શ્રીકૃષ્ણની રાણીઓ ભાગ 5 : જાણો સત્યભામાને કેવી રીતે મળ્યું કાયમ યુવાન રહેવાનું વરદાન.

0
748

શ્રીકૃષ્ણની રાણીઓ લેખના ભાગ 1 થી 4 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

પહેલા ચાર ભાગમાં આપણે જાણ્યું કે, કેવી રીતે કૃષ્ણના રુક્મિણી, જાંબવંતી અને સત્યભામા સાથે લગ્ન થયા હતા. અને તે સિવાય કઈ રીતે શ્રીકૃષ્ણની સોળ હજાર એક સો રાણીઓ થઈ. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

મહાદેવી લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુનો ચાલી રહેલો વાર્તાલાપ રસપ્રદ વળાંકે આવી ઉભો રહ્યો.

રુક્મિણી તરીકેની પોતાની માનવલીલા દરમ્યાન, સત્યભામા સાથે પોતાને થયેલ અનુભવોની ખટાશ વડે લક્ષ્મીજી દોરવાઈ રહ્યા હતા, ત્યારે શ્રીહરિ વાતને હળવો રંગ આપી વાતાવરણને સ્વચ્છ, તંદુરસ્ત રાખવા જ પ્રયત્નશીલ બની રહ્યા.

“સત્યભામાને કારણે જ દ્વારિકાનો રાણીવાસ, જાણે કે એક રાણીનગર બની ગયો, એવા આપના મંતવ્યનો તો દેવી, એવો પણ અર્થ કાઢી જ શકાય ને, કે સોળ હજાર એકસો અસહાય કન્યાઓનું જીવનકલ્યાણ સત્યભામાને કારણે થયું?”

“ચોક્કસ જ વળી પ્રભુ..! બાકી કોઈપણ વાતને સવળો વળાંક આપવાની કળા હું આપ પાસેથી શીખી જ રહી છું, પણ હજુ કુશળતા નથી મેળવી શકી.” -લક્ષ્મીજીએ શ્રીવિષ્ણુના વિધાનને સહર્ષ સ્વીકારતા કહ્યું- “પણ દેવમાતા અદિતિના કુંડળની વાત હવે આગળ વધારીએ? કારણ ત્યારે જ સત્યભામાની માનસિકતાને આપના શબ્દો કેવો સુરેખ રંગ આપી શકે છે, એ જાણવું મારા માટે રસપ્રદ બનશે.”

“અવશ્ય દેવી,” -મહાદેવીના આશયને સમજતા હોવા છતાં તેને અવગણીને શ્રીવિષ્ણુએ સત્યભામાના પ્રસંગને આગળ વધાર્યો.

ભૌમાસુરના અંત પછી ભૂમિદેવીએ દેવમાતા અદિતિના કુંડળ કૃષ્ણને પાછા સોંપી, ને એ પુનઃ સ્વર્ગલોકમાં દેવમાતાને પહોંચાડવાની વ્યવસ્થા કરવાની ભલામણ કરી. એટલે સત્યભામા સંગે, એ લઈને કૃષ્ણ સ્વર્ગલોકમાં ગયા.

નરકાસુરના વ ધથી આનંદિત એવા સ્વર્ગલોકના સર્વે દેવતાઓએ તેમનું સ્વાગત કર્યું. ઇન્દ્રની પત્ની શચિએ પણ સત્યભામાનું સન્માન કર્યું, ત્યારે ઇન્દ્ર કહે કે- “નરકાસુરાનો વ ધકરીને તમે દેવલોકને ચિંતામુક્ત કર્યો છે.”

“દેવરાજા, જશનો હક્કદાર હું એકલો નથી રાણી સત્યભામાએ પણ આમાં ખૂબ મદદ કરી છે.” -કૃષ્ણએ શાલીનતાપૂર્વક ઉત્તર આપ્યો, જે સાંભળીને તો સત્યભામાએ પણ કઈંક અંશે ગર્વ અનુભવ્યો.

ત્યારે ઇન્દ્ર બોલ્યા- “આ માટે અમે રાણી સત્યભામાની પણ અંતઃકરણથી પ્રસંશા કરીએ છીએ. પણ હવે આપને પ્રાર્થના છે કે આ સખત શ્રમ પછી વિશ્રામ કરવા હેતુ સ્વર્ગલોકમાં થોડો સમય રોકાઓ.”

“આ બાબતો પાછળથી થશે, દેવરાજ. આ સમયે અમે માતા અદિતિને જોવાની ઝંખના રાખીએ છીએ. અમે તેમના માટે કેટલીક ભેટ લાવ્યા છીએ.” -કૃષ્ણે પોતાની ઈચ્છા જાહેર કરી.

“અલબત્ત..!” -ઇન્દ્રદેવે એ સહર્ષ સ્વીકારી.

પછી બન્ને દેવમાતા અદિતિના મહેલમાં ગયા, જ્યાં સત્યભામાને અમુક ખૂબ જ સુમધુર માદક સુગંધ આવી જેનાથી એ મોહિત થઈ ગઈ, અને ત્યારે તેણે ઇન્દ્રદેવને પૂછ્યું-

“દેવરાજ, આ દિવ્ય-મધુર પ્રકારની સુગંધ ક્યાંથી આવી રહી છે? મારા શરીરને તે રોમાંચિત કરી રહી છે. મારો તો બધો થાક દૂર થઈ ગયો એનાથી.”

આ સાંભળીને ઇન્દ્રદેવ કહે- “દેવી આ સુગંધ આપણા પારિજાત ઝાડના ફૂલોની છે.”

“પરિજાત? આ પારિજાતનું ઝાડ ક્યાં છે?” -સત્યભામાએ ઉત્સુકતા દર્શાવી, ત્યારે ઇન્દ્રએ તેની આંગળીથી ઉદ્યાનમાં રોપેલું પારિજાતનું વૃક્ષ બતાવ્યું. તેને જોતાં સત્યભામા બોલી ઉઠી-

“મેં આ પારીજાત જેવું સુંદર ઝાડ આ પહેલાં ક્યારેય જોયું નથી.”

ઇન્દ્ર-પત્ની શચિ સૌને ઉદ્યાનમાં દોરી ગયા. તે વૃક્ષની સુંદરતા અને તેના ફૂલોની સુગંધથી સત્યભામા તો મંત્રમુગ્ધ બની ગઈ.

“આ પારિજાત વડે જ અમને બધાને અહીં ચીરયૌવન પ્રાપ્ત થયું છે. આ ફૂલોને પ્રતાપે અમારી ઉંમર અમારા દેહને ક્ષીણ નથી બનાવી શકતી.” -ઇન્દ્રપત્ની શચિએ થોડી માહિતી આપી.

તો ઇન્દ્રદેવે વધુ માહિતી આપતા કહ્યું- “આ વૃક્ષ સમુદ્રમંથન દરમ્યાન દેવોને પ્રાપ્ત થયેલ એક અદભુત ભેટ છે.”

સત્યભામાએ પૂછ્યું- “એનો લાભ ફક્ત દેવતાઓ જ લ્યે છે?”

“હા, ફક્ત દેવતાઓ જ. કારણ એ સ્વર્ગની સંપત્તિ છે. શ્રીમહાદેવે પણ એકવાર કૈલાશ માટે માગણી કરી હતી, પણ અમે હાથ જોડીને ક્ષમા યાચી હતી.” -ઈન્દ્રે જવાબ આપ્યો.

“સંભવતઃ એટલે જ શિવશંકરે પાર્વતી માટે અલાયદું પારિજાત-વન નિર્માણ કર્યું.” -શ્રીકૃષ્ણએ કહ્યું.

“પત્નીની ઈચ્છા માટે બધા, બધું જ કરતા હોય છે, એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાય.” -સત્યભામાએ જે પ્રતિક્રિયા આપી, શ્રીકૃષ્ણ એ સાંભળી રહ્યા અને ભવિષ્યની પરિસ્થિતિ તરફનો ગર્ભિત ઈશારો પારખી ગયા. ત્યારે ઇન્દ્રએ સૂચિત કર્યા-

“આવો, દેવમાતા તમારી રાહ જોઈ રહ્યા છે.”

પછી કૃષ્ણ દેવમાતાને મળ્યા.

“તમે નરકાસુરનો અંત કરીને દેવલોકના સન્માનની રક્ષા કરી છે. એ ખૂબ ગૌરવશાળી વાત છે.” -દેવમાતાએ કહ્યું.

“દેવલોકની રક્ષા તો મારો સર્વોચ્ચ ધર્મ છે. ઉપરાંત આ વખતે તો નરકાસુરનો વ ધકરવામાં સત્યભામા પણ મારી સાથે જ રહ્યા છે.” -કૃષ્ણએ ઉત્તર આપ્યો.

પછી સત્યભામાએ કૃષ્ણના હાથમાંથી કુંડળ લીધાં અને લઈને દેવ-માતાને આપતા કહ્યું- “આપના આ કુંડળ..! તે પાપી પાસેથી પાછા લઈ આવ્યા છીએ.”

દેવમાતા તો કુંડળ જોઈ હર્ષથી ઉત્તેજિત થઈ ગયા.

“આ માટે મારે કયા શબ્દોમાં આભાર માનવો જોઈએ? હું તમારી પતિભક્તિથી પ્રસન્ન છું, તેથી હું તમને આશીર્વાદ આપું છું કે તમે સ્વર્ગના દેવતાઓની જેમ અક્ષયયુવાનીના સ્વામીની બનશો. જ્યાં સુધી તમે પૃથ્વીલોકમાં રહેશો, વૃદ્ધાવસ્થા તમને સ્પર્શશે નહીં.”

આ સાંભળીને સત્યભામાએ આનંદિત થઈને દેવમાતાના ચરણોમાં નમન કર્યા

“ધન્ય છે દેવમાતા. આવા આશીર્વાદ આજસુધી કોઈ પૃથ્વીવાસીને નહીં મળ્યા હોય..!” -ઇન્દ્રપત્ની શચીએ કહ્યું.

“યુ ધનું સાચું ફળ તો સત્યભામા, તમને જ પ્રાપ્ત થયું છે.” -કૃષ્ણ બોલ્યા.

એ પછી કૃષ્ણ-સત્યભામા દેવલોકથી ફરી દ્વારકા પાછા ફર્યા તો રુક્મિણીએ કૃષ્ણનું સ્વાગત કર્યું એટલે કૃષ્ણએ તેને માહિતગાર કર્યા કે, સત્યભામાએ કેવી રીતે તેમને યુ ધમાં ટેકો આપ્યો અને પાછળથી દેવમાતાએ પણ કેવા પ્રસન્ન થઇને તેને ચીરયુવાન રહેવાનો આશીર્વાદ આપ્યો.

આ સાંભળીને રુક્મિણી મંદ સ્મિત સાથે બોલી- ” વાહ, આ એક ખૂબ સારી વસ્તુ છે. હવે તો ચોક્કસ સત્યભામા આ પૃથ્વી પર કોઈને પોતાના સમાન ગણશે જ નહીં.”

“તમારા શબ્દોમાં ક ટાક્ષ વર્તાય છે દેવી, પણ એનોય ઉપાય મેં વિચારી જ રાખ્યો હતો અને માટે જ હું તમારા માટે તે દિવ્ય સ્વર્ગીય પારિજાતનું ફૂલ લઈને આવ્યો છું જેના થકી તમને પણ દીર્ઘયુવાની પ્રાપ્ત થશે.”

આ સાંભળીને રુક્મિણીનું ચિત્ત પ્રસન્ન જણાયું ત્યારે કૃષ્ણે તે ફૂલ રુક્મિનીના વાળમાં ગૂંથ્યું.

“આપની આ હરક્તથી સત્યભામાની પ્રતિક્રિયા શું હશે, તમે વિચાર્યું છે?” -કૃષ્ણની આ ક્રિયા પર પ્રતિભાવ આપતા રુક્મિણીએ પૂછ્યું.

“તેની પ્રતિક્રિયા તે વળી શું હશે? તેને તો પહેલેથી જ કાયમ યુવાન રહેવાનું વરદાન મળી જ ચૂક્યું છે. દેવલોકથી પાછા ફરતી વખતે મને દેવરાજ દ્વારા આ પુષ્પ અર્પણ કરવામાં આવ્યું, જે મેં તમને આપ્યું. હવે, એમાં કોઈને નિરાશ થવાનો અર્થ શું હોઈ શકે.” -કૃષ્ણે ભોળા ભાવે ઉત્તર વાળ્યો.

ત્યારે રુક્મિણી બોલ્યા- “ભોળા ન થાઓ, દ્વારકાધીશ, મને આ ફૂલ આપીને તમે તો જાણે કે, મને એની સામે સ્પર્ધામાં જ ઉભા કરી દીધી છે.”

(ક્રમશ:)

ભાગ 1 થી 4 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)