શ્રીકૃષ્ણની રાણીઓ લેખના ભાગ 1 થી 5 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
પાંચમાં ભાગમાં આપણે જાણ્યું કે, સત્યભામાને કાયમ યુવાન રહેવાનું વરદાન કેવી રીતે મળ્યું. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.
મહાદેવી લક્ષ્મીએ શ્રીહરિ સાથે વાર્તાલાપ દરમ્યાન વધુ એક પ્રશ્ન પૂછી લીધો- “હે પ્રભુ આપના કૃષ્ણસ્વરૂપ સંગે રુક્મિણી તરીકે મેં જ્યારે માનવાવતાર લીધો, ત્યારે માનવ તરીકે જીવવાની, અને એની જેમ જ વૃદ્ધ થઈને જ પૃથ્વીલોક છોડવાની મારી પૂર્ણ તૈયારી તો હતી જ. બાકી, યૌવનની લાલસા સત્યભામાને હોય એ માનવસહજ લાગણી ગણાય, પરંતુ મનુષ્યલીલાની સમાપ્તિ બાદ સ્વર્ગમાં આવીને પુનઃ અજર બની જવાની જેને ખાતરી હોય, એવી રુક્મિણીને તો આવી કોઈ લાલસા ન જ હોય ને, લીલાધર..! આપનું શું મંતવ્ય છે?”
“સત્ય વચન દેવી..!” શ્રીહરિએ સહમતી દર્શાવી.
“તો પછી રુક્મિણીની નિર્મોહી માનસિકતા જાણવા છતાંય કૃષ્ણે શા માટે તેને ચીરયૌવન બક્ષતું પારિજાત ફૂલ આપી, તેની અને સત્યભામા વચ્ચે એક સ્પર્ધા જેવું વાતાવરણ ઉભું કરવા ચાહ્યું? સત્યભામાની લાલસા ઈર્ષ્યા સ્વરૂપે એને દાહવા લાગે, એવું પગલું ભરવા પાછળનો કૃષ્ણનો તર્ક શો હોય શકે?”
“એ સ્વર્ગીય ફૂલ ઉપહાર સ્વરૂપે આપવાની ક્રિયા ભલે સાવ ગૌણ ગણતા હો આપ દેવી, પણ એના પરિણામ અને પરિવર્તન કેવા મહત્વપુર્ણ આવ્યા એ બાબતે આપના સ્મરણો કદાચ ઝાંખા થઈ ગયા છે. ચાલો આપની સ્મૃતિઓ પુનઃ પલ્લવિત કરીએ…”
એક તરફ તો કૃષ્ણ રાણી રુક્મિણીને પરિજાતનું પુષ્પ આપી ચીરયૌવના બનાવી રહ્યા હતા તો બીજી તરફ, સત્યભામા તેના દાસીઓ-સહેલીઓને દેવલોકની ઘટના જણાવે છે. તે પછી તે તેને મળેલ દેવમાતાના આશીર્વાદની વાત કરે છે અને કહે- “હવે હું ક્યારેય વૃદ્ધ નહીં થાઉં. હું હંમેશા યુવાન રહીશ. દુનિયામાં કોઈ પણ સ્ત્રીને મારા સિવાય પોતાનું રૂપ અને સુંદરતા સ્થિર રાખવાનું સૌભાગ્ય પ્રાપ્ત નહીં થયું હોય.”
પણ તે જ સમયે નારદમુનિ ત્યાં દેખાયા તો સત્યભામાએ હર્ષભેર અવકારીને તમને પ્રણામ કર્યા- “મુનિરાજ સત્યભામાનું વંદન સ્વીકાર કરો.”
“દેવી સત્યભામા, આજે ખુબ ખુશ દેખાઈ રહ્યા છે, અલબત્ત હા, દેવલોકની મુલાકાત લઈને પાછા ફર્યા છો એટલે જ ને..!”
ત્યારે સત્યભામાએ ગર્વથી દેવમાતાના વરદાનની વાત કરી અને કહ્યું- “આ ધરતી પર મારા સિવાય બીજું કોઈ એવું નથી.”
“સારું, તો આ વાત છે? પરંતુ…” -નારદજી આગળ અચકાયા.
“પરંતુ શું દેવર્ષિ?” -સત્યભામાએ પૂછ્યું.
“પરંતુ જ્યારે શ્રીકૃષ્ણ દેવલોકથી પરત ફરી રહ્યા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રે તેમને પારિજાતનું ફૂલ અર્પણ કર્યું હતું.” -નારદજીએ મંડાણ કર્યા.
“પારિજાતનું ફૂલ?” -સત્યભામા અટવાઈ.
“હા, ભગવાનની લીલા પણ અપરંપાર છે. ક્યારેય અસમાનતા ન રાખવી. તેમણે તમને ચીરયૌવના રહેવાનો આશીર્વાદ મેળવી આપ્યો, અને રુક્મિણીદેવીને પારિજાત ફૂલ અર્પણ કરીને.. નારાયણ નારાયણ..!”
“દ્વારિકાધીશે પારિજાતનું ફૂલ દીદીને ભેટ આપ્યું?” -સત્યભામાએ અચરજનો આંચકો અનુભવ્યો.
“હા..! દેવી પારિજાતનું મહત્વ જાણો છે? જે વ્યક્તિ પાસે આ ફૂલ રહે છે તે વિશ્વના દરેક વૈભવ, સુખ, સંતાન, સન્માન, ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવે છે. ઉપરાંત, ચીરયુવાની તો એને સાવ સહજ જ ઉપલબ્ધ થઈ જાય છે.” -નારદમુનિએ પરિજાતનો મહિમા ગાયો.
આ સઘળું સાંભળીને સત્યભામા સ્તબ્ધ થઈ ગઈ..
“દ્વારકાધીશે તે ફૂલ સ્વયં રુક્મિણીને ભેટ કર્યું છે. આ રીતે, પ્રભુએ તેમની બંને પટરાણીઓને ચીરયૌવના બનાવી દીધી છે. અભિનંદન દેવી આપને દેવમાતાના એ વરદાન બદલ..! નારાયણ નારાયણ..!” -નારદમુનિના અભિનંદનમાં ભારોભાર કટાક્ષ હતો જે સત્યભામાના હ્ર્દય સોંસરવો ઉતરી ગયો.
નારદમુનિ તો રમતિયાળ સ્મિત વેરતાં પ્રસ્થાન કરી ગયા પરંતુ સત્યભામાના મસ્તિષ્કમાં અગન ઉપડી. તેના મનમાં અનેક પ્રકારના વિચારોનો વંટોળ ઉપડ્યો.
તે વિચારે છે કે, ‘દ્વારકાધીશ મને સૌથી વધુ પ્રેમ નથી કરતાં’, પછી તે વિચારે છે કે ‘ના, જો ન આવું હોત, તો તેઓ મને તેમની સાથે યુ ધમાં ના લઈ જાત’.
તે ફરી મૂંઝવણમાં મૂકાઈ જાય છે કે ‘દ્વારકાધીશ રૂક્મિણીને વધુ પ્રેમ કરે છે?’
પછી તેણીએ નિર્ણય કર્યો કે, ‘તેઓએ રુકમણીને એક જ ફૂલ આપ્યું છે, તો હું તેમની પાસે પૃથ્વી પર પારીજાતનું આખું ઝાડ મંગાવીને લઈશ.’
બસ, પછી તો સત્યભામા તેના કેશ ખુલ્લા કરીને કોપભવનમાં રિસાઈને સૂઈ ગયા. કક્ષમાં ઢોલિયાની આસપાસ બધું વેરવિખેર છે.
ખબર મળતા જ કૃષ્ણ તેમની પાસે ગયા.
“સત્યભામા..! દેવી, હું શું સાંભળી રહ્યો છું? તમારે પરીજાતનું આખું વૃક્ષ જોઈએ છે?”
“હા, પરીજાતનું એ આખેઆખું ઝાડ જોઈએ છે.” -સત્યભામાએ રિસાયેલા સ્વરે કહ્યું.
“પણ પરીજાતનું ઝાડ દેવલોકના નંદનવનમાં છે.” – કૃષ્ણ તેમની પાસે બેસીને બોલ્યા.
“હા, મને જ્ઞાત છે. પણ રુક્મિણીને આપે એ પારિજાત ફૂલ શાને આપ્યું? હવે તે જ પારિજાતનું ઝાડ તમારે મારા માટે સ્વર્ગથી પૃથ્વી પર લાવવું જોઈએ.” -સ્ત્રીહઠ બોલી ઉઠી.
“દેવી, વાસ્તવિકતા તો એ છે કે જ્યારે તમે સ્વર્ગમાં પારિજાતને જોયુ છે. તેના ફૂલો પણ ત્યાં જોયા હતા અને તેની સુગંધથી પરિચિત થયા છો. પરંતુ રુક્મિણીએ પરિજાતનાં ગુણોનું અવલોકન પણ કર્યું નથી, તે તો દેવલોકના વાતાવરણથીય અજાણ હતી. તેથી જ્યારે દેવરાજ ઇન્દ્રએ મને તે ફૂલ આપ્યું તો મેં વિચાર્યું કે તેમને પણ તમારા જેવા સૌભાગ્યની અનુભૂતિ થવી જોઈએ. તો પછી આમાં તમારું અકલ્યાણ ક્યાં? છતાય જો આમાં તમે અવહેલના અનુભવો છો, તો પછી હું તમને સ્વર્ગથી બધા જ પારીજાતનાં ફૂલો મંગાવી આપું છું.” -કૃષ્ણેય રિસામણા-મનામણાના ખેલમાં ભાગ લેવો શરૂ કર્યો.
“મારે હવે પારિજાતનાં ફૂલો નથી જોઈતા, મારે ફક્ત પારિજાતનું ઝાડ જોઈએ છે. વાસુદેવ, જો તમે મને પ્રેમ કરો છો, તો મને એ વૃક્ષ આપો. મેં તેના છાંયડામાં પુણ્યતવ્રત કરવાનો સંકલ્પ કર્યો છે, અન્યથા મને રજા આપો, હું તપસ્યા કરવા જવા માંગું છું.” -સત્યભામાએ બીજો રસ્તો અપનાવ્યો.
“જો તમે પુણ્યતવ્રત કરવાનો સંકલ્પ કર્યો જ છે તો નિ:શંક પારિજાતનું એ ઝાડ લાવી તેને તમારા બગીચામાં રોપશું. હવે સત્યભામા પ્રસન્ન રહો.” -કૃષ્ણ સઘળો ખેલ સમજી ગયા એટલે બોલ્યા.
આ સાંભળીને સત્યભામા રાજી થયા.
તે પછી કૃષ્ણે નારદજીને બોલાવ્યા અને કહ્યું- “દેવી સત્યભામા પારીજાતના ઝાડની છાયામાં પુણ્યતવ્રતનું અનુષ્ઠાન કરવા માંગે છે, તેથી તમે કૃપયા દેવલોકમાં દેવરાજ ઇન્દ્રને વિનંતી કરો કે મને સત્યભામાના બગીચામાં એ પારિજાતનું વૃક્ષ રોપવા દો.”
“પણ પ્રભુ, મને સંદેહ છે કે દેવરાજ તમારી વિનંતી સ્વીકારશે કે નહીં. દેવરાજે ભગવાન શંકરને પણ એકવાર માતાપાર્વતીના વ્રત માટે તે વૃક્ષ આપવા માટે નામરજી બતાવી દીધી હતી.” -નરદામુનિએ માહિતી આપી અને આગળ કહ્યું- “દેવલોકની નિધિને શું આમ પૃથ્વી પર લાવવી યોગ્ય છે? તમે ક્ષીરસાગરને પૃથ્વી પર લાવવાનું વિચારી શકો? શું તે વિધિના વિધાનની વિરુદ્ધ નહીં હોય?”
“દેવર્ષિ, તમારી દલીલ પણ સાચી જ છે, પણ મેં દેવી સત્યભામાને પારીજાતનાં ઝાડ લાવવાનું વચન આપ્યું છે, જે મિથ્યા જાય એ હવે શક્ય નથી.”
આ સાંભળીને સત્યભામા ખચકાઈને કૃષ્ણને જોવા લાગ્યા.
કૃષ્ણ આગળ બોલ્યા- “જો આવું થાય મુનિજી, તો સત્યનો સંસારમાંથી નાશ થશે. માટે તમે જઇને મારો સંદેશ ઇન્દ્રને આપો.”
“જેવી આજ્ઞા પ્રભુ..!” -કહીને નારદમુનિ ત્યાંથી પ્રસ્થાન કરી દેવલોક ગયા અને આ સંદેશ ઇન્દ્રને સંભળાવ્યો.
“પૃથ્વીલોકમાં પારીજાતની કામના?” -ઇન્દ્ર આંચકો ખાઈ ગયા.
“હા દેવરાજ, શ્રીકૃષ્ણએ આ જ કહ્યું છે.”
“શું તેમને જ્ઞાત નથી કે હાલ તેઓ મનુષ્યયોનીમાં છે અને અત્યારે પૃથ્વી પર વાસ કરે છે? દેવલોકને અમરત્વ આપનાર પારિજાતને હું પૃથ્વી પર કેવી રીતે મોકલી શકું? જો પારીજાત પૃથ્વી પર ચાલ્યું જશે, તો પછી ભૂલોક અને સ્વર્ગલોક વચ્ચે તફાવત શું રહશે? પૃથ્વીલોકમાં પછી દેવ બનવાની કામના પણ કોણ કરશે?” -દેવરાજ ઇન્દ્રે બેબાકળા બની કહ્યું.
ઘણી ચર્ચા-વિચારણા બાદ પણ ઇન્દ્રનું પારીજાત-વૃક્ષ આપવાનું મન નહોતું ત્યારે નારાદમુનિએ તેમને સમજાવ્યા- “હે દેવેન્દ્ર..! જેને તમે પારિજાત આપવાનો ઇન્કાર કરી રહ્યા છો, તે જ તો સાક્ષાત વિષ્ણુ છે. તેમણે જ અવતાર લઈને પૃથ્વીની રક્ષા કરી છે. ઉપરાંત, સમુદ્રમંથન દરમિયાન જેટલા પણ રત્નો પ્રાપ્ત થયા તે સઘળા શ્રીવિષ્ણુએ જ દેવલોકને દાન આપ્યા છે.”
“પણ હવે એ સઘળી સ્વર્ગ-નિધિ છે, જેને અહીં ક્ષેમકુશળ રાખવી એ મારુ કર્તવ્ય બને છે.”
આમ ઇન્દ્ર છેવટ સુધી ન માન્યા અને પારિજાત આપવાનો ઇન્કાર કરી દીધો, તેમ જ દ્વારકાધીશને આ જ સંદેશ આપવા માટે નારદજીને વિનંતી કરી.
(ક્રમશ:)
ભાગ 1 થી 5 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)