શ્રીકૃષ્ણની રાણીઓ ભાગ 7 : ઇન્દ્રના અહંકારને તોડવા શ્રીકૃષ્ણ પહોંચ્યા સ્વર્ગમાં, જાણો પછી શું થયું?

0
1015

ભાગ 1 થી 6 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

છઠ્ઠા ભાગમાં આપણે જાણ્યું કે, સત્યભામાની જિદ્દને કારણે શ્રીકૃષ્ણએ નારદજીને સ્વર્ગલોકમાંથી પારિજાતનું વૃક્ષ લાવવા કહ્યું અને તે ઇન્દ્રદેવ પાસે ગયા. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

“પ્રભુ, એક શંકાનું કૃપયા નિવારણ કરશો,” -શ્રીવિષ્ણુ દ્વારા તાજા થતા સંસ્મરણોમાં વચ્ચે જ દેવી મહાલક્ષ્મી પૂછ્યા વિના ના રહી શક્યા- “ઇન્દ્રદેવે પારિજાત વૃક્ષ પૃથ્વીલોકમાં મોકલવાની નામરજી બતાવી, એ શું એમનાં દ્રષ્ટિકોણથી સાચી બાબત નહોતી? સ્વર્ગની અલૌકિક નિધિ પૃથ્વી પર લાવવી શું યોગ્ય ગણાય?”

“દેવી, સ્વર્ગીય માલમત્તા પૃથ્વી પર લવાતી નથી એ વાસ્તવિકતા છે ખરી, પણ લાવી જ ન શકાય એ ભૂલભરી માન્યતા છે. શું સ્વર્ગમાંથી ગંગાને ધરતી પર નહોતી ઉતારાઈ? નિઃસંદેહ તેને ઝીલવી પડી હતી શ્રી મહાદેવે, પણ એનો પ્રવાહ તો પછી પૃથ્વીના પટ પર જ વહયો છે ને..!”

શ્રીવિષ્ણુની દલીલ સાંભળી મહાલક્ષ્મી ત્વરિત સહમત થઈ ગયા “સત્ય વચન શ્રીહરિ, પરંતુ ઇન્દ્રદેવ આ વસ્તુથી અજાણ તો નહોતા જ. તો પછી સહમત કેમ ન થયા?”

“ગર્વનો અંધાપો, દેવી..!”

“હા પ્રભુ. શક્ય છે, એ પણ..”

“સાંભળો મહાદેવી, આપણે દેવલોકના વાસીઓ સદાય પૃથ્વીલોક માટે ઉદાહરણ રૂપ બની રહયા છીએ. મનુષ્યલોક જ્યારે આપણને અનુસરવામાં ધન્યતા અનુભવતા હોય, ત્યારે આપણે ગર્વ, ઈર્ષા, મોહ, જેવી નબળાઈઓ ત્યાગવી જ રહી. એનું પ્રદર્શન અયોગ્ય ઉદાહરણો બેસાડી શકે. પણ ઇન્દ્રદેવ આ વાત ફરીફરી વિસરી જાય, ત્યારે વારેવારે યાદ કરાવવું પડે.”

“વારેવારે? એટલે આ પૂર્વે પણ એવો કોઈ પ્રસંગ?

“અલબત્ત મહાદેવી. શું આપને સ્મરણમાં નથી? ગોવર્ધન પર્વત ઉંચકી ઇન્દ્રદેવના કોપથી ગોકુળવાસીઓને ઉગારી તેમનો ગર્વ આ પૂર્વે પણ ખંડિત કર્યો જ હતો.” -શ્રીવિષ્ણુએ સંભારણા તાજા કર્યા,

“સાચી વાત શ્રીહરિ, તો હવે ફરી એવુ જ થયું.”

“હા દેવી એવું જ. લ્યો આગળ સાંભળો..!

ત્યારબાદ દેવર્ષિ નારદ કૃષ્ણ અને સત્યભામા પાસે ગયા અને ઇન્દ્રએ પારિજાતનું ઝાડ આપવાની ના પાડી હોવાનો સંદેશ તેમને આપ્યો.

આ સાંભળીને સત્યભામાને આઘાત લાગ્યો- “શું તેઓ સ્પષ્ટ રીતે ના પાડી દે છે?”

નારદામુનિ કહે- “હા..!”

આ સાંભળીને શ્રીકૃષ્ણ બોલ્યા- “સ્વર્ગલોકના સન્માનને બચાવવું એ મારો ધર્મ સમજીને મેં દેવલોકને નરકાસુરથી સુરક્ષિત કર્યું, એ હજુ ગઇકાલની જ ગણાય એવી હકીકત શું દેવેન્દ્ર ભૂલી ગયા? અને, શું તેઓ એ પણ ભૂલી ગયા કે મેં દેવમાતાના કુંડળ પાછા લઈ આપી તેમનું ય સન્માન સાચવ્યું છે? ને હવે તેઓ પારીજાત આપવાનો ઇનકાર કરી રહ્યા છે. ખેર, એ તો હવે હું તેમની પાસેથી લઈને જ રહીશ. ભલે, આ માટે મારે દેવરાજ ઇન્દ્ર સાથેલ ડવું પડે.”

જ્યારે નારદજીએ આ સંદેશો ઇન્દ્રને સંભળાવ્યો, ત્યારે ઇન્દ્ર ચોંકી ઉઠ્યા- “યુ ધતો શું દ્વારકાધીશ અમને યુ ધમાટે આમંત્રણ આપી રહ્યા છે? જો આ જ સ્થિતિ છે તો આપણે પારિજાતની રક્ષા કાજે યુ ધમાટે તૈયાર છીએ.”

નારદજીએ દ્વારિકામાં આવી ઇન્દ્રની એ હઠના કૃષ્ણને સમાચાર આપ્યા.

પછી કૃષ્ણ પોતાનું ગરુડ વાહન લઇ સ્વર્ગ તરફ યુ ધમાટે રવાના થયા.

બીજી તરફ, દેવલોકમાં પારીજાત ઝાડની સુરક્ષા વધારવામાં આવી. કૃષ્ણે દેવલોકના દ્વાર પર પહોંચ્યા પછી પોતાનો પાંચજન્ય શંખ ફૂંકયો.

તેમના શંખનો અવાજ સાંભળીને ઇન્દ્ર સહિત તમામ દેવો વૃક્ષની આસપાસ ગોઠવાઈને ઉભા રહી ગયા. પણ ત્યાં તો કૃષ્ણના ધ નુષ્યના ટંકારથી સમગ્ર ઇન્દ્રલોક ગુંજી ઉઠ્યું. અને જેવું કૃષ્ણ બા ણ પણછ પર ચડાવ્યું કે બાકી દેવો નાસી છૂટ્યા.

પછી શ્રી કૃષ્ણ પરીજાત પાસે ગયા અને કહે- “હે પરીજાત, મારે તને ધરતી પર લઈ જવું છે. કૃપા કરીને મારી સાથે ચાલો.”

ત્યાં તો પછી ઇન્દ્ર ઐરાવત પર સવાર થઈને આવીને કહે છે- “ખમી જાઓ દ્વારકાધીશ..!”

બંને વચ્ચે પછી વાદવિવાદ અને પછી, ભયંકર યુ ધથાય છે. થોડીવાર બાદ તો પછી દેવતા-ગણે શંખ વગાડીને સંધ્યાવંદનની ઘોષણા કરી.

એટલે ઇન્દ્ર બોલ્યા- “દ્વારકાધીશ, અત્યારે પૃથ્વી પર સંધ્યા સમય થવા ચાલ્યો છે અને યુ ધનીતિ અનુસાર, હવે તમારો વિશ્રામ કરવાનો સમય છે. આવતીકાલે સવારે જ ફરી યુ ધશરૂ થઈ શકશે. હું તમને દેવલોકમાં જ મારા મહેલમાં વિશ્રામ કરવાની વિનંતી કરું છું.”

આ સાંભળીને કૃષ્ણ બોલ્યા- “ના, દેવરાજ, આપણે બંને અત્યારે યુ ધદીક્ષામાં છીએ અને નીતિ મુજબ અમે તમારો આશ્રય લઈ શકીએ નહીં અને વળી આજે શિવરાત્રી છે. ભગવાન શિવની પૂજા કરવાનો સમય છે, તેથી હવે હું પારિયાત પર્વત પર જઈશ અને પદ્ધતિસર શિવરાત્રીની પૂજા કરીશ.”

આ સાંભળીને ઇન્દ્ર બોલ્યા- “ભગવન્ જેવી તમારી ઇચ્છા..!”

પછી કૃષ્ણ પારિયાત પર્વત પર ગયા. ત્યાં શિવની પૂજાઅર્ચના કરી, અને શિવજીનું સ્મરણ કર્યું- “હે મહાદેવ, મને તમારા દર્શનની ઝંખના છે, કૃપા કરીને તમારા દર્શન આપો.”

ત્યારે ભગવાન શંકર શિવલિંગના રૂપમાં દેખાયા. એટલે કૃષ્ણે માતા ગંગાને શિવલિંગનો જળાભિષેક કરવા આવાહન કર્યું. આકાશમાંથી ગંગાનો પ્રવાહ શિવલિંગ પર પડવા લાગ્યો. ત્યારબાદ તમામ પ્રકારની પૂજા સામગ્રી ત્યાં ભેગી થઈ છે અને કૃષ્ણે શિવલિંગની પૂજા-અર્ચના કરી.

તેમના સ્તુતિ-ગાનથી પ્રસન્ન થઈને શિવજી સ્વયં શિવલિંગમાં પ્રગટ થઈને બોલ્યા- “હે વાસુદેવ, હું પ્રસન્ન છું. તમે મારા પ્રિય સ્રોતથી મારી પૂજા કરી છે. તમે જે પર્વત પર મારી ઉપાસના કરી છે તે પર્વત પરનું મારું સ્વરૂપ વિલ્વેશ્વર તરીકે ઓળખાશે. કહો, કઇ સેવા મારા માટે લાયક છે?”

આ સાંભળીને શ્રીકૃષ્ણ બેઉ કર જોડી બોલ્યા- “હે ઈશ્વર, આપ તો મારા ઇષ્ટ છો. આપ પાસેથી સેવા નહીં, આશીર્વાદની ખેવના છે.”

ત્યારે શિવ બોલ્યા- “વિજય તમારો જ હશે પણ…”

“પણ શું, આદિદેવ?”

“હું તમારા અને દેવરાજ ઇન્દ્ર વચ્ચેનું **ધ જોઈ રહ્યો છું. મને તો લાગે છે કે તમે તેમનું રક્ષણ કરો છો, વાસુદેવ..!” -ભગવાન શંકરે પોતાનું અવલોકન કહી બતાવ્યું.

“હા દેવ. મારો હેતુ ઇન્દ્રને હરાવવાનો નથી. મારે તેના અહંકારને તોડવો છે. આ પહેલાં પણ ગોવર્ધન પર્વત પર મેં તેમના અહંકારને તોડ્યો હતો, તે છતાં ય તેણે તમને પારીજાત આપવાની ના પાડી હતી ને. હવે આ ક્ષણે, તે મને પણ એ વૃક્ષ આપવાનો ઇનકાર કરી રહ્યા છે, અને પોતાને એક સર્વોચ્ચ અધિકાર તરીકે પ્રતિષ્ઠિત કરી રહ્યા છે. હું ફક્ત આ અહંકારને તોડવા અને પારીજાતનાં ઝાડને પૃથ્વી પર લાવવા માંગું છું. તો એ માટે તમે મને આશીર્વાદ આપો.”

“અવશ્ય વાસુદેવ, આવતીકાલે તમે પારિજાત સાથે પૃથ્વી પર જશો.” -ભગવાન શ્રીશંકરે વચન આપ્યું.

કૃષ્ણે સવિનય વંદન કર્યા.

તેમને મન પ્રાધાન્ય તો પારિજાત-વૃક્ષને જ હતું, ન કે જય કે પરાજયને તો નહીં જ..!

(ક્રમશ:)

ભાગ 1 થી 6 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)