે સાંભળી રહી.
પછી સત્યભામાના હાથમાંથી એ મુદ્રીકા લઈ, તેમાં એક તુલસીપત્રને ભેરવી સત્યભામાને એ પરત આપીને રુક્મિણી આગળ બોલ્યા-
“લો બહેન, હવે સઘળો ગર્વ ત્યાગો, અને જુઓ…આ એક તુલસીપાન પણ પર્યાપ્ત થશે સ્વામીનો ભાર ઝીલવા. જેટલો તું નમનભાવ દાખવીશ એટલું એમનું પલ્લું ઉપર ઉઠશે. હવે પૂર્ણ સ્નેહશ્રદ્ધાનો ભાર આપી આ મુદ્રિકા અને તુલસીદળથી પતિદેવને તોળો.”
સત્યભામા, તુલસીદળ રચિત તે ન્હાની શી મુદ્રિકાને હાથમાં લઈ પૂર્ણ સ્નેહસહિત તેને નીરખી રહી. અત્યાર સુધીના અલંકારો દાસીઓ દ્વારા મુકાયા હતા, પણ આ વીંટી, તુલસીપાન સહિત, વિનમ્રભાવે હળવેથી તેણે સ્વયં તુલા પર પધરાવી.
અને ચમત્કાર થયો. કૃષ્ણ બેઠેલા એ પલ્લું ઉપર ઉચકાયું અને તુલસીપત્રવાળું પલ્લું નીચે નમ્યું; પછી હાલકડોલક થયું; ત્યારબાદ એકાદ ક્ષણમાં જ બન્ને પલ્લા સમાન થઈ ગયા.
આ જોઈને રાણી સત્યભામા અને જાંબવંતી અચંબિત અને અભિભૂત થઈ ગઈ, તો દેવી રુક્મિણી સ્વયં પણ રોમાંચિત થઈ ગયા. કૃષ્ણે મંદ મંદ હાસ્ય રેલાવ્યું, તો દેવર્ષિ નારદ ગદગદ થઈ ગયા.
ભાવવિભોર થઈને ત્યારે સત્યભામાએ કહ્યું-
“હે દેવર્ષિ નારદ, આપના આ સમગ્ર પ્રકરણે મારા અંતરાત્માને હવે અહંકારથી મુક્ત કરી નાખ્યો છે, માટે તમારો કોટી કોટી આભાર..!”
ત્યારે નારદજીએ ઉત્તર આપ્યો-
“હે દેવી આ સઘળી તો પ્રભુની લીલા. હું તો બસ તેમણે મને સોંપેલ ભૂમિકા ભજવતો રહ્યો. પણ હું નિમિત્ત બન્યો તમને ગર્વમુક્ત કરવા, તેનો મને અદ્વિતિય આનંદ છે. હવે પ્રભુ, મને રજા આપો અને આપ આપની અન્ય સંસારલીલામાં વ્યસ્ત થઈ જાઓ. નારાયણ..નારાયણ..!”
એટલું કહી નારદજીએ ત્યાંથી રજા લીધી.
સત્યભામાના પારિજાત-પ્રકરણનું સમાપન શ્રીહરિએ, સત્યભામાના ગર્વ-ખંડનના વૃતાંત સાથે કર્યું, જે સાંભળી મહાદેવી લક્ષ્મી પોતાનો પ્રતિભાવ આપ્યા વિના રહી ના શક્યા-
“તો પ્રભુ, આમ ‘એક પંથ દો કાજ’ ની જેમ સત્યભામાની સાથે દેવરાજ ઇન્દ્રના ઘમંડનું નિવારણ પણ આ સાથે જ થયું, જે ઇષ્ટ જ થયું કહેવાય.”
“હા દેવી, એકવાર એક કુબ્જા નારીના તનની બેડોળતા દૂર કરી તેના તનને સુંદર બનાવેલું, એવી જ રીતે મનની વિકૃતિ સમારી મનને પણ સુરેખ બનાવી જ શકાય..ને.”
“ચોક્કસ સ્વામી. આ કુબ્જા પ્રસંગ પણ રસપ્રદ જ હશે એવું મને સમજાય છે.”
“દેવી, માનવાવતારમાં આપણો મેળાપ થયા પૂર્વેનો આ પ્રસંગ હોવાથી આપ કદાચિત અજ્ઞાત હોઈ શકો એનાથી. કહો તો એની ઉપર ચર્ચા કરીએ.”
“એ પ્રસંગ તો, મારા મતે બિલકુલ ચર્ચાસ્પદ નથી, તો એની પર ચર્ચા વ્યર્થ છે. પણ પ્રભુ, જેને ચર્ચાસ્પદ ગણી શકાય એવું જો કઈંક હોય તો એ છે, કૃષ્ણનું એક ઉપનામ ‘રણછોડ’, જેનો સાદો અર્થ થાય, રણમેદાન છોડીને નાસી જનાર. તો સ્વામી શું તમે, કૃષ્ણ માટે સંબોધાતા આ ઉપનામને હદયપૂર્વક સ્વીકાર્યું છે?”
સાંભળી શ્રીહરિ મીઠું મલકાયા અને બોલ્યા, “અલબત્ત દેવી, આ ઉપનામ પણ કૃષ્ણના અન્ય ઉપનામો જેટલું જ પ્રિય છે કારણ એ ઉપનામ એનાં અર્થને યોગ્ય રીતે સાર્થક કરે છે, તે છતાંય એમાં કાયરતાનું લેશમાત્ર પણ મહેણું નથી. બલ્કે એમાં તો છતો થાય છે એક રાજાનો લોકપ્રેમ અને એની પ્રજાવત્સલતા. દેવી, લોકહિતને સાચવવા માટે લીધેલું એક સમજદારીભર્યું દુરંદેશી પગલું જો આ ઉપનામ આપી જાય, તો એ સર્વદા આવકાર્ય જ ગણાય.”
“તો પ્રભુ, આ પ્રસંગની ચર્ચા પણ રસપ્રદ બની શકે ને?”
“અવશ્ય દેવી, પણ આ પ્રસંગ કુબ્જા-પ્રસંગ જેવો ટૂંકો નહોતો. અરે, એનો વિસ્તાર તો વરસોનાં વરસ સુધીમાં ફેલાયેલો હતો. કૃષ્ણના ‘રણછોડ’ બનવાના મંડાણ તો તેની કિશોરાવસ્થામાં જ, તેના મથુરામાં આગમન સમયે જ, થઈ ગયા હતા. માટે આપે આ વસ્તુસ્થિતિ ત્યારથી જ સમજવી પડશે. ઉપરાંત એ સર્વે પ્રસંગો કૃષ્ણ-જીવનમાં તમારા આગમન પૂર્વેના હોવાથી સવિસ્તાર સમજવા જોઈશે. તો અત્યાર પુરતો થોડો વિશ્રામ લઈએ. એ પ્રસંગોની ચર્ચા પછી ક્યારેક કરીશું.”
(સમાપ્ત)
ભાગ 1 થી 10 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)